પગારઃ કોને અને કેટલો?

લોકડાઉન સાથે જોડાયેલા અનેક સવાલોમાંનો એક સવાલ એ છે કે આ બધા દિવસો દરમિયાન જે લોકો પરાણે ઘરે રહ્યા છે એનું શું થશે ? જેની પાસે ઓલમોસ્ટ સરખી રીતે જીવવા માટેની સગવડ અને વ્યવસ્થા છે એવા લોકો, પોતાની ઓફિસ ધરાવતા, પ્રાઈવેટ ધંધો કે સારી કંપની સાથે કામ કરતા, વ્હાઈટ કોલર જોબ કરતા લોકોને કદાચ બહુ વાંધો ન પણ આવે, પરંતુ રોજિંદુ ઘરકામ કરનારા, લારી ખેંચનારા, મહારાજ કે બીજી નાની-મોટી ઓડ જોબ્સ કરનારા લોકો માટે હવેનો સમય બહુ ચેલેન્જિંગ પુરવાર થવાનો છે. કદાચ એટલા માટે કે દયાથી પ્રેરાઈને, પોતાની જવાબદારી સમજીને મોટાભાગના લોકો માર્ચ મહિનાનો પગાર તો આપી દેશે. એપ્રિલ મહિનો તો નીકળી પણ જશે. થોડી કરકસર કે કંજૂસાઈ કરીને પણ લોકો પોતાની જિંદગી ગોઠવવાનો પ્રયત્ન કરશે…

આપણે બધા હિસાબમાં બહુ વિચિત્ર માણસો છીએ. રેસ્ટોરાંમાં કે બહાર ખાવામાં એક ટંકના 1500-2000 રૂપિયા ચૂકવી શકીએ, પરંતુ જે આખો મહિનો જમાડે છે એ મહારાજનો કે બહેનનો પગાર લોકડાઉન દરમિયાન કાપી લેવાનો આપણને ચોક્કસ વિચાર આવે. ઘરકામ કરનારા જે લોકો પોતાને ગામ ભાગી ગયા એની ચર્ચા ન કરીએ તો પણ રહી શકાય ત્યાં સુધી જે અહીં રહ્યા, આપણી સગવડ સાચવી, એવા બધા લોકો માટે જો આપણે વિચાર નહીં કરીએ તો કોણ કરશે ? દાન કરવામાં પણ, આપણે ચોક્કસ ગણતરીઓ અને ‘એમાંથી શું મળશે ?’ એ સમજીને પછી જ આગળ વધીએ છીએ. સોસાયટી, મહોલ્લો, સમાજ અને ફેટરનીટિ માટે આપણે કીટ લખાવીએ, પરંતુ આપણા જ માણસો ખાય છે કે નહીં એ વિશે ચિંતા કરવાની આપણને જરૂરિયાત લાગતી નથી ! કીટ લખાવવાથી પ્રસિદ્ધિ મળે છે, પરંતુ એ બધા, જેણે છેલ્લા થોડા વર્ષો દરમિયાન આપણી સગવડ સાચવી છે એની ચિંતા કરવાથી, એને ઘેર કીટ કે પૈસા મોકલવાથી આપણને શું મળશે એવો વિચાર આવ્યા વગર રહેતો નથી.

શાકભાજી કોઈપણ ભાવે ખરીદવા તૈયાર છીએ, કારણ કે એ આપણા માટે છે ! અમૂલની દુકાનની બહાર, કે કરિયાણાની દુકાનની બહાર ઊભેલા ગરીબ, મજબૂર વ્યક્તિને કીટ અપાવવાનું આપણને સૂઝતું નથી. કીટ છોડો, લાઈનમાં ઊભેલા અનેક લોકોમાંથી કોઈપણ એક બ્રેડ ખરીદીને આવા, ત્યાં બેઠેલા-આપણી તરફ દયામણી, ભૂખી નજરે જોઈ રહેલાને અપાવવાનું પણ કોઈને સૂઝતું નથી.

નવાઈની વાત એ છે કે આપણે બધા આ દિવસોને એક તરફથી ‘જિંદગીનો ઉત્તમ સમય’ કહીને, પોઝિટિવ થોટ્સ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ, પણ બીજી તરફ અખબારોમાં કોરોનાના કેસીસ વધતા જાય છે ! લગભગ બધા જ ‘ઘેર રહો’નો પ્રચાર કરે છે, તો પછી બહાર કોણ નીકળે છે ? બીજાની સિવિક સેન્સ વિશે આપણે કંઈક કહેવાનું છે એમ આપણી સિવિક સેન્સ વિશે પણ કોઈને કંઈ કહેવાનું હશે ? મોટાભાગની સોસાયટીએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. આ ગ્રુપમાં સોસાયટીની મહત્વની ઈન્ફર્મેશન એક્સચેન્જ થવી જોઈએ, પરંતુ ફોરવર્ડના બાદશાહ એવા આપણે જ્ઞાનદાન કર્યા વગર રહી શકતા નથી. ફિલ્મી ગીતો, જોક્સ આવા ગ્રુપ પર ફોરવર્ડ કરાય ? સરકાર આટ-આટલી વિનંતીઓ કરે છે તેમ છતાં આપણે ઘરની બહાર નીકળવાનું છોડતા નથી, વ્હોટ્સએપ ફોરવર્ડ ઓછા થતા નથી. કયા પ્રકારની સોશિયલ ડિસ્ટન્સિંગ સિસ્ટમ છે, આ ?

જે લોકો એકલા અને ઘરમાં રહી શકે છે એને બહુ સમસ્યા થઈ જ નથી. સમસ્યા એને થઈ છે જે લોકોને અઠવાડિયામાં બે વાર રેસ્ટોરાંમાં ખાવા જોઈએ છે, ઘરે પણ અવનવું ભોજન મળવું જોઈએ એવો જેનો આગ્રહ હોય છે, વાસણ ઘસવા, રસોઈ કરવા, ઝાપટ-ઝૂપટ કરવા અને ઝાડુ-પોતું કરવા જેને જુદા જુદા માણસો રાખવાનો શોખ છે, જેના ઘરના કાચ ચમચમતા રહેવા જોઈએ અને જરાક પણ ધૂળ ન હોવી જોઈએ એવા આગ્રહ સાથે જે માણસોને સતત ખખડાવતા રહ્યા છે એવા લોકોને આ દિવસોમાં બહુ તકલીફ પડે છે. હમણા એક મિત્રએ સરસ પોસ્ટર મોકલ્યું છે, “આ લોકડાઉનના દિવસો પછી જો તમે કોઈ નવી આવડત કે શોખ, વધુ જ્ઞાન (વ્હોટ્સએપ યુનિવર્સિટીનું નહીં જ) કે સારી હેલ્થ અને ફિટનેસ સાથે બહાર નહીં આવો તો એનો અર્થ એ થાય છે કે તમને કદી સમય ખૂટતો જ નહોતો. તમને તો ડિસિપ્લિન અને ઈચ્છા (ઉત્સાહ)ની ખોટ હતી.”

આ વાત કેટલી સાચી છે ! અત્યારે આપણી પાસે ખૂબ સમય છે, આ સમયનો ઉપયોગ ફક્ત ઓટીટી કે ટીવી જોવામાં, ફોરવર્ડ કરવા અને વાંચવામાં બગાડવાને બદલે જાતને જરાક વધુ અપગ્રેડ, અપડેટ કરવામાં વાપરીએ. આપણી પાસે ઘર, એ.સી., ટી.વી., ઈન્ટરનેટ અને આ દિવસો પસાર કરવા માટેની તમામ સગવડો છે તો જેણે આટલા દિવસ આપણી સગવડો સાચવી છે એમનો વિચાર જરૂર કરીએ.

એપ્રિલનો આખો મહિનો જે લોકો કામે નથી આવ્યા એનું શું થશે ? અત્યારે આપણને ખ્યાલ નથી કે લોકડાઉન ખૂલશે ત્યારે, જીવન નોર્મલ થશે ત્યારે મે મહિનાથી એમની જરૂર પડવાની છે અથવા કેટલાક કદાચ આ લોકડાઉન દરમિયાન એટલા ટ્રેન થઈ ગયા છે કે એમને મહારાજની કે બીજી જરૂર ન યે પડે ! જો એમ હોય તો ઉત્તમ ! સ્વાશ્રય અને શ્રમથી ઉત્તમ કશું નથી, પરંતુ આ આટલા દિવસ આપણે જિંદગીને ખૂબ નજીકથી જોઈ છે. ગમે તેટલા પૈસા પૂરતા નથી અને ગમે તેટલા પૈસા પૂરતા પડી જાય, એ બંને સ્થિતિમાંથી આપણે પસાર થયા ! જે લોકોને ત્યાં ત્રણ વર્ષથી વધારે કામ કરતા માણસો હોય એ બધાએ લોકડાઉનનો સંપૂર્ણ પગાર પોતાના સ્ટાફને આપીને એમની આટલા વર્ષની વફાદારીની કદર કરવી જોઈએ. જરૂર માટે તો બધા જ ઈન્વેસ્ટમેન્ટ કરે… ક્યારેક રીટર્ન નહીં મળે, એવું નક્કી હોય ત્યાં ઈન્વેસ્ટમેન્ટ કરી જોઈએ. છેલ્લા થોડા દિવસોમાં ઘણી ફિલોસોફી સાંભળી હશે ! ઘણા લોકોએ પોતાના એફબી અને વ્હોટ્સએપ ઉપર ઘણું જ્ઞાન મોકલ્યું હશે, પરંતુ સૌથી ઉત્તમ જ્ઞાન અને સત્ય એ છે કે ખરાબ સમયમાં થોડામાંથી થોડું વહેંચી શકે છે એને જ માણસ કહી શકાય, બાકીના બધા બે પગના જાનવર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *