कैसी तेरी खुदगर्ज़ी
ना धुप चुने ना छांव
कैसी तेरी खुदगर्ज़ी
किसी ठोर टीके ना पाऊँबन लिया अपना पैगम्बर
तार लिया तू सात समंदर
फिर भी सुखा मन के अंदर
क्यूँ रह गया…
અમિતાભ ભટ્ટાચાર્યની ટૂંકી કારકિર્દીમાં એમને ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. નવી પેઢીને સમજાય અને એમની લાગણીઓ સાથે અનુસંધાન થઈ શકે એવાં નવા ઈમોશન અને નવી ભાષાના ગીતો એમણે લખ્યા છે ! આજથી દસ વર્ષ પહેલાંના ગીતો સાંભળીએ તો એમાં અભિવ્યક્ત થતી ઈમોશનની પરિભાષા અને એક જ દાયકામાં બદલાયેલી ઈમોશનની પરિભાષા માની ન શકાય એ રીતે જુદી પડે છે.
આજના યુવાનને એકદમ કરેક્ટ્લી ડિસ્ક્રાઈબ કરતું ગીત છે ! એક આખી પેઢી અનિર્ણયની સ્થિતિમાં જીવતી પેઢી છે. આપણને આશ્ચર્ય થાય એ હદે એમની પસંદગીઓ બદલાય છે. આજે જે ગમે છે તે આવતીકાલે નહીં જ ગમે એવું નક્કી છે. 80ના દાયકા પછી જન્મેલી એક આખી પેઢી વિશાળ પસંદગી મેળવી શકવા માટે સદભાગી છે, પણ આ પસંદગીની વિશાળતાએ એમને વધુ ગૂચવ્યા છે. આ પેઢી ધીરે ધીરે સ્વાર્થી થઈ ગઈ છે. એ ફક્ત પોતાની જ સગવડ, કે ફાયદાનો વિચાર કરી શકે છે એવો આક્ષેપ ઘણા કરે છે. આ વાત થોડી ઘણી સાચી હોય તો પણ એનું કારણ એ છે કે આ નવી પેઢી જ્યારે જ્યારે કોઈ નિર્ણય કરવાનો પ્રયાસ કરે છે ત્યારે એમનો નિર્ણય ‘પોતાનો’ નથી રહી શકતો. એમના નિર્ણય ઉપર માતા-પિતાની પ્રતિષ્ઠા, પૈસા અને એમની અપેક્ષાઓનું એટલું બધું વજન હોય છે કે આ યુવાપેઢી જ્યારે પણ નિર્ણય કરે ત્યારે એ ખોટો છે, અને એ નિર્ણય બદલી નાખવો જોઈએ એવું એમના મગજમાં ઉતારવા માટે માતા-પિતા મરણિયા થઈ જાય છે. આ નિર્ણય કારકિર્દીનો હોય, મિત્રોનો હોય, લગ્નનો હોય કે સાવ સાદો કપડાં, વાળ કે ટાટુનો ! લગભગ દરેક માતાપિતા એવું માની જ લે છે કે એમના સંતાનને હજી સમજ નથી (ઉંમર ગમે તે હોય). એને કારણે ત્રીસી સુધી પહોંચેલી એક આખી પેઢી, બે વર્ષના બાળકથી ત્રીસ વર્ષના યુવાન સુધીના લગભગ સહુ અનિર્ણયની સ્થિતિમાં પહોંચી ગયા છે. આ ઈનડિસાઈસીવનેસ એમને પહેલાં નિર્ણય ટાળવા માટે મજબૂર કરે છે અને પછી નિર્ણય ટાળતા-ટાળતા આ પેઢી એક એવી આળસ અથવા બિનકાર્યક્ષમ સ્થિતિમાં પહોંચી જાય છે જ્યાં એમના કમ્ફર્ટ બ્લેન્કેટમાંથી બહાર નીકળવાની એમને ઈચ્છા થતી નથી. કદાચ, કોઈક આ કમ્ફર્ટ બ્લેકન્ટેમાંથી બહાર નીકળીને નિર્ણય કરવાની હિંમત કરે તો એના પરિણામનો ભય બતાવીને મોટાભાગના માતા-પિતા એમના સંતાનોને ફરી પાછા એમની સગવડ અને સ્વાર્થમાં ઢબૂરાઈ જવા મજબૂર કરે છે.
આપણે જોઈએ છીએ કે ઘણા યુવાનો મોટી ઉંમર સુધી નોકરી, કારકિર્દી અને સંબંધો બદલતા રહે છે. કેટલાક યુવાનો કામ શરૂ જ કરી શકતા નથી તો કેટલાક વધુ પડતું કામ કરે છે અને પછી, અંગત આવક ક્યાં ખર્ચવી એ વિશેનો સાચો નિર્ણય કરી શકતા નથી. મોટાભાગના માતા-પિતા ફરિયાદ કરે છે કે, ”એમના સંતાનો એક સાથે ઘણું બધું કરવા માંગે છે. કરી શકે એવી એમની ટેલેન્ટ પણ છે જ, પરંતુ એ ફોકસ નથી કરી શકતા કારણ કે એમની પાસે કોઈ એક વિચાર કે દિશા નથી !” આ ફરિયાદ ખોટી નથી, પાયાવિહીન પણ નથી, પરંતુ સાથે સાથે આ માતા-પિતાને કદાચ એ નથી સમજાતું કે એમના બાળકોને આ સ્થિતિમાં લઈ આવવા માટે એ પોતે જ જવાબદાર છે. બાળક જન્મે ત્યારથી જ માતા-પિતાના સપનાં બાળક કરતા વધુ ઝડપથી મોટા થાય છે. ચાર-પાંચ વર્ષના બાળક પાસે માતા-પિતા એટલું બધું કરાવા માંગે છે કે જે એની કેપેસિટી અને સમજણ બંનેની બહાર છે. એક જ બાળકમાંથી માતા-પિતાને ચિત્રકાર, સંગીતકાર અને સ્પોર્ટ્સ પર્સન બનાવવા છે. એ બાળકને કોઈ એક દિશામાં એક્સલન્સ કે શ્રેષ્ઠતા તરફ લઈ જવાને બદલે એની પાસે એ બધું જ કરાવવામાં માતા-પિતા એ બાળકની ઊર્જાને કે શક્તિઓને એવી તો વિખેરી નાખે છે કે પછી જ્યારે ખરેખર એ બાળક મોટું થાય ત્યારે એને જે કંઈ થોડું થોડું આવડે છે એ જ એને કરવું છે !
માતા-પિતા પોતાના સમયના દાખલા આપ્યા કરે છે અને પોતાના સમયની વાતો કર્યા કરે છે, પરંતુ મોટાભાગના માતા-પિતા એવું સ્વીકારવા તૈયાર જ નથી કે એમનું બાળક એમના પછી 25 કે 30 વર્ષે જન્મ્યું છે ! લગભગ દરેક માતા-પિતાની એક એવી ઝંખના શરુ થઈ ગઈ છે કે એનું બાળક નંબર વન હોવું જોઈએ. આ નંબર વન હોવાની હરિફાઈમાં બાળકની પોતાની ઈચ્છા, મરજી કે એને શું જોઈએ છે શું બનવું છે એવું કશું એને પૂછવાની માતા-પિતાની જરૂરિયાત પણ લાગતી નથી અને પછી જ્યારે એ બાળક એક સામટું ઘણું બધું કરવાની ઈચ્છા રજૂ કરે કે કોઈ એક ચીજ પર ફોકસ ન કરી શકે ત્યારે એ જ માતા-પિતા પોતાના સંતાન વિશે ફરિયાદ કરે છે.
નવાઈની વાત એ છે કે આજની પેઢી અથવા જેને આપણે નવી પેઢી કહીએ છીએ તે કારકિર્દીની બાબતમાં ગૂંચવાયેલી છે અને સંબંધોની બાબતમાં સ્પષ્ટ છે. યાદ કરી જોઈએ તો સમજાય કે એમના માતા-પિતાની પેઢી સંબંધોની બાબતમાં સ્પષ્ટ હતી અને કારકિર્દીમાં કન્ફ્યૂઝ ! દરેક પેઢી પાસે પોતાની એક માનસિકતા હોય છે, જેમાં એક ગૂંચવણ અને એક સ્પષ્ટતા હોય છે… નવી પેઢી કારકિર્દીની બાબતમાં ગૂંચવાયેલી છે કારણ કે એમના માતા-પિતાએ, એમની આગલી પેઢીએ એમને એ બાબતમાં થોડી નિરાંત કરી આપી છે. તરત જ કમાવું પડે એવી આ પેઢીની જરુરિયાત નથી. એ પોતાનો સમય લઈ શકે છે અને જ્યારે આપણને પસંદગીનો સમય મળે ત્યારે આપણે થોડાક કન્ફ્યૂઝ થઈએ જ છીએ, પછી એ કપડા હોય કે કારકિર્દી !
જે લોકો 50 કે 60ના દાયકામાં જન્મ્યા એ બધા આજે એમના જીવનના 50 વર્ષ પૂરા કરી ચૂક્યા છે. એમને કદાચ યાદ હોય કે એમણે કેટલી દંભ સાથે પોતાની જિંદગી જીવવી પડી છે ! નહીં ગમતી વાતમાં પણ ‘હા’ પાડવી પડે, ગમતી વાતમાં પણ ક્યારેક ‘ના’ પાડવી પડે… આમન્યાના નામે ડરવું પડે, સમાજ અને પ્રતિષ્ઠાના નામે છુપાવવું પડે, સલામતીના નામે સાહસ ન થઈ શકે, જવાબદારીના નામે મનગમતી જીંદગી ન જીવી શકાય… આવું તો કેટલું બધું એ પેઢીએ ભોગવ્યું છે. નવી પેઢી, 80ના દાયકા પછી જન્મેલી એક આખી પેઢી જિંદગીને એક્સ્પ્લોર કરવા માગે છે, ચાખી જોવા માગે છે, સ્પર્શી જોવા માગે છે, અનુભવવા માગે છે. એમને કોઈ નિર્ણય કરવાની ઉતાવળ નથી, કારણ કે એમની પાસે પુષ્કળ સમય છે ! આ સમય એમને એમના માતા-પિતાએ આપ્યો છે… એક તરફથી આ જ માતા-પિતા કહે છે કે એમને એમના સંતાનોને પ્રેશરમાં નથી નાખવા. પોતે જે ભોગવ્યું છે એ સંતાને ન ભોગવવું પડે એવો લગભગ તમામ માતા-પિતાનો પ્રયાસ હોય છે ને બીજી તરફ આ જ માતા-પિતાને એમના સંતાનો ઝડપથી આગળ વધે, સફળ જ થાય એવી જીદ, હઠાગ્રહ-દૂરાગ્રહ છે. આ બેની વચ્ચે ફસાયેલી આખી પેઢી ધીમે ધીમે કશું જ પસંદ કરવાની સ્થિતિમાં નથી રહી. એ ક્યાંય ટકી શકતી નથી. જે પસંદ કરે એનાથી એક વધુ બહેતર ઓપ્શન એમને માટે હોય જ છે. આને કારણે કદાચ જે જ્યાં પહોંચે છે, જે મેળવે છે એનાથી કશુંક જુદું જ એમને મેળવવાની ઝંખના બાકી રહી જાય છે… ટકવા કે અટકવા માટે જે જોઈએ તે, નિર્ણયની શક્તિ અને એના પરિણામ ભોગવવાની જવાબદારી આજના માતા-પિતા યુવાપેઢીને આપવાનું ભૂલી ગયા છે, કદાચ !