“તને મેં પીડી છે, અવશ બની ઉત્ક્રાન્ત તનથી, તને મેં ચાહી છે વિવશ બની ઉદભ્રાન્ત મનથી, પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો…” વિનોદ જોશીનું દીર્ઘ કાવ્ય ‘શિખંડી’ની આ પંક્તિઓ મહાભારતના ઉદ્યોગપર્વમાં આવતા ‘અંબોપાખ્યાન’ના કથાનકનો આધાર લઈને લખાઈ છે. એમણે એમના પ્રાકકથનમાં લખ્યું છે, “પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કેવળ એક જ સ્ત્રી અંબા આવી હતી, જેને સર્વથી તિરસ્કૃત થઈ છેવટે પોતાના સ્વીકારવા ભીષ્મ પાસે કામના વ્યક્ત કરી હતી. આ બનાવની એક પુરુષ તરીકે ભીષ્મ પર જે દૈહિક અને માનસિક અસર થઈ હોય તે મહાભારતકારે અહીં નહીં આલેખી હોવા છતાં નકારી ન શકાય તેવી માનવ્ય બાબત છે.”
શિખંડીના પાત્રને મહાભારતમાં અનેક રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યું છે. મૂળ કાશીરાજની ત્રણ દીકરીઓ, અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કરીને ભીષ્મ એમને પોતાના ભાઈઓ ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય માટે લઈને આવે છે. ભીષ્મ દ્વારા અપહરણ થયા છતાં અંબા પોતાના પ્રેમી શાલ્વ પાસે જવા માટે વિનંતી કરે છે. ભીષ્મ ઉદાર હૃદયે એને શાલ્વ પાસે મોકલે છે, પરંતુ કોઈએ અપહરણ કરેલી કન્યાનો શાલ્વ અસ્વીકાર કરે છે.
અંબા પાછી ફરે છે ત્યારે વિચિત્રવીર્ય એનો અસ્વીકાર કરે છે. ભીષ્મને પોતાની સાથે લગ્ન કરવા અંબા પહેલાં વિનંતી, પછી આગ્રહ, અંતે હઠાગ્રહ કરે છે. એમના ગુરુ પરશુરામ દ્વારા દબાણ પણ લઈ આવે છે. પરશુરામ અને ભીષ્મ વચ્ચે યુદ્ધ થાય છે… એ બધા પછી ભીષ્મ અંબા સાથે લગ્ન કરતા નથી, કારણ કે એમણે લીધેલી પ્રતિજ્ઞા એમને બાંધે છે. અંતે, અંબા શિવની આરાધના કરીને ભીષ્મના મૃત્યુનું કારણ બનવાનું વરદાન માગે છે. એને એ વરદાન મળે છે અને અંબા સ્વયં પોતાના મૃત્યુને સ્વીકારે છે… એ પછીના જન્મમાં અંબા પાંચાલ નરેશ દ્રુપદને ત્યાં પુત્રી બનીને અવતરે છે, જેને પછીથી પુરુષ થવાનું વરદાન મળે છે…
“સ્ત્રી સામે નહીં લડું” કહીને ભીષ્મ પોતાના મૃત્યુનું રહસ્ય કૃષ્ણ અને અર્જુનના હાથમાં સોંપે છે ! શિખંડીને આગળ રાખીને અર્જુન પોતાના દાદાની હત્યા કરે છે… શિખંડી પોતાના હાથે ભીષ્મની થયેલી હત્યા પછી પીડિત છે, કારણ કે ભીષ્મ એને પોતાના મૃત્યુનું કારણ બનવા બદલ ક્ષમા કરે છે, એટલું જ નહીં એના તરફની પોતાની લાગણી અભિવ્યક્ત કરે છે. ભીતરથી ભીષ્મના સ્નેહને ઝંખતી અંબા, જે હવે ‘શિખંડી’ છે એને અત્યંત પસ્તાવો થાય છે. એ પસ્તાવાની લાગણીને અભિવ્યક્ત કરતાં કવિ વિનોદ જોશીએ લખ્યું છે, “સુખ છલકતું મારા નેત્રમાં શું અપાર ! અવિદિત કશું પીડે તે છતાં આરપાર !”
આપણે બધા જાણે-અજાણે આ અંબા જેવી મનોદશામાં પ્રવેશી જઈએ છીએ. જેને ચાહિયે છીએ, ઝંખીએ છીએ, એના જ સર્વનાશનું વરદાન માગી બેસીએ છીએ ક્યારેક ! અભિશાપ કે વરદાન આપ્યા અને માગ્યા પછી મિથ્યા નથી થતા, કારણ કે આ બંને નિયતીના પરિઘની બહાર સર્જાયેલી ક્ષણો છે. જેટલું નિયતીના હાથમાં છે એટલું કદાચ અફર હોવા છતાં કર્મના બળથી ચલિત કરી શકાય છે, પરંતુ વરદાન માગતી વખતે માણસ અને શાપ આપતી વખતે માણસથી વધુ બળવાન શક્તિ એ ભૂલી જાય છે કે આ નહીં લખાયેલી ક્ષણો જો એકવાર લખાઈ જશે તો ભૂંસી નહીં શકાય !
ભસ્માસૂરની કથા હોય કે મિડાસની વાત, દેશ, કાળ, સમય કે કહેનાર બદલાય છે. વાતનું તથ્ય તો એ જ રહે છે. આપણે બધા અજાણતાં જ જે નથી મળવાનું તે મેળવવા ઘાંઘાં થઈ જઈએ છીએ. ભીષ્મની પ્રતિજ્ઞા જગવિદિત હોવા છતાં અંબા એને પામવા ઝંખે છે, ભીષ્મનો નકાર એને તિરસ્કાર લાગે છે. પોતાની જ પ્રતિજ્ઞા જેના લીધે ગંગાપુત્ર દેવવ્રત ‘ભીષ્મ’ તરીકે સુપ્રસિદ્ધ થયા એ એમને ક્ષણભર માટે ઉતાવળે લેવાયેલો નિર્ણય લાગ્યો હોય, કદાચ ! ન યે થયું હોય એવું… પોતાની પ્રતિજ્ઞાને વજ્ર માનીને એમણે અંબાને સમજણપૂર્વક નકારી હોય, શક્ય છે ! મહાભારતકારે અહીં સ્પષ્ટતા કરી નથી તેમ છતાં, માનવ હોવાના આપણા કેટલાક પોચા અને અંધારા ખૂણા આ કથા અને એના પર રચાયેલા દીર્ઘકાવ્યથી આપણી સામે ઉઘડે છે.
જે વ્યક્તિ આપણું કહ્યું ન માને, આપણને જોઈએ કે આપણે માગીએ તેવું ન વર્તે તો આપણે એનો વિનાશ માગતા પણ અચકાઈએ નહીં, એ સત્ય હશે ? આપણે ખૂબ જ ઋજુ છીએ, જ્યાં સુધી પરિસ્થિતિ અને પ્રણય આપણી મુઠ્ઠીમાં બંધ રહે ત્યાં સુધી, નહીં તો આપણને ભયાનક બનતા એક કાચી ક્ષણ પણ ન લાગે ?
શિખંડીની કથામાં અંબાની મનઃસ્થિતિ અને ભીષ્મની દ્રઢતા… એક વિચિત્ર સંયોજન ઊભું કરે છે, સ્ફોટક ! એક સ્ત્રી, જે એક પુરુષને આરાધ્ય, કામ્ય, સ્નેહભાજન માનતી હોય એને જો એ પુરુષ પ્રાપ્ય ન હોય તો એ સ્ત્રી વેરમાં, અતૃપ્તિમાં કે અપમાનની લાગણી સાથે એના વિનાશનું કારણ બનવાનું વરદાન માગે ?
આ વાત આપણને વિચારતા કરી દે છે…
અંતમાં નિયતી વધુ બળવાન કે માનવનું કર્મ, એ વિશે ક્યાંક આપણું મન ગૂંચવાય છે. કવિ લખે છે, “પડે જનમવું અહીં અધીન દૈવનિર્મિતિને, જીવિત અનિવાર્ય મૃત્યુલગ એય આપદસ્થિતિ, ધરી સમયભાર સ્કંધ પર ભ્રાન્ત દોડ્યે જવું, અલક્ષ્ય, અવિરામ, અર્થ નહીં કોઈ અસ્તિત્વનો !”