લોકડાઉન-4 : નઈ દિશાયેં, નઈ હવાયેં…

એક વાચકે ઈમેઈલ લખ્યો છે, “તમારા લેખોની ભાષા રાજકિય થતી જાય છે. બને તો એને તાત્કાલિક બંધ કરવા વિનંતી.” આ ‘રાજકિય’ એટલે શું ? એ મને સમજાયું નહીં. જગતના કયા પત્રકાર, લેખક કે પોતાના સમયના જાગૃત નાગરિક, એક પેટ્રીઓટીક, દેશભક્ત વ્યક્તિ દેશની વર્તમાન રાજકિય પરિસ્થિતિથી દૂર રહી શકે ? જે થઈ રહ્યું છે એના તરફ આંખો મીંચી દઈને જો ‘પોઝિટિવ પોઝિટિવ’ રમવાનું હોય તો સાહિત્યની, પત્રકારત્વની કે વિચારશીલ વ્યક્તિઓની આ જગતને કોઈ જરૂર નથી. ગાંધીજીના ત્રણ વાંદરા આંખ, કાન અને મોઢા પર હાથ રાખીને બેઠા છે.

એનો અર્થ એમણે એવો કર્યો હતો કે ખરાબ ન બોલવું, ખરાબ ન જોવું અને ખરાબ ન સાંભળવું, પરંતુ હવે નવી પેઢીનો સવાલ એ છે કે જોયા, સાંભળ્યા વગર ખબર કેવી રીતે પડે કે એ ‘ખરાબ’ છે કે નહીં ! વર્તમાન પરિસ્થિતિ પરત્વે આંખો મીંચીને સતત ‘સારું છે, સારું છે’ કહ્યા કરવાથી કદાચ સારું હોવાનો ભ્રમ થવા માંડે, પરંતુ આપણી આસપાસની પરિસ્થિતિ તો યથાવત જ રહે છે. જેને ખરેખર સારું કરવું છે, સુધારવું છે, બદલવું છે એણે સૌથી પહેલાં ખરાબ ઓળખવું પડશે, પછી ‘ખરાબને ખરાબ’ કહેવું પડશે… બીજાને પણ સમજાવવું પડશે કે જે છે તે યોગ્ય નથી, તો જ કદાચ પરિસ્થિતિ બદલવામાં સહુ સાથે મળીને પ્રયાસ કરી શકશે.

રાજકારણ અને ધર્મ આ દેશના ડીએનએમાં વહે છે. સાવ નાનું પાંચ વર્ષનું બાળક પણ પોતાનો અભિપ્રાય જાહેર કરી શકે એટલી છૂટ અને સત્તા આ દેશે લગભગ દરેક નાગરિકને આપી છે. હવે સવાલ એ થાય છે કે વાત જેના વિશે થઈ રહી છે એ રાજકારણી, એમણે લીધેલા નિર્ણય કે એનાથી દેશના નાગરિકો પર થતી અસર વિશે આ દેશમાં વસતી વ્યક્તિ અભિપ્રાય આપી શકે કે નહીં ? જો લોકશાહી અને આ દેશનું બંધારણ એને છૂટ આપે છે તો એનો અર્થ એ થયો કે માત્ર ચોખ્ખી થઈ ગયેલી હવા વિશે, ઓઝોનના સુધરી રહેલા લેયર વિશે, રેસીપી વિશે કે સ્ત્રી-પુરુષના, પરિવારના સંબંધો સિવાયની કોઈ બાબત વિશે લોકડાઉનમાં વાત થવી જોઈએ કે નહીં ?

છેલ્લા થોડા વખતથી એક ચણભણ શરૂ થઈ છે. ઘરમાં પુરાયેલા, અકળાયેલા લોકો હવે એવી થિયરીનો પ્રચાર કરી રહ્યા છે કે “લોકડાઉનને કારણે આ દેશમાં કોરોના કેસીસનું પ્રમાણ ઓછું છે, એ વાત ખોટી છે ! દેશનું ટેમ્પરેચર, ભારતીય શારીરિક બંધારણની ઈમ્યુનિટી અને બિમારીઓથી ટેવાયેલા આ શરીરો કોરોનાનો સામનો કરી રહ્યા છે, લોકડાઉન નહીં !” નવાઈની વાત એ છે કે આ જ્ઞાન એમને લોકડાઉનના પહેલા ત્રણ ફેઝીઝમાં નથી આવ્યું ! આપણે ગમે તે કહીએ, પરંતુ સત્ય એ છે કે ભારતે આ મહામારીનો સામનો પોતાની તમામ આવડત, સમજણ અને મશીનરીથી કર્યો છે.

વિકસીત અને એડવાન્સ દેશના હાથ જ્યાં હેઠાં પડ્યાં છે, ત્યાં ભારતના આંકડા સાચે જ પ્રોત્સાહિત કરે એવા છે. હવે એની સામે એક દલીલ એવી છે કે, “સરકાર સાચા આંકડા છુપાવી રહી છે.” ગુજરાતી ભાષાની એક કહેવત છે, “પૂંછડે ધરે તો બાંડો ને શીંગડે ધરે તો ખાંડો.” જેને બંને તરફ ફક્ત વાંધા પાડવા છે, પ્રોબ્લેમ ઊભા કરવા છે કે અવિશ્વાસ અને આ લગભગ બે મહિના દરમિયાન થયેલી કામગીરી સામે પ્રશ્નો જ કરવા છે એની સાથે દલીલ કરવાનો અર્થ નથી, કારણ કે એ પોતાના મનમાં જવાબો નિશ્ચિત કરીને બેઠા છે, પરંતુ જેને સમજવું છે અથવા સાચે જ ખુલ્લા મન અને મગજથી વિચારવું છે એને માટે એ સમજવું જરૂરી છે કે ઈકોનોમિક બુસ્ટર લોકડાઉન-4માં શું કામ જાહેર કર્યું?

હવે જ્યારે દેશ ફરી પાછો બેઠો થઈ રહ્યો છે ત્યારે ઈકોનોમિક બુસ્ટર દેશનું ઈમોશનલ બુસ્ટર બનશે. લગભગ 60 દિવસ પછી ફરી કામે ચઢનારા લોકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શરૂ ક્યાંથી કરવું ? શ્રમિકો પોતાને ગામ પાછા જવા બેબાકળા છે, મોટાભાગની ઈન્ડસ્ટ્રી કે ધંધા આ સેકન્ડ કે થર્ડ લાઈનર વિના ફરી પાછા ધમધમતા થઈ શકે એ અઘરું છે. હજી હમણાં જ ત્રસ્ત થઈને ગામ ગયેલા શ્રમિકો, હેલ્પર્સ, કામદારો કે આ બ્લ્યુ કોલર લોકો તરત પાછા નહીં આવે એ સત્ય સાથે જો નવેસરથી શરૂઆત કરવાની હોય તો આર્થિક બુસ્ટરનું વચન એમને માટે કેટલું મોટું ઈમોશનલ બુસ્ટર પુરવાર થશે એ માત્ર એટલા જ લોકોને સમજાશે જે આ 60 દિવસ દરમિયાન બે છેડા ભેગા કરતા હાંફી ગયા છે.

આપણે બધા ઓવરઓલ અભિપ્રાયના માણસો છીએ. પુરી તપાસ કર્યા વિનાનો, ધીરજથી પરિણામની પ્રતીક્ષા કર્યા વિનાનો અભિપ્રાય, ને એ પણ પોતાનો નહીં, બીજાનો અભિપ્રાય ! અથવા બીજા વિશેનો અભિપ્રાય… રસપ્રદ બાબત એ છે કે આપણે આપણા અભિપ્રાયને અંતિમ સત્ય માનીએ છીએ અને બીજા પણ એને અંતિમ સત્ય માને એ બાબતે હઠાગ્રહી છીએ. આવું એટલા માટે છે, કારણ કે આપણે “લોકશાહી” કદાચ સમજ્યા જ નથી. ‘રાજકિય અભિપ્રાય’નો અર્થ થાય છે સમાજ, વર્તમાન પરિસ્થિતિ અને આપણી આસપાસના જગત વિશે કન્સર્ન અથવા સજાગ, જાગૃત કે સંવેદનશીલ હોવું. “માય સ્પેસ”નો અર્થ થાય છે, મારી જગ્યા, મારો વિચાર, મને જે સમજાય અને યોગ્ય લાગે તે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા…

આ સ્વતંત્રતા આપણને આપણો દેશ, આપણું બંધારણ આપે છે. ફક્ત વિરુદ્ધમાં લખવું, ટીકા કરવી કે જે નથી થઈ રહ્યું એની નીચે ઘાટી લીટીઓ દોરવી એ જ ‘લોકશાહી’ નથી બલકે ક્યારેક એડવર્સ પરિસ્થિતિમાં, કપરાં સંજોગોમાં પણ જે થયું છે, થઈ રહ્યું છે, એની પણ નોંધ લેવી ‘લોકશાહી’ દેશના નાગરિકની મહત્વની જવાબદારી છે. 130 કરોડના દેશમાં કેટલા અભણ, બેજવાબદાર, જીદ્દી, અણસમજુ અને અહંકારી લોકો વસે છે, કેટલા ખોટી માહિતીનો પ્રચાર અને પ્રસાર કરીને પોતાના બદઈરાદા પાર પાડે છે એનું લિસ્ટ કદાચ લાંબુ થાય, પરંતુ આ દેશ તો જાગૃત, સમજદાર અને ભણેલા લોકોથી જ આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ ટક્યો છે ને ટકી જશે એ વિશે મને કોઈ શંકા નથી, તમને છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *