“આજે રાત્રે તારી પત્નીને લઈને આવજે. એને મૂકીને જતો રહેજે. સાથે આ બેગ લઈ
જજે.” કબીરે હોઠ પર જીભ ફેરવી, “સવારે લઈ જજે એને.” માધવને કોઈએ ઈલેક્ટ્રીકનો લાઈવ
વાયર અડાડી દીધો હોય એવો ઝટકો લાગ્યો. કબીરના ચહેરા પર કોઈ કસાઈની સ્થિરતા અને
સ્વસ્થતા હતી.
“તું શું બોલે છે એનું તને ભાન નથી.” માધવે લગભગ રાડ પાડી.
“બિલકુલ ભાન છે. તેં જ કહ્યું હતું…” કબીરે મજાક ઉડાવતો હોય એ રીતે ચાળા પાડ્યા, “હું
કોઈ પણ સત્ય પચાવી શકીશ.” એણે માધવથી ય મોટા અવાજે રાડ પાડી, “પચાવ! આ સત્ય છે.
પચાવ હવે.”
“પણ… વૈશ્નવી… શું કામ?”
તું કારણ જાણવા માગતો હતો મેં કહી દીધું. કબીરે અદબ વાળી, “તેં કહ્યું માગ, મેં માગ્યું…”
અહીંથી સવાલ-જવાબનો સમય પૂરો થાય છે અને એક્શન શરૂ થાય છે.” એની આંખોમાં જે પીડા
હતી તે માધવને સમજાઈ નહીં, “યસ ઓર નો…” કબીરે દરવાજો ખોલીને માધવને બાવડેથી પકડીને
બહાર કાઢ્યો, “જવાબ આપવા માટે તારી પાસે સાંજ સુધીનો સમય છે. આવતીકાલે સવારે હું વિદેશ
જાઉ છું. અનકોન્ટેક્ટેબલ રહીશ.”
કોઈ ભૂખ્યો વાઘ શિકાર પર ઝપટે એમ ઝપટ્યો હતો માધવ. એણે કબીરના નાક પર એક
મુક્કો જડી દીધો હતો. કબીરના નાકમાંથી લોહી વહેવા લાગ્યું, પણ એણે પ્રતિકાર કર્યો નહીં. એ એક
વિચિત્ર સ્મિત સાથે એ માધવની સામે જોતો રહ્યો. માધવે પૂરેપૂરા ઝનૂનથી કબીરના ટી-શર્ટના બંને
કોલર પકડીને એને હચમચાવી નાખ્યો હતો, “સાલા હરામખોર! દોસ્તની પત્ની પર નજર બગાડે
છે…” અકળાયેલા માધવે ફરી એકવાર કબીરને મુક્કો મારવા માટે મુઠ્ઠી ઉગામી, પણ કબીરે એની
મુઠ્ઠી હવામાં જ પકડી લીધી.
“નજર નથી બગાડી, ઓફર મૂકી છે.” કબીર તદ્દન સ્વસ્થ અને શાંત હતો. આવી ભયંકર વાત
કહી નાખ્યા પછી જાણે એની ભીતર કોઈ નિરાંત થઈ ગઈ હતી. એણે કહ્યું, “નથીંગ પર્સનલ, પ્યોર
બિઝનેસ!” માધવ સાંભળતો રહ્યો, ઉશ્કેરાતો રહ્યો, “આ બે વર્ષમાં તારી પત્નીને મળવાનો પણ
પ્રયત્ન નથી કર્યો મેં. મારી તાકાત અને કનેક્શન જાણે છે તું! હું કંઈ પણ કરી શકું છું, પણ અત્યારે
બિઝનેસ સિવાય કંઈ કરવાની મારી ઇચ્છા નથી.” માધવની મુઠ્ઠી છોડીને કબીરે અદબ વાળી દીધી.
કબીરે એના ટીપીકલ સ્મિત સાથે કહ્યું, “આટલો ગુસ્સે શું કામ થાય છે? મેં એક ઓફર આપી, તું
રિજેક્ટ કરી દે. વાત પૂરી.”
ટેરેસમાં ઊભેલો લાગણીશીલ, ઘવાયેલો, પીડાયેલો હતો. જ્યારે અહીં, આ ચેમ્બરમાં દાખલ
થયા પછી એનો જે રંગ બદલાયો હતો એ કોઈ ક્રૂર, વેર લેવા નીકળેલો, લોહી તરસ્યો કબીર બની
ગયો હતો. એની આંખો અને ચહેરો સમૂળગા બદલાઈ ગયા હતા.
માધવની ભીતર ભયાનક ઝનૂન ઉભરાતું હતું. એનું ચાલે તો એણે કબીરને અહીં જ ખતમ
કરી નાખ્યો હોત, પણ અત્યારે એને નજર સામે હજી સવારે જ પોતાના ઘરે આવેલા ઈકબાલના
માણસો દેખાતા હતા. આ પાંચ કરોડ રૂપિયાની જરૂરિયાત, શ્વાસ જેટલી અગત્યની હતી એવું
માધવનું મગજ એને કહી રહ્યું હતું.
કપાળ પરથી ટપકતો પરસેવો લૂંછતા માધવે કહ્યું, “ડોન્ટ ડુ ધીસ, કબીર!” અત્યાર સુધી
ઝનૂનથી ઉભરાતો, કબીરનો જીવ લેવા તત્પર થઈ ગયેલો માધવ સવારનું દૃશ્ય યાદ આવતાં અચાનક
ઢીલો પડી ગયો. એણે હાથ જોડીને કહ્યું, “એ લોકો… એ લોકો વૈશ્નવીને ઉપાડી જશે. તું તો ઓળખે
છે ઈકબાલને. મને મારી નાખશે…” એણે મહેનતપૂર્વક થૂંક ગળે ઉતાર્યું, “…ને વૈશ્નવીને પહેલાં ચૂંથી
નાખશે, પછી વેચી નાખશે.”
કબીરે એટલી આસાનીથી ખભા ઊલાળ્યા જાણે એને આ બધાથી કોઈ ફરક પડવાનો ન હોય,
“એટલે જ કહું છું. હું તો એકલો છું. પ્રમાણમાં ડીસન્ટ. પરફેક્ટ જેન્ટલમેન.” એના ચહેરા પર ફરી
પાછું પેલું ક્રૂર સ્મિત આવી ગયું, “તારી વૈશ્નવીને એવી ને એવી, વન પીસમાં પાછી આપીશ.” કહીને
એણે એક આંખ મીંચકારી.
“સાલા… હરામી…” માધવ કોઈ લાલ કપડું જોઈને ભડકેલા આંખલાની જેમ કબીર તરફ
દોડ્યો.
કબીરે બે ખભા પકડીને એને અટકાવી દીધો, “લુક! હવે એક પણ વાર મગજ ગુમાવીશ તો
મારા ગાડ્ર્ઝ તને નીચે પહોંચાડી દેશે. એકવાર આ બિલ્ડિંગની નીચે પહોંચ્યો પછી મારી ઓફર
ઈનવેલિડ થઈ જશે.” એણે માધવને સીધો ઊભો રાખ્યો, એના કોલર સરખા કર્યા, હાથથી એની
છાતી પર પડેલી શર્ટની કરચલી હટાવતાં સાહજીકતાથી કહ્યું, “શાંતિથી વિચારજે.” એ ફરી હસ્યો,
“ઉતાવળ મારે નથી, તારે છે.”
માધવ શાંત થઈ ગયો. એની આંખોમાં ફરી ઝળઝળિયાં આવી ગયાં, “પ્લીઝ કબીર!” એણે
બને એટલી નમ્રતા અને અવાજમાં આજીજી ઉમેરીને કહ્યું, “આ પૈસા આપી દે, તું જે કહીશ તે
કરીશ.”
“કહ્યું તો ખરું…” કબીરનો અવાજ એકદમ ધારદાર છતાં આરોહ-અવરોહ વગરનો હતો,
“વૈશ્નવીને એક રાત મૂકી જા ને આ બેગ લઈ જા.”
માધવ ઘૂંટણીયે બેસી ગયો. ભીખ માગતો હોય એમ એણે કરગરીને કહ્યું, “મારી પત્ની છે.
મારું જીવન છે. હું પ્રેમ કરું છું એને…”
“હું પ્રેમ નથી કરતો.” કબીરે એટલી જ નિઃસ્પૃહતાથી કહ્યું, “રાખી નહીં લઉં એને! સાંજે
સાત વાગે મૂકી જજે ને સવારે સાત વાગે તું જ લઈ જજે.”
માધવે ફરી ગરીબડા થતા પૂછ્યું, “મારું આટલું અપમાન કરીને, મને મારી જ નજરમાં નીચો
પાડીને શું સાબિત કરવા માગે છે?” એ રડવા લાગ્યો, “મેં કોઈ દિવસ તારું કંઈ બગાડ્યું નથી.
સપનાંમાં પણ તને નુકસાન કરવાનું વિચાર્યું ય નથી, તો પછી…”
માધવને રડતો જોઈને કબીર સહેજ પીગળ્યો. બે-ચાર ક્ષણ એના ચહેરા પર દયાની લાગણી
આવી પણ પછી તરત જ જાણે કંઈ યાદ આવ્યું હોય એમ એ દયાનું સ્થાન કઠોરતાએ લઈ લીધું.
એણે કહ્યું, “એક્ચ્યુલી તારી વાત સાચી છે. તેં મારું કંઈ બગાડ્યું નથી ને મારી લડાઈ પણ તારી સાથે
નથી.” એ થોડીક ક્ષણ ચૂપ રહ્યો, પછી કબૂલાત કરતો હોય એમ કહ્યું, “મારે જે કંઈ સાબિત કરવું છે
એમાં તું તો ક્યાંય નથી.” ઘૂંટણીયે બેઠેલા માધવે નવાઈથી ભીની આંખે પોતાની સામે ઊભેલા કબીર
તરફ જોયું. કબીર કહેતો રહ્યો, “પણ અફસોસ! મારે જે સાબિત કરવું છે એમાં તને ઢસડ્યા વગર
મારી પાસે બીજાે કોઈ ઓપ્શન નથી.” આટલું કહેતાં જ કબીર પોતે પણ માધવની સામે ઘૂંટણિયે
બેસી ગયો. એના ચહેરા પર કોઈ વિચિત્ર પ્રકારની દયા અને ક્રૂરતાનું કોમ્બિનેશન તડકા-છાંયડાની
જેમ બદલાવા લાગ્યું. એણે પોતાના બંને હાથ ઘૂંટણીયે બેઠેલા માધવના ખભે મૂક્યા, “મને સાચે જ
દુઃખ થાય છે, તારા માટે! યુ આર નો વ્હેર, નો બડી, બટ સ્ટીલ યુ આર એન ઈનએવીટેબલ પાર્ટ
ઓફ ધીસ ડીસઘાસ્ટીંગ ગેમ.” આટલું કહીને કબીર નીચું જોઈ ગયો.
“તું શું કામ કરે છે આવું?” માધવે પૂછ્યું.
“બસ આ એક સવાલનો જવાબ નહીં આપી શકું.” કબીરે હોઠ ભીડીને ઉમેર્યું, “આ સવાલનો
જવાબ મેં કોઈ બીજા માટે સાચવી રાખ્યો છે.” એણે ઘડિયાળ જોઈ, “ચલ, હું નીકળું છું. જે નક્કી
કરે તે મને ફોન કરીને જણાવી દેજે.”
“તને શું લાગે છે? આ મારે નક્કી કરવાનું છે? હું જઈને કહીશ, એટલે વૈશ્નવી માની જશે?”
માધવે નિરાશામાં માથું ધૂણાવ્યું, “તૂટી જશે, પણ એના સ્વમાન સાથે બાંધછોડ નહીં કરે. સગા
બાપને નથી મળી, છેલ્લા પાંચ વર્ષથી.” માધવ કહી રહ્યો હતો, “જુદી જ માટીની છે એ છોકરી. હું
આ વાત કરીશ તો કદાચ આપઘાત કરી લેશે, પણ…”
“નો!” કબીર ચીસ પાડી ઉઠ્યો. એ ચીસ સાંભળીને માધવે નવાઈથી એની સામે જોયું.
વૈશ્નવીને પથારીમાં ઘસડીને અપમાનીત કરવા તૈયાર હતો, આ ક્રૂર, નફ્ફટ માણસ, ને એના
આપઘાતની વાત સાંભળીને ચીસ પાડી ઊઠે એટલો સંવેદનશીલ! જોકે એક જ ક્ષણમાં પોતાની
સ્વસ્થતા પાછી મેળવી લીધી, “એ મરી જશે તો પણ આ પૈસા નહીં આપું તને.” એણે કહ્યું, “મને
વૈશ્નવી જોઈએ, જીવતી. પોતાની મરજીથી મારે ત્યાં આવવું પડશે એણે, તારી સાથે.”
“એ કોઈ કાળે નહીં બને.” માધવે ફરી નિરાશામાં ડોકું ધૂણાવ્યું, “તું ઓળખતો નથી એને.”
“એ પણ ક્યાં ઓળખે છે મને?” કબીરે સ્મિત સાથે પૂછ્યું. પછી સ્વગત બબડ્યો,
“ઓળખવાની દરકાર પણ ન કરી એણે.”
“કબીર પ્લીઝ… આ જીદ મુકી દે. હું એને નહીં મનાવી શકું.” માધવે બે હાથ જોડ્યા.
કબીરે વાંકા વળીને જમીન પર બેઠેલા માધવને પણ ખભેથી પકડીને ઊભો કર્યો. “જો! હવે હું
બોર થઈ ગયો છું. આપણે બે જ લીટીની વાતને વીસ મિનિટ ખેંચી છે.” એણે ફરી એકવાર
અદબવાળી લીધી, મગજ અને મનના દરવાજા બંધ કર્યા હોય એવી રીતે હાથ એકબીજા સાથે છાતી
પર ભીડીને એણે કહ્યું, “આ પાંચ કરોડ પચાસ લાખ રૂપિયા તૈયાર પડ્યા. સાંજે સાત વાગે તારી
પત્નીને મૂકી જા ને પૈસા લઈ જા. પૈસા ઈકબાલને આપી દે, તારી જાન બચાવ, ને તારી પત્નીની
ઈજ્જત. આવતી કાલે સવારે આવીને તારી પત્નીને લઈ જા. આ ઓફર છે, ફાઈનલ છે અને એ
સિવાય મારી પાસે કોઈ બીજી ઓફર નથી.” એણે ચેમ્બરમાંથી બહાર નીકળવા માટે પગ ઉપાડ્યો.
માધવ સામે પડેલી બેગને જોઈ રહ્યો. પાંચ કરોડ પચાસ લાખ ભરેલી બેગ એની નજર સામે
હતી. એક જ ક્ષણમાં માધવ એ બેગ ઉપાડીને ઈકબાલના માણસોને પહોંચાડી શકે એમ હતો. એ
બેગ અને પોતાની વચ્ચે, આમ તો દસ ફૂટથી ઓછું અંતર હતું, પરંતુ કબીરે મૂકેલી શર્ત ખજાના પર
રક્ષા કરતા નાગની જેમ ફેણ માંડીને ઊભી હતી.
*
માધવ સાથે ફોન પર વાત થઈ કે તરત વૈશ્નવીને સમજાઈ ગયું કે આ થોડી મિનિટોમાં કશુંક
ભયાનક અને અઘટીત બની ગયું છે. કંઈક એવું, જેનાથી માધવ પોતાના મગજ પરનો કાબૂ ગૂમાવી
બેઠો છે. “તું સીધો ઘરે આવ.” એણે કહ્યું.
“હેં!” માધવને સમજાતું નહોતું કે એ શું મોઢું લઈને ઘરે જાય, જઈને કઈ રીતે આ પ્રપોઝલ
વૈશ્નવીને જણાવે. માધવ પોતાની ગાડીમાં બેસીને સ્ટીયરિંગ પર માથું પછાડી રહ્યો હતો. એ ધ્રૂસકે
ધ્રૂસકે રડી રહ્યો હતો. કબીરની વાત સાંભળ્યા પછી એને પોતાની જાત માટે જરાય જેટલું યે સન્માન
રહ્યું નહોતું. પોતાની જાત પર થૂંકવાનું મન થતું હતું એને. ક્યાંક ગાડી અથડાવીને મરી જવાની ઈચ્છા
થતી હતી, પણ પછી તરત જ વૈશ્નવીનો વિચાર આવતો ને સમજાતું કે જીવન અનિવાર્ય
અભિશાપની જેમ એને ભીંસમાં લઈને ઝેરી ફૂંફાંડા મારી રહ્યું હતું. એ મરી શકે એમ નહોતો, ભાગી
શકે એમ નહોતો, કબીરે સાચું જ કહ્યું હતું, માધવ પાસે કોઈ ઓપ્શન જ નહોતો છોડ્યો કબીરે.
એકદમ પરફેક્ટ ટ્રેપ હતો. કોઈપણ સાદો સરળ માણસ આરામથી ફસાઈ જાય એવો,
લલચામણો રેશમનો ગાળિયો બનાવ્યો હતો, કબીરે. એને ખબર હતી કે મોટી રકમ સાંભળીને માધવ
તરત સપડાઈ જશે, એમની દોસ્તી, માધવની પ્રામાણિકતા, વફાદારી કશુંયે ગણતરીમાં લીધા વગર,
ચાલાકાપૂર્વક ફસાવ્યો હતો એને.
આજથી બરાબર બે દિવસ પહેલાં બંને જણા આ જ ચેમ્બરની બાજુમાં આવેલા નાનકડા
સેલ્ફ કન્ટેઈન્ટ સ્ટુડિયો એપાર્ટમેન્ટ જેવા લીવિંગ રૂમમાં બેસીને લંચ કરતા હતા ત્યારે કબીરે દાણા
નાખ્યા હતા, “સેન્સેક્સ ઉપર નીચે થયા કરે છે. માર્કેટ વોલેટાઈટલ છે. કમાઈ લેવાનો સમય છે.”
માધવે અચાનક કબીર સામે જોયું હતું. એની આંખોમાં આવેલી ચમક જોઈને કબીર સમજી ગયો
હતો કે મયૂર પારેખ સામે પોતાની જાતને સાબિત કરવાની ઘેલછામાં માધવ એણે નાખેલા દાણા
ચણવા તૈયાર હતો.
“કમાઈ લેવાનો સમય છે, એટલે? હું સમજ્યો નહીં.” માધવે પૂછ્યું હતું.
આઈ.આઈ.એમ.માંથી એમ.બી.એ. ભણેલા માધવને શે’ર માર્કેટની અફરાતફરી સમજાતી નહીં. એ
પ્રિમિયમ લિસ્ટેડ કંપનીમાં ઈન્વેસ્ટ કરતો, પરંતુ એકદમ સેફ ઈન્વેસ્ટમેન્ટ હોય તો જ. સટ્ટો એને
આવડતો નહીં. એના સ્વભાવમાં જ નહોતો, કદાચ. કબીર આ સમજી ગયો હતો. એણે આ ટ્રેપ
બનાવતાં પહેલાં માધવને નાના-મોટા સટ્ટા રમાડીને ચાર-પાંચ વાર દસ-બાર લાખ રૂપિયાનો ફાયદો
કરાવ્યો હતો. કબીરની ટીપ સાચી હોય છે એ વાતમાં માધવને વિશ્વાસ બેસી જાય એ જરૂરી હતું.
“અરે યાર! અમુક અનલિસ્ટેડ કંપનીના શે’રનો ભાવ અત્યારે એકદમ પડી ગયો છે.
ખરીદવાનો સમય છે. ચારેક દિવસમાં માર્કેટ ઉપડશે. એવું લાગે છે કે એક કરોડના પાંચ કરોડ થઈ
જશે.” કબીરે બરાબર સમજી-વિચારીને આ વાત માધવને કહી હતી. એ ધ્યાનથી સાંભળી રહ્યો છે,
એ જોઈને કબીરે ઉમેર્યું હતું, “ફાયદો પાંચથી વધી જાય એવું પણ બને. માર્કેટને બુસ્ટર ડોઝ આપવાની
વાત સાંભળી છે. એમાં કેટલીક કંપનીના શે’ર ઉંચકાશે, એવી ટીપ મળી છે.”
“નાખી દે પૈસા.” માધવે સાવ સ્વાભાવિકતાથી કહ્યું હતું. કંપનીના આર્થિક વ્યવહારો
માધવથી અજાણ્યા નહોતા, “આપણી પાસે સ્પેર પડ્યા છે થોડા પૈસા.” એણે ભોળપણથી કહ્યું હતું.
“અરે ના યાર! મને જરાય રસ નથી.” કબીરે પોતાની વાત ચાલુ રાખી હતી, “કોના માટે
કમાવાનું? મારે કોના માટે ભેગું કરવાનું?” એ એક એક શબ્દ સમજી-વિચારીને બોલી રહ્યો હતો, “મને
થયું કે એક સામટા મોટા પૈસાનો મેળ પડે એમ છે ને તારે જરૂર છે, એટલે…” માધવ પહોળી આંખે
સાંભળી રહ્યો હતો, “આમ પણ, વ્હાઈટ પૈસાનો મેળ નહીં પડે. થોડા બેનામી ખરીદવા પડશે. થોડું
ગોઠવવું પડશે.” એને અચાનક સૂઝ્યું હોય એમ, બરાબર ગોઠવીને કોઈ લલચામણા લોલીપોપની
જેમ માધવની સામે મૂકતાં કબીરે કહ્યું હતું, “આઈ વોન્ટ યુ ટુ મેક સમ મની, બડી!”
“પણ મારી પાસે ક્યાં પૈસા છે?” માધવે ડોકું ધૂણાવતાં, છાશનો ગ્લાસ ખોલીને સામે પડેલા
બે કાચના ગ્લાસમાં સરખા ભાગે છાશ વહેંચી હતી. એક શ્વાસે પોતાનો ગ્લાસ પૂરો કરીને સામે
પડેલો ટીસ્યૂ લઈ હોઠ લૂછતા એણે કહી નાખ્યું હતું, “તું કહે તો નાખી દઉં.”
“પૈસા તો અપાવી દઉં, માર્કેટમાંથી.” હવે કાંટામાં લગાવેલો માંસનો ટૂકડો જાેઈને માછલી
કાંટાની આજુબાજુ ફરવા લાગી છે એવું કબીરને સમજાઈ ગયું. એણે કાંટો સહેજ હલાવ્યો, “આપણે
એક ફોન કરીએ તો પૈસા આવી જશે, એની ચિંતા છોડી દે. સોદો પૂરો થાય એટલે ફાયદો રાખીને
એને પાછા આપી દેવાના. વ્યવહાર છે, આ ચાલે જ છે.”
“કોણ આપશે પૈસા?” માધવે ફરી ડોકું ધૂણાવ્યું, “મારી પાસે કોઈ ગેરેન્ટી નથી. અત્યારે રહું છું
એ ઘર પણ તારું આપેલું છે. એક ગાડી છે, વીસ લાખની. ડેપ્રિસીએશન ગણતા…” માધવનું વાક્ય
પૂરું થાય એ પહેલાં જ કબીરે એને અટકાવ્યો.
“કબીર નરોલા તારી ગેરેન્ટી છે.” એણે ઊભા થતાં માધવના ખભે હાથ મૂક્યો હતો, “મારાથી
મોટી કોઈ ગેરેન્ટી નથી, માર્કેટમાં.” આટલું કહીને એ પોતાની ચેમ્બરના બાથરૂમમાં ચાલી ગયો હતો.
બહાર બેઠેલો માધવ થોડો ગૂંચવાયેલો ને થોડો ઉશ્કેરાયેલો હતો. એને આ ઓફર ચોક્કસ લલચામણી
લાગી હતી. એકવાર પાંચ-પચ્ચીસ કરોડ ખાતામાં આવી જાય તો મયૂર પારેખ સામે વટથી ઊભા રહી
શકાય. એની આંખમાં આંખ મિલાવીને કહી શકાય કે પોતે એની દીકરીને એક ઉત્તમ અને ગૌરવપૂર્ણ
જિંદગી આપી શકે છે… માધવનું મગજ કામે લાગ્યું હતું, આ એક જ જુગાર મારી જિંદગી બદલી
શકે એમ છે. કબીરની ટીપ આજ સુધી ખોટી પડી નથી. એણે વિચાર્યું.
ટિફિન સમેટતાં એણે આ જુગાર રમી નાખવાનો નિર્ણય લઈ લીધો હતો. માધવને સ્વપ્ને
પણ કલ્પના નહોતી કે જેના ઉપર એ જાતથી યે વધુ વિશ્વાસ કરે છે એ માણસ એને ફસાવી રહ્યો છે.
પ્રમાણમાં સીધો અને મધ્યમવર્ગમાંથી આવતો માધવ આવી કોર્પોરેટ ગેમ્સ હજી પૂરેપૂરી સમજતો
નહોતો.
*
અત્યારે કબીરની વાત સાંભળ્યા પછી એને સમજાયું હતું કે, પોતે કેવો ફસાયો હતો! સ્ટિયરિંગ
વ્હીલ પર માથું પછાડતો, ધ્રૂસકે ધ્રૂસકે રડતો, પોતાની આ મૂર્ખામી પર પસ્તાતો માધવ બરાબર
સમજી ગયો હતો કે કબીર નરોલાએ એને એક એવી અંધારી ટનલમાં દાખલ કરી દીધો હતો જેમાં
સીધા સીધા આગળની તરફ ચાલતા રહેવા સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય નહોતો, ને બીજી
તરફ એની અંદર રહેલી સર્વાઈવલ ઈન્સ્ટીંક્ટ, લડી લેવાની વૃત્તિ, ટકી જવાનું ઝનૂન એને ઉકસાવી
રહ્યું હતું કે એણે એક વાર વૈશ્નવીને સમજાવી જોવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ.
(ક્રમશઃ)