કોરોનાના સમયમાં આપણે અનેક નિકટના સ્વજનોને ગુમાવ્યા. કેટલાંક વડીલો તો કેટલાક સાવ યુવાન, સાજા-સારાં લોકો અઠવાડિયામાં, પંદર દિવસમાં આ જગત છોડી ગયા. 22મી માર્ચ સુધી કોઈને કલ્પના પણ નહોતી કે બે મહિના પછી મે કે જૂનમાં વિદેશ પ્રવાસનો પ્લાન કરનાર વ્યક્તિ લાંબા પ્રવાસે ઉપડી જશે ! જ્યારે કોઈ સ્વજન આ જગત છોડે છે ત્યારે દુઃખ તો થાય છે, પરંતુ પાછળ રહી જનાર વ્યક્તિ માટે માત્ર ખાલીપો નહીં, બીજા અનેક સવાલો ઊભા થાય છે.
ભારતીય સમાજમાં ગૃહિણી અથવા વ્યવસાય નહીં કરતી પત્નીને ઈન્વેસ્ટમેન્ટ્સ, રોકડની લેવડ-દેવડ કે મેડિક્લેઈમ, ઈન્સ્યોરન્સ વિશે જણાવવાની જરૂરિયાત મોટાભાગના પતિને લાગતી નથી. પત્ની કદાચ પૂછે તો, “તારે શું કામ છે ? હું છું ને…” નો જવાબ આપતા પતિને ખબર નથી કે એ ક્યાં સુધી ‘છે’. આપણે ઈચ્છીએ કે સહુ લાંબું જીવે, સ્વસ્થ જીવે, પરંતુ હવે બદલાતા સમય સાથે પરિસ્થિતિ અને સમજદારી પણ બદલાવી જોઈએ. આપણે બધા પ્રમાણમાં થોડા ઈગ્નોરન્ટ-બેદરકાર માણસો છીએ. આપણી મેડિકલ ઈન્સ્યોરન્સની પોલિસી ક્યાં પડી છે, એનો નંબર શું છે, ત્યાંથી શરૂ કરીને કેશલેસ છે કે નહીં, એમાં કોરોનાનો સમાવેશ થાય છે કે નહીં, આવી કોઈ વિગતો જાણવાની મોટાભાગના લોકો તસ્દી લેતા નથી. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હાથમાં આવે કે તરત દવા ખરીદીને કોર્સ શરૂ કરી દેનારા લોકો તો હજી પણ કદાચ સમજદાર કહેવાય, પરંતુ બીજી કોઈ વ્યક્તિને એ દવાથી સારું થયું છે માટે આપણે પણ એ દવા લઈએ તો સારા થઈ જઈશું અથવા પોતાને સારું થયું એટલે બીજાને થશે એમ કરીને એ દવા બીજાને સજેસ્ટ કરનારા ‘ક્વેક ડોક્ટર્સ’ની આ જગતમાં ખોટ નથી.
ઈન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે પોલિસી બજાર ડોટ કોમ ઉપર ચેક કરી શકાય છે, આવી જાહેરાત આપણે અનેકવાર જોઈ છે, પરંતુ ટર્મપ્લાન કે મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો ફરક ખબર છે ખરો ? આપણા પૈસા આપણા જીવતાં જ આપણે વાપરી શકીશું કે નહીં, એવો સવાલ આપણે કદી ઈન્વેસ્ટ કરતી વખતે આપણી જાતને પૂછીએ છીએ ? મિનિમમ કેટલા વર્ષ સુધી એસ.આઈ.પી. ભરવી પડશે? પછી વચ્ચે ઉપાડવા હોય તો વ્યાજ કપાશે કે ચાલુ રહેશે ? એફ.ડી. ઉપર લોન કે એલઆઈસી ઉપર લોન લઈએ તો શું ફાયદો કે નુકસાન થાય, આવી આપણને ખબર છે ખરી ? નવાઈની વાત એ છે કે મોટાભાગના લોકો માત્ર કમાઈ જાણે છે. પૈસા કમાયા પછી એને ઈન્વેસ્ટ કરવા જોઈએ એવી એક ગુજરાતી માનસિકતા પણ આપણા બધાની છે જ !
પરંતુ એ ઈન્વેસ્ટમેન્ટમાં શું અને કેટલું ધ્યાન રાખવું જોઈએ એ વિશે આપણે કેટલા જાગૃત છીએ એ તો આપણે જ આપણી જાતને ચકાસીને જાણી શકીએ. વ્યવસાય કરતા કે બજારમાં ફરતા પુરુષો હજીયે કદાચ પોતાના પૈસા કેમ અને ક્યાં ઈન્વેસ્ટ કરવા એ વિશે માહિતગાર હોઈ શકે, પરંતુ ભારતીય પત્ની અને એમાંય ગૃહિણી તો મોટેભાગે કશું જ જાણવાની તસ્દી લેતી નથી. મેરેજ સર્ટિફિકેટ અથવા જન્મ-મરણના દાખલા સૌથી મહત્વના ડોક્યુમેન્ટ્સ છે, પરંતુ એ ક્યાં પડ્યાં છે, છે કે નહીં એવી પણ ઘણી ગૃહિણીઓને ખબર નથી હોતી. આપણને કદાચ માન્યામાં ન આવે, પરંતુ લગ્નના 35 વર્ષ પછી પતિના મૃત્યુ બાદ પૈતૃક સંપત્તિ માટે દાવો કરનાર પત્ની પોતાને લિગલ વાઈફ સાબિત ન કરી શકી હોય એવા કિસ્સા કોર્ટમાં મોજૂદ છે. સવાલ પતિ વિશે અવિશ્વાસ રાખવાનો કે કોઈ અમંગળની આશંકા સાથે જીવવાનો નથી, સવાલ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો !
આજથી થોડા વર્ષો પહેલાં લોકોને એકમેક પરત્વે વિશ્વાસ હતો. કોઈકને આપેલા પૈસા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પણ પ્રમાણિકતાપૂર્વક આવીને આપીને જનારા લોકોના દાખલા આપણે સાંભળ્યા છે, પરંતુ હવે સમય બદલાયો છે. વાંક માણસનો નહીં, પરિસ્થિતિનો છે. લગભગ દરેક વ્યક્તિ ભયાનક અસલામતીમાં જીવે છે. પૈસા એ જ સત્ય છે, એનાથી જ પાવર કે પ્રસિદ્ધિ, સલામતી કે સત્તા મળે છે, એવું માનનારી એક આખી પેઢી હવે ઉછરી રહી છે.
એવા સમયમાં જ્યારે ગૃહિણી પાસે પતિના વારસાની, ઈન્વેસ્ટમેન્ટની વિગતો ન હોય… સાથે સાથે એનું વિલ કે જરૂરી કાગળો પણ એટલા જ મહત્વના છે, એ વાત જો એને ખબર ન હોય તો મોટી ઉંમરે અસલામતી અને પીડા ભોગવવાનો વારો આવે છે. જેણે સ્નેહપૂર્વક અને વિશ્વાસપૂર્વક લગ્નસંબંધને પોતાની જિંદગીના ઉત્તમ અને ઘણા વર્ષો આપ્યા હોય એ પત્ની પોતાના ગયા પછી જરાક પણ અસલામત કે દુઃખી ન થાય એ જોવાની જવાબદારી પતિની પણ છે. “બૈરાંને શું કહેવાનું ?” કહેતાં કે માનતાં પુરુષો એમની જીવનસંગિની સાથે અન્યાય કરે છે, એટલું નક્કી.
સવાલ માત્ર મેડિક્લેઈમ, ઈન્સ્યોરન્સ પોલિસી, બેન્ક એકાઉન્ટ્સ કે રોકડની લેવડ-દેવડ પૂરતો નથી, ઘર કે જમીન ખરીદતી વખતે કેટલા લોકોને એના પેપર્સ ચેક કરતા આવડે છે ? એન.એ., બીયુ પરમિશન કે પાસ થયેલો પ્લાન, શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર જેવા પેપર્સ હોવા જોઈએ એવું ચેકલિસ્ટ આપણને કોઈને ખબર છે ખરું ? બિલ્ડર પાસે કેટલા માળની પરમિશન છે. એનો પાસ થયેલો ઓરિજિનલ પ્લાન શું છે ? એણે કેટલું બાંધકામ ઈલિગલ કર્યું છે ? ઈમ્પેક્ટ ફી ભરી છે કે નહીં ? આવા સવાલો આપણે પૂછતા નથી, કારણ કે આપણને આ વિશે માહિતી નથી.
સાત-બારનો ઉતારો, રેશનકાર્ડ સહિત આધારકાર્ડ સાથે લિન્ક થયેલું બેન્ક એકાઉન્ટ કે ગેસ સિલિન્ડરની વિગતો આપણને ક્યાં સુધી લઈ જઈ શકે એ વિશેની ટેક્નિકલ માહિતી આપણી પાસે છે નહીં અને એને મેળવવા માટે પણ આપણે કોઈ પ્રયત્ન કરતા નથી. સાયબર સિક્યોરિટી સાથે આપણે કોઈ લેવા-દેવા નથી. ઓનલાઈન શોપિંગ કરતી વખતે આપણે કેટલી વિગતો કે કેટલા નોટિફિકેશન એલાઉ કરવા જોઈએ એ વિશે આપણે અવેર નથી, થવા માગતા પણ નથી. જેટલા એપ આપણે ડાઉનલોડ કરીએ એ દરેક વખતે આપણે આપણી જાતને વધુ એક સાયબર ઓપનિંગ આપીએ છીએ. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર આપણે જે માહિતી અપલોડ કરીએ છીએ એ માહિતી કદાચ આપણે ડિલિટ કરી નાખીએ તો પણ રિટ્રાઈવ થઈ શકે છે, એવી આપણને ખબર છે ખરી ?
વિઝા લેવા માટે જ્યારે આપણે પેપર્સ રજૂ કરીએ છીએ (કોઈપણ દેશના) ત્યારે આપણા ફેસબુક, ઈન્સ્ટા, ટ્વિટર એકાઉન્ટની સાથે સાથે આપણા જૂના અને નવા રેકોર્ડ્સ તપાસવામાં આવે છે. આપણે જે કંઈ લખ્યું હોય, સરકાર વિરુદ્ધ, સરકાર તરફી, અપશબ્દો કે જે પ્રકારના લખાણો… એના ઉપરથી આપણા વ્યક્તિત્વ અને વિચારો વિશે એક નોંધ આપોઆપ ઊભી થાય છે. આપણને કદાચ જાણીને નવાઈ લાગે, પરંતુ એક વ્યક્તિએ દિલ્હીમાંથી સિટીબેન્કની લોન લઈને ગાડી ખરીદી હતી. ગાડીના હપ્તા પૂરા થઈ ગયેલા, પરંતુ માત્ર એન.ઓ.સી. સર્ટિફિકેટ લેવાનું બાકી હતું. એમની જોબમાં ટ્રાન્સફર થતાં ગાડી દિલ્હીથી ગુજરાત લઈ આવવામાં આવી.
પછી એક યા બીજી વ્યસ્તતાને કારણે એમને એન.ઓ.સી. લેવા જવાનો સમય ન રહ્યો. એમનું અચાનક મૃત્યુ થતાં એમના પત્નીએ ગાડી વેચવાનો નિર્ધાર કર્યો ત્યારે ખબર પડી કે ત્રણ લાખની ગાડી વેચવા માટે એમણે પતિના ક્રેડીટકાર્ડ પર ચઢેલા આઠ લાખ સિત્તેર હજાર રૂપિયા ચૂકવવા પડશે ! એમણે ગાડી એક મિકેનિકને પેપર્સ પૂરા કર્યા વગર વેચી દીધી… સવા બે લાખ રૂપિયા લઈ લીધા, પરંતુ જો વિચાર કરીએ તો સમજાય કે કદાચ આ ગાડીનો ઉપયોગ કોઈ આતંકવાદી કે બેન્ક લૂંટમાં થાય તો સૌથી પહેલાં કોને પકડવામાં આવે ?
એવી જ રીતે કોઈપણ કાગળ કે કોન્ટ્રાક્ટમાં સહી કરતાં પહેલાં એને પૂરેપૂરો વાંચી જવો, સમજી લેવો જરૂરી છે. એકાદ ક્લોઝ એવું હોય કે જે આપણને મુશ્કેલીમાં મુકી શકે, અથવા પછીથી જ્યારે એ કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળવું હોય કે આર્થિક લેવડ-દેવડની સમજૂતી બદલવી હોય ત્યારે જો કોન્ટ્રાક્ટ વાંચ્યો ન હોય તો સમસ્યા ઊભી થઈ શકે છે. કોન્ટ્રાક્ટની ભાષા અઘરી હોય છે, સમજવી સહેલી નથી, પરંતુ ગૂગલ પર લિગલ ડિક્ષનેરી ઉપલબ્ધ છે. એકવાર કોઈ વકીલની ફી ચૂકવીને પણ, કોઈ મિત્રને વંચાવીને પણ આપણે જ્યાં સહી કરી રહ્યા છીએ એ શું અને કેટલું ગંભીર છે એ સમજવું અનિવાર્ય છે.
એક છેલ્લી અને મહત્વની વાત, માણસે માણસ પર વિશ્વાસ રાખવો એ જિંદગી જીવવાની પહેલી શરત છે, પરંતુ આંધળો વિશ્વાસ રાખવો એનાથી મોટી બેવકૂફી બીજી કોઈ નથી. આપણા પૈસા, આપણી મહેનત કે આપણા વર્ષો, આપણો સમય આપણે જ્યાં ઈન્વેસ્ટ કરી રહ્યા છીએ એ વ્યક્તિ, વસ્તુ કે વ્યવસાય વર્થ છે કે વ્યર્થ છે એ સમજવા માટે પૂછાયેલા સવાલો ચિકાશ, શંકા કે અવિશ્વાસ નથી, પરંતુ એક જાગૃત વ્યક્તિ કે બુદ્ધિશાળી માણસ હોવાની નિશાની છે.