મૈં ભૂલ જાઉં તુમ્હેં… અબ યહી મુનાસીબ હૈ

1998માં રિલિઝ થયેલા જગજીતસિંગના આલ્બમ જાવેદ અખ્તરની એક નઝ્મ સમાવી લેવાઈ હતી… જિંદગીના સંબંધોને આ નઝ્મ બહુ જુદી રીતે અને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. આપણે આ નઝ્મને સ્ત્રી-પુરુષના સંબંધથી બહાર નીકળીને જોઈએ તો એ દરેક સંબંધ સાથે જોડી શકાય એવી યુનિસેક્સ અને યુનિવર્સલ કવિતા છે.

મૈં ભૂલ જાઉં તુમ્હે, અબ યહી મુનાસિબ હૈ,

મગર ભુલાના ભી ચાહું, તો કિસ તરહ ભૂલું,

કિ, તુમ તો ફિર ભી હકીકત હો, કોઈ ખ્વાબ નહીં.

મિત્રતાના, માતા-પિતા સાથેના કે આપણી સાથે સારો સમય વિતાવી ચૂકેલા કેટલાંય લોકો સાથેના આપણા સંબંધ ક્યારેક બગડી જાય, એમાં ખટાશ કે કડવાશ આવી જાય ત્યારે આપણે એ સંબંધને એક ઝાટકે તોડીને, ફેંકી દેવા માગતા હોઈએ છીએ. સંબંધ કોની સાથે છે, એનાથી વધુ મહત્વ એ વાતનું છે કે સંબંધ કેટલો ઉંડો અને આપણી ભીતર કેટલો વિસ્તરેલો છે. જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી આપણને ખબર જ નથી પડતી કે જેને આપણે સાવ ઉપરછલ્લું કે અધકચરું માનતા હતા એ આપણી રગોમાં ફેલાઈ ચૂક્યું છે. આપણી આસપાસના જગતમાં ક્યાંક એ વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે એ વાત ભૂલી શકાતી નથી. જ્યારે ‘એના’ વિશે બધું જ જાણવું હોય છે ત્યારે ક્યાંયથી માહિતી મળતી નથી અને, એના વિશે કશું નથી જાણવું એવું નક્કી કરી લીધા પછી ચારે તરફથી એના જ વિશે માહિતી મળ્યા કરે છે ! કારણ કે, એની સાથેનો આપણો સંબંધ આપણા અસ્તિત્વનો હિસ્સો હોય છે. કેટલીક વ્યક્તિઓ જીવનમાં હોય છે અને કેટલીક જેહનમાં. જીવનમાંથી ચાલી ગયેલી વ્યક્તિ કમભાગ્યે જેહનમાંથી જતી નથી, જઈ શકતી નથી !

યહાં તો દિલ કા યે આલમ હૈ ક્યા કહૂં, કમબખ્ત,

ભુલા સકા ના યે વો સિલસિલા, જો થા ભી નહીં,

વો ઇક ખયાલ જો આવાજ તક ગયા હી નહીં

વો એક રબ્ત જો હમમેં કભી રહા હી નહીં,

મુઝે તો યાદ વો સબ જો કભી હુઆ હી નહીં,

અગર યે હાલ હૈ દિલ કા તો કોઈ સમજાએ,

તુમ્હેં ભુલાના ભી ચાહૂઁ તો કિસ તરહ ભુલું…

જેહન એટલે વિચારો, તસવ્વુર એટલે કલ્પના. મોટાભાગના સંબંધો આપણા જેહનથી તસવ્વુરની વચ્ચે જ હોય છે. મનથી કલ્પનાની વચ્ચે ! દિલના સંબંધોમાં ઉપર આપણો કાબૂ નથી હોતો. માણસ માત્રની સૌથી મોટી નબળાઈ એ છે કે એ વિચારે છે, નિર્ણય કરે છે મગજથી અને વર્તેથી હૃદયથી ! કેટલાક સંબંધોને આપણે જે દિશામાં લઈ જવા હોય એ દિશામાં જઈ શકતા નથી. એ સંબંધમાંથી જે મેળવવા કે પામવા ઈચ્છ્યું હોય એ મળ્યું ન હોય, ત્યારે અફસોસ હોય એ સ્વાભાવિક છે. દરેક સંબંધને એક્સ્પ્રેશન અથવા અભિવ્યક્તિની ગરજ હોય છે. મિત્ર, માતા-પિતા, પ્રિયજન કે જીવનસાથી, દરેક ઈચ્છે છે કે એમના પરત્વેની લાગણીને શબ્દોમાં મૂકાય, અભિવ્યક્ત કરાય. આપણે કદાચ એવી અપેક્ષા ન રાખતા હોઈએ તો એનો અર્થ એવો નથી કે આપણે આપણા સ્વજન કે પ્રિયજનની અપેક્ષા પણ પૂરી ન કરવી… કોઈપણ સંબંધમાં બે વ્યક્તિઓ હોય છે, અને સંબંધમાં બે જ વ્યક્તિઓ હોય છે. દુનિયાનો દરેક સંબંધ ઈન્ટરપર્સનલ હોય છે. આપણે જે વ્યક્તિ સાથે જોડાઈએ, કોઈપણ સંબંધે… એ વ્યક્તિ સાથેનો આપણો સંબંધ આપણી અપેક્ષા અને એની સમજણ વર્સીસ એની અપેક્ષા અને આપણી સમજણ ઉપર આધારીત છે. સ્વાભાવિક છે કે બંને સરખા ન જ હોય. જાવેદ સાહેબની આ કવિતા તૂટી ગયેલા સંબંધના અફસોસની કવિતા નથી, એમની આ નઝ્મ સંબંધમાં રહી ગયેલી અભિવ્યક્તિની કવિતા છે.

આપણે બધા જ તૂટેલા સંબંધ પર અફસોસ કરતા લોકો છીએ. મજાની વાત એ છે કે આપણે તૂટેલા સંબંધમાં સામેની વ્યક્તિએ શું નથી આપ્યું અથવા નથી આપી શકી એનો હિસાબ તો બરાબર કરી લઈએ છીએ, પણ આપણે ક્યાં ઓછા કે ઉણા પડ્યા એનો હિસાબ કરવાનો વિચાર પણ આવતો નથી ! જ્યારે બે લોકો સંતુષ્ટ થઈને સંબંધમાંથી બહાર નીકળે, સ્વેચ્છાએ કે કોઈ કારણસર નીકળવું પડે ત્યારે સાથે નહીં રહી શક્યાનો કે સમય ઓછો પડ્યાનો અફસોસ થાય છે. સાથે નહીં જીવી શક્યાની અધૂરપ જીવનભર અનુભવાય છે, પરંતુ જેટલો સમય સાથે વિતાવ્યો એ સાચો અને સ્નેહથી ભીનો હતો, એ વાત તૂટેલા સંબંધના અફસોસને ધીમે ધીમે રુઝ આપે છે. આમ પણ, વિશ્વનો કોઈ સંબંધ શાશ્વત નથી. એક્સ્પાયરી ડેટ સાથે જ આપણને બધા સંબંધો મળતા હોય છે. કેટલાક સંબંધો આપણું અસ્તિત્વ ટકે ત્યાં સુધી ટકતા હોય છે અને કેટલાક સંબંધો આપણા અસ્તિત્વને ટકાવતા હોય છે. બહુ ઓછા સંબંધો એવા હોય છે જે ટકે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ ટકતું હોય છે…

અસ્તિત્વ એટલે શ્વાસ નહીં, જીવન કે શરીર પણ નહીં. અહીં અસ્તિત્વનો સંદર્ભ આપણી ભીતરના અજવાળા સાથે છે. કેટલાક સંબંધો એવા હોય છે જે પૂરા થાય ત્યારે ભીતરનો એક ખૂણો અંધારામાં ગર્ત થઈ જાય છે. એ ખૂણામાં પછી ક્યારેય અજવાળું થઈ શકતું નથી !

આવા સંબંધોને મગજ કે મનમાં નહીં, જીવનમાં સાચવવા જોઈએ. આપણે શું વિચારીએ છીએ કે સામેની વ્યક્તિ માટે કેટલી લાગણી છે એ કહી શકવાની આવડત હોવી જોઈએ અને ન હોય તો કેળવવી જોઈએ. પ્રેમ પ્રગટ કરવાથી દીપક પ્રગટાવવા જેવો અજવાસ થાય છે, ભીતર અને બહાર પણ ! જે લોકોને પ્રેમની અભિવ્યક્તિનો દીપક પ્રગટાવવામાં શરમ આવે કે એની જરૂર નથી એવું માનીને જે લોકો સંબંધને ખોઈ બેસે છે એમને પછીથી એ સંબંધ ભૂલવા માટે અથાગ પ્રયાસ કરવા પડે છે, કારણ કે જે ખૂટે છે તે સંબંધ નહીં, પરંતુ નહીં થઈ શકેલી અભિવ્યક્તિની બાકી રહી ગયેલી એવી ક્ષણો અને લાગણીઓ છે જેની માલિકી આપણી નથી હોતી ! આપણી પાસે રહી ગયેલી કોઈકની વસ્તુ જેમ એની યાદ અપાવ્યા કરે એમ આ ક્ષણો અને લાગણીઓ એ વ્યક્તિને ભૂલાવા નથી દેતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *