એક ફકીર રસ્તો પરથી પસાર થઈ રહ્યો હતો. એણે એક મોટો આશ્રમ જોયો. જમવાનો સમય થયો હતો, એટલે આશ્રમમાં જમવા માટે દાખલ થયો. આશ્રમના સંચાલક અથવા મહંત જમવા બેઠેલા દરેક માણસ પાસે આવીને પ્રણામ કરતા, ભોજન પીરસતા અને કહેતા, “હું તમારા ચરણની ધૂળ છું.” બાકીના લોકો ઉભા થઈ જતા, મહંતને પગે લાગતા, સામે નમ્ર થઈને કહેતા, “ના, ના, એ તો તમારી મહાનતા છે.” ચારે તરફ એ આશ્રમના મહંતની નમ્રતાની ચર્ચાઓ થતી હતી. મહંત એ જ રીતે ફકીર પાસે આવ્યા, પગે લાગ્યા અને કહ્યું, “હું તો તમારા ચરણની ધૂળ છું.” ફકીરે જમતાં જમતાં ઊંચું જોયા વગર કહ્યું, “બિલકુલ સાચી વાત છે.”
મહંત છેડાઈ પડ્યા, “શું બોલો છો ?” ફકીરે હસીને કહ્યું, “હું ક્યાં કંઈ બોલ્યો છું. તમે બોલ્યા એ મેં સ્વીકારી લીધું.” મહંતને ખૂબ ગુસ્સો આવ્યો… એમણે ફકીરને ત્યાંથી જવાનું કહી દીધું. ફકીર બહાર નીકળ્યો ત્યારે લોકોએ કહ્યું, “આવું તે કંઈ કહેવાતું હશે ?” ફકીરે ફરી હસીને કહ્યું, “તમે બધા એમની વાત સ્વીકારતા નથી… મેં તો ઉલ્ટાની એમની વાત સ્વીકારી લીધી. ગુસ્સો કરવાનું કારણ જ ક્યાં હતું ?” ઓશોએ કહેલી આ વાર્તા માણસના અહંકારને સમજવામાં મદદ કરે છે.
જેટલી વ્યક્તિ નમ્ર હોવાનો, સરળ હોવાનો, સહજ હોવાનો દેખાવ કરે છે, એ એટલી સરળ કે નમ્ર હોય એવું જરૂરી નથી. સત્ય તો એ છે કે સૌથી મોટો અહંકાર સામાન્ય રીતે નમ્રતાના વાઘા પહેરીને આવે છે. સમાજમાં, જ્ઞાતિમાં, અડોશ-પડોશમાં આપણે એવા ઘણા લોકોને ઓળખીએ છીએ જે અત્યંત નમ્ર હોવાનો દેખાવ કરે છે. એમને સાંભળીએ તો સમજાય કે પોતે કોની કેટલી મદદ કરી એ વિશે એમને ઘણું કહેવાનું હોય છે. આત્મશ્લાઘા અને સ્વપ્રશંસાથી લથબથ આવા લોકો એવી અપેક્ષા રાખે છે કે બીજા પણ સતત એમની પ્રશંસા કરે. ક્યાંક, કોઈક જો સત્ય કહી દે અથવા ભૂલ કાઢે તો એમના અહંકારના ફુગ્ગાને ટાંકણી અડી જાય છે.
સાદા સવાલ કે માહિતીના બદલામાં આવા લોકો “જ્ઞાન” આપવા બેસે છે… “તબીયત સારી નથી” એટલું જણાવીએ ત્યાં તો કઈ કઈ દવા લેવી જોઈએ અને કયા વિટામીન જીવન માટે અગત્યના છે ત્યાંથી શરૂ કરીને સંબંધોમાં શું શું ધ્યાન રાખવું જોઈએ ત્યાં સુધીનું બધું આપણે સાંભળવું પડે. આપણી પાસે એટલું સાંભળવાનો સમય છે કે નહીં, એ જાણવાની પણ એમને તસ્દી લેવી હોતી નથી, કારણ કે એમને સાંભળવાનો સમય આપણી પાસે હોવો જ જોઈએ એવી એમની ધારણા છે… આ ધારણા ક્યારે આગ્રહમાં બદલાઈ ગઈ એની એમને પોતાને પણ ખબર રહેતી નથી! આવા લોકો કમ્પલઝીવ અથવા પેથોલોજિકલ ઈગોઈસ્ટ છે ! એમની પાસે આપણાથી વધુ આવડત, જ્ઞાન, માહિતી, હોંશિયારી હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ મજાની વાત એ છે કે એમનું દુઃખ પણ આપણાથી વધુ હોય છે ! એમનું બધું જ આપણાથી બેટર હોય છે, અને એ આપણે સ્વીકારી ન લઈએ ત્યાં સુધી આવા લોકો એ શ્રેષ્ઠતા સાબિત કરવાનો સંઘર્ષ કર્યા કરે છે.
નમ્રતા અદભુત ગુણ છે… હોવો જોઈએ, પરંતુ એ જો આપણા કદરૂપા અહંકારને ઢાંકવા માટે પહેરવામાં આવેલો રૂપાળો મુખવટો હોય તો સામેની વ્યક્તિને એની જાણ થયા વગર રહેતી નથી. કળા કરતા મોરની પીઠ જોઈએ ત્યારે સમજાય કે ઉઘડેલા પીછાં જેટલા સુંદર લાગે છે એટલો જ એનો પાછળનો ભાગ કદરૂપો લાગે છે. અહંકારની મજા એ છે કે જો આપણને સમજાઈ જાય તો એનાથી મુક્ત થવું અઘરું નથી, પરંતુ અહંકાર ઓળખાતો નથી. ક્યારેક એ સ્વમાનના સ્વરૂપે આવે છે તો ક્યારેક વેર, બદલો અને પીડાનો ચહેરો પહેરી લે છે. મોટેભાગે આપણે એવું માની લઈએ છીએ કે આપણે સાચા છીએ. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ સાથે દલીલ થાય ત્યારે એની વાત સાંભળવાનો દેખાવ કરનારા આપણે બધા, મનોમન આપણી જ વાત ફરી ફરીને સાંભળતા હોઈએ છીએ. જેથી આપણને એની વાત સંભળાતી જ નથી. જ્યારે સાંભળી નથી ત્યારે સમજાશે કેમ ? અને સમજાશે નહીં તો સ્વીકારવાનો પ્રશ્ન જ નથી આવતો…
‘હું કરું છું’ એ એક માન્યતા છે, ‘હું કરી શકું છું’ એ બીજી, ‘હું જ કરું છું’ એ ત્રીજી અને ‘મારા સિવાય કોઈ નહીં કરી શકે’ એ ચોથી. પહેલી માન્યતા કદાચ સેલ્ફ એસ્ટીમ, અથવા સ્વમાન છે. બીજી માન્યતા સ્વયંને મોટીવેટ કરતી, પ્રેરણા આપતી માન્યતા છે. અહીં સુધી પ્રોબ્લેમ નથી. કોઈ વ્યક્તિ એમ માને કે એને કંઈ કરવું છે, એ કરી શકશે, ત્યાં સુધી આત્મવિશ્વાસ છે, હોવો જોઈએ ! પરંતુ જ્યારે ત્રીજી માન્યતા શરૂ થાય છે ત્યારે અહંકારનો પ્રવેશ થાય છે. મોટાભાગના ઘરોમાં આપણે આ અનેકવાર સાંભળ્યું છે. ગૃહિણી હોય કે માતા-પિતા, ઓફિસમાં કેટલાક સહકાર્યકરો વારંવાર આ વાત કહીને પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરે છે. એમને પણ ક્ષમા કરી શકાય, કારણ કે એ જે કંઈ કરી રહ્યા છે એના બદલામાં એમને પ્રશંસાની અપેક્ષા છે, આ માનવસહજ છે. સ્વાભાવિક છે, પરંતુ જ્યારે એક વ્યક્તિ એમ વિચારવા માંડે કે એના સિવાય કોઈ કરતું નથી કે કરી શકે એમ નથી, ત્યારે એનો અહંકાર રોગ બની ચૂક્યો છે. માણસ માત્રને પોતે કરેલા સારા કામ, વર્તન કે વ્યવહાર બદલ રીટર્ન અથવા વળતરની અપેક્ષા હોય… પરંતુ એ અપેક્ષા પોતે કહે તેવી રીતે, કહે તેટલી માત્રમાં પૂરી થવી જોઈએ એવો આગ્રહ રાખનાર દરેક વ્યક્તિ અહંકારથી પીડાય છે. જો આ રોગ જોઈ શકાય, અનુભવી શકાય તો એનો ઉપાય થઈ શકે છે, પરંતુ જ્યારે આ પીડા નમ્રતાના વાઘા પહેરી લે ત્યારે માનવું કે હવે એ વ્યક્તિએ પોતાના રોગને પોતે જ સ્વીકારી લીધો છે. અહંકારનો આ રોગ એના જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યો છે અને હવે એ પોતે જ એનાથી મુક્ત થવા નથી ઈચ્છતા.