વાત એક રાતની । પ્રકરણ – 10

“કેમ કર્યું તેં આવું?” કબીર નરોલાની ઓફિસની ટેરેસમાં ઊભેલો માધવ રડું રડું થઈ રહ્યો
હતો. પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે તકલીફ એને કબીર નરોલાએ પોતાની સાથે કરેલા દગાને કારણે
થઈ હતી. એ કબીરને લગભગ ભગવાન માનતો હતો કારણ કે, જ્યારે આખી દુનિયાએ એને તરછોડી
દીધો હતો ત્યારે, એના ભયાનક સંઘર્ષના દિવસોમાં આ માણસે, કબીર નરોલાએ એનો હાથ પકડીને
એને અહીં સુધી પહોંચાડ્યો હતો.
“સાચું કહું કે સારું કહું?” કબીરે અદબ વાળી હતી. એની શાર્પ જોલાઈન-જડબું જરા તંગ
થયું હતું. લમણામાં નસ ઉપસી આવી હતી. એનું મોહક સ્મિત અદૃશ્ય થઈ ગયું.
“સાચું જ કહી દે. સારું સારું સાંભળીને બગાડવાનો સમય હવે નથી રહ્યો મારી પાસે.”
માધવને ડૂમો ભરાઈ ગયો હતો, “મેં તને દોસ્ત માન્યો હતો…”
“હું દોસ્ત જ છું, તારો.” કબીર બોલ્યો, “તું માને કે ન માને.” એક ક્ષણ આકાશ તરફ જોઈને
કબીરે ઊંડો શ્વાસ લીધો, “અનફોચ્ર્યુનેટલી, હું મારી દોસ્તી સાબિત કરી શકતો નથી.” પછી માધવ
તરફ જોયા વગર જ એણે કહ્યું, “પાંચ કરોડ રૂપિયા તૈયાર પડ્યા છે, અંદર. લઈ જા.”
“રમાડે છે, મને?” માધવને હજીયે આ આખી ઘટનામાં જિગ્સોનો એક પીસ જડતો નહોતો.
જે કંઈ થયું એ આખી પરિસ્થિતિમાં પોતે ક્યાં, કબીર ક્યાં અને આ ઉંધી દિશામાં દોરવવાનું કારણ
શું… આવા સવાલોને કારણે એનું ચિત્ર પૂરું નહોતું થતું, “પહેલાં મારી પાસે બજારમાંથી પૈસા
લેવડાવ્યા, સટ્ટો કરાવ્યો ને હવે પાછા આપવા માટે પણ તું જ આપે છે? વ્હોટ ઈઝ ઈટ? મને
સમજાતું નથી, કબીર.”
કબીર હસ્યો નહીં. એ સ્થિર આંખે માધવ તરફ જોતો રહ્યો. કોણ જાણે કેમ પણ માધવથી
એની આંખો સહેવાઈ નહીં. કબીરની આંખોમાં કોઈ ઘવાયેલા હરણ જેવો ભાવ હતો. આવો ભાવ
હોવો ના જોઈએ. ઘવાયેલો તો માધવ હતો, તેમ છતાં ફરિયાદ કબીરની આંખોમાં કેમ વંચાતી હતી!
માધવને આ ફરિયાદ ઉકેલાઈ નહીં, સમજાઈ પણ નહીં. કબીર એની સામે એ જ રીતે જોતો રહ્યો…
અંતે માધવે એની વશીકરણ કરતી આંખોનો સામનો કરવાનું છોડીને પોતાની આંખો મીંચી દીધી,
“જો કહી શકે તો કહે મને, શું કામ કર્યું આવું?” એણે મીંચેલી આંખોએ જ પૂછ્યું.
“જિંદગીમાં બધું સમજવાની જરૂર નથી હોતી.” કબીરે સૂકા અવાજે કહ્યું. એ ઉંધો ફરી ગયો.
કોણ જાણે કેમ માધવને લાગ્યું કે કબીરના અવાજમાં સહેજ ધ્રૂજારી હતી.
“કોણ, શું, શા માટે કરે છે એ દરેક વાતના જવાબ મળી જતા હોત તો જિંદગી સરળ થઈ
જાત, એવું નથી લાગતું?” કબીર હજીયે ઉંધો ફરીને ઊભો હતો.

“મારો સવાલ સાદો છે, કબીર!” માધવે જરા ચીડ સાથે પૂછ્યું, “તને મયૂર પારેખે આ કરવાની
સૂચના આપી હતી?”
“સૂચના?” કબીર જે રીતે હસ્યો એ સાંભળીને માધવને સમજાયું કે એનો સવાલ જ ખોટો
હતો. કબીર કોઈનું સાંભળીને કંઈ પણ કરે એ એની ફિતરત નહોતી. મહાભયાનક સ્વતંત્ર અને
પોતાની જ બુદ્ધિથી ચાલનારો માણસ હતો એ. સાથે વિતાવેલા સમયમાં કબીરને એટલો તો
ઓળખી જ શક્યો હતો, માધવ.
“આઈ એમ સોરી! સૂચના નહીં પણ…” માધવે સુધાર્યું, “એણે મને બરબાદ કરવા માટે તને
પોતાની સાથે લીધો હોય, કોઈ લાલચ, કોઈ જબરદસ્તી, બ્લેકમેઈલ…” માધવ બોલતો જતો હતો ને
કબીર ઉંધો ફરીને હસી રહ્યો હતો. માધવને પણ પોતાના શબ્દો અર્થહીન લાગ્યા. આમાંની કોઈ વાત
કબીરની પ્રકૃતિ સાથે મેળ ખાતી નહોતી. અંતે માધવે અકળાઈને પૂછ્યું, “કહી જ દે યાર! તેં મને
આવી રીતે શા માટે ફસાવ્યો?”
“ફસાવ્યો?” કબીર સીધો ફરીને માધવ સામે ઊભો રહ્યો. એની આંખોમાં ફરિયાદ, અને પીડા
જોઈ શક્યો માધવ. આ પહેલાં એણે કોઈ દિવસ કબીરની આંખોમાં આવી પીડા, આવી ફરિયાદ
જોઈ નહોતી. ક્યારેક, થોડી શરાબ પીને એ પોતાના પિતા વિશે એકાદ વાક્ય બોલતો ત્યારે માધવ
એના અવાજનો ખાલીપો, એની આંખોમાં પીડાનો સાગર ઘૂઘવતો જોઈ શક્યો હતો. પણ અત્યારે?
અત્યારે તો એવી કોઈ વાત નહોતી! કઈ વાતની પીડા છે આને? માધવને સમજાતું નહોતું.
કબીરે ડોકું ધૂણાવીને, અદબ વાળીને સ્વીકાર્યું, “હા, મેં ફસાવ્યો તને. ખોટું નહીં બોલું.
સમજી-વિચારીને ગણતરીપૂર્વક તું આ કુંડાળામાં પગ મૂકે એવી ડિઝાઈન ગોઠવી.” એના ચહેરા પર
કોઈ અપરાધભાવ નહોતો, પણ પીડા અકબંધ હતી, “ટ્રેપ કર્યો તને.” એણે કહ્યું.
“કેમ?” માધવની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. છતાં કબીરના મોઢે આ સ્વીકાર
સાંભળીને એને આઘાત લાગ્યો, “હું તો ભરોસો કરતો હતો, તારા પર. આપણે સાથે વિતાવેલો સમય,
દોસ્તી, વેકેશન્સ, એકબીજાની અંગત વાતો શૅર કરવાની એ પળો, એ શરાબના જામ… એ બધું
ખોટું?” માધવનો અવાજ ભરાઈ આવ્યો, “હા નહીં પાડતો પ્લીઝ, હું તૂટી જઈશ.” રોકવાનો ઘણો
પ્રયત્ન કરવા છતાં માધવની આંખોમાંથી બે આંસુ ટપકી જ ગયાં, “તારે ઘણા મિત્રો હશે, કબીર, પણ
મારે તો તું એક જ મિત્ર છે. સાચા દિલથી, પૂરા વિશ્વાસથી મિત્ર માન્યો હતો તને. એટલે તો આંખ
મીંચીને કૂવામાં ઝંપલાવી દીધું… તારા એક ઈશારે માધવે ઊંડો શ્વાસ લઈને ઉપરના દાંત નીચેના હોઠ
પર દબાવીને ધસી આવતું રુદન રોકવાનો પ્રયાસ કર્યો, “મારી જિંદગી બદલી તેં, જાતથી વધુ પ્રેમ કરું
છું તને.”
“હું પણ.” કબીરની વાત સાંભળીને માધવની આંખો વધુ પહોળી થઈ, એ કહેતો રહ્યો, “આઈ
એમ સ્યોર તું નહીં માને, આજની સ્થિતિમાં માનવાના કારણો પણ નથી, તારી પાસે. છતાં કહું છું કે
મને તારે માટે એટલો જ પ્રેમ છે. હું પણ તને દોસ્ત-ભાઈ માનું છું.” માધવે ધ્યાનથી કબીરના
ચહેરામાં જૂઠ, છળ શોધવાનો પ્રયાસ કર્યો, એને જડ્યું નહીં. કબીર એકદમ નિખાલસતાથી,
સહજતાથી કહી રહ્યો હતો, “મારી પાસે ચમચા છે, સ્ટાફ છે, મારી આગળ અને પાછળ ઘણા લોકો
છે, પણ દોસ્ત કહી શકાય એવો તું એક જ છે.” માધવની સામે ન જોઈ શકાતું હોય એમ આંખો
મીંચીને એણે કહી નાખ્યું, “તને નહીં સમજાય. બાળપણથી લઈને આજ સુધી મેં પણ એક જ વ્યક્તિ
પર વિશ્વાસ કર્યો…”

“તો? મેં દગો દીધો તને? ખોટું કર્યું તારી સાથે? એક રૂપિયો ખાધો નથી, તારો. કરોડો
રૂપિયાની હેરફેર મારા હાથ નીચે થતી રહી, પણ ઈશ્વરના સોગંદ…” માધવ બોલતો રહ્યો, કબીરે
પોતાનો જમણો હાથ ઊંચો કરીને એને અટકાવ્યો, એની આંખો હજી બંધ જ હતી.
બંને જણા થોડી વાર માટે મૌન ઊભા રહ્યા. બેચેન, બેબાકળો માધવ આંટા મારતો રહ્યો.
શાંત છતાં પીડિત લાગતો કબીર પોતાની બંને અદબ ભીડીને, હોઠ અંદરની તરફ ભીંસીને, આંખ
મીંચીને, પોતાની જાત પર સંયમ મેળવવાનો પ્રયત્ન કરતો રહ્યો. થોડીક ક્ષણ પછી કબીરે કહ્યું, “જા,
ચેમ્બરમાં પાંચ કરોડ રૂપિયા બેગમાં ભરીને તૈયાર મૂક્યા છે, લઈ લે.”
“ના! હવે તો, જ્યાં સુધી તેં આવું કેમ કર્યું એની મને ખબર નહીં પડે ત્યાં સુધી નથી જોઈતા
તારા પૈસા.” માધવનું સ્વમાન એને એ પૈસા લેતાં રોકી રહ્યું હતું, “આ આખીયે રમત મારી સાથે કોણ
રમ્યું, કેમ રમ્યું એ સમજ્યા વગર ભીખારીની જેમ પૈસા લઈને જતો રહું તો મારી જાતને નપુંસક
અનુભવતો રહીશ, જીવનભર.” માધવે પોતાના બંને આંગળા એકબીજામાં ભીડીને હાથ ઊંચા કરી
પ્રણામની મુદ્રામાં વિનંતી કરી, “ટેલ મી કબીર…”
“શું કરીશ જાણીને?” કબીરના ચહેરા પર કોઈક ભયાનક તોફાન પછીની શાંતિ પથરાઈ ગઈ
હતી. અશ્વત્થામાએ તાકેલું તીર વિશ્વનો વિનાશ કરવાને બદલે ઉત્તરાના ગર્ભ તરફ વળ્યું એ પછી
કૃષ્ણના ચહેરા પર પથરાઈ હશે એવી, વિધ્વંસ ટાળ્યાની રાહત કબીરના ચહેરા પર દેખાતી હતી,
“એકવાર સત્ય જાણી લઈશ તો તારી જાતને ધિક્કારીશ, જીવનભર.” કબીરે કહ્યું.
“ભલે! મારે એમ જ કરવું છે.” માધવે આગળ વધીને કબીરના હાથ પકડી લીધા, “આ પૈસા
લઈ લીધા પછી બહુ ખુશ તો નહીં જ રહી શકું. આત્મસન્માન તને સોંપીને આ પૈસા લઈ રહ્યો છું,
એટલું તો મને પણ સમજાય છે. હવે કહી જ દે. અહીંથી જતાં પહેલાં એટલું તો સમજી લઉં કે મારો
વાંક શું છે? કયા ગુનાની સજા આપી તેં મને? જો તું મને સાચે જ ભાઈ જેવો માને છે, મિત્ર માને છે
એવી કઈ ભૂલ છે જેનો બદલો લેવા માટે તેં મારા ઉપર આવા મોતની તલવાર જેવા ચોવીસ કલાકનું
હથિયાર ઉગામ્યું… કહી નાખ, કબીર.” માધવનો અવાજ ધીમે ધીમે ઊંચો થતો જતો હતો. બોલતા
બોલતા એની આંખોમાંથી આંસુ વહેતાં હતાં, “હું તને ઓળખું છું. તું આજે માફ કરી દઈશ તો કાલે,
નહીં તો પરમ દિવસે, નહીં તો વર્ષો પછી આનો હિસાબ કર્યા વગર તું રહી નહીં શકે. મેં જોયો છે,
તને! લોકોને બરબાદ કરતાં, એમને રસ્તા પર લાવી દેતાં…” માધવની આંખોમાં ખૌફ હતો, “આજે
તો તેં છોડી દીધો છે મને, પણ એવું કંઈક તો છે જે તને ખટકે છે, ખૂંચે છે. જેને કારણે તું આ કરવા
તરફ ધકેલાયો છે.” એ નજીક આવ્યો, “તું કોઈને દિલથી માફ કરી શકતો નથી એટલો તો ઓળખું છું
તને… ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મારી ભૂલનો હિસાબ તું આવનારા વર્ષોમાં ખોલે એ પહેલાં, આજે અને
હમણાં જ કરી લઈએ આ હિસાબ. બોલ… શું થયું છે? કેમ કર્યું તેં?”

“તું જા અહીંથી…” કબીરે ઓલ મોસ્ટ ધક્કો માર્યો, માધવને, એણે પોતાનો ચહેરો બંને
હથેળીની વચ્ચે ઢાંકી દીધો, “તું સાચો છે… મારી અંદર એક રાક્ષસ છે. એ ડેવીલ! પ્લીઝ, નહીં
જગાડ એ રાક્ષસને. તારા સવાલો મને વધુ ને વધુ કડવો બનાવી રહ્યા છે. આ કડવાશ પચાવી જઈશ
ત્યાં સુધી પીધા કરીશ… પણ તું હવે વધારે ખોતરીશ તો લોહી નીકળશે, મારા ઘામાંથી.” કબીરે ફરી
ધક્કો માર્યો, “ગેટ લોસ્ટ. એકવાર મારું લોહી જોઈશ તો હું ભૂરાયો થઈ જઈશ.” એણે ત્રીજો ધક્કો
માર્યો, “પૈસા ઉઠાવ ને નીકળ અહીંથી…” કબીર ઊંધો ફરી ગયો, “હવે તું એક પણ શબ્દ બોલીશ તો
એનું પરિણામ ભયાનક આવશે.” એણે કહ્યું, “મારી અંદરનો રાક્ષસ બધાને બરબાદ કરી નાખશે. બધું
રાખ થઈ જશે, કંઈ નહીં બચે.” એણે લગભગ રાડ પાડી, “હું કહી દઉં છું તને.” એના અવાજમાં
ધરતીકંપની ધ્રૂજારી હતી.
“હવે બરબાદ થવામાં શું બાકી રહ્યું છે?” માધવ જાણે જીદે ચડી ગયો હતો, “હવે તો જ્યાં સુધી
નહીં જાણું ત્યાં સુધી તારા એ પાંચ કરોડ રૂપિયા પણ નહીં લઉ અને અહીંથી જઈશ પણ નહીં. હું
ઊભો છું.” એણે અદબ વાળી, “ટેક યોર ટાઈમ, પણ હવે મને કહેવું તો પડશે…”
કબીર જ્યારે માધવ તરફ વળ્યો ત્યારે એના ચહેરા પર કોઈ ભયાનક ખૂંખાર જાનવરની ક્રૂરતા
હતી, એની આંખો લાલ થઈ ગઈ હતી, એ ધ્રૂજતો હતો. એણે પોતાના બંને હાથ જોડીને માધવને
કહ્યું, “પ્લીઝ ગો…” કબીરે ફરી કહ્યું, “હું મારી જાત પર માંડ મેળવેલો સંયમ ખોઈ બેસું એ પહેલાં
પૈસા લે અને નીકળ અહીંથી.” એણે રાડ પાડી, “ગો… ગેટ આઉટ. એન્ડ નેવર કમ બેક.”

*

શાવર નીચે ઊભેલી વૈશ્નવી વિચારી રહી હતી, શું સંકેત હતો ઈશ્વરનો! આજના દિવસ માટે
જીવતી રાખી હતી મને? માધવને આ નોકરી શું એટલે મળી હતી કે પોતે આવી ભયાનક
પરિસ્થિતિમાં મૂકાય? કોને ખબર! શું હશે, વિધાતાનો સંકેત? એને અચાનક ખ્યાલ આવ્યો કે એ
ક્યારની શાવર નીચે ક્યારની ઊભી છે, પાણી વહી રહ્યું છે. ફટાફટ શાવર જેલ લગાડી, ન્હાઈને છાતી
સુધી ટોવેલ લપેટી એ બાથરૂમની બહાર નીકળી ગઈ.
એણે ઘડિયાળ જોઈ, ખાસ્સી પિસ્તાલીસ મિનિટ સુધી એ બાથરૂમમાં જ રહી હતી!
વિચારોમાં ખોવાયેલી વૈશ્નવીને ખબર જ ન પડી કે એનો ફોન વારંવાર રણકતો રહ્યો હતો. બહાર
નીકળીને એણે ફોન ચેક કર્યો ત્યારે એને ખબર પડી કે માધવના પાંચ મિસ્ડકોલ હતા. વૈશ્નવીએ તરત
જ માધવને ફોન લગાવ્યો.
“વૈશુ!” માધવના અવાજમાં ઘોર નિરાશા હતી, “ફોન કેમ નથી ઉપાડતી?” એ આવા
સંજોગોમાં સામાન્ય રીતે ચીડાઈ જાય, પણ આજે એ હારેલો, નિરાશ થયેલો લાગતો હતો, કદાચ
એટલો પીડામાં હતો કે, ગુસ્સે થવાનું પણ ભૂલી ગયો હતો, “તારો અવાજ સાંભળવો હતો મારે. હું…
હું કંઈ સમજી નથી શકતો.” વૈશ્નવીને લાગ્યું કે સામે છેડે માધવ રડતો હતો, એ રડતાં રડતાં બોલી
રહ્યો હતો, “વૈશુ! વ્હાય મી યાર… મેં કોનું, શું બગાડ્યું છે? સાચા હોવું, પ્રામાણિક હોવું એ ગુનો
છે?” એ બોલતો જતો હતો, “કબીર… કબીર પણ… કોઈ પર વિશ્વાસ થઈ શકે એવું નથી…”
“શું થયું?” વૈશ્નવીએ એને અટકાવીને પૂછ્યું, પણ માધવ કંઈ સાંભળી શકતો નહોતો અથવા
એને કશું રજિસ્ટર જ નહોતું થતું એવું વૈશ્નવીને લાગ્યું. માધવના અવાજમાં રહેલી હતાશાએ એને
વિચલિત કરી નાખી. એક ક્ષણ પોતાના મનને શાંત કરીને એણે કહ્યું, “તું ઘરે આવ. આપણે કરીશું
કાંઈક.” વૈશ્નવીએ કહ્યું તો ખરું, પણ એ અંદરથી ધ્રૂજી ગઈ હતી. કબીર એની છેલ્લી આશા હતી.
માધવ જે રીતે રડી રહ્યો હતો એના પરથી વૈશ્નવીને ચોક્કસ સમજાયું કે કબીરે પણ મદદ કરવાની ના
જ પાડી હશે, “ઘરે આવી જા.” એણે ફરી કહ્યું, માધવે જવાબ ન આપ્યો, એ રડતો રહ્યો, એટલે બેચેન
થઈને પૂછ્યું, “ક્યાં છે તું?”
“હું?!” માધવ ચિત્તભ્રમ જેવો હતો, એણે કહ્યું, “હું ક્યાં છું? ખબર નથી…” એણે રડતાં રડતાં
કહ્યું, “આપણું ઘર ક્યાં છે? હું કેવી રીતે આવું?”
એના સવાલો સાંભળીને વૈશ્નવી બેબાકળી થઈ ગઈ, “માધવ… માધવ… સંભળાય છે
તને?” એણે પૂછ્યું, “સીધો ઘરે આવ.” એણે કહ્યું. માધવ જાણે કશું સાંભળતો જ ન હોય એમ તદ્દન
ચૂપ થઈ ગયો હતો. એનાં સંભળાતા શ્વાચ્છોશ્વાસ પરથી અને રડવાના અવાજ પરથી ફોન ચાલુ છે
એની પ્રતીતિ થતી રહી. “કબીરે પૈસા આપવાની હા પાડી કે ના?” એણે માધવ જવાબ આપશે એમ
માનીને પૂછ્યું. એ સમજી હતી છતાં એને આ રમત સમજાતી નહોતી. પૈસા આપવા માટે ઓફિસ
સુધી બોલાવીને કબીરે એવું શું કહ્યું હશે એ સવાલ એના મગજમાં કોઈ શુળની જેમ પેસી ગયો.
“ઘરે આવીને શું કરું?” માધવનો સવાલ મૃત્યુઘંટની જેમ વાગ્યો વૈશ્નવીના મનમાં, “હું માત્ર
તારે માટે પ્રોબ્લેમ્સ લઈને આવીશ. બેટર છે કે હું… હવે તને મારું મોઢું જ ન બતાવું.”
“ઘરે આવ માધવ…” વૈશ્નવીએ લગભગ રાડ પાડી.
“હેં?” માધવ તદ્દન અન્ય મનસ્ક થઈ ગયો હતો, “ઘરે?”
“તું ક્યાં છે?” વૈશ્નવીએ ફરી પૂછ્યું, જવાબ ન મળ્યો, એટલે એણે માધવને સજાગ કરવા
પૂછ્યું, “આજુબાજુ જો… કંઈ દેખાય છે? દુકાનનું નામ, જગ્યાની આસપાસ કોઈ બોર્ડ? કંઈ વંચાય
છે?” વૈશ્નવી સમજી શકતી હતી કે માધવ હતપ્રભ થઈ ગયો હતો. એની વિચારવાની, સમજવાની
શક્તિ હણાઈ જાય એવું કશુંક બન્યું હતું.
શું બન્યું હશે! વૈશ્નવીને સમજાતું નહોતું. માધવ એમ સહેલાઈથી બઘવાઈ જાય એવો માણસ
નહોતો. શું કહ્યું હશે, કબીરે? એવી કઈ વાત હશે જેનાથી માધવ આટલો બધો બેચેન થઈ ગયો છે?
વૈશ્નવી ગૂંચવાઈ ગઈ.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *