‘જિંદગીમાં ના પાડતાં શીખજે. હું એ ન શીખ્યો એટલે આજે અહીંયા જિંદગીની કગાર પર ઊભો છું. હું તને વિનંતી કરું છું કે આપણા કોઈ પણ સગાં પર વિશ્વાસ નહીં કરતો, સિવાય કે તારા કાકા ધીરુભાઈ.’ અમદાવાદ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હિમાંશુ વરિયા નામના એક વ્યાપારીએ પોતાના દીકરાને આપઘાત કરતા પહેલાં આ વીડિયો મેસેજ મોકલ્યો હતો. એમણે પોતાના કાકા ધીરુભાઈને પણ એક વીડિયો મેસેજ મોકલ્યો હતો જેમાં ઉઘરાણીના દબાણ નહીં સહી શકવાના કારણે પોતે આત્મહત્યા કરે છે એવું કહ્યું હતું. નવાઈ એ વાતની લાગે કે પૈસા એક વ્યક્તિના જીવનમાં એટલા મહત્વના બની જાય કે એના જીવવાનું અને મોતનું કારણ, ફક્ત પૈસા હોઈ શકે ?
સમય સાથે આપણા બધાની જીવનશૈલી બદલાઈ છે. આપણે બધા એવું સમજતા થયા છીએ કે પૈસા એક બહેતર જિંદગી માટેની અનિવાર્ય જરૂરિયાત છે. સાવ નાનકડું બાળક પણ હવે પૈસાની અહેમિયત સમજે છે ત્યારે કોઈ વ્યક્તિ પૈસા કમાવા વિશે મહત્વકાંક્ષી હોય એમાં કંઈ ખોટું નથી. ગમે તેટલું કમાઈને બેઠેલો માણસ પણ જીવનમાં થોડું વધુ આગળ વધવાની ખેવના રાખે છે. અબજોની આવક ધરાવતા બચ્ચનસાહેબ પણ જો તેલ, મસાલા, સિમેન્ટ, નમકીન જેવી ચીજો માટેની જાહેરાતમાં રજૂ થતા હોય તો એક સામાન્ય માણસને કમાવાની ઝંખના હોય જ. સવાલ એ છે કે પૈસા કમાવાના રસ્તા અને એની ઝડપ આપણા કંટ્રોલમાં છે કે નથી?
એક્સપ્રેસ હાઈવે પર ચાલી રહેલી ગાડી 100 થી 120, 120 થી 140 સુધી પહોંચે ત્યારે ઝડપની તો મજા આવે જ છે. બીજાઓ કરતા વહેલા પહોંચવાનો એક આનંદ પણ આપણા ઈગોને પેમ્પર કરે છે, પરંતુ અચાનક બ્રેક મારવાનો વારો આવે કે કોઈ ગાડી આપણી ઓવરટેક કરતી હોય ત્યારે આપણું સ્ટીયરિંગ વ્હીલ આપણા કંટ્રોલમાં રહે એ સૌથી જરૂરી બાબત છે. છેલ્લા થોડા સમયથી વારંવાર આવા આપઘાતના કિસ્સા બની રહ્યા છે. સ્ટાર્ટઅપ અને વેન્ચર્સ કરતા આંતરપ્રેન્યોર થઈને આગળ વધવા માગતા અનેક યુવાનો પોતાની તાકાત કરતા વધુ સાહસ કરે છે. આ સાહસ ક્યારેક સફળ થાય છે, પરંતુ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે દેવાના ભારમાં ડૂબી ગયેલો માણસ એક દેવું ઘટાડવા બીજું, ને એમાંથી છૂટવા ત્રીજું… આવા એક વિષચક્રમાં સપડાય છે.
નવાઈની વાત એ છે કે આપઘાત કરવાના બધા જ કિસ્સા મધ્યમ અથવા ઊચ્ચ મધ્યમવર્ગમાં બને છે. વિજય માલ્યા અને નીરવ મોદી આરામથી પોતાની જિંદગી જીવે છે. અખબારમાં છપાતા સમાચાર અને જાહેર હરાજીમાં વેચાતી એમની મિલકતોથી એમનું રૂંવાડુંય ફરકતું નથી. આવા લોકો અબજોના સ્કેમ કરીને આરામથી વિદેશમાં હરેફરે છે, જીવે છે જ્યારે, મધ્યમવર્ગમાંથી આગળ વધવા નીકળેલો આજનો યુવાન કોઈક એવી ગંભીર ભૂલ કરી બેસે છે જેના પરિણામરૂપે એણે જિંદગી ગુમાવવી પડે છે. હવે, સવાલ એ છે કે માણસે સપનાં ન જોવાં ? આગળ વધવા માટે સાહસ ન કરવું ? પોતે જે સ્થિતિમાં છે એમાં જ સંતોષ માનીને પોતાના પરિવારને કે સંતાનોને બહેતર જિંદગી મળે એવો પ્રયાસ પણ ન કરવો ? અફકોર્સ નોટ ! અટકી જવું એ તો જીવતા ન હોવાની પરિસ્થિતિ છે. મૂવ કરવું, આગળ વધવું તે જ આપણા જીવતા હોવાનો પૂરાવો છે. જો માણસ સપનું નહીં જુએ તો વિકાસ કેવી રીતે થશે ?
દરેક માણસને આગળ વધવાનો, સ્વપ્ન જોવાનો અને બહેતર જિંદગી જીવવાનો અધિકાર છે, પરંતુ આ બહેતર જિંદગી કે અમીર થવાનું સ્વપ્ન જ્યારે ક્વોલિટી કે કંટ્રોલ વગર શરૂ થાય છે ત્યારે એમાં હરિફાઈ ઓછી અને સરખામણી વધુ હોય છે. સરખામણી ક્યારેય આત્મનિરીક્ષણ સુધી પહોંચવા દેતી નથી. આપણું દુઃખ અથવા અભાવ બીજાની સરખામણીએ હંમેશા વધારે હોય છે જ્યારે, સુખ અને સંતોષ બીજાની સરખામણીએ ઓછાં. આવી સ્થિતિમાં માણસને સતત લાગ્યા કરે છે કે એણે જે કંઈ મેળવવું છે તે માટે ઝડપ વધારવી પડશે. કોઈએ નોંધ કરી હોય તો સમજાય કે આ ઝડપ વધારવાની હૂંસાતુંસીમાં પહેલાં માત્ર પુરુષો હતા. હવે ધીમે ધીમે સ્ત્રીઓ પણ આ હરિફાઈમાં દાખલ થઈ છે.સ્ટારડમ,સત્તા,સંપતિ કે સુંદરતા… કોઈ સમજ વગર આપણને ‘હજી વધુ’ના એક એવા ચક્કરમાં નાખી દે છે જેનો કોઈ છેડો નથી !
સવાલ છે આપણી નબળાઈને ઓળખવાનો, આપણી આવડતને અને આપણી શક્તિઓને પીછાણવાનો.ઓળખ્યા પછી નબળાઈ સ્વીકારવાનો અને શક્તિને વધુ ઘસીને ધાર કાઢવાનો. બિઝનેસ મેનેજમેન્ટ ભણાવતી વખતે ‘સ્વોટ’ એનાલિસિસ શીખવવામાં આવે છે. સ્ટ્રેન્થ-શક્તિ, વીકનેસ-નબળાઈ, ઓપોર્ચ્યુનિટી-તક અને થ્રેટ-સમસ્યાઓ અથવા પ્રશ્નો, આ ચારેય વસ્તુને ઓળખી, સમજીને માણસે બિઝનેસમાં દાખલ થવું જોઈએ. કોઈ બીજું જે બિઝનેસ કરે છે એમાં એ સફળ છે માટે આપણે પણ એ જ બિઝનેસમાં સફળ થઈએ એમ ધારીને કૂદી પડનારાઓ ઘવાયા છે. ઉબર, ઝમેટો, ડીમાર્ટ, ઓનેસ્ટ કે એમેઝોન જેવા સ્ટાર્ટઅપે અબજોની રેવન્યૂ રળી આપી છે, પરંતુ એની પાછળ ઘણા બધા કારણો છે. આપણા દેશની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે એક જણની સફળતા જોઈને આપણી સફળતાનું પ્લાનિંગ કરીએ છીએ. એક ફિલ્મ સફળ થાય તો એ જ વિષય પર અનેક ફિલ્મો બને.
એક સ્ટાર્ટઅપ કે વેન્ચર જો સફળ થાય તો બધાને લાગે કે આ જ લાઈનમાં પૈસા મળશે. લગભગ બધા એ જ દિશામાં આંધળી દોટ મૂકે, પરંતુ જો એક માણસ એક દિશામાં સફળ થયો છે તો હવે ત્યાં બીજા કેટલા લોકોની જગ્યા છે એ પણ સમજવું પડે. બીજી મહત્વની વાત એ છે કે કોઈ એક વ્યક્તિ સફળ થઈ છે તો એની પાસે એની તક, સમસ્યા અને આગવી નબળાઈ અથવા શક્તિ છે. આપણી પાસે એ જ પ્રકારે બધું ન હોય, તો એની સફળતા સાથે આપણી સફળતા સરખાવી શકાય નહીં. બીજી એક મહત્વની વાત એ છે કે દુનિયાનું દરેક બજાર જુદુ છે. બિઝનેસ મેનેજમેન્ટમાં ચાર પ્રકારના માર્કેટ વિશે ભણાવવામાં આવે છે, ઓલ્ડ પ્રોડક્ટ ઈન ન્યૂ માર્કેટ, ન્યૂ પ્રોડક્ટ ઈન ન્યૂ માર્કેટ, ઓલ્ડ પ્રોડક્ટ ઈન ઓલ્ડ માર્કેટ, અને ન્યૂ પ્રોડક્ટ ઈન ઓલ્ડ માર્કેટ. બજારને સમજ્યા વગર માત્ર તુક્કા કે વિચારથી વ્યાપાર થઈ શકતો નથી. વ્યાપારી કુનેહ અને પ્રામાણિકતા વ્યક્તિની સફળતાના બે મહત્વના પાયા છે. માત્ર ‘વેચી દેવાની’ આવડત ક્યારેય સફળ બનાવતી નથી.
આપણે ગમે તે કહીએ, પરંતુ પ્રામાણિક લોકો લાંબા સમય સુધી મહેનત કરે છે, એમની સફળતા ઝડપથી નથી આવતી, પરંતુ એમને મળેલી સફળતા લાંબો સમય ટકે છે. સફળ થઈ ગયા પછી, કે નાનકડી સફળતાનું કિરણ દેખાયા પછી જે લોકો એમાં અટવાઈ જાય છે એ આગળ વધી શકતા નથી. ને જે લોકો સફળતાને માત્ર આવક અથવા કમાણી સાથે જોડે છે એને પણ સફળતાની સાથે સમસ્યા ‘બાય વન ગેટ વન ફ્રી’માં મળે છે. એક વ્યક્તિ કેટલી સફળ છે એ નક્કી કરવું હોય તો એની ઓફિસમાં કામ કરતા લોકો કેટલો લાંબો સમય ટક્યા છે અને એના ગ્રાહકો કે બિઝનેસ અસોસિએટ્સ એની સાથે કેટલો લાંબો સમયથી જોડાયેલા છે આ બે મુદ્દા મહત્વના છે.
વારંવાર નોકરી બદલતા લોકો, કે વારંવાર કર્મચારી બદલતા લોકો કદાચ પૈસા કમાઈ લે, પરંતુ સફળ થઈ શકતા નથી. એમને ત્યાંથી છોડીને જતો દરેક કર્મચારી પોતાની સાથે કંપનીના થોડા રહસ્યો અને થોડા ગ્રાહકો લઈને જાય છે. એથી આગળ વધીને જે ગ્રાહક કે બિઝનેસ અસોસિએટ્સ એકવાર કંપની સાથે કે વ્યક્તિ સાથે જોડાય, એ જો લાંબો સમય ટકે તો બીજા લોકોને પણ પોતાની સાથે જોડીને વ્યાપાર વધારવામાં મદદ કરી શકે છે.
જોકે, નિષ્ફળતા સ્વીકારવી કે નહીં એ તો માણસ જાતે જ નક્કી કરી શકે, પરંતુ સફળતાની વ્યાખ્યા ક્યાં શરૂ થઈને ક્યાં પૂરી થાય છે એના વિશે કેટલાક નિયમો છે. આ નિયમો સમજીને રમતમાં ઉતરનાર કદાચ પહેલો નંબર ન આવે તો પણ ડિસ્ક્વોલિફાઈ થતો નથી. રમતમાં ટકી રહેનાર વહેલો-મોડો પોતાના ધ્યેય સુધી પહોંચે છે. પહેલો નંબર તો એક જ હોય છે. પછી બીજો-ત્રીજો-ચોથો પણ, નંબર છે અને સફળતા એમને પણ મળે છે એવું સમજીને જે આ વ્યવસાયની રમતમાં શાંતચિત્તે હરિફાઈ કરે છે એ જરૂર જીતે છે, પરંતુ જે હરિફાઈને બદલે સરખામણી અને ઈર્ષાની રમતમાં ઉતરે છે, અપ્રમાણિકતાનો શોર્ટકટ લે છે કે ખોટી વ્યક્તિઓ પર ભરોસો કરીને જુગાર રમે છે એણે અંતે નિષ્ફળતા સ્વીકારીને હાર માનવી પડે છે.