આખી રાત મયૂર પારેખ ઊંઘી શક્યા નહીં. ઉપરના બેડરૂમમાં મયૂર પારેખ અને નીચેના
રૂમમાં સંધ્યાબેન દીકરીનો વિચાર કરતા જાગતા રહ્યા… સંધ્યાબેન જાણતા હતા કે મયૂરભાઈ કોઈપણ
સંજોગોમાં પોતાનો અહંકાર મૂકીને વૈશ્નવીની મદદ નહીં કરે, એમણે હવે એ વાતને મગજમાં કાઢી
નાખવાનો નિર્ણય લીધો. વૈશ્નવી સાથે એનું પોતાનું નસીબ છે, જે થવાનું હશે એ થઈને જ રહેશે.
એવું વિચારીને એમણે પોતાની જાતને સવારના નિત્યક્રમમાં પરોવી દીધી.
સવારની ચા, નાસ્તો બધું પતિ-પત્નીએ ચૂપચાપ પતાવ્યું. મયૂરભાઈ તૈયાર થઈને બહાર
નીકળતા હતા ત્યારે એમણે પત્ની સામે જોયા વગર કહ્યું, “તને લાગતું હશે કે, હું પત્થર હૃદયનો બાપ
છું. મારી સગી દીકરીની મદદ કરવા તૈયાર નથી થતો.” સંધ્યાબેને એમની સામે જોયું, “એણે ખૂન કર્યું
છે એક નિર્દોષ માણસનું, ભલે અજાણતાં…” એમનું ગળું ભરાઈ આવ્યું, “શું વાંક હતો એમનો? એ
જાન લઈને આવ્યા હતા આપણે આંગળે. એમનું અપમાન થયું, પ્રતિષ્ઠા ઘવાઈ… તારી દીકરીની એ
જીદ બધાને બરબાદ કરી ગઈ.” એમણે કહ્યું, “હવે મારે એ જોવું છે કે એની જીદ એને ક્યાં લઈ જાય
છે? જે માણસ માટે એણે આટલા લોકોને બરબાદ કર્યા એ માણસ શું કરી શકે છે, તારી દીકરી
માટે…” કહીને મયૂરભાઈ ઘરની બહાર નીકળી ગયા. સંધ્યાબેને આંસુ લુછી નાખ્યા.
હવે વાત વટે ચડી ગઈ હતી. વૈશ્નવીએ પોતાના કર્મો કે નસીબ સામે જાતે જ લડવાનું હતું.
*
વૈશ્નવીની આંખોમાં ભારોભાર નિરાશા હતી. કેન્સરનું ચોથું સ્ટેજ ડાયોગ્નોસ થયા પછી
જેમ દર્દી જીવવાની આશા છોડી દે એમ એની આંખોમાં જીવન બૂઝાવા લાગ્યું, “હું મરી જઈશ. મારું
મૃત્યુ જ આનો જવાબ છે.” વૈશ્નવીએ કહ્યું, “હું નહીં હોઉં તો કોને ઉઠાવી જશે? તું ધીમે ધીમે પૈસા
પાછા આપી શકીશ…”
“મૃત્યુનો વિચાર તો મેં પણ કર્યો હતો, વૈશુ.” માધવનો અવાજ કોઈ દૂર ઊંડી ગુફામાંથી
આવતો હોય એવો મંદ હતો, “મૃત્યુ આનો ઉપાય નથી. તારું કે મારું કોઈનું મૃત્યુ આપણને આ
પરિસ્થિતિમાંથી બહાર નહીં કાઢી શકે…” એણે વહાલથી વૈશ્નવીને બેઠી કરી. એના અવાજમાં એની
હાર, હતાશા અને અપરાધભાવની ભીનાશ હતી, “બધું જ ગૂંચવાઈ ગયું છે. બંને મરી જઈએ તો
પણ, હાર તો આપણી જ થશે.” એણે વૈશ્નવીના ગાલ પર હાથ ફેરવ્યો, “આપણા પ્રેમની, આપણા
ર્નિણયની, આપણી હિંમતની ઠેકડી ઉડાડશે, મયૂર પારેખ.” માધવે સાવ માંદલા અવાજે કહ્યું, “જીવવું
જોઈએ. ઝઝૂમવું જોઈએ અને આપણા પ્રેમને જીતાડવો જોઈએ, પણ સત્ય તો એ છે કે, જીતીને
પણ હારી જઈશું.” એણે નિઃશ્વાસ નાખ્યો, “કબીરની શર્ત માની લઈએ તો પૈસા મળી જશે.”
“તો?” વૈશ્નવી ગૂંચવાતી જતી હતી.
“પણ, એ પછી એકમેકને મોઢું દેખાડવાની સ્થિતિ પણ નહીં રહે, કદાચ.” માધવનું હૃદય રડી
રહ્યું હતું, જે વાત એના હોઠ પર આવે એમ નહોતી એ વાત કહ્યા વગર એનો છુટકો ય નહોતો.
વૈશ્નવીએ પૂછ્યું, “શું શર્ત છે, કબીરની?”
“એ…” માધવ ઊભો થયો. વૈશ્નવી સાથે આંખ મેળવવાની હિંમત નહોતી એની. ઊંધા
ફરીને, અદબવાળીને, દાંત પીસીને, આંખ મીંચીને એણે એક શ્વાસે કહી નાખ્યું, “એક રાત માટે તને
બોલાવે છે, એના ફાર્મહાઉસ પર. મારે તને મૂકવા જવાની અને પૈસાની બેગ લઈને આવી જવાનું.
બીજે દિવસે સવારે તને લેવા પણ મારે જ આવવાનું.”
“એને ખબર છે કે હું કોઈ દિવસ તૈયાર નહીં થાઉં… એટલે જ આવી શર્ત મૂકી છે.” માધવનો
અવાજ રડમસ થઈ ગયો, “એને પૈસા નથી આપવા. એણે બરબાદ કરવાનું નક્કી કરી નાખ્યું છે.” એ
ચૂપ થઈ ગયો.
થોડીક ક્ષણોની વજનદાર ચૂપકીદી પછી વૈશ્નવી ધીમેથી ઊભી થઈ. મક્કમ પગલે ધીરે ધીરે
માધવની નજીક આવી. પોતાના બંને હાથે માધવના બાવડાં પકડીને એણે માધવને પોતાની તરફ
ફેરવ્યો, વૈશ્નવીના અવાજમાં સર્વસ્વ ખોઈ બેઠેલા જુગારીની હતાશા હતી. એ માધવની આંખોમાં
જોઈ રહી, “લગ્ન વખતે આપણે એકબીજાને શું વચન આપ્યું હતું? સુખમાં અને દુઃખમાં સાથે
રહીશું, જિંદગીના ઉતાર-ચઢાવમાં એકબીજાનો હાથ નહીં છોડીએ, પ્રાણને અંતે પણ એકમેકની રક્ષા
કરીશું, પોતાનું સ્વમાન ગુમાવીને પણ એકમેકના સ્વમાનને સાચવીશું…” એના ચહેરા પર પીડા હતી,
પણ આંખોમાં લગ્નની પવિત્ર વેદીનો અગ્નિ પ્રજ્વળતો હતો, “એક રાત માગી છે ને?” એણે પૂછ્યું.
“નો વૈશ્નવી.” માધવે બંને હાથે પત્નીને છાતી સરસી ચાંપી દીધી.
“જો એ છેલ્લો રસ્તો હોય તો આપણે સ્વીકારવો જ રહ્યો.” સાવ સહજતાથી, ધીમેથી
માધવને અળગો કરીને વૈશ્નવીએ કહ્યું. એ દૂર શૂન્યમાં જોઈ રહી હતી. એણે કહ્યું, “આ લગ્નને હું
ક્યારેય હારવા નહીં દઉં. આપણા સંબંધને હું ક્યારેય હાંસીપાત્ર નહીં બનવા દઉં. મારા પિતાને સાચા
સાબિત થવા દઈને મારા પ્રેમનું, મારા દામ્પત્યનું અપમાન નહીં જ થવા દઉં.” એ સ્વગત બોલતી
રહી. માધવ એના શબ્દોમાં, એની હતાશામાં પીગળતો રહ્યો. એ ઢગલો થઈને ઘૂંટણીયે પડી ગયો.
વૈશ્નવી ધીમા પગલે બેડરૂમમાં ગઈ. માધવ ઝડપથી ઊઠીને એની પાછળ ગયો. માધવ કંઈ સમજે તે
પહેલાં પલંગના કોતરણીવાળા સાઈડ ટેબલ પર પડેલો પોતાનો સેલફોન વૈશ્નવીએ ઉપાડ્યો. એની
આંખો પથ્થરની હોય એવી, ભાવવિહીન સ્થિર થઈ ગઈ હતી.
માધવ એની સામે જોઈ રહ્યો હતો, “કોને ફોન કરે છે?” એને ખબર હતી છતાં એણે પૂછ્યું.
માધવને પરિસ્થિતિ પર વિશ્વાસ નહોતો બેસતો. એક તરફ એને આ બધું રોકી લેવું હતું. વૈશ્નવીને
આ હોળીમાં નાળિયેર બનાવીને હોમી દેવા માટે એની અંદરનો પુરુષ, પતિ તૈયાર નહોતો, તો બીજી
તરફ એની અંદરનો માણસ, મિડલક્લાસ અને ડરેલો ડ્રાઈવરનો દીકરો વિચારતો હતો કે જો એટલું જ
કરવાથી આ બધું પૂરું થવાનું હોય તો…
ફોન પકડીને ઊભેલી વૈશ્નવીની આંખોમાં બલિ માટે તૈયાર થતા પશુની દયનિયતા નહોતી,
યજ્ઞમાં હોમાવા તૈયાર થયેલા સમીધની શુદ્ધતા હતી. એણે માધવ સામે જોવાનું ટાળ્યું. માધવે
ઈચ્છ્યું હોત તો એ દોડીને ફોન ઝૂંટવી શક્યો હોત, કનેક્ટ થઈ ગયેલો ફોન ડીસકનેક્ટ કરી શક્યો હોત,
એણે એવું કર્યું નહીં. એ વાત વૈશ્નવી જેવી બુધ્ધિશાળી અને તેજસ્વી સ્ત્રી નોંધ્યા વગર રહી શકી
નહીં! વૈશ્નવીના હાથમાં રહેલા સેલફોનમાં વાગી રહેલી રીંગ માધવને સંભળાતી હતી. એણે કોને
ફોન જોડ્યો હતો એની માધવને ખબર હતી તેમ છતાં એ પોતે પણ સામેથી આવનારા અવાજની
પ્રતીક્ષા કરી રહ્યો હતો.
“વૈશ્નવી!” કબીરના અવાજમાં શિકારીની ક્રૂરતા નહીં, કોઈ પ્રિયતમની ઉત્સુકતા હતી.
વૈશ્નવી અવાક્ થઈને ઊભી હતી. સામેથી કબીરનો અવાજ સંભળાયો છતાં એ કંઈ બોલી શકી
નહીં. કબીરે સામે છેડેથી ઋજુતા અને પૂરા સન્માનથી પૂછ્યું, “બોલ…” વૈશ્નવી હજી ચૂપ હતી.
કદાચ એને ઊંડે ઊંડે આશા હતી કે માધવ દોડીને એના હાથમાંથી ફોન ઝૂટવી લેશે કે પછી પોતે ફોન
જોડ્યા છતાં કબીરની શર્ત સ્વીકારવાની હિંમત નહીં કરી શકે એવું એને લાગતું હતું. એ નિરાશ થઈ.
માધવ કોઈ પત્થરના પૂતળાની જેમ ઊભો ઊભો વૈશ્નવીના સ્ત્રીત્વ અને સન્માનનું માથું કપાતું જોઈ
રહ્યો હતો.
“હેલો!” કબીરનો ઘેરો, મર્દાના છતાં મૃદુતામાં ઝબોળાયેલો અવાજ વૈશ્નવી તરફથી કંઈ
કહેવા એની પ્રતીક્ષા કરી રહ્યો હતો.
પોતાની ભીતર જાણે કશું મરી જતું હોય એમ વૈશ્નવીએ ઊંડો શ્વાસ લીધો. ક્ષણભર માટે
આંખો મીંચી અને ડચકાં ખાતા સ્વમાનનું ગળું ઘોંટીને એણે કહ્યું, “તમારી શર્ત અમને મંજૂર છે.”
“હંમમ.” કબીર સાંભળતો રહ્યો.
“હું આવીશ.” વૈશ્નવીએ કહ્યું, “આજે સાંજે.” એના અવાજની સ્થિરતા, અને મજબૂતી
સાંભળીને એની સામે ઊભેલો માધવ હેબતાઈ ગયો.
કબીરને ખાતરી હતી કે, પોતે નાખેલો પત્થર અનેક વમળો ઊભા કરીને અંતે ડૂબશે નહીં, તરી
જશે… તેમ છતાં, વૈશ્નવીના આ ચાર શબ્દો સાંભળીને કબીરને પણ લાગ્યું કે જાણે કોઈએ એના પગ
નીચેથી જમીન સરકાવી લીધી છે. કોઈ કળણમાં ઊભો હોય એમ કબીર ધીમે ધીમે પોતાના જ રૂમની
ફર્શમાં અંદર ઉતરતો હોય એવું એણે અનુભવ્યું. થોડીક ક્ષણ એ બેહોશી અને અભાન અવસ્થામાં
વીત્યા પછી કબીર જાણે જાગ્યો હોય એમ એણે વૈશ્નવીને પૂછ્યું, “તારા પર કોઈ જબરદસ્તી નથી કરી
ને? તને ડરાવીને, ધમકાવીને, દબાણથી માધવે પરાણે આ કહેવડાવ્યું છે?” ખરેખર તો એ પોતે ડરી
ગયો હતો, વૈશ્નવીની સ્વસ્થતા અને મક્કમ અવાજથી.
“મને કોઈ ડરાવી, ધમકાવી શકે નહીં.” એને કહેતાં કહેતાં ડૂમો ભરાઈ ગયો, “હું મારી ટર્મ્સ
પર જીવું છું. મારા નિર્ણયો આજ સુધી મેં જ કર્યાં છે…” એની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં, “એ
નિર્ણયો સાથે જોડાયેલા પરિણામો પણ મારે જ ભોગવવા પડે ને?”
“તું મજબૂર નથી.” કબીરથી કહેવાઈ ગયું, “તું એકવાર કહી દે, હું પૈસા મોકલી દઈશ.”
“ના…” વૈશ્નવીએ આંસુ લુછી નાખ્યા, “તું બિઝનેસમેન છે ને હું ભિખારી નથી.” આટલું
સાંભળતાં જ કબીરની આંખો ભરાઈ આવી, “અત્યાર સુધી હું માનતી હતી કે, મયૂર પારેખ જ આ
લગ્નની વિરુધ્ધ છે, પણ હવે મને સમજાયું કે…” કબીર સાંભળતો રહ્યો. થોડીક ક્ષણો માટે બંને ચૂપ
થઈ ગયા. બાજુમાં ઊભેલો માધવ તો કશું બોલી શકે એમ હતો જ નહીં. એ અત્યારે જે વૈશ્નવીને
જોઈ રહ્યો હતો એને કદાચ, પોતે ઓળખતો જ નહોતો એવું આ સંવાદ દરમિયાન માધવને લાગતું
રહ્યું. વજનદાર ક્ષણોના સન્નાટા પછી વૈશ્નવીએ વલોવાઈ જતા અવાજે પૂછ્યું, “કેમ?” એણે
પોતાનું ડૂસકું નીકળી જાય એ પહેલાં રોકી લીધું, “વ્હાય, કબીર?”
“સાંજે મળીએ છીએ ને? તારા તમામ સવાલોના જવાબ આપીશ. આઈ પ્રોમીસ.” કબીરે
કહ્યું. સંવાદ આગળ વધે તે પહેલાં એણે ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો.
વૈશ્નવી અને માધવ એક જ રૂમમાં, એકબીજાથી થોડાક જ ફૂટના અંતરે ઊભાં હતાં, પરંતુ
આ થોડીક ક્ષણોમાં જાણે એમની વચ્ચે સદીઓનું અંતર પડી ગયું. માધવ પોતાની અંદર રહેલા ડરને,
ક્ષોભને અને અપરાધના ભાવને છુપાવવા વૈશ્નવીથી ઉંધો ફરીને રૂમની બહાર નીકળી ગયો.
એ પછીની દરેક મિનિટે વૈશ્નવી અને માધવને ઘડિયાળના કાંટાની અણીઓ ભોંકાતી રહી.
વૈશ્નવી બેડરૂમમાં અને ગેલેરીમાં બેચેન બનીને સમય પસાર થવાની પ્રતીક્ષા કરતી રહી અને માધવ
ડ્રોઈંગ રૂમના સોફામાં તૂટ્યું વાળીને પડ્યો પડ્યો પોતાના પુરુષત્વની, પતિત્વની થઈ રહેલી હાંસીને
બરદાસ્ત કરવાનો પ્રયાસ કરતો રહ્યો.
*
કબીર નરોલાના ઘરમાં જાણે કોઈના લગન હોય એવી દોડાદોડી હતી. એ ઘરના નોકરો પાસે
ઘર ઠીક કરાવી રહ્યો હતો, સૂચનાઓ આપી રહ્યો હતો. ફૂલો, અને સુગંધી કેન્ડલ્સથી શણગારેલું ઘર
કોઈ પાર્ટી હોય એમ ઝગમગી રહ્યું હતું.
કબીર બેચેન થઈને સૂચનાઓ આપી રહ્યો હતો, “ના ના ના… એ ગુલછડીના ફૂલો ઉપર લઈ
જાઓ. આ મોગરાની આખી સેર સીડી પર લટકાવો. એવી રીતે નહીં, અપ એન્ડ ડાઉનની સિરિઝમાં.
દરેક પગથિયાં પર સેન્ટેડ કેન્ડલ મૂકો… જુઓ, ચડતી વખતે વૈશ્નવીના કપડાં એને ન અડે એવી રીતે,
ખૂણામાં મૂકો…”
આ બધું એક સાક્ષીને જેમ જોઈ રહેલા કબીરના પિતાના સૌથી વિશ્વાસુ, ઘરના મેનેજર કે
હોમકીપર, કનુભાઈ થોડા આશ્ચર્યચકિત પણ હતા અને થોડા વિચલિત પણ. કબીર એમનાથી કંઈ
છુપાવતો નહીં. આજે પણ જે કંઈ બન્યું હતું એ બધું જ કનુભાઈ જાણતા હતા. કબીરના પિતા,
રાધેશ્યામ નરોલા પણ કનુભાઈને પોતાના મિત્ર માનતા. એમણે દેહ છોડ્યો ત્યારે એમનું શરીર
કનુભાઈના હાથમાં જ હતું. એ વખતે જે કંઈ બન્યું એ બધાના સાક્ષી કનુભાઈ આજે પણ સાક્ષીભાવે
જ આખી પરિસ્થિતિને જોતા, અદબ વાળીને ઊભા હતા. એમણે ધીમેથી પૂછ્યું, “તું લગ્ન કરીને
લાવતો હોય એમ શણગારી રહ્યો છે ઘરને… પણ…”
કબીર કોઈ વિક્ષિપ્ત, ગાંડા માણસની જેમ ખડખડાટ હસ્યો, “પરણીને લાવ્યો હોત તો
આખા ઘરમાં ફૂલો બિછાવી દીધા હોત! જમીન પર પગ ન મૂકવા દીધો હોત એને!” કહેતાં કહેતાં
એની આંખો ભરાઈ આવી.
“બહુ ચાહે છે એને?” કબીરે ડોકું ધૂણાવીને હા પાડી, “આજે પણ?” હા કહેતાં કહેતાં કબીરે
પોતાનું માથું કનુભાઈના ખભે મૂકી દીધું. એમણે કબીરના વાળમાં હાથ ફેરવ્યો, “પણ, એ જ
સ્થિતિમાં આવી રહી છે, એમાં એના મનમાં તારે માટે તિરસ્કાર સિવાય કંઈ નહીં હોય, સમજે છે?”
કનુભાઈએ વહાલથી પૂછ્યું, “શું કરવાનો છે તું? કંઈ વિચાર્યું છે કે પછી…”
કનુભાઈનો સવાલ પૂરો થાય એ પહેલાં જ કબીરે કહ્યું, “મને ક્યાં ખબર છે હું શું કરવાનો છું?
નક્કી કરીને જીવવું એ કબીર નરોલાનો સ્વભાવ જ નથી… જિંદગીએ મને નક્કી કરવા દીધું હોત તો
આ દિવસ જ ના આવ્યો હોત.”
“મને તારી ચિંતા થાય છે, બેટા.” કનુભાઈએ કહ્યું.
“મને જ મારી ચિંતા થાય છે.” કબીરે કહ્યું, “મારી નજર સામે વૈશ્નવી આ ઘરમાં પ્રવેશ
કરશે… આખી રાત અહીં રહેશે, મારી સામે… મને તો ડર છે કે, સવાર સુધીમાં મારું હૃદય બંધ પડી
જશે.”
“કાશ, એ છોકરી તારો પ્રેમ સમજી શકી હોત!” કનુભાઈથી નિઃસાસો નંખાઈ ગયો.
“કંઈ નહીં… કદાચ, હવે સમજે.”
“હવે સમજે તો ય શું થઈ શકે? તેં જે પરિસ્થિતિ ઊભી કરી છે એમાં તું એની નજરમાં નીચો
પડી ગયો છે. તેં ખરીદી છે એને. મજબૂર કરી છે. એના સ્વમાનને, એના સ્ત્રીત્વને, લોહીલુહાણ કર્યા
પછી એ કદાચ તને સમજે, તારા પ્રેમને, તારા દુઃખને, તારી પીડાને ઓળખી શકે તો ય…” કનુભાઈનું
ગળું પણ ભરાઈ આવ્યું, “તેં બધું ગૂંચવી નાખ્યું, દીકરા! તારા વેર અને ગુસ્સાએ બધું સળગાવી દીધું.
હવે શણગારેલા ઘરમાં શરીરે રાખ ચોળીને એને આવકારીશ ત્યારે એ તને સમજી શકશે એવું લાગે છે
તને?”
“એ સમજે કે નહીં, મને બહુ ફરક નથી પડતો હવે. અત્યાર સુધી હું એકલો જ એને પ્રેમ
કરતો હતો. આમ સામે આવીને ઊભી રહેશે એવું તો કદી ધાર્યું નહોતું… પણ, મારી શિદ્દત, મારી
પ્રતીક્ષા એટલી ભયાનક હતી કે નસીબે એને મારી સામે લાવીને ઊભી રાખી.” કબીરના ચહેરા પર જે
સ્મિત હતું એ જોઈને કનુભાઈને ખરેખર ભય લાગ્યો. એનું મગજ છટકી જાય, એ ગાંડો થઈ જાય
એવા પ્રકારની કોઈ ઘેલછા હતી એની આંખોમાં. એ દરવાજા તરફ જોઈને બોલી રહ્યો હતો,
“એકવાર… બસ, એકવાર એને એટલું સમજાય કે જેને માટે એણે મને છોડ્યો એ એને મારા દરવાજા
પર મૂકી ગયો, તો એને એની ભૂલનો અહેસાસ થશે. મારા પિતાના મોત માટે, મારી જિંદગીને
ઉજ્જડ કરી નાખવા માટે, એક સીધાસાદા પ્રેમ કરતા કબીર નરોલાને આટલા વર્ષ વેરની આગમાં
સળગતો રાખવા માટે આટલી સજા બસ છે. જે માણસ માટે એણે બારણે આવેલી મારી જાન પાછી
વાળી… જે માણસને એ પોતાનું સર્વસ્વ માને છે, એ જ એને પાંચ કરોડ જેવી ફાલતુ રકમ માટે
વેચીને પાછો વળી જશે ને, ત્યારે એને સમજાશે કે એ હારી ગઈ…”
“ને તું એનાથી જીતી જઈશ?” કનુભાઈએ પૂછ્યું.
“હું તો એ દિવસે જ હારી ગયો હતો, જે દિવસે એને પહેલીવાર જોઈ હતી. પછી ફરી હાર્યો
જ્યારે મને ખબર પડી કે, એ ઘર છોડીને ભાગી ગઈ છે. એ પછી ફરી હાર્યો જ્યારે આટલા બધા
લોકોની વચ્ચે મારે કહેવું પડ્યું કે, આ લગ્ન નહીં થઈ શકે, પછી ફરી હાર્યો જ્યારે ડેડી આ દુનિયા
છોડીને ચાલી ગયા… મને તો હારવાની ટેવ પડી ગઈ છે, કનુભાઈ. હવે મારે જીતવું જ નથી.”
કબીરની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં, “હું તો હાર્યો… પણ, એ નહીં જીતે એનાથી મને બહુ
ચેન, બહુ સુકુન મળશે. મારા ડેડીનું શ્રાધ્ધ પૂરું થશે આજે. મારે જોવું નથી, એને બતાવવું છે કે એણે
જેને માટે મને હરાવ્યો એ જ માણસ આજે એના સ્વમાન, સન્માન અને લગ્ન બધું જ દાવ પર
લગાવીને હારી ગયો!”
“પછી?” કનુભાઈએ પૂછ્યું. પછી શું થશે, “બસ! આ સવાલનો જવાબ નથી મારી પાસે…”
કબીરે કહ્યું, “આજની રાત બહુ ભારે છે, કાળી, અંધારી અને ભયાનક રાત છે. આવતીકાલે સવારે શું
થશે એનો જવાબ નથી મારી પાસે…” એ આગળ બોલે એ પહેલાં ઘરમાં લગાડેલા 85 ઈંચના
મોનિટરના એક ચોકઠામાં બંગલાના મુખ્ય દરવાજાના ફૂટેજમાં એક ગાડી પ્રવેશતી દેખાઈ. કબીરે
આંસુ લુછી નાખ્યા. માણસોને ચાલી જવાનો ઓર્ડર આપ્યો, એણે બે હાથ જોડીને કનુભાઈ તરફ
જોયું. કનુભાઈ માથું હલાવીને ત્યાંથી નીકળી ગયા.
(ક્રમશઃ)