“હું તને લવ કરું છું…” સ્કૂલમાં ભણતો છોકરો એક સ્કૂલમાં ભણતી છોકરીને આ કહે છે. છોકરીની ઉંમર ૧૪ વર્ષની છે અને છોકરાની ૧૫. છોકરી શરમાઈને ભાગી નથી જતી, ત્યાં જ ઊભી રહે છે. આગળ વધીને ૧૫ વર્ષના છોકરાને કીસ કરે છે !
આ કોઈ ફિલ્મનો કે ટેલીવિઝન સિરિયલનો સિન નથી. આપણા દેશની બી ટાઉન સ્કૂલમાં જે ચાલી રહ્યું છે એનું સાચું ચિત્ર છે. જે લોકો મધ્યમ સાઈઝના ટાઉનમાં રહે છે એમને કદાચ ખબર છે કે અહીં જે લખાઈ રહ્યું છે એ સો એ સો ટકા સાચું છે. આજની તારીખે નાના શહેરોની યુવાન દીકરીઓ ફિલ્મ, ટેલીવિઝન અને મોબાઈલના રવાડે ચડીને એમની જિંદગી બરબાદ કરી રહી છે. પ્રેમમાં પડવું એ ગુનો નથી જ. એની એક ઉંમર હોય, એક ઠહેરાવ અને પાત્રની સાચી પસંદગી હોય. છેલ્લા થોડા વર્ષોમાં નાના શહેરોમાં ટેક્નોલોજીનો વિકાસ તો ખૂબ થયો છે. ઈ-ગવર્નન્સથી શરૂ કરીને ખેતમજૂરના હાથમાં મોબાઈલ સુધી બધા ટેક્નોસેવી થઈ ગયા છે. સ્માર્ટ ફોન પર ઈન્ટરનેટનું પેકેજ સહુને પોષાય એવી રીતે ઉપલબ્ધ છે. ઘરથી દૂર સ્કૂલે જતી દીકરી કે ટ્યૂશન ક્લાસીસ કે બીજા કામો માટે મિત્રો સાથે સંપર્કમાં રહેવા માગતો દીકરો હવે મોબાઈલ વગર રહી શકે એમ નથી. માતા-પિતા ગમે તેટલો પ્રયાસ કરે, પણ પોતાના સંતાનને ફેસબુકથી કે વ્હોટ્સએપથી દૂર રાખી શકે એમ નથી.
આ પરિસ્થિતિમાં એકબીજા ઉપર થતી ઈન્ફ્યુઅલન્સ, પીઅરપ્રેશર અને દેખાદેખીથી એક આખી પેઢી સમજણ વગરની સ્વતંત્રતા ઝૂંટવીને પોતાની જ જિંદગી બરબાદ કરી રહી છે. લગભગ દરેક વ્યક્તિ અત્યારે સ્વતંત્રતા અને પ્રાયવસીની હિમાયત કરે છે. જૂના રીત-રિવાજો, રૂઢિઓ નકામા છે, એવો એક જબરદસ્ત પ્રચાર થઈ રહ્યો છે. દીકરીને ભણાવવામાં આવે છે, પુરૂષ સમોવડી બનાવવાના તમામ પ્રયાસોમાં કોઈ કસર છોડવામાં આવતી નથી… આમાં કંઈ ખોટું નથી. સ્ત્રીની સ્વતંત્રતા, સ્વમાન અને સન્માન કોઈ પણ સમાજ માટે અનિવાર્ય છે, પરંતુ સ્વતંત્રતાની એક સીમારેખા હોવી જોઈએ અને એ કોણ નક્કી કરે, એ વિશે કોઈ સ્પષ્ટતા મળતી નથી. એક આખી પેઢી, જે ૧૯૯૦થી ૨૦૦૦માં જન્મી છે એ ધીમે ધીમે યુવાન થઈ રહી છે, થઈ ગઈ છે. મિલેનિયમ પછી જન્મેલી એક આખી પેઢી ટીનેજર છે… એના ૬૦ના દાયકામાં જન્મેલા માતા-પિતા માટે આ પેઢી જાણે માથાનો દુઃખાવો બની રહી છે.
પોતાના સંતાનને ગમે તેટલો પ્રેમ કરતા હોઈએ તો પણ એને બરબાદ થતું ન જ જોઈ શકાય, છેલ્લા થોડા સમયથી પોતાના જ સંતાનને બરબાદીના રસ્તે જતાં રોકવાનો પ્રયત્ન કરતા તમામ માતા-પિતા વધુ ને વધુ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે. આ પેઢી સાચે જ સરસ છે. બુદ્ધિશાળી, પ્રામાણિક અને એમની પાસે એમના આગવાં સપનાં છે. એમને કોઈ કામ કરવામાં શરમ નથી, સ્ત્રી-પુરૂષના જેન્ડર બાયસની બહાર નીકળી ગયેલી પેઢી છે, આ ! પરંતુ આ બધા ગુણોનો સાચો ઉપયોગ કરવાને બદલે આ પેઢીની બુદ્ધિ એના માતા-પિતાને છેતરવામાં વપરાય છે. એમની પ્રામાણિકતા તોછડાઈ બની રહી છે. એમના આગવાં સપનાં તુક્કા પુરવાર થાય છે. એમને બહાર, રેસ્ટોરાંમાં ડિશ સાફ કરવાનો વાંધો નથી, પણ મા માટે દહીં કે કોથમીર લાવતાં આ પેઢીને વાંધો પડે છે. આ પેઢીને સ્ત્રી-પુરૂષનો ભેદ નથી, પરંતુ એનું એક પરિણામ એ પણ આવ્યું છે કે આ પેઢીની દીકરીઓ સ્ત્રીની ઋજુતા અને કોમળતાને ધીમે ધીમે વિસારે પાડી રહી છે.
પ્રમાણમાં નાના કહી શકાય એવા શહેરની દીકરીઓ અત્યાર સુધી અનએક્સપોઝ્ડ હતી. મોબાઈલની ક્રાંતિએ આ દીકરીઓની નજર સામે એક એવી દુનિયા ઉઘાડી નાખી છે જેને વિશે એ અત્યાર સુધી અજાણ, અનભિગ્ન હતી. હવે એમના સપનાં લગ્ન કરીને ઘર વસાવવાના, મા બનવાના નથી રહ્યા. આઈએએસ બનવાના કે ડોક્ટર બનવાના સપનાંની સામે હવે એક્ટ્રેસ બનવાનું, ગ્લેમર અને એક લાઈફસ્ટાઈલ જીવવાનું સપનું કે પછી હેન્ડસમ દેખાતા છોકરા સાથે રોમાન્સ કરવાનું સપનું આ દીકરીઓની આંખોમાં અંજાઈ ચુક્યું છે. આમાં સાચા અર્થમાં કોઈ જવાબદાર હોય તો એ મોબાઈલ અને ટેલીવિઝન છે. સમજણ વગરની ટેક્નોલોજીએ એક આખી પેઢીને ખોટી દિશામાં દોરવાનું બહુ મોટું અને ખતરનાક નુકસાન કર્યું છે. ભારતને આઝાદી આપતી વખતે લોર્ડ માઉન્ટ બેટને કહેલું, “આ દેશ હજી આઝાદી માટે તૈયાર નથી.” આ વાત કદાચ ટેક્નોલોજી માટે પણ એટલી જ સાચી છે.
કેશલેસ ટ્રાન્ઝેક્શન પેટીએમ અને ડેબિટ/ક્રેડીટ કાર્ડમાં જે ગોટાળા થઈ રહ્યા છે એનું કારણ પણ કદાચ એ જ છે. આપણે હજી એટલા તૈયાર નથી કે ટેક્નોલોજીના વિકાસ સાથે હરણફાળ ભરી શકીએ ! મોટાભાગના મોબાઈલના પ્લાન પેકેજ સાથે ડેટા ફ્રી મળે છે. ઈન્ટરનેટનો આ ડેટા કાચી ઉંમરે પોર્ન વિડિયો જોવાના, અમુક હિંસક રમતો રમવાના ઉપયોગમાં લેવાય છે. જે પેઢીના હાથમાં આ મોબાઈલનું રમકડું છે એ પેઢીને આ રમકડું નહીં પરંતુ ખતરનાક શસ્ત્ર છે એવું સમજાવી શકે એટલી સમજણ એમના માતા-પિતા કે શિક્ષકો પાસે પણ નથી. આપણે સમજીએ કે નહીં, પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બંને પેઢી પાસે ટેક્નોલોજી એક સાથે આવી છે. બંને માટે આની એકસરખી નવાઈ છે. બંને પેઢી માટે આ એક એવું કૌતુક છે જેને બંને પેઢી પોત-પોતાની રીતે એક્સપ્લોર કરી રહી છે. ખુદ પિતા પોર્ન જોતા હોય કે મા જ ઓનલાઈન શોપિંગની ક્રેઝી હોય, વ્હોટ્સએપમાંથી એ બે જણા જ છૂટી શકતા ન હોય તો સંતાનને શું કહેશે ? કઈ રીતે રોકશે ? આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરી છે ? સત્ય તો એ છે કે આપણે પણ ફોનના વ્યસન સાથે એવા જકડાયેલા છીએ કે આપણા સંતાનો સાથે સંવાદ કે સમજણ કેળવવાનો સમય ફાળવી શકતા નથી.
નવી પેઢી, ખાસ કરીને ટીનેજર્સની જિંદગીમાં હવે સંઘર્ષ નથી રહ્યો. એમના માતા-પિતાએ એમને તમામ સુખ-સગવડના સાધનો ઉપલબ્ધ કરાવી દીધા છે. એમના સપનાં પણ એમના માતા-પિતાએ ડિઝાઈન કર્યા છે ! આ સ્થિતિમાં કોઈક સાહસ, કોઈક થ્રીલ, કશુંક મેળવ્યાની કે કશુંક કર્યાની મજા આ પેઢી ક્યાંથી મેળવે ? કોઈક વ્યસન અથવા માતા-પિતાને ન ગમે એવી કોઈક વ્યક્તિ સાથેનો સંબંધ એમને માટે ‘થ્રીલ’ છે. જે માતા-પિતા એમના તરફ ધ્યાન નથી આપતા એ અચાનક એમના પર ચાંપતી નજર રાખવા માંડે એનાથી એમને ‘એટેન્સન સિકિંગ’નો સંતોષ મળતો હશે ?
જોકે, દરેક નિયમને અપવાદ હોય જ, એમ નવી પેઢીમાં પણ કેટલાંક અદભુત દાખલા છે. ૨૨ વર્ષની ઉંમરે આઈપીએસ પસાર કરીને ઓફિસર બનેલો હસન સફીન છે. એથીકલ હેકર સની વાઘેલા છે. આ બધા એવા નવી પેઢીના નામો છે કે જેમને જિંદગીમાં કશું કરવું છે, કંઈ મેળવવું છે. એમની જિંદગીનું મકસદ, ધ્યેય કે દિશા સાવ જુદાં છે. એમને માટે થ્રીલ કે સાહસનો અર્થ છે એક એવી ચેલેન્જ જે લગભગ અશક્ય લાગતી હોય, પણ ત્યાં સુધી પહોંચીને એ પોતાની આવડત, સમજણ, ટેક્નોલોજી કે બુદ્ધિને પુરવાર કરે. બંને દાખલા એક જ પેઢીના છે… ફેર શું હશે ? ઉછેરનો ?