લોકડાઉન, ક્વોરન્ટાઈન, હોમ બાઉન્ડ…ની સાથે સાથે ધીમે ધીમે પણ વધતો મૃત્યુદર. સપડાતા લોકો, ચારે તરફથી આવતા અણગમતા સમાચારોની સાથે સાથે જરૂરી-બિનજરૂરી, સાચા-ખોટા સૂચનો. આપણે છેલ્લા એક પખવાડિયાથી શહેરને આપણી બારીના ચોરસ આકારમાં જોયું છે. આકાશનો એવડો જ ટૂકડો આપણે જોતા રહ્યા જેટલો આપણને આપણી બાલ્કનીમાંથી, બારીઓમાંથી કે ટેરેસમાંથી દેખાયો ! મજાની વાત એ છે કે આપણને ખબર છે કે આકાશ એવડું નથી. આપણને એ પણ ખાતરી છે કે આપણી જમણી બાજુથી ડાબી બાજુ સુધી નજર પહોંચે ત્યાં સુધી નથી આપણું શહેર, ફક્ત !
અજગરની જેમ લંબાઈને પડેલી સડકો ઉપર માણસ ન દેખાય, વાહન ન ફરતા હોય ત્યારે એ સડક પહેલાં શાંત અને ધીમે ધીમે ભયાનક લાગવા માંડે. શરૂઆતમાં પંખીના અવાજો ગમે, પછી કદાચ કોલાહલ લાગે, કોઈકને. શરૂઆતમાં ઘરમાં રહેવું ગમે, આરામ જેવું લાગે, પછી ધીરે ધીરે આર્થિક નુકસાન અને 21 દિવસ પછીના ઉઘડતા બજારના વિચારો આવવા માંડે, પજવવા માંડે. આપણા બધા સાથે આવું થયું છે. મુકેશ અંબાણીને કદાચ હજારો કરોડનું નુકસાન થયું હશે અને સામાન્ય લારી ખેંચવાવાળાને કે ચાની કીટલી ચલાવનારને થોડા હજારનું. નુકસાન સહુનું થયું છે, પરંતુ સામે જિંદગીઓ બચી છે. આપણે બધી ધીરે ધીરે માત્ર આંકડામાં હિસાબ માંડતા શીખી ગયા. નંબર્સ આપણા જીવનનું સત્ય બની ગયું. ઉંમર, કિંમત, કલાક, પલ્સ રેટ, બ્લડપ્રેશર, ડાયાબિટીસની સાથે સાથે હિમોગ્લોબિન અને ચાલવાના પગલા માપવાના પણ સાધનો આવવા માંડ્યા. બધું જ ડિજિટલ !
આ આંકડાએ આપણને ગુંચવી દીધા. અંકોડા ભીડાવ્યા, આપણા મગજમાં. કદાચ એટલે પેલી અંકિત થયેલી સ્મૃતિઓ ભૂંસાવા લાગી. છેલ્લા થોડા દિવસમાં કેટલાય લોકોએ જૂના દિવસો યાદ કર્યા છે. સંબંધો રિવાઈવ થયા છે. જાત રિજુવીનેટ થઈ છે… આંકડાથી મુક્ત થઈને આપણા સાંકડા મન મોકળા થયા છે. હવે આપણે જિંદગીની, સંબંધોની કિંમતને બદલે મૂલ્ય આંકતા શીખ્યા છીએ, શીખી રહ્યા છીએ.
જગતની કોઈપણ સમસ્યા બહુ લાંબી ચાલી નથી, એવું ઈતિહાસ કહે છે. કોઈ કલાક 60 મિનિટથી લાંબો નથી હોતો. બહુ સુખમાં હોઈએ, આનંદમાં હોઈએ, પ્રેમમાં હોઈએ, પૈસા કમાઈ રહ્યા હોઈએ કે પ્રસિદ્ધિની તાળીઓ સાંભળી રહ્યા હોઈએ ત્યારે પણ એ પૂરું થવાનું છે એ યાદ રાખવું જરૂરી છે. એવી જ રીતે સમસ્યામાં, સંઘર્ષમાં, સંકટમાં કે દુઃખમાં પણ યાદ રાખવું કે આમાંનું કંઈ શાશ્વત નથી.
1958માં એક ફિલ્મ આવી ‘સોને કી ચીડિયા’. એમાં સાહિર લુધિયાનવીની એક કવિતા હતી,
रात जितनी भी संगीन होगी सुबह उतनी ही रंगीन होगी
ग़म न कर गर है बादल घनेरा किसके रोके रुका है सवेरा
પ્હો ફાટે, આકાશ રક્તવર્ણુ થાય, રંગો ઢોળાય અને સૌરાષ્ટ્રમાં જેને ‘મોં સૂઝણું’ કહે કે અંગ્રેજીમાં DAWN, Twilight કહેવાય એવી સવાર પહેલાની સવાર પણ હોય છે ! એ ક્ષણ આવતા પહેલાંની રાત સૌથી અંધારી ક્ષણો લઈને આવતી હોય છે. ઉંઘ પણ એ સમયે જ સૌથી વધારે આવે છે. સૂરજને ખબર છે કે સવારે ઉગવાનું છે, તેથી એ ડૂબવાનું ટાળતો નથી. ચક્ર ફરવાનું છે, એની જાણ છે જ, એટલે એ સમય ટકતો નથી.
સવાર પડ્યા વગર રહેશે નહીં, બસ ! આપણે આટલું યાદ રાખવાનું છે. બધા અત્યારે આર્થિક, માનસિક અને આવનારા દિવસોની ચિંતાના ઘેરાયેલા વાદળોમાં ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લગભગ દરેક વ્યક્તિએ આ પરિસ્થિતિને સ્વીકારી છે. આપણને ખબર જ છે કે આપણે અત્યારે કંઈ જ કરી શકીએ એમ નથી, મજબૂરીમાં કરવામાં આવેલો આ સ્વીકાર આપણને એક વિચિત્ર પ્રકારની ધીરજ શીખવી ગયો છે. માત્ર ભયના ઓથાર નીચે આ સ્વીકાર કરવાને બદલે જો ધીરે ધીરે એને આપણો સ્વભાવ બનાવીએ તો આપણું પારીવારીક, સામાજિક અને રાષ્ટ્રીય જીવન કેટલું બદલી શકીએ એનો અંદાજ તો આપણને આવી જ ગયો છે !
એ જ કવિતામાં સાહિરે લખ્યું છે, आ कोई मिल के तदबीर सोचें सुख के सपनों की ताबीर सोचें, जो तेरा है वही ग़म है मेरा किसके रोके रुका है सवेरा
અહીં, સાહિરે “મિલ કે તદબીર સોચે”, કહીને કમાલ કરી નાખી છે. આપણે બધા ‘તકદીર’ના માણસો બનતા ગયા. બાવા, સાધુ, જ્યોતિષ, ભૂત-ભુવા, વશીકરણ, દોરા-ધાગાને શરણે એટલા માટે ગયા કારણ કે આપણી લાલચ, આપણી ગરજ, આપણી જરૂરિયાત હેસિયત કરતા વધતી ગઈ. જ્યારે હેસિયત કરતા જરૂરિયાત વધે ત્યારે હેવાનિયત પ્રવેશ્યા વિના રહેતી નથી. એવા સમયમાં ખોટા લોકો પર વિશ્વાસ કર્યા સિવાય બીજો રસ્તો દેખાતો નથી.
છેલ્લા થોડા દિવસના લોકડાઉને આપણને શ્રમ અને સ્વાશ્રય સમજાવ્યો છે. નોકર ન આવે તો ફોન કરવાને બદલે વાસણ કરી નાખવામાં ઓછો સમય લાગે છે, એ શીખી ગયા… અર્થ એ થયો કે તકદીર કરતા, તદબીર વધુ ઝડપથી પરિણામ આપશે. એ શીખવવા માટે જ કદાચ આ સમય આપણા સહુની જિંદગીમાં આવ્યો. જેની સાથે ‘હેલો’ પણ નહોતા કરતા, એવા પડોશીને ત્યાં ચીઝ કે ટમેટા લેવા જવું પડ્યું અથવા એમણે આવવું પડ્યું… અર્થ એ થયો કે સાથે તો રહેવું જ પડશે, સામે રહ્યે નહીં ચાલે !
વીતિ રહેલી રાત કાળી છે, નિઃશબ્દ અંધારી છે. અત્યારે, અંધારામાં ડોલતા વૃક્ષો કોઈ ડાકણના પંજા જેવા લાગે છે. આછા પ્રકાશમાં પડછાયા બહુ મોટા લાગે છે. આંગળીઓના આકારો, ભાત-ભાતની ભૂતાવળ સર્જી રહ્યા છે… પરંતુ આ શાશ્વત નથી. ધીસ ટુ શેલ પાસ ! વીતિ જ જવાનું છે એટલી શ્રદ્ધા જો ભીતર હશે તો સવાર સુધી ટકી જઈશું. આપણે બધા જાણીએ છીએ કે સવાર થતાં જ આ નાઈટમેર, દુઃસ્વપ્ન જેવો સમય પૂરો થશે. આજે રાત્રે આપણે આ અંધારાનો અનુભવ કરવાનો છે. અંધકાર બીજું કંઈ નથી, પ્રકાશની ગેરહાજરી છે ! આ ગેરહાજરીને અનુભવીશું તો હાજરીનું મૂલ્ય થશે.
નવી સવાર નવો સૂર્ય લઈને ઉગવાની છે. હવે હસ્તરેખાને બદલે બાવડાંના બળમાં ભરોસો કરીશું. તકદીર ઉપર આધાર રાખીને બેસવાને બદલે તદબીર અજમાવી જોઈએ તો કેવું ? હવે, કોઈ બીજા પર મદદ માટે આધારીત રહેવાને બદલે સ્વયં બીજાને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ.
આજની રાતને થોડી મિનિટો માટે, કાળી-અંધારી કરીને આવનારી ઉજ્જવળ સવારની તૈયારી કરીએ, ભીતર અને બહાર !