આપણે ઘણા વર્ષોથી સસલા અને કાચબાની વાર્તા સાંભળતા આવીએ છીએ. ઘણી વાર એ કથામાં આપણને સમજાવવામાં આવ્યું છે કે ધીમી અને મક્કમ ગતિએ આગળ વધનાર માણસ ક્યાંક પહોંચે છે. દોડતા, આગળ જવા નીકળી ગયેલા લોકો આળસ કે અહંકારમાં ક્યાંક અટકી જાય છે, પરંતુ પોતાનામાં વિશ્વાસ રાખીને, પૂરી શ્રધ્ધા અને વિશ્વાસથી આગળ વધતા લોકો અંતે પોતાના ધ્યેય સુધી ચોક્કસ પહોંચે છે…
આ વાર્તા સાંભળવી એ એક વાત છે ને જિંદગીને પ્રેક્ટિકલી જોવી એ બીજી વાત છે. આપણને ઘણી વાર એવું લાગે છે કે વાર્તાઓમાં, દૃષ્ટાંતોમાં, ઉપનિષદ અને પુરાણની કથાઓમાં જે કહેવામાં આવ્યું છે તે બધું જ્યારે અમલમાં મૂકવા જઈએ ત્યારે ઘણી મુશ્કેલી પડે છે. સિધ્ધાંતોને સાચા અર્થમાં જીવનમાં ઉતારવામાં ક્યારેક ફ્રસ્ટ્રેશન આવે તો ક્યારેક નિરાશા ! લગભગ દરેક વ્યક્તિને સાચું અને અપરાઈટ જીવવાની ઈચ્છા હોય છે. યુવાનવયે પોલીસમાં જોડાતા કે શિક્ષક બનવા માંગતા કેટલાય લોકો મનમાં એક વિચાર, એક આદર્શ લઈને આવા પ્રોફેશનમાં દાખલ થાય છે, પરંતુ સત્ય એ છે કે જેમ જેમ જિંદગી જીવાતી જાય અને રોજિંદા કામમાં લોકો સાથે પનારો પડતો જાય તેમ તેમ સમજાવવા લાગે કે જે ભણ્યા હતા કે વિચાર્યું હતું એને સાચા અર્થમાં અમલમાં મૂકવું હોય તો ભયાનક સંઘર્ષ કરવો પડશે.
આજના જમાનામાં ગમે તેટલી સચ્ચાઈ કે આદર્શ સાથે માર્કેટમાં આવેલી વ્યક્તિ સમય જતા એવું અનુભવવા માંડે છે કે એના આદર્શ, એની પ્રામાણિકતા કે એની સચ્ચાઈ બીજા માટે જરાય કામની નથી, બલ્કે જો સચ્ચાઈ કે પ્રામાણિકતાની વાત કરે તો એને ‘જડ’ અને ‘વેવલા’ ગણીને હરાવવા, હંફાવવા માટે કેટલાય લોકો મેદાને પડી જશે, પરંતુ જો એ નાના-મોટા ભ્રષ્ટાચાર કરવા માંડે, ખોટા કામમાં સાથ આપવા માંડે તો લોકો એને ‘કો-ઓપરેટિવ’ અને ‘પ્રેક્ટિકલ’ ગણીને પોતાની સાથે લઈ લે છે. એક ડોક્ટર જ્યારે મેડિકલ હિપોક્રેટિક ઓથ લે છે ત્યારે એ પેશન્ટનો જીવ બચાવવા માટે ભણીને સમાજમાં દાખલ થાય છે, પરંતુ નાનકડી માનવીય ભૂલના બદલામાં જ્યારે એને મારવામાં આવે, એના દવાખાનામાં તોડફોડ કરવામાં આવે કે એની પાસેથી કરોડો વસૂલ કરવામાં આવે ત્યારે એ ડોક્ટરને સમાજમાં વિશ્વાસ રહેશે ખરો ? બધા સારા નથી, ને બધા ખરાબ પણ નથી. આપણે એક લાકડીથી સૌને હાંકવાનું શીખી ગયા છીએ.
એક ડોક્ટર ખરાબ તો બધા ખરાબ. બે-ચાર સરકારી ઓફિસર ભ્રષ્ટાચારી એટલે આખી સરકાર ભ્રષ્ટાચારી, બે-ચાર સેલિબ્રિટીના અનુભવ થાય એટલે બધા જ તોછડા, બધા જ અહંકારી… નવાઈ એ વાતની લાગે, લાગવી જોઈએ કે આપણને બધાને એક સ્વઅનુભવની સમજણ સાથે જન્મ આપવામાં આવ્યો છે. એક વ્યક્તિ દરેક વખતે એક જેવી નથી હોતી, તો દરેક વ્યક્તિ દરેક વખતે એક જેવી કેવી રીતે હોઈ શકે ? આપણે એકાદ અનુભવથી સમગ્ર પ્રોફેશન, જ્ઞાતિ કે જે-તે વ્યક્તિ વિશે જજમેન્ટલ થઈ જઈએ છીએ.
આ વાત માત્ર વ્યવસાય પૂરતી નથી રહી. આપણા નિકટના પ્રિયજન, સ્વજન કે મિત્રો માટે પણ આપણે હવે એક જ માપપટ્ટી કે ફૂટપટ્ટી વાપરતા થઈ ગયા છીએ. વ્યક્તિ અમસ્તી પોતાની સફળતાની વાત કોઈની સાથે કરે તો એમાં ગૌરવ લેવાને બદલે આપણે એમાં અહંકાર શોધતા થયા છીએ. આપણે જેને આદર્શ માનતા હોઈએ અથવા જેની ઈર્ષા કરતા હોઈએ એવી કોઈ વ્યક્તિ પોતાની અંગત વાત આપણી સાથે શેર કરે તો એને સહારો આપવાને બદલે અંદરથી ક્યાંક આપણે ખુશ થઈએ છીએ કે એ પણ આપણી જેમ દુઃખી અને ગુંચવાયેલી છે.
છેલ્લા થોડા સમયથી આપણે બધા અજાણતા જ એક એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ જ્યાં આપણને બીજાની ભૂલ કે ક્ષતિ જોઈને, કે બીજાનું નુકસાન થાય ત્યારે આપણી ભીતર ક્યાંક સંતોષની કે આનંદની લાગણી થાય છે. આપણે કદાચ આ સમજતા નથી. આ સજાગ પ્રયાસ કે સજાગ પ્રયત્ન ન પણ હોય, પરંતુ સામેની વ્યક્તિની પ્રસિધ્ધિ, સફળતા, પૈસા, સત્તા, સચ્ચાઈ કે પ્રામાણિકતાના બદલામાં એને મળતા પ્રેમ કે વખાણ જો કોઈ રીતે આપણે ઘટાડી શકીએ તો એમાં આપણને ભીતરથી એક વિચિત્ર પ્રકારની જીતનો અનુભવ થાય છે. આવું કેમ થાય છે એ પણ સમજવા જેવું છે. આવું એટલા માટે થાય છે કારણ કે જે પોતે ખોટા છે એનાથી બીજાની સચ્ચાઈ સહી શકાતી નથી.
આપણે હવે એક સરખામણીના વિશ્વમાં પ્રવેશ્યા છીએ. ‘ભલા ઉસકી સાડી, મેરી સાડી સે સફેદ કૈસે ?’ નો સવાલ હવે દરેક માણસ બીજા માણસને પૂછે છે. જગતનું તમામ સુખ, સંપતિ, સત્તા અને સગવડ જો મારી પાસે ન હોય તો બીજા પાસે કેવી રીતે હોઈ શકે ? આ સવાલ હવે સૌને અકળાવવા લાગ્યો છે. કોઈ એક વ્યક્તિ પ્રસિધ્ધ છે કે સફળ છે, લોકો એને ચાહે છે તો પોતે એ ચાહના કેમ મેળવવી એનો પ્રયાસ કરવાને બદલે હવે સામેની વ્યક્તિની ચાહના કઈ રીતે ઘટાડવી, એને કઈ રીતે નિષ્ફળ સાબિત કરવી એમાં આપણે ખૂબ એનર્જી વાપરતા થયા છીએ. એક અંગ્રેજી કહેવત પ્રમાણે તમે જો ભૂંડ સાથે લડો તો એ તમને પોતાના કાદવમાં ઘસડી જાય ને પછી એના વિસ્તારમાં કેવી રીતે લડવું એ એને બરાબર આવડતું હોય એટલે એ તમને પણ ગંદા પૂરવાર કરી શકે.
એક આખી અપ્રૂવલની સોસાયટી ધીમે ધીમે આપણી આસપાસ જાળ ગૂંથી રહી છે. આપણે પ્રસંશાના મોહતાજ છીએ એટલે નિંદાનો ભય લાગવા માંડ્યો છે. સોશિયલ મીડિયાએ આપણને બધાને અટેન્શન સિકર અને સતત પ્રસંશા સાંભળવાની ટેવવાળા બનાવી દીધા છે. ટીકા હવે નથી સાંભળવી… જો કોઈ ટીકા કરે તો આપણે ગભરાઈ જઈએ છીએ. આપણને ચિંતા થવા લાગે છે કે આ ટીકા આપણી સફળતામાં ગાબડું પાડશે. સત્ય તો એ છે કે ટીકા અથવા ચર્ચામાં રહેવા માટે લોકો પ્રયાસ કરતા થયા છે. જ્યારે ટીકા થાય, ટ્રોલિંગ થાય, સામાજિક સ્તરે લોકો વાતો કરે ત્યારે એ વ્યક્તિની પ્રસિધ્ધિ ઘટવાને બદલે વધે છે એ કેવો સમાજ અથવા કેવી દુનિયામાં આપણે પહોંચ્યા છીએ ? આ સત્ય હોય તો પણ ટીકામાં કે ચર્ચામાં રહેવા માટે કંઈ ખોટું કરવું, બીનજરૂરી વિધાનો કરવા, કોઈને ઉતારી પાડવા કે કડવાશ ઓકવી એ યોગ્ય નથી.
કાચબા અને સસલાની કથા અહીં ફરી યાદ કરવી પડે. સસલું દોડીને ક્યાંય પણ પહોંચે, એનો સ્વભાવ અટકવાનો, અહંકાર કરવાનો અને આળસ કરવાનો છે. ખોટી વાતો ભલે દોડીને પહોંચે પણ એ ક્યાંક અટકી જશે. ભ્રષ્ટાચાર, ગુનો કે અપ્રમાણિકતા ભલે ઝડપથી આગળ વધતી દેખાય પણ એ ક્યાંક અહંકાર કરીને ઊંઘી જશે. કાચબાએ સસલું અટકે એની પ્રતિક્ષા કરવાની નથી. એણે માથું નીચું કરીને પોતાની ગતિએ, પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધતા રહેવાનું છે. સોશિયલ મીડિયા કે સામાજિક સ્તરે, પ્રિયજન કે સ્વજન, મિત્ર કે પરિવાર સૌની કાળજી કરવાની છે પણ ડરવાનું નથી. જે ખોટું ન કરતા હોય એણે બીજાના કહ્યે પોતાના કામને, નિષ્ઠાને કે પ્રામાણિકતાને ફરી ફરીને તપાસવાની ખરેખર કોઈ જરૂર નથી. કાચબો ભલે ધીરે ચાલતો, શરૂઆતમાં એમ પણ લાગે કે કાચબો ક્યારેય નહીં પહોંચી શકે, પરંતુ જ્યારે કાચબો ફિનિશિંગ લાઈનની નજીક પહોંચશે ત્યારે સસલાને આપોઆપ સમજાઈ જશે કે એની ગતિ, એની અતિ અને એનો અહંકાર એને હરાવી ગયો છે. દરેક વ્યક્તિ પાસે એક અભિપ્રાય હોય એ સ્વાભાવિક છે અને આપણે આપણા વિશે બધા સારો જ અભિપ્રાય આપે એવો આગ્રહ કેવી રીતે રાખી શકીએ ? દરેક વ્યક્તિના અભિપ્રાય પ્રમાણે સ્વયંને કેવી રીતે બદલી શકાય ? અને આજના સમયમાં તો એની ભાષા, અભિવ્યક્તિ પણ કદાચ ખૂંચે એવી હોય તો એ વિશે વિરોધ ન કરવો, કારણ કે એને તમારા વિરોધની જ પ્રતિક્ષા છે. એ તમને ગંદકીમાં ઘસડવા માટે જ તત્પર છે. એ અટકે છે માટે તમને અટકાવવા તત્પર છે. એ આળસુ, અહંકારી છે માટે એને તમારામાં આળસ અને અહંકાર જગાડવાની તીવ્ર ઈચ્છા છે. એ વિશે જરાય વિચલિત ન થવું, બલ્કે શાંતચિત્તે આપણા રસ્તે આગળ વધતા રહેવું એ જ સાચી રીત છે.