અંતે રીયા ચક્રવર્તીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવી છે. પહેલાં એનો ભાઈ શૌવિક અને હવે રીયા… સુશાંતસીંગ રાજપૂતને ડ્રગ્સ આપવા, એને માટે ડ્રગ્સ ખરીદવા અને એ ડ્રગ્સ માટેના પૈસાનું મેનેજમેન્ટ રીયા ચક્રવર્તી કરતી હતી એવા પુરાવા સાથે નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરોએ રીયાની સંડોવણીના પુરાવા રજૂ કર્યા છે.
નાનકડા શહેર પટનાનો એક છોકરો એક્ટર, સ્ટાર બનવાના સપનાં સાથે એન્જિનિયરીંગની ડિગ્રી હોવા છતાં મુંબઈ આવે છે. મોડેલિંગ, ટેલિવિઝન અને અંતે સિનેમા સુધી પહોંચે છે. લોકો એને ચાહે છે. એ સ્ટાર છે, તેમ છતાં એને માનસિક સારવાર લેવી પડે છે. ડ્રગ્સ લેવાનો ચસ્કો લાગે છે… અથવા લગાડવામાં આવે છે ? કોઈને સાદો સવાલ થાય, કે આવું કોઈ વ્યક્તિ શા માટે કરે ? એ સવાલનો જવાબ સિનેમા અને ક્રિકેટ ઈન્ડસ્ટ્રી પાસે છે. ફિલ્મ ‘સંજુ’ માં એને ડ્રગ્સને રવાડે ચઢાવનાર એના મિત્ર વિશે દેખાડવામાં આવ્યું છે. પહેલાં ઉશ્કેરીને અથવા કુતૂહલથી શરૂ થતી આ પ્રવૃત્તિ ધીમે ધીમે વ્યક્તિને પરવશ-નકામો બનાવી દે છે. ઈન્ડસ્ટ્રીના માંધાતાઓને ‘ના’ ન પાડી શકાય, એમની પાર્ટીની તહેઝિબ-રીત નિભાવવી પડે, ‘કોર ગ્રુપ’માં સમાવેશ કરાવવો હોય તો એમની કુટેવોનો હિસ્સો બનવું પડે. આવા ઘણા પ્રેશર્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ ઈન્ડસ્ટ્રી એક સીધા-સાદા વ્યક્તિ ઉપર ઊભાં થાય છે. કારકિર્દીમાં આગળ વધવા માટે આવા લોકોને શરણે જતા મહત્વાકાંક્ષી યુવાનો કે યુવતિને ખબર જ નથી કે આવી કુટેવોને અપનાવી લેવાથી કારકિર્દી નહીં બને ! ડ્રગ અબ્યુઝ અને શારીરિક શોષણ બંને એવી દરેક ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બનતા જાય છે જ્યાં પૈસા છે, ગ્લેમર છે અને પ્રસિદ્ધિ છે !
રીયા ચક્રવર્તીએ પચ્ચીસ જણાના નામ આપ્યા છે, જેને એનસીબીએ ત્રણ ગ્રુપમાં વહેંચ્યા છે. આમાંથી કોણ એવું હતું કે જેને સુશાંતની કારકિર્દી અથવા સુશાંતને ખતમ કરવામાં રસ હતો ? ડ્રગ ઓવરડોઝ એના મૃત્યુના અનેકમાંથી એક કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે ત્યારે નાર્કોટિક્સ બ્યુરો હજી આગળ તપાસ કરશે. સુશાંતસિંગ રાજપૂત નામના એક ટેલેન્ટેડ એક્ટરને નક્કામો બનાવી દેવાનું કામ રીયા ચક્રવર્તીને કોઈએ સોંપ્યું હતું ? ડોક્ટર માનશિંદેએ એવું નિવેદન કર્યું છે કે, ”રીયા ચક્રવર્તીને માનસિક રીતે બિમાર વ્યક્તિને પ્રેમ કરવાની સજા મળી. ”
પરંતુ આ વ્યક્તિ માનસિક રીતે બિમાર કેવી રીતે બની એ વિશે હજી કોઈ વિગતો મળી નથી અથવા મળી હોય તો બહાર આવી નથી ! ઉર્જાથી ધમધમતો અને આત્મવિશ્વાસથી સભર એક છોકરો ડિપ્રેશનમાં આવે કે ડ્રગ્સ લેતો થાય એની પાછળ માત્ર કારકિર્દી જ જવાબદાર ન હોઈ શકે ! ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ ઈન્ડસ્ટ્રીમાં આવા અનેક કિસ્સાઓ છે, જેનું લિસ્ટ ઘણું લાંબુ થઈ શકે. યુવાન અને આશાસ્પદ એક્ટર્સ કે ક્રિકેટર્સ જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવે ત્યારે એમની કારકિર્દી વિશે ઉજ્જ્વળ ભવિષ્ય ભાખતા ઘણા લોકોને થોડાં જ વર્ષોમાં એમની નિષ્ફળતા, અંગત જીવનમાં એમણે કરેલી એક પછી એક ભૂલો જોઈને નિરાશા થતી હોય છે. મિનાકુમારીથી શરૂ કરીને રણબીર કપૂર સુધીના અનેક કલાકારો આ ડ્રગ્સની પાછળ પોતાની કારકિર્દી અને અંગત જિંદગીમાં નિરાશા અને નિષ્ફળતાનો શિકાર થયા છે.
નવાઈની વાત એ છે કે હવે આ ‘ડ્રગ્સ’ શબ્દ માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ક્રિકેટ ઈન્ડસ્ટ્રી, એડવર્ટાઈઝિંગ કે કોર્પોરેટ વર્લ્ડ સુધી સિમિત નથી રહ્યો. છેલ્લા થોડા સમયથી આપણને જાણ પણ ન થાય એવી રીતે ડ્રગ્સ આપણા ઘરોમાં પ્રવેશી ચૂક્યું છે. ડ્રગ્સ એટલે માત્ર કોકેઈન, હેરોઈન કે બ્રાઉન સુગર નહીં. શરીરને નુકસાન કરતા ઘણા બધા કેમિકલ તત્વો ધીમે ધીમે આપણી જિંદગીને ગ્રસી રહ્યા છે જેની આપણને ખબર પણ નથી. ઉંઘવાની ગોળીઓ, કફ સિરપથી શરૂ કરીને સિગરેટ, વિડ અને એનાથી મોટા નશા માત્ર પશ્ચિમના દેશો જ નહીં, બલ્કે ભારતના અનેક શહેરો અને હવે તો બી અને સી ટાઉન, નાના ગામો સુધી પહોંચી ગયા છે. આ વિશે કદાચ ખુલીને કહેતાં મિડિયા અચકાય છે. ડ્રગ માફિયાઓ મિડિયા સુધી પહોંચેલી આ ખબરોને દબાવી દેવા માટે મોં માગ્યા નાણાં પણ ચૂકવતા હશે… પરંતુ સત્ય એ છે કે કોલેજોની બહાર હવે વિડ (ગાંજો) ચોકલેટની જેમ ઉપલબ્ધ છે. ભારતીય યુવા વર્ગને નશા અને વ્યસનના રવાડે ચઢાવી રહેલા લોકોની સામે આંગળી ચીંધવાનો પ્રયાસ કરનાર કેટલાય લોકોને પોતાની જિંદગી ખોવી પડી છે.
સવાલ એ નથી કે યુવાવર્ગને કોણ આ ડ્રગ્સ, ગાંજો, શરાબ કે નશાના રવાડે ચઢાવે છે… સવાલ એ છે કે જેની સામે પોતાનું આખું ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે એવો સત્તર-અઢાર, બાવીસ કે પચ્ચીસ વર્ષનો યુવાવર્ગ શા માટે આવા કોઈપણ રવાડે ચઢે છે ? એનું સૌથી પહેલું અને મહત્વનું કારણ ‘મોડર્ન બનાવો કે દેખાવાનો’ પ્રયત્ન કરતા એવાં માતા-પિતા છે જે સંતાનને સગવડ તો આપે છે, પણ સમય નથી આપતા. મોટાભાગના માતા-પિતાની એવી ફરિયાદ છે કે એમના સંતાનો એમની સાથે વાત નથી કરતા, પરંતુ એ માતા-પિતાના થોડાક કોન્વર્સેશન્સ રેકોર્ડ કરીએ તો સમજાય કે એ જ્યારે પણ વાત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે સૂચનો આપવા કે ભૂલો શોધવા સિવાય બીજું કંઈ કરતા નથી !
છેલ્લા થોડા વર્ષોમાં દુનિયા કેટલીયે ક્રાઈસિસમાંથી પસાર થઈ છે. આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેમ વધી રહી છે તેમ તેમ યુવાપેઢી ઉપર ભીંસ વધી રહી છે. માતા-પિતાની અપેક્ષાઓ આસમાનને અડે છે ને બીજી તરફ ઉડવા માગતા સંતાનની પાંખો એમને પોતાના કાબૂમાં રાખવી છે. જે માતા-પિતા છેલ્લા થોડા દાયકાઓમાં કમાયા છે, એ પોતે જેવું જીવ્યા છે એવું એમનું સંતાન જીવે એવી અપેક્ષા સાથે સંતાન પર પ્રેશર ઊભું કરે છે.
સોશિયલ મિડિયા અત્યાર સુધી આટલું સરળતાથી ઉપલબ્ધ નહોતું, હવે સોશિયલ મિડિયાના પ્રચાર અને પ્રસારને કારણે એક વર્ગ, જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રદેશના યુવાનનું ફ્રસ્ટ્રેશન, અકળામણ કે સમસ્યાઓ બીજા યુવાન સુધી સરળતાથી પહોંચતી થઈ છે. એક યુવાનને આનો જે રસ્તો જડ્યો એ રસ્તો એણે બાકીના લોકો સુધી પહોંચાડ્યો છે… જે પેઢીને આપણે એસ્કેપીસ્ટ પેઢી તરીકે વારંવાર વગોવીએ છીએ એ પેઢીને ‘સગવડ’ નહીં ‘સમજણ’ની જરૂર છે. આ સમજણ એટલે એમના ઉપર કરવામાં આવતી અખૂટ માહિતીનો મારો નહીં, પરંતુ એમાંથી ચાળીને, શોધીને, ઓળખીને મેળવવામાં આવતા કેટલાક અનુભવો અને એમાંથી મળતી સમજણ.
એમના સવાલો એમના માતા-પિતાના સવાલો કરતાં અલગ છે. દરેક પેઢી પોતાના સમયમાં પોતાની ટર્મ્સ પર જીવવા માટે વિદ્રોહ કરતી રહી છે, પરંતુ ઓગણીસો નેવુ પછીની પેઢી સામે જે સવાલો છે તે આગવા અને ફક્ત એમની જ પેઢી સમજી શકે એવા છે. એમની સામે એક વિશાળ દુનિયા છે, જે એમના ચાર બાય છના મોબાઈલ સ્ક્રિન પર સમાઈ ગઈ છે. કારકિર્દી આ પેઢી માટે અનિવાર્ય નથી, કારણ કે એમના માતા-પિતાએ સલામતી ઊભી કરી છે… પરંતુ, એમની સામે સવાલ છે એમના સ્વાતંત્ર્યનો. આ સ્વાતંત્ર્ય જિંદગીને બરબાદ કરવાનું કે આબાદ કરવાનું ?
“અમારી જિંદગી છે. અમારી રીતે જીવવી છે.” કહેતી આખી પેઢી અજાણી દિશામાં છે, સાચી દિશા કે ખોટી દિશાનું લેબલ ન લગાવીએ તો પણ શરીરને ખોખલું કરી નાખે, મગજને કામ કરતું અટકાવી દે અને જિંદગીને ટૂંકાવે એવી ચીજો સાથે આ પેઢી પ્રયોગો કરી રહી છે. સુશાંતસિંગ રાજપૂત ડ્રગ લેતો હતો કે નહોતો લેતો, એની સચ્ચાઈ સામે આવી જવાથી શું બદલાશે? આપણે માટે અગત્યનું એ છે કે આપણા ઘરમાં ઉછરી રહેલો દીકરો કે દીકરી કેટલા વાગે આવે છે, કોને મળે છે, એના મૂડ-મિજાજ કેવા હોય છે અને એની જીવનશૈલી શું છે એની આપણને ખબર રહેવી જોઈએ… વસ્તુઓ કે વહાલ આપી દેવાથી માતા-પિતા તરીકેની જવાબદારી પૂરી નથી થતી…