‘પોત’ એટલે મૂળ તત્વ…

કોવિડ-19ના ચાર મહિનામાં રેડીમેડ કપડાંની ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન થયું છે. ઓનલાઈન શોપિંગથી શરૂ કરીને રેડીમેડ કપડાંની દુકાનોમાં અત્યારે બિલકુલ ઘરાકી નથી. કારણ કદાચ એ છે કે લોકો બહાર નથી જતાં, ઉત્સવો, લગ્નો કે બીજા પ્રસંગો ઉજવાતા નથી. તહેવારો પણ આ વખતે ફિક્કા પસાર થવાના છે એવી સૌને ખાતરી છે… નવા કપડાં ખરીદીને માણસ જાય ક્યાં ? આપણે બધા કપડાંને ઉજવણી સાથે જોડીએ છીએ. ઘરમાં કોઈ આવવાનું હોય ત્યાંથી શરૂ કરીને આપણે ક્યાંક જવાનું હોય તો, કેવાં, કયાં, કેટલાં મોંઘા કપડાં પહેરવા એ વિશે રીતસરના સેમિનાર ભરાતા હોય છે ! વ્હોટ્સએપ અને સોશિયલ મિડિયા આવ્યા પછી શું ખરીદ્યું અને શું પહેર્યું એના પ્રદર્શનની એક નવી જ ફેશન શરૂ થઈ છે. વિમેન કે મેન્સ મેગેઝિન, ફિલ્મનું મેગેઝિન કે સ્પોર્ટ્સના મેગેઝિનમાં પણ હવે “ફેશન” અગત્યની બાબત બનવા લાગી છે !

આ કપડાં એટલે શું ? રેશમ, સિન્થેટીક, ખાદી, મલમલ, માદરપાટ, ઝરી, લીનન, સુતરાઉ, ઉન… વગેરે ? હાથ લગાડીને અનુભવી શકાય એ વસ્ત્ર છે. તાણા-વાણા ગૂંથાઈને બનેલા આ વસ્ત્રો આમ જોવા જઈએ તો માણસનું શરીર ઢાંકવા માટે બન્યા હતા. આદમ અને ઈવને પહેલી વાર સમજાયું કે શરીરના કેટલાક ભાગોને ઢાંકવા જોઈએ, ત્યારથી શરૂ કરીને લેટેસ્ટ ફેશન સુધી વસ્ત્રોનું વિજ્ઞાન લંબાતું ગયું છે. મજાની વાત એ છે કે આપણે કાપડની વાતને સ્પર્શ સાથે જોડીએ છીએ. કાપડના સ્પર્શને “પોત” કહેવાય છે. જાડું, પાતળું, ખરબચડું, સુંવાળુ… પોતના અનેક પ્રકાર છે. આપણે જ્યારે માણસ વિશે વાત કરીએ છીએ ત્યારે કેટલીક વાર કહીએ છીએ, “એણે ‘પોત’ પ્રકાશ્યું…”

આ ‘પોત’ એટલે માણસની બેઝીક મેટલ. એનું અસ્તિત્વ ? એની પ્રકૃતિ ? એનો સ્વભાવ ? એનો ઉછેર ? કે એનો ડીએનએ ? લગભગ દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ કાપડના ‘પોત’ જેવું હોય છે. સુંવાળું, લીસુ, ખરબચડું… પરસેવો ચૂસે કે ન ચૂસે ! શરીર પર સરકે કે ટકી જાય… ધોવાથી ચઢી જાય, રંગ ઉડી જાય કે ગમે તેટલા ધોકા મારો એનું પોત એવું ને એવું રહે. સમય, સંજોગો અને સંબંધો આ પોત ઉપર અસર કરે છે, એવું મોટાભાગના લોકો માને છે, પરંતુ સત્ય તો એ છે કે ‘પોત’નો અર્થ જ બેઝિક મેટલ. માણસની અંદરનું તત્વ… એના ઉપર ઝરી, ભરત, રંગ, ડિઝાઈન એ બધું તો વધારાનું છે. મૂળ તત્વ જે છે એ કેટલું ટકે છે, કેટલું સહે છે એના ઉપર માણસની જિંદગીનો આધાર છે.

સામાન્યતઃ માણસ ઉપરછલ્લી ડિઝાઈન, રંગ, ભરતકામ અને ઝરીથી મોહિત થઈ જાય છે. ‘પોત’ની મજબૂતીનો ખ્યાલ તો ધોકા પડે, ખાંપ ભરાય, ખેંચાય, તરડાય કે ચીરાય ત્યારે જ આવે છે. ક્રાઈસીસમાં જ માણસની પરીક્ષા થાય છે. કોમળતાથી ધોવાતા, ઈસ્ત્રી થતા અને કબાટોમાં ટીંગાતા ‘પોત’ જ્યાં સુધી અકબંધ હોય ત્યાં સુધી કોઈ સમસ્યા હોતી જ નથી. સંજોગોના ધોકા પડે, લાગણીઓની ખાંપ ભરાય, દગો, ફટકો, તિરસ્કાર, કડવાશથી તરડાય કે ચીરાય ત્યારે ખબર પડે કે માણસનું ‘પોત’ કેટલું મજબૂત છે.

આપણે બધા માણસની ભીતરના તત્વને એના ચારિત્ર્ય સાથે જોડીએ છીએ. નીતિમત્તા, મોરલ્સ અને સિદ્ધાંતોની પરીક્ષા વખતે માણસ જે રીતે વર્તે એ એનું ‘પોત’ ? આપણે બધા બહાર જતી વખતે, ઉત્સવની ઉજવણી વખતે દેખાડો કરવા માટે સારા-સારા કપડાં પહેરીએ છીએ. ઘરમાં હોઈએ ત્યારે ઢીલા, લીસા, સુંવાળા અને કધોણા કપડાં ગમે છે, આપણને. સંબંધોનું કમ્ફર્ટ પણ એવું જ છે. દેખાવડો, રૂપાળો છતાં તંગ હોય એવો સંબંધ બહારની વ્યક્તિ સાથે હોઈ શકે, પોતાની-અંગત વ્યક્તિ સાથેના સંબંધમાં તો કોઈ દેખાડો નથી. ઘરની અંદરના કપડાંનું કમ્ફર્ટ અને એનું ‘પોત’ એ આપણા અંગત સંબંધનું પ્રતિબિંબ છે.

કેટલાંક ‘પોત’ બહુ રસપ્રદ હોય છે. જેમ ધોવાતા જાય એમ મજબૂત અને સુંવાળા થતાં જાય ! સમયના ધોવાણ આવા લોકોને નબળા નહીં, મજબૂત બનાવે છે. એમને મળેલા ક્રૂર અથવા કપરા સંજોગો એમને બીજા પ્રત્યે સુંવાળા બનાવે છે. બીજી તરફ કેટલાંક ‘પોત’ સાવ તકલાદી અથવા ફિસ્સાં હોય છે. બે ધોવાણ થાય કે લીરે-લીરાં ઉડી જાય, અથવા તો ધોવાણ સાથે, ધોકા સાથે એના રૂંછા નીકળી આવે અને એકદમ ખરબચડા થઈ જાય. કેટલાંક ‘પોત’ જેન્યુઈન હોય છે. સો વર્ષ જૂનું હાથવણાટનું રેશમ આજે પણ બે હાથની વચ્ચે પકડીને ખેંચો તો ફાટે નહીં, જૂના જમાનાના માણસો જેવું ! જ્યારે રેશમ લાગતું ‘પોત’ તદ્દન જુઠ્ઠું, સિન્થેટીક અથવા બનાવટી હોય જે શરીર પર અડે ત્યારે જ ખબર પડે…

માણસ સ્વભાવે દંભી છે. આમાં ભાગ્યે જ કોઈ અપવાદ છે. આપણે બધાં કપડાં પોતાના માટે નહીં, બીજાના માટે પહેરીએ છીએ. આ પણ એક રસપ્રદ સીમીલી અથવા સરખામણી છે. આપણા શરીરને ઢાંકવા માટે પહેરવામાં આવેલા કપડાં બીજાને દેખાડવા માટે હોય, એવી જ રીતે આપણા સંબંધો, આપણી લાગણીઓ અને આપણા વિચારો ઉપર આપણે બીજાને દેખાડવા માટેનું એક કવચ ચઢાવીએ છીએ. કપડાં કેટલાં મોંઘા છે, કઈ બ્રાન્ડના છે એનું મહત્વ ક્યારેક વધી જાય…  કેવા લાગે છે એ નક્કી કરવાનો અધિકાર પણ આપણે બીજાને આપી દઈએ છીએ. વસ્ત્રની જેમ જ આપણા વિચારો, વ્યવહાર, વાણી કે વ્યક્તિત્વ સામેની વ્યક્તિ વખાણે એ આપણી ઝંખના અથવા જરૂરિયાત હોય છે. ક્યાંથી લીધું, ક્યાં સિવડાવ્યું… આવા સવાલોથી આપણો અહંકાર પોષાય છે. ભીતરના ‘પોત’ વિશે પણ સમય-સમયાંતરે અરે વાહ, બહુ સરસ, સારા માણસ, ખૂબ ઈન્ટેલીજન્ટ વગેરે સાંભળવાથી અહંકાર પોષાય છે.

અને એક હાસ્યાસ્પદ વાત… માણસ જેમ સફળ થતો જાય એમ એનું ‘પોત’ જોવાની, પારખવાની જરૂરિયાત અને આવડત બીજા લોકોમાં ઘટતી જાય. જેમ કે, બચ્ચનસાહેબ શું પહેરે છે એ વિશે કોઈ કોમેન્ટ ના હોઈ શકે, પરંતુ એ જ ઉંમરના, 77 વર્ષના બીજા કોઈ વૃદ્ધ જો એવા વસ્ત્રો પહેરે તો સમાજ એના વિશે જાત-ભાતની કોમેન્ટ કરે છે. અર્થ એ થયો, કે ‘પોત’ ઓળખવા માટે કપડાંની બધી જાત અને વિશેષતાની ખબર હોવી જોઈએ… માણસને ઓળખવા, પારખવા કે એનું ‘પોત’ શું છે એ વિશે અભિપ્રાય આપવા માટે આપણું ‘પોત’ પણ મજબૂત હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *