લવ : આજ કલ…

લગ્નની 50મી વર્ષગાંઠે એક દંપતિ પોતાના જીવન વિશે વાતો કરતા હતાં. ”હું સુમિ (સુમિત્રા)ને મળવા 4 કિલોમીટર સાઇકલ ચલાવીને જતો, મળવાનું ઝાઝુ થતુ નહીં. એમની સ્કૂલની બહાર ઉભેલી સુમિત્રાને બહેનપણીઓની વચ્ચે ઘેરાયેલી હોય ત્યારે નજરથી જોવાનુ બનતું હતું. એમા પણ જાણે સંતોષ થઇ જતો. ક્યારે તક મળે તો બે વાક્યની વાત થાય… તે દિવસે તો જાણે જંગ જીત્યાનો આનંદ થાય.”

રોમાન્સની આ અલગ વ્યખ્યા છે. કદાચ આને ”ઓલ્ડ સ્કૂલ” કહી શકાય. ‘મેરે મહેબૂબ…’ કે ‘ચૌદવીં કા ચાંદ’ કે ‘પાકિઝા’ જેવી ફિલ્મો આજના યુવાનો માટે થોડી બોરિંગ ફિલ્મો છે કારણકે એમાં દર્શાવવામાં આવતો પ્રેમ કે પ્રેમ સાથે જોડાયેલી અભિવ્યક્તિ આજના યુવાનો માટે આઉટ ડેટેડ છે. આમ પણ, પ્રેમની વ્યાખ્યા એક જ રહે છે… સદીઓથી સદીઓ સુધી, પરંતુ પ્રેમની અભિવ્યક્તિ લગભગ દરેક પેઢીમાં એકથી વધુ વખત બદલાય છે. 1076માં બનેલી ફિલ્મ “કભી કભી”માં અમિતાભ બચ્ચન શશી કપૂરને કહે છે, “દાગ દામન પર નહીં, દિલોં પર લિયા હૈ હમને…” ત્યારે પ્રેમમાં કુરબાની, પેઈન અને વિરહ જેવી વાતોને પ્રાધાન્ય હતું. જ્યાં સુધી પ્રેમમાં બલિદાન ના હોય ત્યાં સુધી એને ‘સાચો પ્રેમ’ ન કહેવાય, એવી એક માનસિકતા પ્રવર્તતી હતી, ત્યારે !

આજે જે લોકોના લગ્નને 30-35 વર્ષ થયા છે એમણે ગમા-અણગમા સાથે પણ લગ્ન નિભાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે, એની પાછળ માત્ર સમાજનો ભય, પ્રતિષ્ઠા કે ઈમેજ નથી, પરંતુ વ્યક્તિ પોતે લગ્નને એક ઈમોશનલ અને સામાજિક જવાબદારી સમજીને એનો આદર કરે છે. ઘણાબધા વૃદ્ધ અથવા પ્રૌઢ દંપતિની કથા લગભગ આ જ છે. એમના માટે એમના 
માતા-પિતાએ નક્કી કરેલાં લગ્ન એમના માટે જીવનભરનું સ્નેહબંધન પુરવાર થયાં છે. આજથી 20-25 વર્ષ પહેલાં લગ્ન એક જુદા જ પ્રકારનો સંબંધ હતો. સાત જન્મનું, બે પરિવારોનું કે બે આત્માનું મિલન હતુ. લગ્નનો અર્થ માત્ર સાથે રહેવુ, એવો નહોતો. એક સમજદારી, જવાબદારી અને સાઝેદારી એ લગ્નની જરુરિયાત પણ હતી અને લગ્ન સાથે જોડાયેલી મુખ્ય શરતો હતી.

છેલ્લા થોડા સમયથી યુવાનો લગ્ન ટાળતા જોવા મળે છે. કેટલાંકને કમિટમેન્ટ ફોબિયા છે. મોટાભાગના યુવાનો, સ્ત્રી કે પુરુષને લાગે છે કે લગ્ન કરવાથી પ્રગતિ અને સ્વતંત્રતા બંને રોકાઇ જાય છે. ખાસ કરીને વધુ ભણેલી છોકરીઓ કારકીર્દીને પ્રાધાન્ય આપતી થઇ છે. 28-30, 32 વર્ષ સુધી જ્યારે એક કમિટેડ અથવા સામાજીક રીતે સ્વીકૃતિ પામેલો સંબંધ ન હોય ત્યારે પણ વ્યક્તિની ઇમોશનલ અને હોર્મોનલ જરુરિયાતો પોતાનું કામ તો કરે જ છે. એને કારણે એકથી વધુ સંબંધો બંધાય છે અને તૂટે છે. બંને પોતાની  કારકીર્દી વિષે, પૈસા અને મહત્વાકાંક્ષાઓ વિષે એટલા બધા સ્પષ્ટ હોય છે કે લાગણીની જરુરિયાતને અજાણતાં જ પાછળ ઠેલી દે છે. માણસ તરીકે આપણા બધાની જરુરિયાત સ્પર્શ, સ્નેહ અને સંબંધો છે. આપણે બધા કોઇક એવી વ્યક્તિને ઝંખીએ છીએ જેના ઉપર મન અને મગજથી સંપૂર્ણપણે આધારિત રહી શકાય.

પાછલાં થોડાં વર્ષોમાં માણસ માત્રએ મટિરીયલ-દુનિયાની ચીજોને પ્રાધાન્ય આપવા માંડયુ છે. પોતાનો ફ્લેટ હોય, ગાડી હોય, સારી નોકરી કે વ્યવસાય હોય તો માટાભાગના યુવાનોને લાગે છે કે જિંદગી ”સુખી” છે. પાર્ટી, ટ્રાવેલ, ઇન્વેસ્ટમેન્ટ અને બ્રાંન્ડેડ ચીજો સગવડ છે, સંપત્તિ હોઇ શકે અથવા કેટલાંક અંશે સંતોષ આપી શકે પરંતુ એ આપણી સાથે વાત કરી શકતી નથી. હ્યદયનો ભાર હળવો કરવો પણ કે કોઇ સમસ્યા વિશે ચર્ચા કરવી હોય તો વિશ્વાસ મુકી શકાય એવી કેટલી વ્યક્તિઓ આપણી પાસે છે એના ઉપર આપણો સુખનો આધાર છે, પરંતુ આ સમજણ આવતાં આવતાં સુધી કેટલાયે યુવાનો મોટાભાગના સંબંધો ખોઇ બેસે છે. સુશાંતસિંહ રાજપૂતનો કેસ ખૂબ ચગ્યો, એ અંકિતા લોખંડેને ખૂબ પ્રેમ કરતો હતો અને અંકિતા પણ ઈમોશનલી એને આદર આપતી, પ્રેમ કરતી હતી, તો એવું શું થયું કે છ વર્ષની રિલેશનશીપ પછી બે જણા સાથે ન રહી શક્યા ? આ સવાલ મિડિયાએ ક્યારેય કેમ ન પૂછ્યો ?

કમિટમેન્ટ ફોબિયા પણ આનું કારણ હોઈ શકે… મધ્યમવર્ગની, લગ્ન અને સલામતી ઈચ્છતી એક છોકરી અને ચંદ્ર પર જમીન ખરીદતો એક મહત્વાકાંક્ષી છોકરો… આ સંબંધમાં ક્યાંક એ પણ નડ્યું હોય એમ ન બને ? ફિલ્મી દુનિયામાં અને ક્રિકેટની દુનિયામાં આપણી પાસે આવા ઘણા દાખલા છે. શાહિદ-કરીના, નેસ વાડિયા-પ્રીટી ઝિન્ટા, રણબીર-દીપિકા, કેટરીના-રણબીર, સલમાન-કેટરીના, જ્હોન-બીપાશા, અક્ષય-રવિના, અઝહરુદ્દીન-સંગીતા, રવિ શાસ્ત્રી-અમ્રિતા… આ બધા સંબંધો ડંકાની ચોટ પર જગતની સામે જાહેર કરવામાં આવ્યા. એમને કોઈનો ભય નહોતો, પરંતુ આ સંબંધોને જ્યારે કાયમી સ્વરૂપ આપવાની કે લગ્ન કરવાની વાત આવી ત્યારે કોઈ ને કોઈ કારણસર આ સંબંધો તૂટ્યા…

આ માત્ર ફિલ્મી દુનિયાના દાખલા નથી, આપણી આસપાસમાં જોઈએ તો સમજાય કે કેટલાય યુવા કપલ્સના સંબંધો એકબીજા સાથે સાવ નજીવા કારણસર તૂટી જાય છે. આમાં માત્ર મહત્વાકાંક્ષા, ઈગો, કારકિર્દી અગત્યના નથી. આમાં અગત્યનું એ છે કે એ લોકો આ સંબંધ શરૂ થાય ત્યારે જ એને કાયમી માનતા નથી. ‘સો ફાર સો ગુડ’ અથવા ‘સો લોન્ગ ઈટ લાસ્ટસ’ ની ફિલોસોફી આજના પ્રેમસંબંધની સાથે અભિન્નપણે જોડાઈ છે. ‘કટી પતંગ’ જેવી ફિલ્મોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ વિશે વાત કરતાં અચકાતી સ્ત્રી હવે બહુ જૂની વાત થઈ ગઈ. હવે તો ‘એક્સ’ બોયફ્રેન્ડ કે હસબન્ડ વિશે વાત કરતાં, એને મળતાં કે પોતાના નવા બોયફ્રેન્ડ કે હસબન્ડને એની સાથે ઓળખાણ કરાવતા કોઈ સંકોચ કે અચકાટ થતો નથી…

એક રીતે આને પ્રામાણિકતા પણ કહી શકાય, પરંતુ છેલ્લાં થોડા સમયથી સિનેમા, વેબસિરીઝ અને સાહિત્યમાં પણ લગ્નજીવન સાથે જોડાયેલી કેટલીક બાબતોને જુદી રીતે દર્શાવામાં આવે છે. એક્સટ્રા મેરિટલ, અથવા લગ્ન બહારના સંબંધોને ગ્લેમર સાથે રજુ કરવામાં આવે છે. ”ગંદી બાત” જેવી સિરીઝમાં સ્ત્રીઓને ઊશ્કેરવામાં આવે છે… એમની સ્વતંત્રતા કે શરીરના અધિકારોને બહેકાવીને રજૂ કરવામાં આવે છે, જેનાથી આખી પેઢીના વિચારો સાવ જુદી દિશામાં વહેવા લાગ્યા છે. ઈમોશનનું મહત્વ છે, હોવું જોઈએ, કારણ કે માણસ લાગણીપ્રધાન અને સામાજિક પ્રાણી છે. આજનો સમાજ સો ટકા બદલાયો છે, બદલાવો પણ જોઈએ, પરંતુ સંસ્કાર અને સંસ્કૃતિ કેવી રીતે બદલાઈ શકે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *