વક્ત કે સિતમ કમ હસીં નહીં…

છેલ્લા ઘણા સમયથી માંદગીના બિછાને પડેલા સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહજીએ ટ્વીટર પર અમિતાભ બચ્ચનની માફી માગી છે. જયા બચ્ચન સાથેના વિવાદમાં અમરસિંહે કરેલી કોમેન્ટ વિશે એમણે અફસોસ વ્યક્ત કર્યો છે… એમણે લખ્યું છે કે, “આજે મારા પિતાની મૃત્યુતિથી છે. બચ્ચન સાહેબ છેલ્લા કેટલાય વર્ષોથી આ દિવસે મને મેસેજ કરે છે. મેં એમને જવાબ નથી આપ્યો, તેમ છતાં એમણે દરેક વખતે મને સ્નેહપૂર્ણ સંદેશા મોકલ્યા છે…” અમરસિંહે કરેલી કોમેન્ટ જેમાં એમણે ઐશ્વર્યા, અભિષેક અને અમિતાભ બચ્ચન બધા વિશે ઘસાતું લખ્યું હતું, એ વખતે જો અમિતાભ બચ્ચને જવાબ આપ્યો હોત તો એ અમરસિંહથી પણ વધુ ખરાબ કે ઘસાતી કોમેન્ટ કરી શક્યા હોત. અમરસિંહના અંગત જીવન વિશે મનફાવે તેમ એમણે પણ લખ્યું હોત (એમને ખબર હશે જ, કારણ કે એ લોકો સારા મિત્રો હતા. દરેક વ્યક્તિની એક અંગત અને ગ્રે સાઈડ હોય જ, એવી રીતે અમરસિંહની પણ હશે જ…) અમિતાભ બચ્ચને જો એમ કર્યું હોત તો એમનામાં અને અમરસિંહમાં કોઈ ફેર ન રહ્યો હોત ! આજે અમરસિંહે જે રીતે માફી માગી એ પરિસ્થિતિ જ ના આવી હોત ! એનાથી સાવ ઉલટું બંને જણાએ સામસામે એકબીજાને વધુ ને વધુ નાના, વધુ ને વધુ નીચા દેખાડવાની હરીફાઈ કરી હોત.

જાહેરજીવનમાં પડેલા દરેક માણસ માટે આ બહુ જ મહત્વનું છે. આપણી વાત સાચી હોય, મુદ્દો વ્યાજબી હોય, તેમ છતાં કેટલાક લોકો પોતાના અહંકાર કે બિનજરૂરી કડવાશ, જડતા કે રૂઢિવાદી માન્યતા જેવા કારણસર આપણા અંગત જીવન પર સાચા-ખોટા આક્ષેપો કરે છે. વૈચારિક કે સૈદ્ધાંતિક મતભેદ સ્વીકાર્ય છે, હોવો જ જોઈએ. જાહેરજીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિએ એવું સમજી જ લેવું પડે કે એમની જિંદગીનો મોટો હિસ્સો, કૌટુંબિક જીવન અને એમની રહેન-સહેન, ખાન-પાન જેવી બાબતો ઉપર એમના ચાહકો અને એમને ધિક્કારનારાની નજર રહે છે. આ જાહેરજીવનની કિંમત છે.

જે લોકો એમના ક્રિકેટ, ફિલ્મ, રાજનેતા જેવા સ્ટારને ચાહે છે, એ બધા, એમની પ્રિય સેલિબ્રિટી પર પોતાનો માલિકીભાવ અનુભવે છે. જે લોકો એકવાર પબ્લિક લાઈફમાં પગ મૂકે છે, ફિલ્મ, ક્રિકેટ કે રાજકારણ જેવી ગ્લેમરસ જિંદગી સાથે જોડાય છે એ બધાએ આ માલિકી સ્વીકારવી પણ પડે છે. જે માલિકીભાવ અનુભવે છે એ દરેક પાસે પોતાનો એક અભિપ્રાય હોય એ સ્વાભાવિક છે. ‘અભિપ્રાય’નો અર્થ જ એ છે કે એમાં સાચા-ખોટાની ગુંજાઈશ નથી રહેતી. એ  જે-તે વ્યક્તિની પોતાની અંગત માન્યતા છે અને મહદ્ અંશે પ્રયાસ કરવા છતાં પણ આ માન્યતા બદલી શકવાની આવડત કે તાકાત જાહેરજીવનમાં પડેલી વ્યક્તિ પાસે હોતી નથી. મજાની વાત એ છે કે જે લોકો ચાહે છે, જે પોતાના સ્ટાર માટે મિત્રો કે પરિવાર સાથે ઝઘડી પડે છે એ જ લોકો પોતાના ફેવરીટ સ્ટારની નાનકડી ભૂલ પણ માફ કરી શકતા નથી ! ખરેખર જેને એ ભૂલ માને છે એ ભૂલ છે કે નહીં એવું ચકાસવાની પણ ક્યારેક તો તસ્દી લીધા વગર મોટાભાગના લોકો આ માલિકીભાવની પીડામાં જેને ચાહતા હતા એને જ ધિક્કારે છે.

જેટલી તીવ્રતાથી પ્રેમ અથવા આકર્ષણ વ્યક્ત કરતા હતા એટલી જ તીવ્રતાથી ધિક્કાર પણ વ્યક્ત થાય છે. શાહરૂખની ફિલ્મ ‘ફેન’ કે મરાઠી નાટક ‘રંગ માઝા વેગળા’ જેવી કથાઓ આ જ આકર્ષણ અને તિરસ્કારની પરસ્પર વિરોધી લાગણીઓની કથા છે. જાહેરજીવન સ્વીકાર્યા પછી આ બંને પરત્વે સમતા રાખીને શાંત નહીં રહી શકનારી સેલિબ્રિટીઝ ડિપ્રેશન કે ડ્રગ્સના રવાડે ચઢી જાય છે. સામેની વ્યક્તિ પર આપણો કન્ટ્રોલ નથી જ,  એ વાત ગમે તેટલી મોટી સેલિબ્રિટીએ પોતાની જાતને સતત કહ્યા કરવી જોઈએ. પૂરી નિષ્ઠાથી કોઈને પણ દુઃખ ન પહોંચે એની કાળજી રાખવા છતાં જ્યારે કોઈ વ્યક્તિ, સ્વજન કે ઓળખતા પણ ન હોઈએ એવી… આપણા અંગત જીવન વિશે ગમેતેમ લખે કે બોલે ત્યારે એકાદ વાર એ વિશેનો ખુલાસો આપવો એ જાહેરજીવનમાં રહેલી વ્યક્તિ માટે કદાચ જરૂરી છે, પરંતુ એ ખુલાસા પછી પણ જો પરિસ્થિતિ ન બદલાય તો એ વિશે નિસ્પ્રુહ થઈને પોતાનું કામ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કર્યા કરવું એ સૌથી સરળ રસ્તો છે એવું આ અમિતાભ બચ્ચન અને અમરસિંહની ઘટના પરથી ફલિત થાય છે.

અમરસિંહ અને અમિતાભ અંગત મિત્રો હતા. અમરસિંહ જ્યારે સિંગાપોર સારવાર લેતા હતા ત્યારે અમિતાભ બચ્ચન બે મહિના એમના સાથે રહેલા, એવું એમણે પોતે જ લખ્યું છે. અમિતાભ બચ્ચન જેવો બીઝી સુપરસ્ટાર જ્યારે કોઈને બે મહિના જેટલો સમય આપતો હોય ત્યારે એ મિત્રતા કેવી હશે એ સમજી શકાય… એ જ માણસ જ્યારે કડવાશ ઓકે ત્યારે માત્ર અમિતાભ જ નહીં, એની પત્ની, સંતાનો અને પુત્રવધૂ સુધ્ધાંને છોડે નહીં, એ વરવું છતાં સાચું ઉદાહરણ છે. વિરોધ આપણાથી સહી શકાતો નથી. જયા બચ્ચને કરેલી એક ટિપ્પણી, કોઈ કારણસર અમરસિંહને અનુકૂળ ન આવી… બસ ! એ પછી એમણે એ ટિપ્પણીને સમજવાનો પણ પ્રયાસ કર્યા વગર, એ પરિવારનો વ્યવસાય કે એની સાથે જોડાયેલાં કેટલાંક અનિવાર્ય દૂષણોને સમજ્યા વગર આખા પરિવાર વિશે જે મનમાં આવ્યું તે લખી નાખ્યું ! પારિવારિક સંબંધની પણ પરવાહ કર્યા વગર, કારણ કે ક્યાંક એમનો અહંકાર ઘવાયો.

આપણને અજાણતાં જ આપણા અહંકારને પંપાળે તેવી વાતોનું વ્યસન થવા લાગ્યું છે. સોશિયલ મિડિયા, ખાસ કરીને ફેસબુક, ટ્વીટર કે ઈન્સ્ટાગ્રામ આ વ્યસનને વધુ ને વધુ ઘાટું કરે છે. એક ફોટો અપલોડ થાય કે એક પોસ્ટ લખાય એની પાછળ તરત જ મધમાખીની જેમ ટોળાં બણબણે છે. એમાં અણગમતી કોમેન્ટ ડિલિટ કરવાની પણ સુવિધા છે, એટલે માત્ર ગમતું જ રાખતા શીખ્યા છીએ, આપણે બધા. જેને આપણે સોશિયલ મિડિયા કહીએ છીએ, એ માત્ર એકમેકને નીચા દેખાડવાની હરીફાઈનું મેદાન છે.

જે પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માગે છે એણે દલીલમાં ઉતરવાને બદલે પોતાની વાત કહીને અટકી જવાની આવડત કેળવવી પડે. અમિતાભ બચ્ચન કદાચ, આ આવડત ખૂબ સારી રીતે કેળવી શક્યા છે. એમણે ક્યારેય કોઈને સામો જવાબ આપ્યો નથી. વખાણ માટે આભાર માન્યો નથી… ઘસાતી કોમેન્ટ વિશે વિરોધ ઉઠાવ્યો નથી. આ જ વાત નરેન્દ્ર મોદી પાસે પણ શીખવા જેવી છે. લોકોએ જ્યારે એમને રાષ્ટ્રવિરોધી, ક્રૂર, હિન્દુત્વના આંધળા પ્રચારક કહ્યા ત્યારે પણ તેમણે જવાબ નથી આપ્યો ને આજે જ્યારે કરોડો લોકો ‘મોદીભક્ત’ હોવાનો દાવો કરે છે ત્યારે પણ એ એમને પોતાની નજીક ફરકવા દેતા નથી !

અમરસિંહની માફી અને એમણે અમિતાભ બચ્ચન વિશે લખેલી ટ્વીટ કે નરેન્દ્ર મોદીનો આ ફેન પરત્વેનો અભિગમ જોઈને ગીતાનો શ્લોક યાદ આવી જાય, ‘સુખેદુઃખે સમે કૃત્વા, લાભાલાભો, જયાજયૌ…’ મોદી સાહેબ કે બચ્ચન, આમ તો બંને સુપરસ્ટાર છે. બંને આ બાબતમાં સરખા છે, એમણે પોતે જવાબ આપવાને બદલે સમય જવાબ આપે ત્યાં સુધી પ્રતિક્ષા કરવાનું નક્કી કર્યું.

આજે સમયે જવાબ આપ્યો છે. જે મિડિયાએ નરેન્દ્ર મોદી ઉપર ગંદામાં ગંદા આક્ષેપ કર્યા છે, એ જ મિડિયા આજે એમની ભક્તિ કરે છે. જે અમરસિંહે અમિતાભ બચ્ચનના આખા પરિવારને અપમાનિત કર્યો હતો એ એની માફી માગે છે… સમય જ્યારે જવાબ આપે છે ત્યારે આપણા કરતા વધુ સારી રીતે અને વધુ કડક જવાબ આપે છે, સવાલ આપણી ધીરજનો છે. પરીક્ષા થતી હોય ત્યારે પ્રતિક્ષા કરી શકે એ સહુને સમય જવાબ આપતી વખતે સાક્ષી રાખવાનું ભૂલતો નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *