મન મોર ભયો વિભોર

जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा

बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता।

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કવિતા ગૂગલ ઉપર વાઈરલ થઈ. સાથે એમની મોરને દાણા ખવડાવતી તસવીરો પણ વાઈરલ થઈ. લાલુપ્રસાદ યાદવે વાંધો ઉઠાવીને રાષ્ટ્રીય પક્ષીને પાળવા કે બાંધવા વિશે પોતાના મંતવ્યો જાહેર કર્યા… નવાઈની વાત એ છે કે તમામ ચિત્રોમાંથી એકપણ ચિત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરને પકડી રાખ્યા હોય કે બાંધ્યા હોય એવો ફોટો નથી ! નરેન્દ્ર મોદી મોરની પાછળ દોડતા ય નથી બલ્કે પૂરા આનંદ અને વિશ્વાસથી એમના હાથમાંથી દાણા ચણતા મોર જોઈને આપણને એટલું ચોક્કસ સમજાય કે એક ભોળું અને સરળ પક્ષી જો એમના પર વિશ્વાસ કરીને એમના હાથમાંથી દાણા ચણે છે તો પ્રધાનમંત્રી નિવાસ અન્ય પ્રાણી અને પક્ષીઓ માટે પણ કેટલો સેફ અથવા સલામત હશે ! મોરને ખબર નહીં હોય કે મોદી સાહેબને મળતા પહેલા એણે લાલુપ્રસાદની પરમિશન લેવી પડતી હશે !

દુનિયાની દરેક બાબતમાં રાજકીય મુદ્દો શોધી લેનાર રાજકારણીઓને એક સામાન્ય સ્નેહ સંબંધમાં પણ રાજકીય મુદ્દો દેખાય ત્યારે પરિસ્થિતિ હાસ્યાસ્પદ થઈ જાય. આપણા ઘરના નળમાં પાણી જતું રહે કે ઈલેક્ટ્રિસિટી ઉડી જાય ત્યારે એમાં ‘વિદેશી સત્તાનો હાથ’ ન હોઈ શકે એટલું તો કોઈને પણ સમજાવું જોઈએ. કરવા ખાતર કરવામાં આવતી વિધાનબાજીઓ હવે ધીરે ધીરે પ્રજાને પણ અબકે પડવા લાગી છે. રાજનેતાઓનો બકવાસ એમની માનસિકતા છતી કરે છે. શું બોલવું, કેટલું બોલવું અને ક્યારે ન બોલવું આ રાજકારણની ત્રણ મોટી અને મુખ્ય શરતો છે, પરંતુ મોટાભાગના રાજનેતાઓને આવી કોઈ શરતો વિશે જાણ હોતી નથી, કારણ કે એમને ‘સાચા રાજકારણ’ વિશે ઝાઝી માહિતી હોતી નથી. એકબીજા ઉપર કાદવ ઉછાળવો એ રાજકારણ નથી જ. જ્યારે એક નેતા પ્રજાની સમક્ષ બીજા નેતાને નાનો, જુઠ્ઠો કે અપ્રામાણિક ચીતરે છે ત્યારે પૂરેપૂરી શક્યતા છે કે એના પછીનો વારો પોતાનો હોય !

આજનું રાજકારણ જંગલ જેવું થઈ ગયું છે. દરેકે દરેક વ્યક્તિએ પોતાની તાકાત સાબિત કરવાની છે. આ તાકાત સાબિત કરવામાં કોઈ એથીક્સ, નીતિમત્તા, મોરલ્સ કે સિદ્ધાંતોની જરૂર નથી. મારે તેની લાઠી ને વાઢે તેનું ધારિયું… સિવિલાઈઝ્ડ સોસાયટીમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાતા આ દેશમાં કોઈપણ બહાને સામેની વ્યક્તિને ઉતારી પાડવાની આ રમતથી હવે પ્રજા થાકી છે. નેતાઓની બયાનબાજી અખબારોમાં કે અર્ણવના શોમાં, કોઈ જોતું નથી. એના કરતા ‘બિગબોસ’ અને ‘ખતરોં કે ખિલાડી’ની ટીઆરપી વધારે આવે છે.

નવાઈની વાત એ છે કે એકતરફથી આ જંગલરાજનું રાજકારણ છે તો બીજી તરફ આપણે જીવદયા, પ્રાણીદયા અને સહાનુભૂતિની વાતો કરીએ છીએ. રસ્તે રખડતા કૂતરા ગરીબ માણસોને, એમના બાળકોને બચકાં ભરે એનો વાંધો નહીં, પરંતુ એને પકડવા વિશે મેનકા ગાંધી પોતાની ટીમ સાથે રસ્તા પર ઉતરી પડે છે. ગુનો સાબિત થાય તે પહેલાં પોલીસ સ્ટેશન લઈ જવાયેલા કૂમળા યુવાન છોકરાંઓ ઉપર બેરહેમીથી દંડા વરસે ત્યારે એના ગરીબ મા-બાપ બહાર બેસીને ચીસો સાંભળવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી. માણસ અને પ્રાણી વચ્ચે હવે પ્રાણીનું મહત્વ વધ્યું છે. એનીમલ રાઈટ્સ માટે જાહેરાતો કરાય છે, ટીમ ઊભી કરાય છે, પરંતુ નોકરી કરીને કે ભણીને મોડી સાંજે ઘેર આવતી છોકરીઓની સલામતી માટે કોઈ મજબૂત વ્યવસ્થા નથી. બળાત્કારની પીડિતાનું કોર્ટમાં જે રીતે વિશ્લેષણ કરવામાં આવે છે એમાં જીવદયા વિશે વિચાર આવે છે કોઈને ?

દંભી સમાજના દંભી લોકો છીએ આપણે. બાજુમાં ડોમેસ્ટીક વાયોલેન્સ ચાલતું હોય, તો ‘આપણે શું કરી શકીએ? એમનો પર્સનલ પ્રોબ્લેમ છે.’ કહીને છૂટી જઈએ છીએ, પરંતુ બચ્ચન સાહેબ કે મોદી સાહેબની જિંદગી અંગત ન હોઈ શકે… એમની દરેક બાબતમાં આપણે કોમેન્ટ કરવી પડે, ટ્રોલ કર્યા વગર ચાલે નહીં! આ જ તસવીરો, મોરની સાથે દાણા ખવડાવતી કોઈ બીજી વ્યક્તિએ અપલોડ કરી હોય તો હજારો લાઈક્સ મળી હોત, ‘વાઉ’ અને કેટલાય જીફ મળ્યા હોત. આ નરેન્દ્ર મોદી છે, માટે એનો વિરોધ કરવો જ પડે એવું માનીને જીવનારા લોકોની એક આખી ટીમ છે. બીજી તરફ એક એવી ટીમ છે જે એના વિરોધ કરનારાનો વિરોધ કરે છે. પાકિસ્તાન મોકલી દેવાની ધમકી આપે છે, એમને ધર્મવિરોધી, વામપંથી ગણાવીને હેરાન પરેશાન કરે છે…

લોકશાહી દેશમાં એક વ્યક્તિ પોતાનો અભિપ્રાય ઉચ્ચારે એ માત્ર અભિપ્રાય જ હોય છે. એ અભિપ્રાયને જો એના પૂરતો રહેવા દઈએ તો ઝાઝો પ્રશ્ન થતો નથી. કદાચ કોઈ વાંચતું ય ન હોય, પરંતુ એનો વિરોધ કરનારાઓ, ટ્રોલ કરનારાઓ એ નગણ્ય અભિપ્રાયને જગજાહેર કરી મૂકે છે. આપણે સમજીએ છીએ કે નહીં, કોને ખબર… પરંતુ એક પ્રાણી, પક્ષી કે જીવ માત્ર સિક્સ્થ સેન્સમાં કામ કરે છે. જેને ડોગ્સ માટે પ્રેમ હોય એની સાથે વર્તતો કૂતરો અને જે કૂતરાને ધિક્કારતા હોય એની સાથે વર્તતો કૂતરો જાતે જ નક્કી કરી લે છે કે સામેની વ્યક્તિ પાસે જવું કે નહીં. મોરનું પણ આવું જ હશે, એ પ્રધાનમંત્રીને ક્યાં ઓળખે છે ? એ ક્યાં વોટર છે ? એને તો એક સ્નેહાળ, પ્રેમાળ વ્યક્તિ પોતાના હાથમાંથી દાણા ખવડાવે છે. એ સ્પર્શ અને કાળજી જ સમજાય છે.

આપણે બધા પક્ષી કે પ્રાણી પાળવા વિશે એક વિચિત્ર માન્યતા ધરાવીએ છીએ. ઘરમાં કૂતરો પાળવો, ફિશ ટેન્ક રાખવી, લવ બર્ડ્સ કે પોપટ પાળવા, કાચબા પાળવા વગેરે ઘણા લોકોનો શોખ હોય છે. જંગલમાં મુક્ત વિહરતું, એની મરજીથી જીવતું પ્રાણી આપણા કાબૂમાં આવે એ અહંકાર આપણા માટે ઘણો મહત્વનો હોય છે. ખરીદીને કે ક્યાંકથી માગીને લવાયેલો પેડીગ્રી ડોગ અથવા પંખી, માછલી કે બીજું કોઈ પ્રાણી ફ્લેટમાં કે બંગલામાં રહેવા ટેવાયેલું નથી જ. આપણે એને પરાણે આપણા ઘરમાં રહેવાની ટેવ પાડીએ છીએ.

આ એમની જરૂરિયાત નથી, આપણી જરૂરિયાત છે. મોટાભાગના લોકોને આ સમજાય છે કે નથી સમજાતું, પરંતુ પેટ અથવા પાલતુ પ્રાણીને આશ્રયની જરૂર નથી હોતી. એને તો એની દુનિયા ખુલ્લી, આઝાદ અને મુક્ત ગમે છે. આપણા શોખ ખાતર આપણે કોઈને લાડ કરવા છે, વહાલ કરવું છે કે આપણને કોઈ ઈમોશનલ એન્કર જોઈએ છે એ માટે આપણે પાલતુ પ્રાણી અથવા જીવને ઘરમાં લાવીએ છીએ. એ બોલી નથી શકતું, એની ભાષા ધીરે ધીરે આપણને સમજાવા લાગે છે. એ આપણી ભાષા અને સૂચના સમજવા લાગે છે. પરસ્પર પ્રેમ વધે છે, પછી આદત બની જાય છે… એની ગેરહાજરી ખૂંચવા લાગે છે. એ પણ આપણી પ્રતીક્ષા કરવા લાગે છે. આપણે ન હોઈએ તો ઝૂરવા લાગે છે.

માણસ જેટલી સહજતાથી પોતાના પ્રિયજનની કે પોતાના ઉપર સ્નેહ રાખનારની હાજરીને વિસરી શકે છે એટલી સહજતાથી પ્રાણી કે પક્ષી વિસરી શકતું નથી. સુશાંતસિંહનો ડોગ હોય કે મોદી સાહેબનો મોર… એ તો માત્ર સ્નેહની અને કાળજીની ભાષા સમજે છે. એને તો પોતે રાષ્ટ્રીય પક્ષી છે એવી યે ખબર નથી. વિરોધપક્ષ કે પી.એમ. વિશે એને કોઈ લેવાદેવા નથી. અખબારમાં અને ટ્વિટર પર આ તસવીરો જોઈને જો એ બોલી શકતો હોત તો એણે કહ્યું હોત, “આ તો હું છું, અને આ મારા દોસ્ત…”

જે ક્ષણે કોઈના સાંનિધ્યમાં કવિતા સ્ફૂરે એ ક્ષણ વિશ્વની સૌથી પવિત્ર, પ્રેમાળ અને પર્સનલ ક્ષણ હોય છે. નરેન્દ્ર મોદીએ રચેલી કવિતા અને એમના હાથમાંથી દાણા ચણતા મોરનું આ દ્રશ્ય ગાંધીની અહિંસા અને કૃષ્ણની ઋજુતાની યાદ અપાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *