માધવને ખરેખર આઘાત લાગ્યો હતો. જે માણસે એને અહીં સુધી પહોંચવામાં પળેપળ મદદ
કરી, જે માણસ એને પોતાનો “એક માત્ર મિત્ર” કહેતો હતો, જેની સાથે એણે પોતાના જીવનની
અંગતમાં અંગત પળ, મજા, સુખ-દુઃખ વહેંચ્યા હતા એ માણસે પોતાને એવી જગ્યાએ લાવીને ઊભો
રાખી દીધો હતો જ્યાં એની સામે હાથ ફેલાવીને ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહ્યો
નહોતો…
માધવને હજી સમજાતું નહોતું, કબીરે ટીપ આપી-પોતે બજારમાંથી પૈસા લઈને ઈન્વેસ્ટ કર્યા,
એ પૈસા ડૂબ્યા ને હવે કબીર જ મદદ કરવાની તૈયારી બતાવતો હતો… આ શું હતું? કેમ હતું ના
સવાલો માધવના મગજમાં ચકરાવે ચડ્યા હતા.
*
આમ તો કબીર હેપ્પી-ગો-લકી માણસ હતો. એને જિંદગી વિશે ઝાઝી ફરિયાદો નહોતી… ને
જો કદાચ હોય, તો એ ક્યારેય કોઈની સામે પોતાની તકલીફ જણાવા દેતો નહીં. એનો ચહેરો જ
એવો હતો, કોઈ માસ્ક પહેર્યું હોય એવો. એ ઇચ્છે ત્યારે એના ચહેરાના હાવભાવ બદલી શકતો, કોઈ
ઝાઝા પ્રયાસ વગર! કબીર ક્યારેય કોઈ છોકરી સાથે લાગણીથી જોડાતો નહીં. માધવ એની નજીક
આવ્યો ત્યારથી એણે જોયું હતું કે કબીરની સાથે કોઈ છોકરી એક મહિનો પણ પૂરો ટકતી નહીં. જ્યાં
સુધી એ છોકરી કબીરની ‘ગર્લ ફ્રેન્ડ’ હોય ત્યાં સુધી કબીર એને રાજકુમારીની જેમ રાખતો. મોંઘી
ભેટો આપતો, એનું માન જાળવતો, એને પોતાની સાથે પાર્ટીઝમાં લઈ જતો, છોછ કે સંકોચ વગર
ઓળખાણ કરાવતો… થોડો સમય એવું લાગતું કે આ સંબંધ આખરી છે, પણ અચાનક એ છોકરી ગુમ
થઈ જતી, એની જગ્યાએ કોઈ બીજી છોકરી ગોઠવાઈ જતી. આ નવી છોકરી હવે રાજકુમારીની
જેમ કબીરની જિંદગીમાં મહત્ત્વનું સ્થાન ભોગવતી, પણ એ ય થોડાક દિવસ માટે જ!
“નો કમિટમેન્ટ!” કબીર હંમેશા કહેતો, “દિલથી નહીં જોડાવાનું, દિમાગથી ઓપરેટ
કરવાનું…” એની એક જ ફિલોસોફી હતી, “પૈસાથી ખરીદી શકાય એ વસ્તુ માટે ઈમોશન વાપરવા
પડે તો સોદો જરા મોંઘો છે.”
માધવને ક્યારેક કબીરની આ માનસિકતા સમજાતી નહીં. વારંવાર બદલાતી છોકરીઓની
સાથેના એના સંબંધો માધવ માટે પ્રશ્નાર્થ ચિન્હ જેવા હતા. માધવ દૃઢપણે માનતો હતો કે, કબીરના
જીવનમાં કોઈક એવી ઘટના બની છે જેને કારણે કબીરને પ્રેમ ઉપરથી શાશ્વત સંબંધો કે લગ્ન જેવા
કમિટમેન્ટ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો છે, પરંતુ ગમે તેમ તોય કબીર એનો બૉસ હતો. કબીર એની
સાથે દોસ્તની જેમ વર્તતો, તેમ છતાં એક એવી મર્યાદારેખા કબીરે દોરી રાખી હતી કે, એને એના
અંગત સંબંધો બાબતે સીધો સવાલ પૂછવો માધવ માટે મુશ્કેલ હતો.
એકવાર કબીર અને માધવ બંને જણા એક મિટિંગ માટે ફ્રાન્સના એક શહેર બર્ડોક્સ ગયેલા.
ત્યાં નેગોસિએશનમાં સમય લાગ્યો, અને ક્રિસમસ આવી પહોંચી. ક્રિસમસના તહેવારને કારણે હવે
કોન્ટ્રાક્ટ બીજી જાન્યુઆરીએ સાઈન થશે એવું નક્કી થયું. ખરેખર તો મુંબઈ જઈને પાછા આવી
શકાય એમ હતું, પરંતુ કબીરે પૂછ્યું, “પેરીસની ક્રિસમસ જોઈ છે તેં?” એની આંખોમાં ચમક હતી.
“ક્રિસમસ ઈન પેરીસ, ઈઝ લાઈક એ ડ્રીમ… ચાલ, તને સપનાંની સફર કરાવું.” એણે માધવના
જવાબની રાહ જોયા વગર ટિકિટો કરાવી દીધી. માધવ પાસે એની સાથે પેરીસ ગયા વગર કોઈ
ઓપ્શન નહોતું.
જાણીતી ફેશન ડિઝાઈનર અને ‘શેનલ’ બ્રાન્ડની સ્થાપક કોકો શેનલ જ્યાં જીવનભર રહી એ,
ડાયના અને ડોડી-અલ-ફયાદ જ્યાંથી ભાગ્યા અને મૃત્યુ પામ્યા એ-‘રીટ્ઝ હોટેલ’માં કબીરે પહેલા
માળે સ્યૂટ બુક કર્યો હતો. માધવને પોતાને પણ નવાઈ લાગતી, પણ કબીર એની સાથે રૂમ શેર
કરવામાં અચકાતો નહીં! બલ્કે, કબીર સામેથી કહેતો, “ઘરમાં તો એકલો જ હોઉ છું. લોકો ઘરની ભીડથી
ભાગીને એકલા રહેવા હોટેલમાં જતા હશે… મને ઘરની એકલતાથી ભાગીને તારી સાથે રહેવું ગમે છે.”
રીટ્ઝ હોટેલનો ઈતિહાસ, વર્લ્ડ વોર અને એની સાથે જોડાયેલી કેટલીયે ઘટનાઓ વિશે
જાણતો હતો, માધવ! ડ્રાઈવરના દીકરા માટે પેરીસની ‘રીટ્ઝ’માં રહેવું, એ જીવનનો એવો અનુભવ
હતો જેની એણે સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કરી. એ દિવસે ‘રીટ્ઝ’ના બાર ‘હેમિંગ્વે’માં હોટેલનું
બેસ્ટ કૉકટેઈલ ‘રેઈનબો’ પીતી વખતે થોડે દૂર બાર સ્ટૂલ પર બેઠેલી એક ફ્રેન્ચ સુંદરીને જોઈને કબીરે
ધીમેથી કહ્યું, “આજે કદાચ તારા માટે જુદો રૂમ લેવો પડશે!” એના ચહેરા પર એક શરારતી સ્મિત
હતું.
કબીરે ધીમે ધીમે પોતાનો ખેલ માંડ્યો. ‘ઈગ્નોર’ એ કબીરનો ટ્રેડ સિક્રેટ હતો. એણે એ છોકરી
તરફ બિલકુલ ધ્યાન ન આપવાનો ડોળ કર્યો, પરંતુ એની શાર્પ નજર અને સિક્સ્થ સેન્સ જાણે કે એ
છોકરીની આજુબાજુ કોઈ જાળ લપેટી રહી હતી. છોકરી પહેલાં ઉંધી ફરીને બેઠી હતી. એકવાર
કબીર સાથે નજર મિલાવ્યા પછી ધીરે ધીરે પોતાનું ત્રણ ચતુર્થાંશ શરીર એ છોકરી કબીર તરફ ફેરવી
ચૂકી હતી. કબીર નિરાંતે શરાબ પી રહ્યો હતો, માધવ સાથે વાતો કરી રહ્યો હતો. નવાઈની વાત એ
હતી કે કબીર સાવ બેફિકર હતો અને માધવ બેચેન થઈ રહ્યો હતો! કબીરની સામે બેઠેલા માધવને એ
છોકરી દેખાતી હતી, એટલે માધવ જોઈ શકતો હતો કે હવે એ છોકરી કબીરની સાથે વાત કરવા
ઉતાવળી થઈ હતી. કબીર પોતાની તરફ જુએ એટલી જ પ્રતીક્ષા હતી એને. માધવની આંખોમાં
જોઈ રહેલો કબીર પાછળ દેખાતી છોકરીને રીઅર વ્યૂની જેમ સતત મોનિટર કરી રહ્યો હતો. હવે એ
ધીરે રહીને ઊભો થયો. વોશરૂમ જવાના બહાને એણે છોકરી તરફ ફરીને સ્માઈલ કર્યું. એ વોશરૂમથી
પાછો આવતો હતો ત્યારે, એ સુંદર, પાતળી, સોનેરી વાળવાળી ફ્રેન્ચ છોકરીએ છોકરીએ સમય
ગુમાવ્યા વિના લાંબા નખવાળી સુરેખ આંગળી પોતાની છાતી પાસે લઈ જઈને કબીર તરફ ઘુમાવીને
ઈશારામાં પૂછ્યું, હું ત્યાં આવી શકું?
જરાય ઉત્સાહ બતાવ્યા વગર, કબીરે ખભા ઉલાળીને ડોકું હલાવી દીધું. જાણે કે જવાબ
આપ્યો, આવવું હોય તો આવ… મને વાંધો નથી.
છોકરી બસ, આની જ રાહ જોતી હોય એમ આવીને કબીરની બાજુમાં ગોઠવાઈ ગઈ,
“હાય! હેન્ડસમ.” એના સોનેરી વાળમાં અને લાલ ઝાંય ધરાવતી ગોરી ત્વચામાં અજબ આકર્ષણ
હતું. એ પણ બે પેગ ડાઉન હશે, એટલે એનો અવાજ પણ લપસણીની જેમ લીસ્સો, હસ્કી થઈ ગયો
હતો.
સાત મિનિટમાં કબીરે છોકરીનો પરિવાર, ભાઈ-બહેન, બોયફ્રેન્ડ અને શિક્ષણ સુધીની બધી
વિગતો કઢાવી લીધી. છોકરી અહીં, પેરીસમાં મ્યુઝિક શીખવા આવી હતી. ફી ખૂબ વધારે હતી એટલે
સ્ટુડન્ટ્સને મળે એટલા કલાક નોકરી કરતી, બાકીના સમયમાં ‘કોઈક’ રીતે પૈસા કમાઈ લેતી… ફ્રેન્ચ
ન સમજવા છતાં માધવને જે સમજાયું તે આ હતું.
લગભગ પંદર મિનિટ સુધી વાતો કર્યા પછી કબીર ઊભો થયો. એણે ખિસ્સામાંથી સો ફ્રાન્કની
બે નોટ કાઢી, બિલ મંગાવ્યું. છોકરીને લાગ્યું કે હવે કબીર એને પોતાના રૂમમાં આવવાનું કહેશે. એ
પણ ઊભી થઈ. કબીરે પોતાના અમેરિકન એક્સપ્રેસના કાર્ડથી બિલ ચુકવ્યું. સો ફ્રાન્કની બે નોટ
છોકરીના હાથમાં મૂકી, “મેર્સી પુર તા મેર્વઈઅઝ કોમ્પાની! ત્યુ એ થ્રે બેલ.” (“થેંક યુ, ફોર યોર
વન્ડરફૂલ કંપની! યુ આર વેરી બ્યુટીફૂલ.”) કહીને કબીરે એના હાથ નીચેથી પોતાનો હાથ સેરવી
લીધો, “જ નેક્સપ્લુઆત પા લેઝેલેવ.” (“આઈ ડોન્ટ એક્સપ્લોઈટ સ્ટુડન્ટ્સ.”)
છોકરીની આંખોમાં આછાં ઝળઝળિયાં આવ્યાં. એણે કબીરના બંને હાથ પકડીને એને નજીક
ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ કબીર પોતાની જગ્યાએથી હલ્યો નહીં.
“ત્યુ એ સ્વા અનોંજ સ્વા અનેમ્પુઈસોં.” (“તું કોઈ ફરિશ્તો છે અથવા તો, નપુંસક.”)
છોકરીએ ફ્રેન્ચમાં કહ્યું, એટલું કહીને એણે માધવ તરફ જોયું, “ઈઝ હી યોર ઈન્ટરેસ્ટ?” એનો
ઘવાયેલો અહંકાર અને નકારી દેવાયેલું સૌંદર્ય આ સ્વીકારી શક્યા નહીં, “મારે માટે જિંદગીનો આ
અનુભવ છેલ્લા શ્વાસ સુધી સ્મરણિય બની રહેશે.” કહીને એણે કબીરની આંખમાં આંખ પરોવી. હવે
એ આંખોમાં નશો નહોતો. પોતાના સૌંદર્યને કોઈકે રીજેક્ટ કર્યું છે એ વાતનો ઉઝરડો અને ઘવાયેલી
માનુનીનો અહંકાર હતો, “તું પસ્તાવો કરીશ. ત્યારે હું જઈ ચૂકી હોઈશ.” કહીને એણે પીઠ ફેરવવાની
તૈયારી કરી.
“મિરર મિરર ઓન ધ વોલ, શી ઈઝ ધ ફેરેસ્ટ ઓફ અસ ઓલ!” કબીરે એ ફ્રેન્ચ છોકરીની
નાજુક હડપચી પકડીને એનો ચહેરો ઊંચો કર્યો, પોતે સહેજ ઝૂક્યો, એના હોઠ પર પતંગિયાની પાંખ
જેવું હળવું ચુંબન કરીને એણે ફ્રેન્ચમાં કહ્યું, “અરે! તારા આંસુ તો મીઠાં છે.”
એ ફ્રેન્ચ છોકરીના ચહેરા પર સ્મિત આવ્યું. હવે એની આંખોમાં ઘવાયેલા અહંકારને બદલે
આદર અને શ્રદ્ધા વાંચી શક્યો માધવ! પોતાની ઊંચી એડીના સેન્ડલનો ધીમો અવાજ કરતી એ
છોકરી ‘હેમિંગ્વે’ બારનો દરવાજો ખોલીને નીકળી ગઈ.
કબીર એને જતી જોઈ રહ્યો, પછી એણે નિઃશ્વાસ નાખ્યો, “ચાલ હવે! તારી બાજુમાં જ
સૂવું પડશે મારે. આજે લક નથી.” એ ખડખડાટ હસી પડ્યો.
“પેલી તો આવવા તૈયાર હતી.” માધવની સમજ કદાચ ટૂંકી પડી. એણે કહી નાખ્યું, “તેં જ
એને જવા…”
એનું વાક્ય પૂરૂં થાય એ પહેલાં કબીરે કહ્યું, “સેક્સ અને સહાનુભૂતિ પૈસા આપીને ન ખરીદી
શકાય.” કબીરના અવાજમાં ફરી અજબ જેવો ખાલીપો સણસણ કરતો પસાર થઈ ગયો, “વન નાઈટ
સ્ટેન્ડ માટે બંને જણા એક સરખા હરામખોર હોવા જોઈએ.” એણે જે રીતે માધવ સામે જોયું એ
નજર માધવને આરપાર વીંધી ગઈ, “એ મારા પ્રેમમાં પડી જાત, મને એ વાતનો ડર લાગે.” કબીરની
આંખોમાં ઝળઝળિયાં આવ્યાં કે પછી માધવને એવું લાગ્યું, પણ એનો અવાજ ભીનો હતો, “એક
વ્યક્તિને પ્રેમ થાય અને બીજાને ન થાય… એના જેટલી ભયાનક પીડા બીજી કોઈ નથી.” મારા ગયા
પછી એ મને ફેસબુક પર, ગુગલમાં શોધત. મને ઈમેઈલ કરત, ફોન કરત, મને ફ્રાન્સ બોલાવત અથવા
ભારત આવત…” કબીરે આંખો લૂંછી નાખી, “હું રમતો હતો, પણ એ તો ફસાઈ ગઈ હતી, બિચારી!”
ઊંડો શ્વાસ લેતાં જ કબીરનો ચહેરો બદલાઈ ગયો, “હવે હું ફસાતો પણ નથી અને ફસાવતો પણ
નથી.”
કબીરનું આ સ્વરૂપ પણ માધવે પહેલાં કોઈ દિવસ જોયું નહોતું. એની આછી ભીની થઈ
ગયેલી આંખોમાં કોઈ જૂનો ઘાવ દેખાયો, માધવને. આજથી પહેલાં કોઈ દિવસ કબીરને આવો
ઈમોશનલ થતા જોયો નહોતો, એટલે આજે તક જોઈને માધવે પૂછી જ નાખ્યું હતું, “તને પ્રેમ નથી
થતો, કોઈ દિવસ?”
“હવે નથી થતો.” આ ત્રણ શબ્દો પૂર્ણવિરામની જેમ કહીને, કબીરે પોતાની વિતેલી
જિંદગીની આખી કથા કહી નાખી હતી.
કોઈ એક છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયેલો કબીર લગ્ન સુધી પહોંચી ગયો હતો. પિતાએ મંજૂરી
આપી, જાન છોકરીના દરવાજા સુધી પહોંચી ત્યારે ખબર પડી કે, છોકરી ઘર છોડીને ભાગી ગઈ હતી. દુનિયાના
પહેલાં દસ અબજોપતિમાં જેનું નામ ગણાતું હતું એવા માણસના દીકરાની જાન લીલાતોરણે પાછી વળી હતી.
મીડિયાએ આ ઘટનાને ખૂબ ચગાવી હતી, અલબત કબીરની ખાનદાની એ હતી કે, એણે છોકરીનું નામ ગુપ્ત
રાખવા માટે મીડિયામાં પૈસા વેર્યા હતા, પરંતુ જે કંઈ બન્યું એ પછી ઘવાયેલી પ્રતિષ્ઠાનો ધક્કો રાધેશ્યામ નરોલા
સહી શક્યા નહોતા. દસ દિવસમાં હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું હતું… ગણી ન શકાય એટલા પેગ દારૂ પી ગયેલા
કબીરને એ રાત્રે માધવે ઉશ્કેરાટમાં, પીડામાં અને વેરની આગમાં તરફડતો જોયો હતો.
છેક ટ્વાઈલાઈટનો, મ્હોં સૂઝણાનો સમય થયો ત્યારે કબીરને બહાર બેઠેલો જોઈને માધવ
પણ બહાર આવ્યો હતો. ચૂપચાપ આકાશ તરફ જોઈ રહેલા કબીરના ખભે માધવે જ્યારે હાથ મૂક્યો
ત્યારે ભીની આંખે માધવ તરફ જોઈને એણે પૂછ્યું હતું, “રીજેક્શન અનુભવ્યું છે, કોઈ દિવસ? તમે
દિલ ફાડીને પ્રેમ કરતા હો એવી વ્યક્તિ તમને મળ્યા વગર જ નકારી દે, એવું થાય તો? તમારી શ્રદ્ધા
અને પ્રેમ ઓળખ્યા વગર જ સ્વીકારવાની ના પાડી દે તો શું થાય એની ખબર છે તને?” માધવ
ચૂપચાપ સાંભળતો રહ્યો હતો. સામાન્ય રીતે ખૂબ ઓછું બોલતા કબીરે તે દિવસે બસ આટલું જ કહ્યું
હતું, “તે પૂછ્યું ને, પ્રેમ કર્યો છે કોઈ દિવસ?” કબીરની આંખમાંથી એક આંસુ સરકીને ગાલ સુધી
ઉતરી આવ્યા, “હા. એકવાર ભૂલ કરી હતી મેં પ્રેમ કરવાની.” એણે એ આંસુ ઘસીને લૂંછી નાખ્યું,
“એનું પરિણામ હજી ભોગવું છું!”
જોકે, એ પછી એણે સાવધાનીપૂર્વક આવો કોઈ પ્રસંગ માધવની સામે ન બને એની કાળજી
રાખવા માંડી.
*
કબીર બાવડેથી પકડીને માધવને ચેમ્બરમાં ઢસડી ગયો હતો, એણે ત્યાં પડેલી લેધરની ડફલ
બેગ ઉથાવીને માધવના હાથમાં પકડાવી હતી, “લે પાંચ કરોડ રૂપિયા, ઉઠાવ. ચૂકવ તારું દેવું અને
નીકળ અહીંથી…” એની આંખોમાં લાલ દોરા ઉપસી આવ્યા હતા, “હું મારી જાત પર માંડ મેળવેલો
સંયમ ખોઈ બેસું, એ પહેલાં પૈસા લે ને નીકળ અહીંથી…” એણે લગભગ રાડ પાડી હતી.
“કબીર…” પૂછ્યા વગર નહોતું રહેવાયું માધવથી, એણે હિંમત કરીને પૂછી નાખ્યું, “કોણ હતી
એ છોકરી જેને કારણે તારી જાન પાછી વળી? કોણ હતી એ છોકરી જેને કારણે તારા પિતાએ જીવ
ગૂમાવ્યો? હુ વોઝ શી?”
આ સવાલનો જવાબ આપવાને બદલે કબીરે નજર ફેરવી લીધી, ચહેરો ફરતાં જ એની નજર
પોતાની ચેમ્બરમાં મૂકાયેલા પિતાના ફોટા ઉપર પડી. ત્રણ ફીટ બાય ચાર ફીટની ફ્રેમમાં રાધેશ્યામ
નરોલા અદબવાળીને ઊભા હતા. એમના ચહેરા પર સ્નેહાળ, પ્રામાણિક સ્મિત હતું. અચાનક જાણે
કબીરને હાઈ વોલ્ટેજ ઝટકો લાગ્યો હોય એમ એણે બેગ પાછી ખેંચી લીધી.
“નથી આપવા પૈસા… જા.” કબીરે બેગ ખૂણામાં ફેંકીને અદબવાળી દીધી. “શું કામ આપું તને
પૈસા? તારો ને મારો સંબંધ શું છે?”
“ન આપ…” માધવે પણ પોતાની સ્વસ્થતા પાછી મેળવવાનો મરણિયો પ્રયાસ કર્યો, “તેં મારી
સાથે જે કર્યું છે એની તને તો ખબર જ છે ને હવે પછી જે થવાનું છે એની પણ તને ખબર છે, કબીર!
હવે પછી મારી સાથે અને વૈશ્નવી સાથે જે કંઈ થશે એને માટે તું જવાબદાર છે, એની મને અને તને
જ ખબર છે. હું કોઈને નહીં કહું, તું પણ નહીં કહેતો.”
માધવે બહાર જવા માટે પગ ઉપાડ્યો ત્યાં જ કબીરનો અવાજ સંભળાયો. “એક મિનિટ.”
કબીરના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતું, “જતાં પહેલાં જાણી લે કે મેં તને ફસાવ્યો. સમજી-વિચારીને
ગણતરીપૂર્વક… પર્પઝ્લી.”
“કંઈ વાંધો નહીં” કબીરે કહ્યું, “તને સારું લાગ્યું? શાંતિ થઈને? તું જીત્યોને?” એ બહાર જવા
લાગ્યો.
“હું હજી તને પૈસા આપી શકું એમ છું…” કબીરે કહ્યું, “તને જવાબ પણ મળી ગયો છે.” એણે
સહેજ અટકીને ઉમેર્યું, “તારે પાછા પણ નહીં આપવા પડે…” એ પછી એણે રિવલ્વર કોઈના લમણે
મૂકતો હોય એટલી ક્રૂરતા અને ઠંડકથી કહ્યું, “બસ, બદલામાં તારે મને કંઈક આપવું પડશે.”
“તું માંગ…” માધવ પાછો ફરીને કબીરની એકદમ નજીક આવી ગયો.
કબીર મોટેથી હસ્યો, “આપવાની વાત કરે છે… તારી પાસે છે શું?” એના ચહેરા પર સ્મિત
હતું, પણ એ શૈતાન જેવો લાગતો હતો.
“મારી જિંદગી લખી આપું. ગુલામ થઈને રહીશ.” માધવે કહ્યું.
“એવા તો બહુ છે મારી પાસે.” કોઈ ભયાનક ઝેરી સાપ પોતાની જીભ લપકાવતો હોય એવી
રીતે એણે માધવ સામે જોયું. માધવ એના ઝેરથી ડંખાઈ ગયો જાણે, “મને જે જોઈએ તેનું બિલ
ચૂકવવાના પૈસા છે મારી પાસે.” કહીને એણે ચાલાક શિકારીની જેમ પૂછ્યું, “તારે પૈસા જોઈએ છે…
સામે હું જે માગું તે આપી શકીશ? પછી ફરી નહીં જતો.” શકુનીના પાસાં ફેંકાતા હોય એમ કબીરે
રમવાનું શરૂ કર્યું હતું. માધવ સમજતો હતો કે આ બધું જ કોઈ ભયાનક ચાલનો હિસ્સો હતું, છતાં
પાછા હઠવાની જગ્યા નહોતી માધવ પાસે. આગળ ભૂખ્યો વાઘ હતો ને પાછળ ખાઈ. બંને જગ્યાએ
મૃત્યુ નિશ્ચિત હતું, માત્ર મૃત્યુનો પ્રકાર પસંદ કરવાનો હતો.
“હા, આપીશ.” માધવે કહ્યું, “માગી લે. જે મેળવવા માટે તેં આટલું બધું કર્યું છે એ માગી જ
લે હવે. આ બધું કર્યા વગર પણ… તેં માગ્યું હોત તો મેં આપ્યું જ હોત એટલો વિશ્વાસ નથી તને
દોસ્તી પર?”
“દોસ્તી?” કબીર હસ્યો… ફરીથી એ જ ક્રૂર, વિકરાળ, રાક્ષસ જેવું હાસ્ય, “દોસ્તી નથી
આપણી વચ્ચે, વેર છે.”
“વેર?” માધવ આશ્ચર્યચકિત થઈ ગયો, “પણ હું તો તને ઓળખતો ય નહોતો. મેં તારું કંઈ
નથી બગાડ્યું.”
“એવું તને લાગે છે… સત્ય કંઈ જુદું જ છે. પાંચ વર્ષ રાહ જોઈ છે મેં આ પળની.” માધવ
આગળ કંઈ બોલે એ પહેલાં કબીરે કહ્યું, “સાડા પાંચ કરોડ રૂપિયા આ બેગમાં છે. તું લઈ જઈ શકે
છે.” બંને જણાં એકબીજાને જોતાં સ્થિર, નિઃશબ્દ ઊભાં હતાં.
માધવ હલ્યો નહીં, ઉંદર-બિલાડી જેવી રમતથી માધવ થાક્યો હતો. “બદલામાં શું જોઈએ?”
માધવે સ્થિર અને સ્વસ્થ અવાજે પૂછ્યું.
“બદલો?”, એની આંખોમાં એક ખૂની, ઘાયલ વાઘની તરસ હતી, “આજે રાત્રે તારી પત્નીને
લઈને આવજે. એને મૂકીને જતો રહેજે. સાથે આ બેગ લઈ જજે.” કબીરે હોઠ પર જીભ ફેરવી,
“સવારે લઈ જજે એને.” માધવને કોઈએ ઈલેક્ટ્રીકનો લાઈવ વાયર અડાડી દીધો હોય એવો ઝટકો
લાગ્યો. કબીરના ચહેરા પર કોઈ કસાઈની સ્થિરતા અને સ્વસ્થતા હતી.
(ક્રમશઃ)