વિતેલા દિવસો, એક મહિનો અને છ દિવસ…
22મીના જનતા કરફ્યુથી શરૂ કરીને આજ સુધી આપણે બધા કોઈ ન સમજાય તેવા આતંકી ઓળા નીચે જીવી રહ્યા છીએ. લોકડાઉન કે સામાન્ય થઈ રહેલું, થવા તરફડતું જનજીવન આપણને હજી સુધી ભયમુક્ત કરી શક્યું નથી. આમ તો જીવન અટક્યું નથી, એ કેટલી નવાઈની વાત છે. કેટલીયે વસ્તુઓ વગર આપણને નહોતું ચાલતું એ બધી જ વસ્તુઓ વગર ચલાવતાં આપણે શીખી ગયા છીએ. દર દસ મિનિટે માણસને કંઈક લેવા દોડાવતા કે તાજું શાક, બટર કે ફેન્સી ચીજવસ્તુઓ માટે બેબાકળા થતા આપણે એક સિમ્પલ-સાદી જિંદગી, સાદું ભોજન અને ફિલ્મ વગર, મેળાવડાઓ વગર જીવી શક્યા ! પરિવાર સાથે જ રહેવું પડશે એ સત્યને સ્વીકારવું પડ્યું. થોડું-ઘણું કામ તો સહુએ કરવું પડશે એ હકીકત અનુભવી લીધી. આમ જુઓ તો આપણે બધા કોઈ ‘કર્મયોગી શિબિર’માં ભાગ લીધો હોય એમ, શીખેલા પાઠને રીફ્રેશર કોર્ષમાં તાજા કર્યા અથવા નહીં આવડતા પાઠ શીખવાનો પ્રયાસ કર્યો.
મુદ્દો એ નથી કે કોણે કેટલું ક્વોરેન્ટાઈન અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ પાળ્યું, મુદ્દો એ છે કે જો આપણે આ કરી શકીએ છીએ તો કોરોનાનો ભય ટળી ગયા પછી પણ આ જીવનશૈલીને કન્ટીન્યુ રાખી શકીશું ? ફાયદો આપણને બધાને સમજાયો છે. આકાશ સ્વચ્છ રહે છે, તારા દેખાય છે, પંખીઓના અવાજ સંભળાય છે અને રસ્તાઓ ખાલી છે. આ બધું આપણને ગમે છે, પરંતુ આ પરિસ્થિતિને સાચવી શકીશું ખરા ? કોઈક કદાચ દલીલ કરે કે, “બધા ઘેર બેઠા હતા, માટે આ સ્થિતિ થઈ શકી, કામધંધો કરવો કે નહીં ?” વાત ખોટી નથી, જેની પાસે ઘરમાં પૈસા હતા એ લોકોએ લગભગ ઓલ રાઈટ મેનેજ કર્યું.
જેની પાસે સાવ નહોતા, એને મદદ મળી, પરંતુ સત્ય એ છે કે, જે લોકો કીટ કે પૈસાનું દાન સ્વીકારી ન શકે એવા સ્વમાની, મધ્યમવર્ગના છે એનું શું ? આજે 28મી એપ્રિલે કેટલા લોકોને દ્રઢ વિશ્વાસ છે કે એમની નોકરી સલામત છે ? આર્થિક રીતે આખો દેશ પાછળ ધકેલાયો છે, એ સ્થિતિમાં કેટલા લોકો જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી શરૂ કરી શકશે ? આ 35 દિવસ દરમિયાન જેણે-જેણે રેવન્યુ ગુમાવી છે એ હવે ડબલ જોરથી પૈસા કમાવાનો પ્રયત્ન કરશે ? કોર્નર્સ કટ કરશે ? સરકારે તો જાહેરાત કરી દીધી છે કે કામે નહીં આવેલા કર્મચારીને પણ પગાર આપવો… પરંતુ, આ વાત બધા પાળશે ? ઘરકામ કરનારા, મહારાજ, સફાઈ કામદાર, પ્લમ્બર, ફિટર, મિસ્ત્રી, કડિયા, માળી જેવા લોકોને કદાચ માર્ચ, બહુ બહુ તો એપ્રિલનો પગાર મળશે, પછી ?
સમજવાની જરૂરિયાત એ છે કે આ દેશ અને દેશમાં વસતા આપણે સહુએ વિતેલા દિવસોમાં જે શીખ્યા છીએ, એ આવનારા દિવસોમાં યાદ રાખવાનું છે. હવે મને-કમને આ સ્થિતિ સાચવવી તો પડશે જ. કોરોના વાઈરસ જે સ્પિડે આવ્યો છે એ સ્પિડે જવાનો નથી. એ રહેવાનો છે, હજુ થોડા મહિના સુધી આ રોગ નેસ્ત નાબૂદ થવાનો નથી ! ટી.બી., મેલેરિયા કે પોલિયોની જેમ આને હટાવવા માટે ઝુંબેશ કરવી પડશે, સરકારે અને આપણે સહુએ !
શું છે આ ઝુંબેશ ? માત્ર સ્વચ્છતા ? આ છેલ્લા 35 દિવસમાં કોઈએ એવું નોટિસ કર્યું છે ખરું કે 20 સેકન્ડ સાબુથી હાથ ધોતી વખતે આપણે નળ બંધ કર્યો કે ચાલુ રાખ્યો! શાકભાજી ધોયા, દરેક વસ્તુ ધોઈને વાપરી… સરસ ! પરંતુ, જો પાણી ખૂટી પડશે તો શેનાથી ધોઈશું ? સેનેટાઈઝરથી હાથ સાફ કર્યા, માસ્ક પહેર્યાં, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું… સારા નાગરિક હોવાની ફરજ પૂરી કરી, પરંતુ જાણતા-અજાણતાં, સાચા-ખોટા, બિનજરૂરી મેસેજીસ ફોરવર્ડ કરીને શું મેળવ્યું ? અફવાઓ ઉડાડી ?
આપણે નવરા બેસતાં શીખવું પડશે. જેટલા વ્હોટ્સએપ મેસેજીસ ફોરવર્ડ થાય છે એ ઈન્ટરનેટનો બિનજરૂરી ઉપયોગ છે, ઈન્ટરનેટ, વિમાનો, રડાર્સ કે સેટેલાઈટ વાતાવરણ માટે ખતરો છે જ. આ 35 દિવસમાં જેમ વધારાની વસ્તુઓ વગર ચલાવતા શીખ્યા એમ ઈન્ટરનેટ કે બીજી વસ્તુઓના બિનજરૂરી ઉપયોગને ટાળતાં આપણે શીખવું પડશે. જ્યાં સુધી આપણે આપણી આસપાસના જગતને ભયમુક્ત નહીં કરીએ ત્યાં સુધી આપણે ભયગ્રસ્ત છીએ જ, એ વાત હવે લગભગ દરેકને સમજાઈ ગઈ છે.
આપણે બધા શીખેલું ભૂલવા માટે ટેવાયેલા છીએ. તકલીફ હોય ત્યારે બધું જ કરવાનું, જેવી તકલીફ કે ખતરો ટળે કે તરત સ્થિતિસ્થાપક રબરની જેમ હતા એમ પાછા ગોઠવાઈ જવાનું. 35 દિવસ ઓછા નથી, આવનારા દિવસો કદાચ વધુ કપરાં આવશે તો ? આ સોશિયલ ડિસ્ટન્સિંગ, હોમ ક્વોરન્ટાઈન અને લોકડાઉન દરમિયાન જે શીખ્યા છીએ એ જિંદગીનો મહામૂલો મંત્ર છે, “જીવવું હશે તો જીવવા દેવા પડશે.” કુદરતે આપણને સમજાવી દીધું છે કે એક્ઝિસ્ટન્સ-અસ્તિત્વનો અર્થ સહજીવન થાય છે. બીજાને નષ્ટ કરીને આપણે નહીં ટકી શકીએ એ વાત જેને સમજાઈ હશે એ કદાચ હવે નવેસરથી, નવી રીતે જીવવાનો પ્રયાસ કરશે. બાકીના, જે આ સમજ્યા નથી, એને સમજાવવા માટે કુદરત પાસે પોતાના રસ્તા છે જ.
વારંવાર આવા રિફ્રેશન કોર્ષમાં ન જવું હોય, તો શીખેલા પાઠ યાદ રાખીએ !