કુદરતનો અવાજઃ ડેસીબલ્સ વધતા જવાના છે !

ગુજરાત કોરોના વાઈરસના ભયમાંથી આળસ મરડીને બેઠું થઈ રહ્યું છે. વિશ્વમાં આવેલી અનેક મહામારીઓ વિશે આપણે છેલ્લા થોડા દિવસમાં કોઈ લેસન રીવીઝન કરતા હોઈએ એમ જાણ્યું. વ્હોટ્સએપ યુનિવર્સિટીથી શરૂ કરીને કોરોના અને કોવિદ-19ના સત્યો, માન્યતાઓ વિશે સરકાર, હોસ્પિટલ્સ, ડોક્ટર્સ પોતપોતાની રીતે લોકોને જાગૃત કરતા રહ્યા. પોઝિટિવિટીના મેસેજ ફેલાતા રહ્યા. માણસોએ પોતાની રીતે આ ખરાબ સમયમાં શું થઈ શકે એ કરવાનો, કરી છૂટવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યો. છેલ્લા બે મહિનાનો આ પ્રવાસ આમ જોવા જઈએ તો બહુ રસપ્રદ અને બહુ એડ્યુકેટિવ, આપણને ઘણુ શીખવી શકે એવો રહ્યો.

એક વાચકે પત્ર લખીને જણાવ્યું છે કે, હમણાં થોડા દિવસ પહેલાં એક સોસાયટીમાં પુષ્કળ ઝઘડો થયો. ચોવીસ કલાક ઘરમાં રહેતા એક ડોમેસ્ટીક હેલ્પ (ઘરકામ કરતા) બહેન કંટાળીને સોસાયટીમાં ચાલવા નીકળ્યા. વૈભવી મકાનો ધરાવતી એ સોસાયટીમાં એક મકાનના માલિકે વોચમેનને બોલાવીને ખખડાવ્યા, એટલું જ નહીં એ બહેન જેના ઘરમાં રહેતા હતા એ વ્યક્તિ સાથે પણ ઝઘડો કરીને એવો વટહુકમ બહાર પાડ્યો કે ઘરકામ કરનારા લોકોએ ઘરમાં રહેવું, ચાલવા નીકળવું નહીં. એ સોસાયટીમાં રહેતા અનેક લોકોની જેમ એ બહેન પણ લગભગ બે મહિનાથી બહાર નીકળ્યા નહોતા. ખુલ્લી હવામાં, પગ છૂટો કરવા નીકળેલા આ બહેનને અપમાનીત કરવામાં આવ્યા… વોચમેને ઝઘડો કરનાર ભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એને પણ રાતોરાત રવાના કરવામાં આવ્યો. આ બધું આ એટલા માટે શક્ય બન્યું, કારણ કે ઝઘડો કરનાર ભાઈ પાવરફુલ છે. એમના રાજકારણમાં અને પોલીસમાં કનેક્શન છે ! સોસાયટીના સેક્રેટરી પણ એમનાથી ડરે છે…

આ નવાઈ લાગે, ને છતાં હસવું આવે ! વિતેલા બે મહિનામાં કેટલાક લોકો એકલતાની ભઠ્ઠીમાં તપીને સારી વ્યક્તિ, સહિષ્ણુ અને સમજદાર માણસ બનીને બહાર નીકળ્યા ને કેટલાક લોકો એમની એકલતામાં ચીડીયા, અહંકારી હતા એના કરતા વધુ તોછડા અને કડવા થઈને બહાર નીકળ્યા. આવું કેમ થયું ? લોકડાઉન સહુને માટે હતું, લગભગ બધા જ ઘરમાં રહ્યા. અમિતાભ બચ્ચન, પી.એમ. મોદી કે મુકેશ અંબાણી જેવા લોકો પણ આ લોકડાઉનમાં પોતાને માટે કોઈ જુદી વ્યવસ્થા કરી શક્યા નહોતા ત્યારે જનસામાન્ય પણ પોતાના ઘરોમાં બંધ હતા. સહુએ પરિવાર સાથે સમય વિતાવ્યો, સહુ પોતાના વ્યવસાયથી વંચિત રહ્યા. નાનુ-મોટું આર્થિક નુકસાન સહુએ ભોગવ્યું. અર્થ એ થયો કે કુદરતે ધર્મ, ક્લાસ, જ્ઞાતિ, જાતિ કે ઉંમરના ભેદભાવ વગર આ વખતે સહુ માટે એક સરખી સમસ્યાનું નિર્માણ કર્યું હતું. એવું શું બન્યું કે જેને કારણે કેટલાક લોકો જિંદગીનો મહામૂલો પાઠ શીખ્યા અને કેટલાક લોકો જિંદગી વિમુખ, ડિપ્રેસ્ડ અને એકલવાયા થઈ ગયા !

કોઈપણ પરિસ્થિતિને, જીવનના કોઈપણ તબક્કે બે રીતે જોઈ શકાય. કદાચ, કોઈની પાસે વધુ સમજણ, બુદ્ધિ કે ચાતુર્ય હોય, જીવનનો વધુ અનુભવ હોય તો એ બેથી વધારે રીતે (એન્ગલથી) પણ પરિસ્થિતિને જોઈ શકે, પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતો, નોર્મલ માણસ કોઈપણ પરિસ્થિતિને બે રીતે તો જોઈ જ શકે ! આમાંની એક રીત, પોતાની જાતને પીડિત, શોષિત, દુઃખી અને વ્હાય મી?ના એન્ગલથી જોવાની છે. જ્યારે બીજી રીત, એ પરિસ્થિતિમાંથી પણ ઉત્તમ શું બહાર કાઢી શકાય એ વિશે વિચારવાની છે. ઘરમાં આગ લાગે ત્યારે આપણે કપડાં કે અનાજ બચાવવાને બદલે પ્રિય વ્યક્તિ, દાગીના કે મહત્વના પેપર્સ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. એવી જ રીતે કોરોના વાઈરસે ઊભી કરેલી આ ભયાનક અને ભયાવહ પરિસ્થિતિમાંથી આપણે સારામાં સારું શું બહાર કાઢી શકીએ એ વિશે વિચારનારાએ જિંદગીને જુદા એન્ગલમાં જોવાનું શરૂ કર્યું. પૈસાથી ઉપર, પહોંચ અને તાકાતથી ઉપર, ઈગો અને અહંકારથી ઉપર એક તત્વ છે, જેનું નામ માણસાઈ અથવા માનવતા છે. એવું જેને સમજાયું એ બધા કુદરાતની આ પરીક્ષામાંથી ડિસ્ટિન્ક્શન માર્ક્સ સાથે પાસ થયા. જેને લાગ્યું કે લોકડાઉન ખુલતાં જ બધું પાછું સ્થિતિસ્થાપક પરિસ્થિતિમાં ત્યાંનું ત્યાં પહોંચી જશે એ બધા નાપાસ થયા છે.

માત્ર માણસ જ નહીં, કુદરતે પણ આ બે મહિનામાં ઘણુ પરિવર્તન જોયું છે. પોલ્યુશન ઘટ્યું છે, નર્મદાનું પાણી પીવાલાયક થયું છે. પ્લાસ્ટીક ફેંકવાનું ઓછું થયું છે. ધક્કામુક્કી કરતા માણસો એક કતારમાં ઊભા રહેતા થયા છે અને પોતાનો વારો આવે એની પ્રતીક્ષા કરતાં શીખ્યા છે. પોતાની પાસે જે હોય એમાંથી જે જરૂરિયાતમંદ છે એને થોડું આપતા શીખ્યા છે. માણસ જાત તરફથી પ્રાણીઓને ભય ઘટ્યો છે. તારા અને સૂર્યોદયનું મહત્વ સમજ્યા છીએ, આપણે સહુ. અર્થ એ થયો કે હવે આપણે કુદરત આપણને જે કંઈ આપે છે એનું મૂલ્ય કરતાં શીખ્યા. બિલ ફાડ્યા વગર મળતો ચોખ્ખો પવન, વર્ષો વર્ષ આવી જતો વરસાદ, પોતાની જવાબદારી માનીને રોજ ઉગતો સૂર્ય કે આપણા શરીરમાં ચાલતી તમામ પ્રક્રિયાઓ માટે જવાબદાર આ પર્યાવરણ અને વાતાવરણ વિશે આપણે જે બેધ્યાન, બેદરકાર અને બેકાબૂ થઈ ગયા હતા, એમાંથી કેટલાક હવે પોતાના અને કાયદાના નિયંત્રણમાં જીવતાં શીખ્યા છે. કેટલાકને લાગે છે કે એમની આ બેદરકારી અને બેફામ જીવવાની રીત સાચી છે ! જે આવું માને છે એમને માટે કુદરત હજી વધુ અઘરાં પેપર લઈને પરીક્ષા કરવા તૈયાર છે.

આપણે કેટલાક અસહાય અને નાના છીએ, એની સમજણ જો હજીયે ન પ્રગટી હોય તો હવે વધુ મોટી સમસ્યાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. સોસાયટીમાં ‘નોકર’ ન ચાલે એવો નિર્ણય કરનાર માલિક, પોતાના ઘરમાં કદાચ સર્વસત્તાધીશ હોઈ શકે, પરંતુ હવા, પાણી, જમીન, આકાશ કે અન્ય વ્યક્તિઓના જીવન પર એની કોઈ માલિકી નથી એ વાત એને સમજાવવા માટે હવે કુદરત પણ પોતાનો ચાબૂક ઉઠાવશે એટલું નક્કી છે. માણસ માત્ર સરખાં, એવું કુદરતે આપણને એની ભાષામાં કહી દીધું. કોવિદ-19 ગરીબને થાય અને અમીરને ન થાય, વૃદ્ધને થાય અને યુવાનને ન થાય, એવી બધી ડીસક્રિમિનેશનની શરતોને કુદરતે તોડી-ફોડીને ફેંકી દીધી. શહેર, ગામડાં, ધર્મ, જાતિ, જ્ઞાતિ, ક્લાસ, ચામડીનો રંગ કે ભૌગોલિક સરહદોને આ મહામારીએ એક પ્લેટફોર્મ પર લાવીને મૂકી દીધાં. જે સ્વચ્છ રહેશે, સમજદારીથી વર્તશે અને નિયમ પાળશે તેને કોવિદ-19 પોતાના ભરડામાં નહીં લે એવું કુદરતે કોમ્યુનિકેટ કર્યું… અત્યાર સુધી આપણને લાગતું હતું કે કુદરત મુંગી છે ! ના, કુદરત મુંગી નહોતી, આપણે બહેરા હતા… કુદરતે પોતાનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો ત્યાં તો આખું જગત ભયગ્રસ્ત અને ત્રસ્ત થઈ ગયું. આપણે આનાથી વધારે ડેસીબલ્સ (અવાજ મપાય તે માપ)માં કુદરતનો અવાજ સાંભળવા સક્ષમ નથી, કારણ કે આનાથી મોટા અવાજે જો કુદરત પોતાના શબ્દો ઉચ્ચારશે તો આપણે કશુંય સાંભળવા બચીશું નહીં ! સમય છે, કે હવે આપણે માત્ર આપણો અવાજ બીજા સુધી પહોંચાડવાને બદલે આ પૃથ્વી પર વસતા દરેક જીવનો અવાજ સાંભળવાનો પ્રયાસ કરીએ. જે નથી બોલતા એ પણ બોલે છે, એ સત્યને સમજીએ ને પછી સ્વીકારીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *