“એક ઔરત કા જબ સબ કુછ લૂટ જાતા હૈ તો ઉસકે પાસ અપના જિસ્મ બચ જાતા હૈ… ઉસ જિસ્મ કે બદલે મેં ઔરત જો ચાહે વો પા સકતી હૈ.” આ સંવાદ ‘એક થી બેગમ’ નામની વેબ સિરીઝમાં અશરફ ભાટકર (અનુજા સાઠે) એને પ્રેમ કરતા એક પ્રામાણિક પોલીસ ઈન્સ્પેકટર (ચિન્મય માંડલેકર)ને કહે છે.
છેલ્લાં થોડા સમયથી વેબ સિરીઝની વાર્તાઓમાં સ્ત્રીના વેરને પ્રાધાન્ય મળવા લાગ્યું છે. ‘શી’ કે ‘આર્યા’ જેવી મોટી વેબ સિરીઝની કથા પણ એકલી પડી ગયેલી, પીડિત સ્ત્રીના બદલાની કથા કહે છે. આપણને નવાઈ લાગે, પરંતુ અત્યારે ચાલી રહેલી (ટ્રેન્ડિંગ) વેબ સિરીઝમાંથી પચાસ ટકા કરતાં વધારે વાર્તાઓ, સ્ત્રીના વેર કે સ્ત્રીની / સ્ત્રીઓની મલ્ટિપલ રિલેશનશીપ વિશેની વાર્તાઓ છે. આને આપણે ‘ફૅમિનીઝમ’ કહીએ કે ન કહીએ, પરંતુ છેલ્લા થોડાસમયથી ‘સ્ત્રીના અધિકાર’ને બજારમાં લાવીને એમાંથી જ્યુસ કાઢવાની એક રમત ભારતીય વેબ સિરીઝના પડદા પર બરાબર રમાઈ રહી છે. સ્ત્રીઓની સાથે પુરુષો પણ આવી વેબ સિરીઝ માણે છે અને વખાણે છે. સવાલ એ છે કે પતિના મૃત્યુ પછી એનું વેર લેવા માટે ઘરની બહાર નીકળતી સ્ત્રી પોતાના શરીરને શસ્ત્ર તરીકે વાપરે, કે ‘ફોર શૉટસ’ની બે સીઝનમાં સ્ત્રીઓને એક કરતાં વધુ પુરુષો સાથે શારીરિક સંબંધ રાખે, વર્જીનિટી કે વજાઈના વિશે ઉઘાડે છોગ વાત કરે, કે પછી ‘બ્રોકન’ ‘રિજેક્ટ’ જેવી વેબ સિરીઝમાં શારીરિક સંબંધોનું જુદું જ પ્રદર્શન કરવામાં આવે, સજાતીય સંબંધો અને એની સાથે જોડાયેલા બીજાં દૃશ્યોને લલચાવનારી રીતે આપણી સામે મૂકવામાં આવે… એ વાતને માણવી કે વખાણવી જોઈએ ?
આપણે સંસ્કૃતિ વિશે ઘણી વાતો કરીએ છીએ. કોઈ એકાદ વ્યક્તિને ટાર્ગેટ કરીને એને સોશિયલ મિડિયામાં ટ્રોલ કરતી વખતે એના ચારિત્ર્ય ઉપર જાતજાતની કૉમેન્ટ કરવામાં આવે છે. હવે, કૉમેન્ટ કરનારાને એક પ્રશ્ન એ પૂછવો પડે કે એમણે આ બધી વેબ સિરીઝ જોઈ છે ? જો નથી જોઈ, તો એમણે જોવી જોઈએ, કારણ કે ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેનારા આ બધા લોકોએ સ્ત્રીના વેરની કે કહેવાતી સ્વતંત્રતાની, એના ફ્રીવલસ સંબંધોની વાત કરતી આ બધી વેબ સિરીઝ વિશે પણ કંઈ કરવું જોઈએને…? ‘મિરઝાપુર’ કે ‘અપહરણ’ જેવી વેબ સિરીઝમાં સ્ત્રીના ચારિત્ર્યને જે રીતે ચિતરવામાં આવ્યું છે, એ જોઈને આ બધા ભારતીય સંસ્કૃતિના રખેવાળોને કંઈ થતું નથી ?
સામાન્ય રીતે કેટલાક લોકો ત્યાં જ ‘શૂરવીર’ થાય છે, જ્યાં એમને ઝાઝા પ્રતિકારની અપેક્ષા નથી હોતી. આ મોટી નેશનલ, ઈન્ટરનેશનલ કંપની છે. એમાં બતાવવામાં આવતા કન્ટેન્ટ વિશે જો તમને વાંધો હોય તો તેમ કંપનીને ફરિયાદ કરી શકો છો એવા પ્રકારનું ડિસક્લેઈમર મૂકવામાં આવે છે. કંપનીને ફરિયાદ થઈ શકે છે, પરંતુ ત્યાં કોણ સાંભળશે અને કેટલું સાંભળશે, એ વિશે કોઈ વચનો આપવામાં આવતા નથી.
વેબ સિરીઝમાં હજી સુધી સેન્સર નથી. જેને જે દેખાડવું હોય તે દેખાડવાની છૂટ છે. સેન્સરની માંગ કરવામાં આવી છે, પણ હજી સુધી એ વિશે સરકારે કોઈ નિર્ણય લીધો નથી, કારણ કે, ભારતીય ટેલિવિઝનના નિયમો આંતરરાષ્ટ્રીય ટેલિવિઝનના નિયમોને લાગુ પાડી શકાય નહીં. મોટા ભાગની વેબ સિરીઝ આંતરરાષ્ટ્રિય પ્લેટફોર્મ ઉપરથી મૂકાય છે… અહીં આવા લોકલ ટ્રોલર્સનું કંઈ ચાલતું નથી.
આવી સ્ત્રીના મન અને શરીરની સ્વતંત્રતા વિષેની કથાઓ, છેલ્લાં થોડા સમયથી વધુ પોપ્યુલર અથવા પ્રસિદ્ધ થઈ રહી છે, એના કારણમાં સ્ત્રીના મનમાં રહેલી કોઈ દબાયેલી-છુપાયેલી, અભિવ્યક્ત નહીં કરાયેલી ઈચ્છા જવાબદાર હશે ખરી? સ્ત્રીને અત્યાર સુધી દેવી કે દાસીના સ્વરૂપે રજૂ કરાતી રહી છે. ૧૯૦૩માં ટાગોરે ‘ચોખેરબાલી’ લખી કે ‘ચતુરંગ’ (૧૯૧૬) લખી ત્યારે વિવેચકોએ એમના પર એ સમયનું 'ટ્રોલિંગ' કર્યું હતું. ઈસ્મત ચુગતાઈએ ‘લિહાફ’ (૧૯૪ર)માં લખી, કે મન્ટોએ ‘બૂ’ અથવા ‘કાલી સલવાર’ લખી... ત્યારે પણ એમના ઉપર અશ્લીલતાનો કેસ કરવામાં આવ્યો હતો. ચંદ્રકાંત બક્ષી ઉપર 'કુત્તી' વાર્તા માટે કેસ કરાયો હતો. ટૂંકમાં, સ્ત્રીના ચરિત્રમાં કોઈ ખોટ હોઈ શકે નહીં, એવું પુરવાર કરવાતા રહ્યા છીએ. હવે, આ ‘ખોટ’, ‘ડાઘ’, ‘નબળાઈ’, ‘જરૂરિયાત’ની વ્યાખ્યા કોણ અને કઈ રીતે કરે છે ?
સ્ત્રીના ચરિત્ર નિર્માણ માટે ઘણી વ્યક્તિ (જેમાં સ્ત્રી પણ છે) સ્ટ્રોંગ અભિપ્રાયો ધરાવે છે. સ્ત્રીએ શું કરવું જોઇએ અને શું ન કરવું જોઈએ એવી એક આખી નિયમાવલી સમાજના ઠેકેદારો પાસે તૈયાર છે. પરંતુ, આપણને જાણીને આશ્ચર્ય થાય કે એ જ ઠેકેદારો તક મળે ત્યારે સ્ત્રીને એક્સપ્લોઈટ કરતાં કે એનું શોષણ કરતાં અચકાતા નથી ! ને આ માત્ર પુરુષ જ કરે છે એવું પણ નથી. કોણ જાણે કેમ, આપણે બધા ખાળે ડૂચા ને દરવાજા મોકળાની મનઃસ્થિતિમાં જીવી રહ્યા છીએ. ડોમેસ્ટિક વાયોલન્સથી સોશિયલ મિડિયા સુધી સ્ત્રી સાથેનો વ્યવહાર એક રંગનો છે, જ્યારે આવા નેશનલ, ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર જ્યાં કોઈ ગાંઠતું નથી, ત્યાં વ્યવહારનો રંગ બીજો છે… આવી વેબ સિરીઝમાં અભિનય કરતી સ્ત્રીઓ વિશે પણ કોઈ ‘ચૂં કે ચાં’ કરતું નથી, કારણ કે એ સ્ટાર છે, એમને આવા ગુજરાતી સોશિયલ મિડિયાના ટ્રોલિંગની પડી યે નથી ! જેમના પોતાના લાખોમાં ફોલોઅર્સ છે એવી અભીનેત્રીઓ પાંચ-સાત હજારના ફોલોઅર્સ સાથે ટ્રોલિંગ કરનારાની નોંધ પણ શું કામ લે ?
જો ચારિત્ર્ય વિશે વાત થવાની હોય, તો સ્ત્રી-પુરુષ બંને વિશે થવી જોઈએ. મોરલ વ્યક્તિનું હોવું જોઈએ, એને જેન્ડર સાથે કોઈ નિસ્બત હોવી ન જોઈએ. સ્ત્રી વિશે આપણી પાસે ચરિત્ર અને ચારિત્ર્યના બે જુદાં ત્રાજવાં છે. આપણે ‘સ્ત્રી ચરિત્ર’ શબ્દ વાપરતી વખતે ભૂલી જઈએ છીએ કે, એ જ સ્ત્રીને આપણે એના ‘ચારિત્ર્ય’ વિશે કઈ અને કેવી બાબતોમાં અપમાનિત કરી છે, કરી રહ્યાં છીએ.