છેલ્લા થોડા સમયથી લગભગ દરેક માણસને પ્રસિધ્ધિની એક વિચિત્ર પ્રકારની ઘેલછા લાગી છે. બિલ્ડિંગના વોચમેન, લારી ખેંચનારા કે કન્સ્ટ્રક્શન લેબર જેવા લોકોને પણ પ્રસિધ્ધિનું મહત્વ સમજાવવા લાગ્યું છે. સૌને પોતાનો ચહેરો મોબાઈલ ફોનમાં જોવાનો શોખ અને સાથે સાથે બીજા પણ પોતાનો ચહેરો જુએ એવી એક વિચિત્ર પ્રકારની જીદ ઊભી થવા લાગી છે. એક જમાનામાં કોણ કેટલું કમાય છે એવી હરિફાઈ હતી, આજે કોના કેટલા ફોલોઅર છે એની હરિફાઈ છે. ઈન્ટરનેટ અને મોબાઈલ કમ્યુનિકેશનના આ સમયમાં હવે વીડિયોથી વધુ ફોલોઅર ‘ટ્રોલિંગ’માં મળે છે.
અંગ્રેજી શબ્દ ટ્રોલનો અર્થ થાય છે ‘રાક્ષસ’. સ્કેન્ડિનેવિયન બાળકથાઓ અને લોકકથાઓમાં આવા એક પાત્રનો ઉલ્લેખ છે. જે એન્ટી સોશિયલ ઝઘડાળુ, ખરાબ મજાક કરતો અને બીજાઓની જિંદગી અઘરી બનાવતો રાક્ષસ છે. એના વર્તન અથવા વ્યવહારને ટ્રોલ શબ્દ આપવામાં આવ્યો. આજના મોડર્ન અંગ્રેજી વ્યવહારમાં ટ્રોલિંગ માછલી ફસાવવાની જેમ કોઈકને ફસાવવા અને એને ધીરે ધીરે અપમાનિત કરીને બીજાને પણ એ દિશામાં ઘસડવાની એક પ્રવૃતિ તરીકે જોવામાં આવે છે. 1972માં ટ્રોલિંગ મિલિટરીમાં વાપરવામાં આવતો શબ્દ હતો. જેમાં શિકાર બનાવીને કોઈ એક વ્યક્તિને ત્રાસ આપવાની પ્રવૃતિને ટ્રોલિંગ કહેવામાં આવતું.
હવે, આ શબ્દ ઈન્ટરનેટ ઉપર ખૂબ જાણીતો અને રસપ્રદ બન્યો છે. કોઈ એક વ્યક્તિના સ્ટેટમેન્ટને મારી, મચોડી, તોડીને એનું મન ફાવતું અર્થઘટન કરીને પછી એના વિશે ઘસાતી કોમેન્ટ કરવી એ ફસાવવાની પ્રક્રિયાની સાથે સાથે એને બીજાની નજરમાં હલકો ચીતરવો કે ઉતારી પાડવાની પ્રવૃતિ છે. ટ્રોલિંગ સૌથી વધુ પોપ્યુલારિટી આપે છે કારણ કે, આજના આ ફ્રસ્ટ્રેટિંગ સમયમાં માણસને પોતાનો ગુસ્સો કાઢવા, અકળામણ ઓકવા કે કડવાશ થૂંકવા માટે આવા એકાદ પાત્રની જરૂર છે જ. મજાની વાત એ છે કે એ પાત્રની સામે જઈને કંઈ કહેવું પડતું નથી. ફેસબુકના માધ્યમથી આ મનની ભડાશ કાઢવાનો સૌથી સરળ રસ્તો છે. એમાં પણ જ્યારે પ્રસિધ્ધ વ્યક્તિનું ટ્રોલિંગ શરૂ થાય ત્યારે લાગતા-વળગતા અને નહીં લાગતા-વળગતા બધા જોડાય છે કારણ કે, પ્રસિધ્ધ વ્યક્તિનું ટ્રોલિંગ કરવાથી આપણે પણ પ્રસિધ્ધ થઈ શકીએ, એ સાદુ ગણિત હવે ઈન્ટરનેટ અને મોબાઈલ વાપરનાર દરેકને સમજાવા લાગ્યું છે.
ટ્રોલિંગ ક્યાંયથી પણ શરૂ થઈ શકે, કશું ન હોય ત્યાંથી પણ ! કોઈ એક વ્યક્તિએ પોતાના ફેસબુક પર મુકેલા નાના વિડિયો કે સ્ટેટમેન્ટને તદ્દન જુદા જ અર્થમાં, તોડી-મરોડીને રજૂ કરવાની આવડત હોવી જોઈએ. એક વાર, એક જણ આ રમત શરૂ કરે પછી પ્રસિદ્ધિના ભૂખ્યા અને ફ્રસ્ટ્રેટેડ લોકો, જે-તે વ્યક્તિના હિતશત્રુઓ અને એમના ખુલ્લેઆમ દુશ્મની સ્વીકારતા પ્રામાણિક શત્રુઓ બજારમાં ઉતરે. જે નથી ઓળખતા એવા પણ કેટલાક પોતાના મગજમાં ચાલતા ચકરડાં ઘુમાવીને પોતાનો અભિપ્રાય આપવા હાજર થઈ જાય. ટ્રોલિંગની મજા એ છે કે જે-તે વ્યક્તિ વિશેની તો ચર્ચા હોય જ, પણ એની સાથે સાથે ટ્રોલર્સ અંદર-અંદર પણ બાખડી પડે. કેટલીક વાર એવું બને કે ટ્રોલિંગ કોઈક બીજાનું ચાલતું હોય અને એમાં બાખડી પડેલા બે જણા એકબીજાના કપડાં જાહેરમાં ઉતારવાનું શરૂ કરી દે…
આ એક એવી રમત છે, જે બીજી વ્યક્તિની જિંદગીમાં પલીતો ચાંપવાનું કામ કરે છે. એનાથી પ્રભાવિત નહીં થનાર ઘણા છે. હિંમતથી આવા ટ્રોલિંગનો સામનો કરનાર લોકો ઓછા નથી, પરંતુ એમનો પરિવાર, એમની સાથે જોડાયેલા સ્વજનો, જો સ્ત્રી હોય તો પતિ અને સંતાનો, જો પુરૂષ હોય તો પત્ની અને પત્નીનાં સગાં-વહાંલાં શું વિચારશે એમ વિચારીને પણ ક્યારેક માણસ આવા ટ્રોલર્સ સામે હથિયાર નાખી દે એવું બને. પહેલાંના જમાનામાં જેને બ્લેકમેઈલિંગ કહેવામાં આવતું હતું એવી પણ એક રમત આ ટ્રોલર્સે શરૂ કરી છે. ટ્રોલિંગ બંધ કરવાના પૈસા લીધા હોય એવા કિસ્સા પણ જાણવા મળે છે. કેટલાક ટ્રોલર્સ ટ્રોલિંગ કરીને પ્રસિદ્ધ વ્યક્તિની નજીક જવાનો પ્રયાસ કરે. પહેલાં એના વિશે ખરાબ લખવું, પછી સમાધાન કરવું, ફોટો પાડીને પોતાના ફેસબુક પર મૂકવો અને દેખાડવું કે પોતે કેવી રીતે આવી પ્રસિદ્ધ વ્યક્તિઓને ઝુકાવી શકે છે… આ ઈગો મસાજ છે !
આવી એક આખી માફિયા ગેંગ ઊભી થઈ છે. જેમને બીજાને ટ્રોલ કરીને, અપમાનિત કે બદનામ કરીને એક વિચિત્ર પ્રકારની મજા આવે છે. ટ્રોલિંગથી સામેની વ્યક્તિને બેચેન કરી શકાય છે. જે વ્યક્તિ પ્રસિદ્ધ છે, જાણીતી છે એને માટે આવું ટ્રોલિંગ એની પ્રસિદ્ધિને નુકસાન કરે છે, એવું જે વ્યક્તિ માને છે એને માટે ટ્રોલિંગ ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન બંને લાવી શકે. આપણે સમજતા નથી, પરંતુ અગત્યની વાત એ છે કે જે વ્યક્તિ ટ્રોલિંગ કરે છે એનો ઈરાદો જેમ પ્રસિદ્ધ થવાનો છે, એવી જ રીતે જેને વિશે ટ્રોલિંગ થાય છે, એને વિશે ખણખોદ કરનારા પણ ઓછા નથી ! ખરાબ લખીને, કોઈના વિશે ગોસિપ બહાર પાડીને, એની અંગત વિગતોની જાહેરમાં ચર્ચા કરીને કે ખરા-ખોટા આક્ષેપો કરીને કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ વિશે લખનાર જેમ પોતે પ્રસિદ્ધિ ઝંખે છે એવી જ રીતે એ અજાણતાં જ જે-તે વ્યક્તિને પણ વધુ ચર્ચામાં લઈ આવે છે. અજાણતાં જ આવા ટ્રોલર્સ જેના વિશે લખે છે એને વધુ ફોલોઅર્સ મળતા થાય છે ! નવાઈની વાત એ છે કે કોઈના વિશે સારું લખાય, વખાણ થાય, એને એવોર્ડ મળે કે એણે કંઈ જબરદસ્ત કામ કર્યું હોય તો એને જેટલું ફોલોઈંગ નથી એટલું ફોલોઈંગ એને ટ્રોલિંગ થવાથી મળે છે.
તનુશ્રી દત્તા જેવી એક્ટ્રેસ, જે ભૂલાઈ ગઈ હતી એ મી-ટુથી બજારમાં આવી. એને ફરી એકવાર પ્રસિદ્ધિ મળી. એણે તો માત્ર એકવાર હેશટેગ મી-ટુની જ શરૂઆત કરી, પણ એ પછી એના વિશે થયેલું ટ્રોલિંગ એને મજબૂત પ્રસિદ્ધિ આપી ગયું. હજી હમણાં જ જેએનયુમાં જઈને દીપિકા પદુકોણે એક પથરો માર્યો, એ પછી થયેલા ટ્રોલિંગે એની નવી રિલિઝ થયેલી ફિલ્મ ‘છપાક’ને પબ્લિસિટી અપાવી. એક સીધા-સાદા એસિડ એટેકની કથાને ધાર્મિક રંગ આપવાનું કામ આ ટ્રોલર્સે કર્યું. કોને ખબર ! સોશિયલ મિડિયામાં થયેલું આ ટ્રોલિંગ સાચે જ દીપિકા અને મેઘના ગુલઝારની વિરુદ્ધમાં થયું છે કે પછી લોકો આ ફિલ્મ જોવા જાય એ માટે એમણે જાતે જ ઊભી કરેલી કોઈ કોન્ટ્રોવર્સી છે, જે એમને પ્રસિદ્ધિ આપે…
પ્રસિધ્ધ થવા માટે માણસ કંઈ પણ કરી શકે… અમેરિકાનો એક કિસ્સો છે. એક માણસે બિલાડીના બચ્ચાને મારી નાખ્યાં અને એનો વીડિયો વાયરલ કર્યો. ‘કિટન’ એ સૌથી વધુ ફોલો થતા હેશટેગ અથવા વીડિયોમાં એક શબ્દ છે ! આખા વિશ્વના લોકોએ એ વિશે ઉહાપોહ કર્યો. એક રાતમાં હજારોની સંખ્યામાં આ વીડિયો ફોલો થયા. મારી નાખનારને મજા પડી ! એણે ફરી એક કાળી બિલાડીને ક્રૂરતાથી કતલ કરી એનો વીડિયો વાયરલ કર્યો… એનું આઈપી એડ્રસ શોધીને એને પકડવા માટે આખી દુનિયાના લોકો પોતાનો સમય, શક્તિ અને સંસાધન વાપરવા લાગ્યા. અંતે એ પકડાયો ત્યારે કોર્ટે કહ્યું કે, બહુ બહુ તો એને આપણે એનિમલ રાઈટ્સમાં નાની સજા કરી શકીએ, બાકી કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી ! એ માણસને જે પ્રસિધ્ધિ મળી એ જોઈને બીજા લોકોએ પણ આવા વીડિયો વાયરલ કરવા માંડ્યા ! આપણને નવાઈ લાગે પણ સત્ય એ છે કે કોઈને મારી નાખવાથી પણ જો પ્રસિધ્ધિ મળતી હોય તો કેટલાક પબ્લિસિટી ક્રેઝી લોકોને એ કરવામાં વાંધો નથી.
સત્ય તો એ છે કે આવા ટ્રોલર્સથી ડરવાને બદલે, એમને પ્રસિદ્ધિ મળી જશે એવું વિચારીને એમને જવાબ નહીં આપવાને બદલે એમને ઉઘાડા પાડીને હિંમતપૂર્વક એમનો સામનો કરવો જોઈએ. પરિવાર અને સ્વજનોને સાથે લેવા જોઈએ. એમનાથી આવું ટ્રોલિંગ છુપાવવાને બદલે એમની સાથે આપણે જ શેર કરવું જોઈએ. એક પરિવાર કે સ્વજનો આપણી સાથે રહીને આવી લડાઈમાં જે હિંમત આપી શકે છે એ બીજું કોણ આપી શકે?
જો જિંદગી પ્રામાણિક હોય અને કોઈને નુકસાન ન કર્યું હોય, તો પોતાની ટર્મ્સ પર જીવવામાં કે પોતાના વિચારો પ્રમાણે લખવામાં, બોલવામાં, વર્તવામાં, ફિલ્મો બનાવવામાં કે જાહેરમાં અભિપ્રાય આપવામાં કશું જ ખોટું નથી. જો બીજા શું વિચારશે એમ આપણે જ વિચારવા માંડીએ, તો એ પછી એ બિચારા શું વિચારશે?