“હું આવું માનું છું…” અથવા “મને આવું લાગે છે…” જેવા વાક્યોનો પ્રયોગ આજકાલ ઓછો થવા લાગ્યો છે. મોટાભાગના લોકો “આમ જ હોય” અથવા “આ જ રીતે જોઈ, વિચારી કે જીવી શકાય” એવા આગ્રહ સાથે જીવતા થયા છે. આપણી પાસે આપણા પ્રિકન્સિવ્ડ વિચારો છે, જે આપણને ઉછેર સાથે, અનુભવો સાથે મળ્યા છે. આ વિચારો અથવા આપણી માન્યતાઓ જ્યારે આપણે બદલવા તૈયાર નથી થતા ત્યારે આપણે એક જડતામાં પ્રવેશીએ છીએ.
આ જડતા સંબંધથી શરૂ કરીને ધર્મ સુધી, ભોજનથી શરૂ કરીને ઈમોશન સુધી કોઈપણ હોઈ શકે છે. હું શું માનું છું એની સાથે મારી આસપાસના લોકોથી શરૂ કરીને આખા વિશ્વને શું લેવા-દેવા હોઈ શકે એવો વિચાર કરતાં આપણને આપણો અહંકાર રોકે છે. સત્ય તો એ છે કે હવેના સમયમાં આપણે શું માનીએ છીએ એની મોટાભાગના લોકોને કંઈ પડી જ નથી, કારણ કે એ પણ કશુંક માને છે… ધારે છે, વિચારે છે અને એ પણ એમ જ માને છે કે ‘એ’ જે માને છે એ સત્ય છે. ધીરે ધીરે આખો સમાજ જડ અને સંકુચિત થતો જાય છે. દરેક માણસને પોતાની જ વાત સાચી લાગે છે. દરેક પોતાને જ બુદ્ધિશાળી માને છે. લગભગ દરેક માણસ પાસે કોઈપણ પરિસ્થિતિનો ‘પોતાનો’ ઉકેલ છે. એ આપણે ન સ્વીકારીએ તો આપણે ‘મુર્ખ’ છીએ !
જરા વિચાર કરીએ તો, એક તરફથી દુનિયા મોટી થતી જાય છે. ઈન્ફર્મેશનની ઉપલબ્ધિ વધતી જાય છે. સેલફોન ઉપર આપણી આંગળીના ટેરવે આપણને જે અને જ્યારે જોઈએ તે વિશે માહિતી મળી રહે છે. એનો અર્થ એવો થયો કે આ ઈન્ફર્મેશન ટેક્નોલોજી દ્વારા માણસ બહારની દુનિયા સાથે જોડાય છે, વિસ્તરે છે, વિકસે છે. એનું મન અને મગજ બહારના વિશ્વમાંથી સમજણ, અક્કલ અને આવડત મેળવતું થાય છે. દુર્ભાગ્યે એવું થયું નથી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે જેમ દુનિયા નાની થાય છે અને માહિતી વધે છે, તેમ માણસ વધુ જડ, વધુ સંકુચિત અને અહંકારી થતો જાય છે.
સોશિયલ મિડિયાથી શરૂ કરીને સાદા સામાજિક મેળાવડા કે પડોશી સુધી જ્યારે પણ દલીલબાજી, આર્ગ્યુમેન્ટ કે પરસ્પરનો વિરોધ ઊભો થાય ત્યારે દરેક વખતે જો તમે મુદ્દો તપાસો તો સમજાશે કે વાતમાં બહુ દમ નથી, પણ વિવાદ વકર્યો છે, કારણ કે બંને જણા અથવા બેથી વધુ વ્યક્તિઓ પોતાની વાત સાચી સાબિત કરવા માટે મરણિયા થઈ જાય છે. આવું શા માટે થાય છે એના કારણોમાં ઉતરીએ ત્યારે સમજાય કે માણસ માત્ર આ ઈન્ફર્મેશન ટેક્નોલોજીના જમાનામાં એને મળતી ઈન્ફર્મેશન જ સાચી છે, એમ સમજીને વર્તે છે. પોતાને મળતી ઈન્ફર્મેશન (માહિતી) આગળ મોકલી આપવા કે બીજાઓ સુધી પહોંચાડવા એ ઉત્સાહિ અને ઉતાવળીઓ છે. માહિતીની ખરાઈ ચકાસવાની આપણને ટેવ પણ નથી અને આવડત પણ નથી.
એક તરફ દેશમાં કોરોનાથી ટપોટપ લોકો મરતા હોય, ખેડૂતોનો પ્રશ્ન હજી સળગતો હોય ત્યારે દીપિકા પદુકોણ, સારાઅલીખાન અને શ્રદ્ધા કપૂર શું પહેરીને આવ્યાં, રડ્યાં કે નહીં એવી વિગતોમાં લોકો રસ લે છે. જ્યારે જ્યારે બે-ચાર લોકો ભેગા થાય ત્યારે ‘એસએસઆર’નો કેસ અથવા બોલિવુડમાં કોણ સાચું અને કોણ ખોટુંની ચર્ચા થવા લાગે છે. નવાઈની વાત એ છે કે ડ્રગ્સના કેસમાં આટલો બધો રસ લઈ રહેલા ભારતીયો કોરોના વિશે કેટલા બેધ્યાન અને બેદરકાર છે !
પોતાની માન્યતા વિશે એક અભિપ્રાય આપવાનો સૌને અધિકાર છે, પરંતુ આપણે બધા એવું સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સહુ અજાણી વ્યક્તિની સામે ઉત્તમ શ્રોતા બનીએ છીએ. ધર્મગુરુ, ‘મોટીવેશનલ સ્પીકર’, કે લવગુરુ, સાઈક્યાટ્રીસ્ટ કે રેડિયો પર સલાહ આપતા કરણ જોહર અને કરિના કપૂર સુધી બધાની વાત આપણે ધ્યાનથી સાંભળીએ છીએ, પરંતુ ઘરમાં આપણને કંઈ કહેવા માગતા માતા-પિતા, જીવનસાથી કે ક્યારેક આપણું ધ્યાન દોરવા માગતા કોઈ અંગત મિત્રની વાત આપણને સાંભળવી ગમતી નથી. એનું કારણ કદાચ એ છે કે આપણે હવે કોઈ એવી વાત સાંભળવી નથી, જે આપણને ગમતી નથી અથવા આપણે જે વિચારીએ છીએ કે માનીએ છીએ એની વિરુદ્ધની વાત હોય.
‘…આણિ ડો. કાશીનાથ ઘાણેકર’ નામની એક મરાઠી રંગભૂમિના સર્વપ્રથમ સુપરસ્ટારના જીવન પર બનેલી બાયોપીકમાં એમના સૌથી મોટા હરીફ ડો. શ્રીરામ લાગુનું પાત્ર ભજવતા અભિનેતા સુમિત રાઘવન કહે છે, “હરીફાઈ, સ્પર્ધા, પ્રતિસ્પર્ધા, દાવપેચ આ બધાની એક આગવી મજા છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં કે સંબંધમાં આ હોય જ છે અને હોવા પણ જોઈએ, પરંતુ એક વ્યક્તિ જ્યારે એના હિતેચ્છુની કે એના સૌથી મોટા વિવેચકની વાત સાંભળવાનું બંધ કરી દે ત્યારે એની પડતી શરૂ થાય છે.” સુરતમાં બિલ્ડરનો વ્યવસાય કરતા એક અચ્છા વાચક અને શ્રોતા એવા આર. કે. પટેલે એક વાત કહી હતી, “દરેક માળામાં એક સુમેરુ હોય છે. આપણે જ્યારે માળા (નામ સ્મરણ) કરતાં હોઈએ ત્યારે એ સુમેરુ સુધી આવીને પાછા વળી જવાની એક આધ્યાત્મિક પરંપરા છે. આ આધ્યાત્મિક પરંપરા એટલા માટે છે, જેથી દરેક માણસને પાછા વળવાની સમજ પડે.” એમણે કહેલી સૌથી મહત્વની વાત એ છે કે, “દરેક માણસના જીવનમાં એકાદ સુમેરુ હોવો જોઈએ, જે એને યોગ્ય સમયે અને યોગ્ય કારણસર પાછા વળવાની સલાહ આપે !”
આપણે બધા આપણી માન્યતા કે જડતાના ચશ્માથી જગતને જોતાં શીખવા લાગ્યા છીએ. એવી જ રીતે આપણી રૂઢિ, જડતા, કર્મકાંડ કે જિદના ચશ્મા આપણને સાચું કે સરખું જોવા દેતા નથી. હવે આનો ઉપાય શું ? આનો પહેલો ઉપાય એ છે કે ખોટા ચશ્મા કાઢી નાખવા. એનાથી દ્રષ્ટિને નુકસાન થાય છે, સામેનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું નથી ! જો ચશ્મા પહેરવા જ હોય તો આનો બીજો ઉપાય એ કે ચશ્માના નંબર કઢાવવા ! અમુક ઉંમરે કે દ્રષ્ટિ નબળી હોય ત્યારે આપણી આંખ બરોબર ફોકસ કરી શકતી નથી. રેટીનાને એડજેસ્ટ કરવા માટે અમુક પ્રકારના કાચવાળા ચશ્મા ગોઠવવા પડે છે. આંખ અને ચશ્મા મળીને એક એવું સાયુજ્ય રચે છે, જેનાથી આપણને સામેનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે બહુ તડકો હોય ત્યારે ગોગલ્સ (સન ગ્લાસીસ) અને હવે તો નાઈટ વિઝનના ગ્લાસીસ પણ મળે છે.
પ્રથમ જરૂરિયાત અથવા સમજણ તો એ જ છે કે આપણી દ્રષ્ટિ સ્પષ્ટ હોય તો આપણે કે બીજાએ ચઢાવેલા ખોટા ચશ્મા ઉતારીને આપણી જ દ્રષ્ટિ પર વિશ્વાસ રાખવો. જો એમ ન થઈ શકે તો આપણે જાતે જ સમજી લેવાનું છે કે આપણું વિઝન (દ્રષ્ટિ) ક્યાં અને કઈ રીતે નબળી પડે છે. એ પ્રમાણેના ચશ્મા લેવા, જેથી આપણું ખૂટતું વિઝન (દ્રષ્ટિ) ઉમેરીને આપણે સંબંધ, શબ્દો, સમજણ કે સ્નેહના દ્રશ્યોને સ્પષ્ટ જોઈ શકીએ.
ચશ્મા ઉતારવા કે પહેરવા એનો નિર્ણય તો આપણો જ હોઈ શકે, પરંતુ એ ચશ્મા ખોટા છે કે સાચા એની સમજણ બીજાને પણ પડતી જ હશે એ વાત ક્યારેય ભૂલવી નહીં…