મૈં ગુલામ હું, આ મુજે ખરીદ મુર્શીદ હૈ તૂ, મૈં તેરા મુરીદ

સાવકી મા એક બાળકને વિશાળ હવેલીના ભોંયરામાં બંધ કરી દે અને એ બાળકની સાથે સમય વિતાવતી એની આયા જે વારંવાર પુરુષોથી શોષીત અને અપમાનિત થઈ છે. એ આયા આ નાનકડા છોકરાને ધીમે ધીમે શીખવે છે કે, “પુરુષ ભયાનક પ્રાણી છે. મોટો થાય ત્યારે તું પુરુષ નહીં બનતો, મારી દોસ્ત બનજે. એક સરસ મજાની સ્ત્રી બનજે…”

વિતતા સમય સાથે મોટો થતો છોકરો મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર થાય છે. એક જ શરીરમાં દિવસે પુરુષ અને રાત્રે સ્ત્રી જીવે છે… પાકિસ્તાની ટેલિવિઝન શોપ ‘ઈશ્ક ઝહે નસીબ’ની આ કથા પ્રમાણમાં બોલ્ડ અને આધુનિક માનસના ગૂંચવાડા સાથે ગુંથાતી કથા છે. અભિનેતા ઝહિદ અહેમદનો અભિનય પ્રશંસા કરતાંય થોડુંક વધુ લઈ જાય એમ છે. એક જ વ્યક્તિમાં વસતી બે વ્યક્તિઓ વિશે અનેક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ્સ બની ચૂકી છે. ‘ડોક્ટર જેકીલ અને હાઈડ’થી શરૂ કરીને અનેક ભાષાના અનેક સાહિત્યોમાં એક વ્યક્તિના માનસમાં વસતી અનેક પર્સનાલિટીઝની વાત આપણે સાંભળી ચૂક્યા છીએ. ફ્લોર સ્ક્રેલ્બરની નવલકથા ‘સિબિલ’ એક વ્યક્તિમાં વસતી અનેક વ્યક્તિઓની વાત કરે છે. હિન્દી ફિલ્મ ‘દિવાનગી’ અને બીજી અનેક ફિલ્મોએ આ કથાને જુદી જુદી રીતે આપણા સુધી મુકી આપી છે.

આપણામાંના બહુ ઓછા લોકો જાણતા હશે કે આપણી જાણ બહાર આપણા વ્યક્તિત્વમાં કોઈ એક બીજી વ્યક્તિ આપણી સાથે જીવતી હોય છે. ડિસઓર્ડર અને ડિઝીસમાં ફેર છે. આપણે ન જાણતા હોઈએ એવી રીતે આપણી કેટલીક વર્તણૂક આપણા બાળમાનસમાં સંગ્રહાયેલી કેટલીક બાબતો સાથે જોડાયેલી હોય છે. સિગ્મન્ડ ફ્રોઈડ નામના એક વૈજ્ઞાનિકે આ બાબતની સૌથી પહેલી શોધ કરી હતી અને કહ્યું હતું કે, માણસનું વર્તન એના બાલ્યકાળના અનુભવો પર આધારિત હોય છે. કોઈ નબળો છોકરો માર ખાતો હોય ત્યારે એને બચાવવા આવેલા એના કોઈ મજબૂત મિત્રની છાપ એના મન પર એવી અંકિત થઈ જાય કે પછી એ છોકરો એના વ્યક્તિત્વનો ભાગ બની જાય. એવી જ રીતે કોઈ એક સ્ત્રી જેનો દેખાવ, સ્વભાવ, રહેન-સહેનની અસર કોઈ નાનકડી છોકરી પર એવી છાપ છોડી જાય કે એ છોકરી જ્યારે મોટી થાય ત્યારે એના સબકોન્શિયલ લેવલ ઉપર એ અજાણતાં જ પેલી સ્ત્રીની જેમ વર્તે…

આપણે આપણા પોતાના મન વિશે કશું જ નથી જાણતા, એમ કહીએ તો ખોટું નથી. ક્યારેક આપણો ગુસ્સો કે રીએક્શન આપણા મનના ઉંડાણમાં પડેલી કોઈ એવી બાબતનું પરિણામ હોય છે, જેને વિશે આપણે સજાગ નથી હોતા. કોઈ જ્યારે આપણને એમ કહે કે હું આવું કેવી રીતે બોલી ગયો/ગઈ એની મને પોતાને જ ખબર નથી ત્યારે આપણે એની વાત માનતા નથી. એને જુઠ્ઠા કહીને તિરસ્કારી નાખીએ છીએ, પરંતુ સત્ય એ છે કે મોટાભાગની વ્યક્તિઓના વર્તન કોન્શિયસ કે સમજી વિચારીને કરવામાં આવેલા વર્તન નથી હોતા. આપણું અજાગૃત મન દિવસમાં કેટલી બધી બાબતોને સંગ્રહે છે. એમાંની કેટલીક બાબતો આપણને ગમે છે તો કેટલીક બાબતો આપણેને અપમાનિત અનુભવ કરાવે છે, કેટલીક બાબતોથી ભય લાગે છે… આ બધું આપણું જાગૃત મન નોંધતું નથી. આપણું વર્તન આપણા અજાગૃત મનમાંથી નીકળતું પરિણામ અથવા રિએક્શન છે. આ કોઈ છટકબારી નથી. આ વાતનો ઉપયોગ કરીને આપણા જીવનસાથીને, પ્રિયપાત્રને કે માતા-પિતાને મૂર્ખ બનાવવાની વાત નથી.

સત્ય એ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને ચાહતા હોઈએ ત્યારે એના વર્તનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે ભાગ્યે જ સજાગ વર્તન કરીએ છીએ. મોટાભાગનું આપણું વર્તન ‘એક્શન’ નહીં ‘રીએક્શન’ હોય છે. આપણે જ્યારે વિચારીને નથી વર્તતા ત્યારે આપણા વર્તનનું શું પરિણામ હોઈ શકે એની આપણને કલ્પના નથી હોતી. જેમ કે, કોઈ મા પોતાના બાળકને કહે, “તારો બાપ નકામો છે, લફરાંબાજ…” માએ તો કહેવા ખાતર જ કહ્યું છે, એના ક્ષણિક આવેશના પરિણામ સ્વરૂપે, પરંતુ બાળક માટે આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. એવી જ રીતે સ્કૂલમાંથી પેન્સિલ કે રબર જેવી ગમતી વસ્તુ ઉઠાવી લાવેલા બાળકને સમજાવીને પાછું આપવા તૈયાર કરવાને બદલે, “તું ચોર છે ? મેં તને આવું શીખવ્યું છે ?” પૂછતી મા કે મારતી મા એના મનમાં ચોરી વિશેનો એક દ્રઢ વિચાર રોપી દે છે. પકડાવાય નહીં એવી રીતે ઉઠાવી લો તો માર ન પડે આવું કોઈક અનુસંધાન એનું મન જોડી લે તો બાળક જીવનભર માટે ક્લિપ્ટોમેનિયાક થઈ શકે છે. જે મા પોતાની દીકરીને પુરુષ વિરુદ્ધ જાત-જાતનું કહ્યા કરે એની દીકરી લેસ્બિયન થાય તો નવાઈ નહીં !

આપણે બધા જ જે કંઈ જીવીએ છીએ તે આપણને મળેલા અનુભવોમાંથી આપણને લાધેલા અર્થ અને એમાંથી આપણે મેળવેલા જ્ઞાનની એક સમજદારી ઉપર જીવવાનો દાવો કરીએ છીએ. આપણને મળેલો દરેક અનુભવ આપણે જેવી રીતે જોયો છે, એમાંથી જે અર્થ તારવ્યો છે એ જ સાચો હોય એવું જરૂરી નથી. બીજી તરફ આપણી જિંદગીનો મોટો હિસ્સો આપણી અણસમજમાં કે આપણા સુષુપ્ત મનમાં સંગ્રહાતા જતા વિચારો ઉપર આધારીત છે. આમાંથી આપણે જે સમજી શકીએ છીએ તે આપણું વર્તન છે !

મોટાભાગના લોકોનો પોતાના વર્તન પર કાબૂ નથી હોતો. બિનજરૂરી જુઠ્ઠું બોલી નાખવું, સાવ નકામી વાતમાં પ્રચંડ ક્રોધ કરવો, બિનજરૂરી ચોખ્ખાઈ કર્યા કરવી, કેટલીક વાતો પર મનફાવતો અર્થ તારવીને ખોટું લગાડવું, દરેક માણસ મારી જ વાત કરે છે એવું ધારીને જાતને બિનજરૂરી મહત્વ આપી દુઃખી થવું, સતત પોતાના અફેર વિશે વાતો કર્યા કરીને પોતે હજી કેટલા પોપ્યુલર છે તે સાબિત કરવાનો નિરર્થક પ્રયાસ કરવો, ટોળામાં જોક્સ મારીને ધ્યાન ખેંચ્યા કરવું, જાહેરમાં મોટેથી બોલવું, કોઈની સાથે વાત કરતી વખતે કારણ વગર જ્ઞાન આપવાનો પ્રયાસ કરવો અથવા પોતે બીજાથી વધુ જાણે છે એવું દેખાડવાનો મરણિયો પ્રયાસ કરવો… આવું તો મોટું લિસ્ટ બની શકે, પણ આપણે આપણી જાતને ઓળખવાની છે. આપણા વર્તન ઉપર આપણો કાબૂ હોવો જઈએ, નહીં કે વર્તનનો આપણા ઉપર… આપણે જે બોલીએ, વર્તીએ કે આપણી જાતને જે રીતે પ્રોજેક્ટ કરીએ એ સંપૂર્ણરીતે આપણા નિયંત્રણમાં હોવું જોઈએ, તો જ આપણે સ્વસ્થ કહેવાઈએ.

જરૂરી એ છે કે આપણા કોઈપણ અનુભવને સીધે સીધો સુષુપ્ત મનમાં પ્રવેશવા દેતા પહેલાં એકાદ વાર એની સમજણ મેળવી લેવી. બાળક હોઈએ ત્યારે કદાચ આવું ન થઈ શક્યું હોય, પરંતુ ક્યારેક આપણને લાગે કે આપણું વર્તન આપણા કાબૂ બહાર, સમજ બહાર કે આપણી પ્રકૃતિ વિરુદ્ધનું હતું તો એ વર્તન વિશે થોડુંક વિચારીને જાતને એનાલાઈસ કરી લેવી. દરેક વખતે માનસશાસ્ત્રીની મદદ જરૂરી નથી હોતી. કેટલીક સમસ્યાઓને જો શરૂઆતથી સમજીને એમાં સુધાર લાવવાનો પ્રયાસ આપણે જાતે કરી શકીએ તો આપણે એક સ્વસ્થ અને સમજદાર વ્યક્તિ તરીકે જીવી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *