નામ : સંજના કપૃર
સ્થળ : મુંબઈ, મહારાષ્ટ્ર
સમય : ૨૦૧૯
ઉમર : ૫૧ વર્ષ
૧૯૬૨માં પૃથ્વીરાજના મગજમાં પાર્લે-જૂહુના કિનારે આવેલા બે વિશાળ રમણીય પ્લોટ વસી ગયા. શહેરથી એ પ્લોટ દૂર હતા, પણ જગા ખૂબ શાંત અને સુંદર હતી. ૧૯૬૨માં પૃથ્વીરાજે એ પ્લોટ્સ ૧૦ વર્ષના ભાડાપટ્ટે રાખવાનો નિર્ધાર કર્યો. કુટુંબના માણસો, મિત્ર-સંબંધીઓ અને ખુદ તેમના પુત્રોએ આવા મોંઘા ખર્ચે પ્લોટ્સ રાખવાનો વિરોધ કર્યો, પણ પૃથ્વીરાજની દલીલ હતી, ‘તમે તમારા મોજશોખ ખાતર મોંઘા વિદેશી શરાબ, પાર્ટીઓ ને સિગારેટો પાછળ ખર્ચા કરો છો, તો નાટક એ મારો નશો છે. તે માટે ખર્ચ કરવાની મને ના ન પાડો. મને ન રોકો.’ અને આમ ‘પૃથ્વી’ માટે ૧૯૬૨માં જમીનનો પાયો ઊભો થયો.
આજે પૃથ્વી થિયેટર સંજના કપૂરના નામે ઓળખાય છે, પરંતુ આ થિયેટરનું નામ જે વ્યક્તિના નામ પરથી છે એ, મારા દાદાજી પૃથ્વીરાજ કપૂર… આ થિયેટર જોવા જીવ્યા નહીં. આ તો મારા પિતાનું સ્વપ્ન હતું. મારા પિતા એટલે શશી કપૂર. એ પણ મારા દાદાજીના થિયેટરમાં કામ કરતા. મારા કાકા રાજ કપૂર પણ મારા દાદાજી સાથે જોડાયેલા… પણ આ બધું તો બહુ મોડેથી થયું. એ પહેલાં તો મારા દાદાજીએ ઘણા તડકા-છાયડા જોઇ નાંખ્યા. એ મુંબઇ આવ્યા પછીનો સમય પણ કંઇ સરળ નહોતો, જગતની કોઇ સફળતા સંઘર્ષ વગર નથી મળતી. મારા દાદાજીએ પણ ઘણો સંઘર્ષ કર્યો.
એ જમાનો હતો મૂંગી ફિલ્મોનો. ૧૯૨૮થી ૧૯૩૧ દરમિયાન પૃથ્વીરાજે નાની-મોટી ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા. હોટેલમાં રહેવું પોસાય તેવું નહોતું. પૃથ્વીરાજે રૂમ ભાડે રાખી. ૧૯૨૯માં કુટુંબને બોલાવી લીધું. ૧૯૩૧માં શમ્મી (કપૂર)નો જન્મ મુંબઈમાં થયો. એ જ વર્ષમાં ભારતની પહેલવહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ બની. પૃથ્વીરાજનો એ ફિલ્મમાં મહત્ત્વનો રોલ હતો. બોલતી ફિલ્મો આવી ત્યારે મૂંગી ફિલ્મોનાં જૂનાં નટ-નટીઓ માટે થોડી મુશ્કેલી ઊભી થઈ. તેમની પાસે સંવાદો બોલવા માટેનું ભાષા, ઉચ્ચારશુદ્ધિ અને સારા અવાજનું ભાથું નહોતું. પૃથ્વીરાજ પાસે આ બધું જ હતું. એમનો અવાજ ઉત્કૃષ્ટ હતો. એમની પાસે નાટકોનો અનુભવ હતો અને સંવાદો બોલવાની ભાવવાહી છટા હતી. બોલતી ફિલ્મો માટે એમનું ભવિષ્ય ઊજળું હતું. એ જ અરસામાં ઈંગ્લેન્ડની ગ્રાન્ટ એન્ડરસન કંપની ભારત આવી. એન્ડરસન અંગ્રેજ અભિનેતા ને નાટ્યસંચાલક હતા. તેમની નાટ્યમંડળીના થોડાક અભિનેતા લઈને એ ભારત આવ્યા હતા. બીજા અભિનેતાઓ ભારતમાંથી જ મેળવી લેવાનો તેમનો ખ્યાલ હતો. પૃથ્વીરાજ માટે આ સોનેરી તક હતી. તેમણે તક ઝડપી લીધી. એ ગ્રાન્ટ એન્ડરસન થિયેટરમાં જોડાયા. પૃથ્વીરાજ પાસે શેક્સપિયરનાં નાટકોમાં કામ કરવાનો કોલેજનો અનુભવ તો હતો જ. એન્ડરસનની નાટ્યમંડળી સાથે એ ભારતમાં ફર્યા અને જુદી જુદી જગ્યાએ નાટકોમાં અભિનય કર્યો. તેમનો અભિનય ખૂબ પ્રશંસા પામ્યો.
જુદે જુદે સ્થળે નાટકો ભજવતાં ભજવતાં એન્ડરસન થિયેટર ૧૯૩૨ના અરસામાં કોલકાતા પહોંચ્યું. ત્યાં સુધીમાં એન્ડરસન થાકી ગયા હતા. ખાસ્સું આર્થિક નુક્સાન પણ વેઠવું પડ્યું હતું. એન્ડરસને નાટ્યક્ષેત્રેથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો. આમ એન્ડરસન થિયેટર બંધ થયું.
એન્ડરસન થિયેટર કોલકાતા આવી બંધ પડ્યું એ પૃથ્વીરાજ માટે સાનુકૂળ નીવડ્યું. તેમને કોલકાતાની પ્રસિદ્ધ ફિલ્મ કંપની ન્યૂ થિયેટર્સમાં કામ કરવાનો મોકો મળ્યો. તેમણે ‘રાજરાની મીરાં’, ‘પ્રેસિડેન્ટ’, ‘વિદ્યાપતિ’ જેવી ઘણી યાદગાર ફિલ્મોમાં અભિનય આપ્યો. પેશાવરથી એક પછી એક કુટુંબના સભ્યો કોલકાતા આવતા ગયા. પૃથ્વીરાજના બે માળના મકાનમાં ભાઈઓ, ભાભીઓ, બહેનો, ભત્રીજાઓ વગેરેનું દસ-પંદર જણનું કુટુંબ એકસાથે રહેતું. આખાય કુટુંબની જવાબદારી પૃથ્વીરાજે સંભાળી લીધી હતી. ૧૯૩૮માં પૃથ્વીરાજના સૌથી નાના પુત્ર શશી કપૂર (મારા પિતા)નો જન્મ અહીં કોલકાતામાં જ થયો. સાચું પૂછો તો પૃથ્વી થિયેટર મારા પિતા અને માતાનો જ પ્રયાસ છે. મારા પિતાએ સિનેમામાં ઘણા વર્ષો સુધી અભિનય કર્યો. એ એટલા બિઝી રહેતા કે એમના મોટા ભાઇ, રાજ કપૂર એમને “ટેક્સી કહીને એમની મજાક કરતા. મારા કાકા, તાઉ રાજ કપૂર મારા પિતાને કહેતા, “વાર્તા નથી સાંભળતો તારો રોલ નથી જોતો બસ ! ચેક જોઈને ફિલ્મો સાઈન કરે છે… ત્યારે મારા પિતાને કદાચ લાગતું હતું કે એમનો પરિવાર અને પત્નીને ઉત્તમ સગવડો, લકઝરી અને સિક્યોરિટી આપવી એમની ફરજ છે, પરંતુ જ્યારે એમણે અભિનેતા તરીકેની કારકિર્દીને પાછલી સીટમાં બેસાડી ત્યારે નિર્માતા તરીકે એમણે કંટ્રોલ લીધો. આખી જિંદગી ઝાડ પાછળ નાચી નાચીને કે દસ દસ ગુંડાને મારીને માન્યામાં ન આવે એવી ફિલ્મોમાં કામ કરીને એ થાક્યા હતા, એટલે નિર્માતા તરીકે એમણે સુંદર ફિલ્મોનું નિર્માણ કર્યું જે જીવનની નજીક અને સત્યને સ્પર્શતી વાર્તાઓ હતી…
આ અમારા પરિવારની પરંપરા છે. પૈસા કમાઈ લીધા પછી સમાજ અને કલા માટે કંઈક કરવું એ અમારા સંસ્કારમાં છે, કદાચ ! સ્ટાર તરીકે ઘણા વર્ષો સુધી કામ કરીને દાદાજીને કલાથી દૂર રહેવાનો અફસોસ થતો હશે એટલે પૃથ્વીરાજ કપૂરના એક મિત્ર પંડિત નારાયણ પ્રસાદ ‘બેતાબે’ કાલિદાસના નાટકને આધારે ‘શકુંતલા’ નામનું નાટક લખ્યું હતું. તે નાટકની તૈયારીઓ થઈ ગઈ હતી, પણ છેલ્લી ઘડીએ નાટકના નિર્માતા ફસકી ગયા. પોતાની નાટક કંપની સ્થાપી એ નાટક ભજવવાનું બીડું પૃથ્વીરાજે ઝડપ્યું.
૧૫-૧-૧૯૪૪ના દિવસે હવનપૂજા કરી પૃથ્વીરાજે પોતાની નાટક કંપની ‘પૃથ્વી થિયેટર્સ’નો પ્રારંભ કર્યો. ૧૯ વર્ષના રાજ કપૂરને બૅક-સ્ટેજ વ્યવસ્થા, વેશભૂષા ને રંગભૂષાની જવાબદારી સોંપાઈ. સેટ અને કોસ્ચ્યૂમ બનવા માંડ્યા. કુટુંબે પૂરો સાથ આપ્યો.૯-૩-૧૯૪૫ના દિવસે રોયલ ઓપેરા હાઉસમાં ‘શકુંતલા’નો પ્રીમિયર – પ્રથમ શો ભજવાયો. નાટકને ભવ્ય સફળતા મળી. ‘શકુંતલા’ના ઘણા શો થયા, પણ એ નાટકનું ‘પ્રોડક્શન’ ભારે ખર્ચાળ હતું. એના મોટા સંનિવેશ (સેટ્સ), જાજરમાન વસ્ત્રો (ડ્રેસીસ) અને અન્ય સાધનસામગ્રી (પ્રોપર્ટી)ની એકથી બીજી જગ્યાએ હેરફેર ઘણી દુષ્કર હતી. તેથી નાટક લોકપ્રિય હોવા છતાં થોડા સમય પછી પૃથ્વીરાજે તે નાટક ભજવવાનું બંધ કરવું પડ્યું. ‘શકુંતલા’ પાછળ પૃથ્વીરાજે તે જમાનામાં મોટી ગણાય એવી લાખેક રૂપિયાની ખોટ કરી હતી.
૧૯૪૪થી ૧૯૬૦ સુધીનાં સોળ વર્ષોમાં ‘પૃથ્વી થિયેટર્સે’ ભારતના એક છેડેથી બીજે સુધી નાટકો ભજવ્યાં. આ ગાળામાં ૫૯૮૨ દિવસોમાં પૃથ્વી થિયેટર્સે ૧૧૨ સ્થળોએ ૨૬૬૨ શો કર્યા ! આ પ્રત્યેક શોમાં પૃથ્વીરાજે મુખ્ય પાત્ર ભજવ્યું હતું. એ માઈકના ઉપયોગને ધિક્કારતા હતા. એમના બુલંદ અવાજથી જ કામ લેતા. વર્ષો સુધી નાટકો ભજવવાને કારણે એમના ગળા અને અવાજે ભારે બોજો સહ્યો હતો. ૧૯૫૯-૬૦ના અરસામાં એમનો અવાજ બગડતો ચાલ્યો. અંતે તેમનો અવાજ સાવ કથળી પડ્યો. નાટ્યમંડળીના ઘણાખરા કલાકારો ફિલ્મોમાં કામ કરવા મંડળી છોડી ગયા હતા. પૃથ્વીરાજને લાગ્યું કે નટ-નટીઓ નાટકને ફિલ્મમાં જવા માટેના પગથિયા તરીકે વાપરે છે. પરિણામે ૧૯૬૦ના મે મહિનામાં ‘પૃથ્વી થિયેટર્સ’ સમેટી લેવું પડ્યું.
‘પૃથ્વી થિયેટર્સ’ પોતાનાં નાટકો ભજવવા ભારતમાં જુદે જુદે સ્થળે સફર કર્યા કરતું. કોઈ કોઈ વાર ઈંગ્લેન્ડની એક નાટ્યમંડળી ‘શેક્સપિયરાના’નો તેને ભેટો થઈ જતો. એક વાર એવું બન્યું કે, કોલકાતામાં ‘પૃથ્વી થિયેટર્સ’ અને ‘શેક્સપિયરાના’ બંને કંપની ભેગી થઈ ગઈ.
શશી કપૂર તે સમયે ‘પૃથ્વી થિયેટર્સ’માં સ્ટેજ મેનેજર તરીકે કામ કરતા હતા. શો પહેલાં સહેજ પડદો હટાવી એ ઓડિયન્સ જોઈ લેતા. તેમાં તેમની નજર આગળની હરોળમાં બેઠેલી એક રૂપાળી પરદેશી છોકરી પર પડી. પહેલી જ નજરે શશી મોહી પડ્યા પછી તો ત્રણ-ચાર દિવસ સુધી તેમણે એ છોકરીને વિંગમાંથી જોઈ. એ છોકરી કોણ છે એની શશીએ ભાળ કાઢી ત્યારે ખબર પડી કે એ છોકરી ‘શેક્સપિયરાના’ના કૅન્ડોલ દંપતીની પુત્રી જેનિફર હતી. ૧૯૫૬માં ‘શેક્સપિયરાના’ દક્ષિણ ભારતમાં નાટકો કરતું હતું. તેમની મંડળીના એક યુવાન કલાકારને એકાએક ઈંગ્લેન્ડ પાછા જવાનું થયું. તેની ખોટ પડી. જ્યોફ્રી કૅન્ડોલે પૃથ્વીરાજને લખ્યું. પૃથ્વીરાજે શશી કપૂરને મોકલી આપ્યા. આ રીતે ૧૯૫૭ના ફેબ્રુઆરીમાં શશી કપૂર ‘શેક્સપિયરાના’માં જ્યોફ્રી કૅન્ડોલના હાથ નીચે જોડાયા. જેનિફરે પણ ‘પૃથ્વી થિયેટર્સ’નાં થોડાંક નાટકોમાં નાના-નાના ઓછા સંવાદવાળા રોલ કર્યા. શશી કપૂર અને જેનિફરના સંબંધો ગાઢ થયા. ૧૯૫૮માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. પૃથ્વીરાજના કુટુંબ અને ‘પૃથ્વી થિયેટર્સ’માં જેનિફરનો પ્રવેશ થયો. કુટુંબે અને કંપનીએ તેને આનંદથી વધાવી. જ્યોફ્રી કૅન્ડોલને શરૂઆતમાં આ સંબંધ રુચ્યો નહોતો. જોકે પાછળથી તેમણે એનો સહર્ષ સ્વીકાર કરી લીધો.
‘પૃથ્વી’નું આજે જે સ્વરૂપ છે અને એણે જે વિકાસ સાધ્યો છે તેના ઘડતરમાં શશી કપૂર અને સવિશેષ તો જેનિફરનો સિંહફાળો છે. ૧૯૬૨માં પૃથ્વીરાજના મગજમાં પાર્લે-જૂહુના કિનારે આવેલા બે વિશાળ રમણીય પ્લોટ વસી ગયા. શહેરથી એ પ્લોટ દૂર હતા, પણ જગા ખૂબ શાંત અને સુંદર હતી. ૧૯૬૨માં પૃથ્વીરાજે એ પ્લોટ્સ ૧૦ વર્ષના ભાડાપટ્ટે રાખવાનો નિર્ધાર કર્યો. કુટુંબના માણસો, મિત્ર-સંબંધીઓ અને ખુદ તેમના પુત્રોએ આવા મોંઘા ખર્ચે પ્લોટ્સ રાખવાનો વિરોધ કર્યો, પણ પૃથ્વીરાજની દલીલ હતી, ‘તમે તમારા મોજશોખ ખાતર મોંઘા વિદેશી શરાબ, પાર્ટીઓ ને સિગારેટો પાછળ ખર્ચા કરો છો, તો નાટક એ મારો નશો છે. તે માટે ખર્ચ કરવાની મને ના ન પાડો. મને ન રોકો.’ અને આમ ‘પૃથ્વી’ માટે ૧૯૬૨માં જમીનનો પાયો ઊભો થયો.
૧૯૭૨માં પૃથ્વીરાજ સખત બીમાર પડ્યા. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. આખું કુટુંબ ખડે પગે હતું, પણ શશી કપૂર તેમની ફિલ્મ ‘સિદ્ધાર્થ’ના ડબિંગ માટે લંડન હતા. શશી કપૂર સૌથી નાના, વળી નાટકમાં વધારે રસ લેનારા તેથી પૃથ્વીરાજને વધારે વહાલા હતા. શશીને એ લાડમાં શશીબાબા કહેતા. હોસ્પિટલમાં પૃથ્વીરાજની સ્થિતિ કથળતી ચાલી. ડૉક્ટરોએ આશા છોડી દીધી. શશી કપૂરને તાર કરીને બોલાવ્યા. છેલ્લી ઘડીઓ ગણાતી હતી. આગલે દિવસે રાતે જ ડૉક્ટરોએ કહી દીધું હતું કે ખેલ ખતમ થવા પર છે. ડૉક્ટરોએ લાઈફ-સપોર્ટ સિસ્ટમ કાઢી નાખી હતી. પૃથ્વીરાજ જાણે ઉછીના લીધેલા સમય પર શ્ર્વાસ લઈ રહ્યા હતા. શશી કપૂર આવી પહોંચ્યા. રાજ કપૂરે પાપાજીના કાનમાં કહ્યું, ‘શશીબાબા આવ્યા છે.’ હલનચલન વગરના ચોવીસ કલાક પછી પૃથ્વીરાજે ડોકું ફેરવ્યું, તેમના મોં પર સ્મિતની લહેરખી આવી અને કલાકેકમાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. સોળ જ દિવસ પછી પૃથ્વીરાજનાં પત્ની રમા કપૂરનું મૃત્યુ થયું. (ક્રમશ:)
(કેટલાક અંશો મહેશ દવેની પરિચય પુસ્તિકામાંથી સાભાર)