‘વૈશ્નવી મેં તને જોઈ એ દિવસથી હું તને પ્રેમ કરું છું. તારા વગર જીવી નહીં શકું…’
વૈશ્નવીનો હાથ પકડીને ઘૂંટણીયે બેઠેલો કબીર કહી રહ્યો હતો.
‘હું માધવની પત્ની છું.’ વૈશ્નવીએ કહ્યું.
‘કોણ માધવ? જે તને વેચીને જતો રહ્યો. પાંચ કરોડ રૂપિયા માટે જેણે સપ્તપદીના સાત
વચન ગિરવે મૂકી દીધા? સુખ-દુઃખમાં સાથે રહેવાની પ્રતિજ્ઞાની કિંમત જેણે પાંચ કરોડ રૂપિયા આંકી,
એ માધવ?’ કબીરે કહ્યું.
‘હું જાણું છું… એણે મારું અપમાન કર્યું છે. મને પણ એ વાતનું દુઃખ છે.’ વૈશ્નવીએ કહ્યું.
‘શું મળે છે તને એ માણસની સાથે જીવીને.’ કબીરે પૂછ્યું, ‘એનો કઈ ક્લાસ નથી. આવડત
નથી. સ્ટાઈલ નથી. સ્વેગ નથી. એ જે પ્રકારના લોકો સાથે ફરે છે-ઊઠે બેસે છે એ બધા સાવ…’
કબીર કહી રહ્યો હતો.
‘હું પણ પસ્તાઉં છું એને પરણીને.’ વૈશ્નવીએ કહ્યું.
‘તો છોડ એને…’ કબીરે કહ્યું.
‘એમ કેવી રીતે છોડી દઉં.’ વૈશ્નવી અચકાઈ.
‘છૂટાછેડા કોઈ નવો શબ્દ નથી અને તારી પાસે તો કારણ છે. એણે તને અહીં આવવાની
ફરજ પાડી… તારું શોષણ કર્યું. જસ્ટ એક કાગળ ફાઈલ કરી દે અને તને ફટ દઈને છૂટાછેડા મળી
જશે.’ કબીરે કહ્યું, ‘એને સજા થશે.’
‘પછી?’ વૈશ્નવીએ પૂછ્યું.
‘પછી શું?’ કબીર નજીક આવ્યો. એણે વૈશ્નવીના બંને ગાલ ઉપર પોતાના બંને હાથ મૂક્યા.
એનો ચહેરો નજીક લીધો. આંખોમાં આંખો પરોવી અને ધીમેથી કહ્યું, ‘પછી આપણે લગ્ન કરીશું. તું
વૈશ્નવી કબીર નરોલા બનીશ… આ અખૂટ સંપત્તિની માલિકી. આ સામ્રાજ્યની મહારાણી…’
‘સાચે?’ વૈશ્નવીએ પૂછ્યું. એ એક ડગલું વધારે નજીક આવી.
‘કોઈ શકે છે તને? હું તને ખૂબ ચાહું છું. એક રાત માટે પાંચ કરોડ ખર્ચી શકું તો તને
જિંદગીભર પામવા માટે શું ન કરી શકું, સમજાય છે તને?’ કબીરે પૂછ્યું… એ પછી બંનેના આકારો
એક થઈ ગયા. દ્રશ્ય ધૂંધળું થઈ ગયું… ગાડીના સ્ટિયરિંગ પર નશામાં ધૂત માથું ઢાળીને બેઠેલા માધવ
દેસાઈએ બંને હાથે સ્ટિયરિંગ પકડીને માથું સ્ટિયરિંગ પર પછાડ્યું, ‘નો… નો… આ મારાથી શું થઈ
ગયું?’ એ ચોધાર આંસુએ રડતો હતો. સાથે સાથે શરાબ પી રહ્યો હતો. એની માનસિક હાલત
ડામાડોળ હતી.
કબીર અને વૈશ્નવી વચ્ચે શું થયું હશે, શું થઈ શકે એ વિશેના જાતજાતના દ્રશ્યો એની
કલ્પનામાં આવતાં હતાં… એ દ્રશ્યોના વિચાર અને એની કલ્પનાએ માધવને વિચલિત કરી મૂક્યો
હતો. માધવે ઘડિયાળ જોઈ, ત્રણમાં પાંચ હતી. હજી ચાર કલાક… એણે ફરી સ્ટિયરિંગ પર માથું
પછાડ્યું, એણે ચીસ પાડી, ‘વૈશ્નવીઈઈઈ…’
*
‘ઊંઘ નથી આવતી?’ખાસ્સીવાર સુધી વૈશ્નવી અને કબીર પોતપોતાની પીડામાં શેકાતાં રહ્યાં
એ પછી જ્યારે બેહોશીમાંથી જાગ્યો હોય એમ કબીર ઊભો થઈને વૈશ્નવીની નજીક આવ્યો. રાતના
ત્રણ વાગ્યા હતા. બહારનો સુનકાર અને તમરાંના અવાજ સાંભળતાં એવું લાગતું હતું કે, આ બંગલો
મુંબઈ શહેરમાં નહીં, પણ કોઈ એકાંત હિલસ્ટેશન પર કે પછી કોઈ શહેરથી દૂર શાંત વિસ્તારમાં
આવેલો હોય. સ્વિમિંગ પુલના પાણી હવાને કારણે હલતા હતા. જેના પર પડતી લાઈટનું અજવાળું
સામેની દિવાલ પર એક રમણીય આકૃતિ રચી રહ્યું હતું. એ હલતી ઝળહળતી આકૃતિને ક્યારની
નિહાળી રહેલી વૈશ્નવીએ જિંદગીના વીતી ગયેલા દાયકાનો પ્રવાસ એકથી વધારે વાર કરી નાખ્યો
હતો…
શું થયું, કેવી રીતે થયું અને શા માટે થયું એ વિશે બની શકે તે બધું પૃથકરણ કરી ચૂકી હતી, એ!
બધું વિચારતાં એને ફક્ત મયૂરભાઈનો વાંક દેખાતો હતો. એમણે એક વાર સાચું કહેવાની અને સાચું
સાંભળવાની તૈયારી બતાવી હોત તો આજે કબીરના પિતા જીવતા હોત, એકલવાયો, કડવો અને
વેરમાં સળગતો કબીર પણ એક સારો ખુશમિજાજ માણસ હોત… પોતે આમ અહીં આવી શરમજનક
સ્થિતિમાં ન હોત અને… કોણ જાણે શું હોત, ને શું ન હોત! એ બધું વિચારી વિચારીને વૈશ્નવી થાકી
ગઈ હતી. એણે આંખો મીંચીને થોડીક ક્ષણ શાંત થવાનો પ્રયત્ન કરી જોયો. સ્વિમિંગ પુલ પાસે
મૂકેલી રિક્લાઈનર બેઠકો પર માથું ટેકવીને ઊંઘવાનો પ્રયાસ પણ કરી જોયો, પરંતુ એનું મગજ જે
ઝડપે ચાલતું હતું એમાં એને ક્ષણભર પણ ચેન પડે એમ નહોતું.
રડતો-હસતો, વિક્ષિપ્ત મનોદશામાં જમીન પર આળોટતો કબીર નરોલા અર્ધ બેહોશીમાં,
નશામાં કોણ જાણે શું બોલી રહ્યો હતો! થોડીકવાર માટે નશાને કારણે એની આંખો મીંચાઈ, પરંતુ એ
નશો-ઘેન, બહુ લાંબો સમય ન ટક્યો. એણે આંખો ખોલી ત્યારે વૈશ્નવીને બહાર સ્વિમિંગ પુલ પર
આંટા મારતી જોઈ. એ ઊભો થયો, વેટ ટિશ્યૂથી મોઢું લૂછ્યું-સ્વસ્થ થવાનો પ્રયાસ કરીને વૈશ્નવી
પાસે ગયો, ‘ઊંઘ નથી આવતી?’ એણે પૂછ્યું.
વૈશ્નવી એની સામે જોઈ રહી, ‘તને ઊંઘ આવે છે?’ એણે પૂછ્યું.
‘હં?!’ કબીર હજી પૂરો સ્વસ્થ નહોતો થયો. કેટલાય વખતથી મનમાં ભરી રાખેલું આ
જ્વાળામુખી જેવું સત્ય આજે જે રીતે વૈશ્નવીની સામે ઊભરાયું હતું એની દાહ હજી શાંત નહોતી
થઈ, ‘ના. મને તો આમ પણ ઊંઘ નથી આવતી.’ એણે કહ્યું, ‘લગભગ આખી રાત જાગતો જ હોઉં
છું.’
‘હું તારી માફી માગું છું.’ વૈશ્નવીએ બે હાથ જોડ્યા, ‘મને જો ખબર હોત કે મારા પપ્પાએ
તમને લગ્ન માટે હા પાડી છે તો હું…’ આગળ શું કહેવું એ વૈશ્નવીને સૂઝ્યું નહીં. એ ચૂપ થઈ ગઈ.
થોડીક ક્ષણો એમ જ, મૌનમાં વીત્યા પછી એણે ફરી કહ્યું, ‘આઈ એમ રિઅલી સોરી. મારે લીધે તારા
જીવનમાં બહુ તકલીફ આવી.’
‘મને લાગતું હતું કે, આ બધું તેં જાણી જોઈને કર્યું છે.’ કબીરની આંખો ફરી ભીંજાઈ ગઈ,
‘પણ મને તો આજે ખબર પડી છે કે, તું કશું જાણતી જ નહોતી.’એણે સામે બે હાથ જોડ્યા, ‘જે કંઈ
થયું એ હું બદલી શકું એમ નથી.’ એનો અવાજ ગળગળો થઈ ગયો, ‘પણ તારી માફી તો માંગી જ
શકું. હું તને આવી રીતે… અહીં…’કબીર ચૂપ થઈને નીચું જોતો રહ્યો. વૈશ્નવીએ નજીક આવીને
એના બે હાથ પકડ્યા. એ સ્પર્શમાં સહાનુભૂતિ અને ક્ષમા હતી અને સાથે સ્નેહ પણ હતો.
‘કબીર!’એણે ઊંચું ન જોયું, ‘હું તારી જગ્યાએ હોત તો કદાચ, મને પણ આટલો જ ગુસ્સો
આવ્યો હોત. યુ લોસ્ટ યોર ડેડ, એ નાની વાત નથી.’ કબીર હજીએ નીચું જોઈ રહ્યો હતો, ‘તું તારી
જગ્યાએ એકદમ સાચો છે. મને સજા કરવા માટે તારી પાસે કારણ છે, કબીર.’ હવે કબીરે ઊંચું જોયું.
વૈશ્નવીની આંખોમાં શુધ્ધતા અને સચ્ચાઈ હતી, ‘મને સજા મળવી જોઈએ. તેં જે કર્યું એમાં કંઈ જ
ખોટું નથી.’
‘તું સાચે એવું માને છે?’ કબીરથી પૂછ્યા વગર ન રહેવાયું, વૈશ્નવીએ ડોકું ધૂણાવીને ‘હા’
પાડી, ‘પણ, હવે? હવે શું થશે? માધવ…’
‘કંઈ નહીં થાય. હું સવારે મારા ઘરે જતી રહીશ. અમે બંને…’ વૈશ્નવીએ સહેજ અટકીને
સુધાર્યું, ‘આપણે ત્રણેય આ રાતની વાત ભૂલી જઈશું.’
‘માધવ ભૂલી શકશે?’ કબીરે પૂછ્યું.
‘એણે ભૂલવું પડશે.’વૈશ્નવીએ કહ્યું. એના અવાજમાં ઠંડા લોખંડની સખ્તાઈ હતી, ‘નહીં
ભૂલે તો એણે જ દુઃખી થવું પડશે.’
‘ને તું?’ કબીરે પૂછ્યું, ‘તું ભૂલી શકીશ આ રાતને?’ એની આંખોમાં બે-ચાર અલગ અલગ
ભાવ આવ્યા અને ભૂંસાઈ ગયા.
‘નહીં ભૂલું.’ હજી પણ વૈશ્નવીનો અવાજ ઠંડો અને સખત હતો, ‘હું ક્યારે ય નહીં ભૂલું.’
એણે કબીરની આંખોમાં જોયું, ‘આ રાત મને તારી સાથે થયેલા અન્યાયની અને મેં અજાણતાં કરેલી
ભૂલની યાદ અપાવતી રહેશે…’ એણે ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘ફરી ક્યારેય કોઈ ઉતાવળિયો નિર્ણય
નહીં કરું હું.’
‘આપણે ફરી મળીશું?’ કબીરથી પૂછાઈ ગયું.
‘મળવું જોઈએ?’ વૈશ્નવીએ સામે સવાલ કર્યો.
‘વૈશ્નવી!’ કબીરે એના બંને ખભે હાથ મૂક્યાં, ‘તું એક અદભૂત સ્ત્રી છે. કોઈપણ પુરુષ તને
એકવાર મળે પછી તારી ઝંખનામાંથી છૂટી ના શકે. હું બ્યૂટીની વાત નથી કરતો, સુંદર તો તું છે જ,
પણ તારી પાસે જે આત્મવિશ્વાસ, શુધ્ધતા અને સ્પષ્ટતા છે એ જ તારા વ્યક્તિત્વને એક
દીપશિખાની જેમ ઝળહળતું બનાવી દે છે. કોઈ પુરુષ બહુ લાંબા સમય સુધી તારી સામે ન જોઈ
શકે, અંજાઈ જાય!’ એણે કહ્યું, ‘મારે માટે તને મળવું એ કોઈ શ્વાસ વગર તરફડતા માણસને મળતા
ઓક્સિજનના ડોઝ જેવું હશે… તું મારે માટે જીવવાનું કારણ બની શકે…’
‘કબીર! હું માધવ દેસાઈની પત્ની છું ને આજની રાત પછી પણ હું એની પત્ની જ રહીશ.’
વૈશ્નવીની નજરમાં તેજ ધાર હતી, ‘તું માધવની જગ્યાએ હોય તો કોઈની સાથે રાત ગુજારી આવેલી
પત્નીને ફરીથી એ માણસને મળવા દે?’
‘હું કોઈપણ હાલતમાં મારી પત્નીને…’ કબીરે સહેજ અટકીને હિંમતપૂર્વક કહ્યું, ‘તું જો મારી
પત્ની હોય તો…’ કહ્યા પછી એણે નજર ફેરવી લીધી, ‘ક્યારેય આવી રીતે કોઈની પાસે જવા ન દઉં.
લડું, મરું, જીવ આપી દઉં… મારાથી જે થઈ શકે તે બધું જ કરું, પણ તારા જેવી સ્ત્રીનો આવો સોદો
તો હું ન જ કરું. મારી બધી સંપત્તિ, આ સામ્રાજ્ય અને કબીર નરોલાની જાત કરતા ય તું કિંમતી છે
મારા માટે.’ કહીને એણે થૂંક ગળે ઉતાર્યું, ‘આજે પણ!’
‘વેલ! આપણે નહીં મળીએ…’ વૈશ્નવીએ ઊંડો શ્વાસ લીધો, ‘આપણે ન મળીએ એમાં જ
સૌની ભલાઈ છે. સૌથી વધારે તારી.’
સમજતો હતો તેમ છતાં કબીરે પૂછ્યું, ‘મારી? કેવી રીતે?’
‘માધવ તો ઈર્ષા કરી શકશે. માલિકીહક્ક બતાવશે, લડશે-ઝઘડશે, બહુ બહુ તો હાથ
ઉપાડશે… પણ, તું… મને મળીશ એમ વધુ ને વધુ ઊંડા પાણીમાં ઉતરતો જઈશ. ગૂંચવાતો જઈશ.’
સહેજ અટકીને ધીમેથી વૈશ્નવીએ ઉમેર્યું, ‘ને મને પણ ગૂંચવીશ, કદાચ!’
‘હવે આપણે ત્રણ જણાં એકબીજાથી છુટા પડી શકીએ એવી સ્થિતિમાં તો રહ્યા જ નથી.’
કબીરે કહ્યું, ‘આજની રાત્રે આપણી જિંદગીઓ એકબીજા સાથે એવી રીતે ગૂંથાઈ ગઈ કે હવે આપણે
ત્રણેય જણાં એકબીજાની સાથે નોર્મલ નહીં રહી શકીએ ને એકબીજાથી દૂર થઈ નહીં શકીએ.’
એ પછી બંને જણાં ખાસ્સીવાર વાતો કરતાં રહ્યા. વૈશ્નવી સમજી શકી કે કબીરે દુનિયા જોઈ
હતી. એનું વાંચન વિશાળ હતું. પુસ્તકોની સાથે સાથે માણસોને પણ પુસ્તકની જેમ વાંચ્યા હતા
એણે, એટલે જીવનની ફિલોસોફી અને બિઝનેસના દાવપેચ એને બરાબર આવડતા હતા. જિંદગી
વિશે બેફિકર હતો, પણ જીવનની ઊંડી સમજ હતી એનામાં. વૈશ્નવીને ક્લાસ, પૈસા કે કુટુંબની
સરનેમ અને સંપત્તિ જેવી બાબતોમાં કદી રસ નહોતો, પણ આજે કબીરને મળીને એને એટલું
ચોક્કસ સમજાયું કે, માધવ અને કબીરમાં આસમાન-જમીનનો ફેર હતો. કબીર પાસે એક સંભ્રાંત
ઉછેર હતો, એણે બાળપણથી એક જુદી દુનિયા જોઈ હતી જે દુનિયાએ એને શાલિનતા અને
સ્ત્રીદાક્ષિણ્ય શીખવ્યા હતા, એના વર્તનમાં એક અજબ જેવી ઋજુતા અને સાથે જ શૌર્ય અને
પૌરુષનું કોમ્બિનેશન હતું. વૈશ્નવી જાણે અજાણે કબીરથી પ્રભાવિત થયા વગર ન રહી શકી. એણે
કબીરને કહ્યું પણ ખરું, ‘તું હેન્ડસમ છે, ઈન્ટેલિજન્ટ છે, ચાર્મિંગ છે… કોઈપણ સ્ત્રીને ગમી જાય
એવો છે… તારે મૂવ ઓન કરવું જોઈએ. જિંદગી વિશે વિચારવું જોઈએ. તને સમજે અને પ્રેમ કરે
એવી એક સ્ત્રી જરૂર મળશે તને.’
‘મને સમજે અને પ્રેમ કરે એવી સ્ત્રી…’ કબીર હસ્યો, ‘ઘણી મળી છે મને. પણ હું જેને પ્રેમ
કરું છું એ સ્ત્રી કોઈ બીજાને પરણી ગઈ છે.’ વૈશ્નવી સહેજ ઝંખવાઈ ગઈ, કબીરે આગળ કહ્યું, ‘એ
સ્ત્રીએ મારા મન, મગજ અને હૃદય પર કાબૂ કરી લીધો છે. એક ઈંચ જેટલી જગ્યા નથી છોડી કોઈને
માટે.’ કબીર બોલતો રહ્યો ને વૈશ્નવી સંકોચાતી રહી, ‘હું પ્રેમ કોઈને કરું, વિચાર કોઈના કરું, કોઈ
એક સ્ત્રીની ઝંખનામાં તરફડું ને બીજી સાથે લગ્ન કરું-ઘર, બિસ્તર અને સંસાર શેર કરું? એવું નહીં
થાય મારાથી.’ એણે સહેજ અટકીને ઉમેર્યું, ‘તને કોઈ સજેશન નથી કરતો… તું માધવને છોડે, મારી
પાસે આવે, એવી કોઈ આશા પણ નથી મને… પણ, હવે તારા સિવાય કોઈની માટે જગ્યા નથી મારી
જિંદગીમાં.’
‘આ બેવકૂફી છે, કબીર.’ ગુસ્સામાં વૈશ્નવીથી કહેવાઈ ગયું.
‘આમ તો તેં પણ બેવકૂફી જ કરી છે ને?’ કબીરના અવાજમાં ફરી કડવાશ ભળી ગઈ, ‘જે
માણસ તને મારી પાસે મૂકી ગયો એ કેટલો પ્રેમ કરે છે તને? એ શું તારું સન્માન કરવાનો? તને નહીં
ગમે, પણ તને સાચું કહી દઉં કે એણે તને એક રાત માટે વેચીને એની પોતાની જિંદગી બચાવી છે.’
‘એણે વેચી ને તેં ખરીદી…’ વૈશ્નવીએ પણ કડવાશથી કહ્યું, ‘તમારા બેમાં ફેર શું છે? બંનેએ
મને વસ્તુ માની છે… મને ખરીદીને તેં મારું સન્માન કર્યું છે?’ વૈશ્નવીએ મોઢું ફેરવી લીધું, ‘તમે બંને
સરખા જ છો….હું બેમાંથી કોઈને ય આજની રાત માટે ગુનેગાર ઠેરવી શકું એમ નથી. ને બેમાંથી
કોઈને ય માફ કરી શકું એમ પણ નથી… આ વાત બંધ કરીએ તો સારું.’ કહીને વૈશ્નવી ઘરની અંદર
ચાલી ગઈ. સ્વિમિંગ પુલ પાસે ઊભો રહી ગયેલો કબીર વૈશ્નવીને જતી જોઈ રહ્યો. એની આંખોમાં
વૈશ્નવી માટેની ઝંખના, એના પ્રત્યેની શ્રધ્ધા અને પોતાની પ્રેમને ખોઈ બેઠાની પીડા હતી…
*
સવારના સાતના ટકોરે માધવ દેસાઈ ઘરના દરવાજે ઊભો હતો. કબીરના સ્ટાફમાંથી એક
જણે દરવાજો ખોલ્યો, ‘વૈશ્નવી?’
‘મેડમ તો ઉપર સૂતા છે.’ આટલું સાંભળતાં જ માધવના પગ નીચેથી ધરતી સરકી ગઈ,
‘બોલાવું?’ સ્ટાફના માણસે પૂછ્યું. માધવે માથું ધૂણાવીને ‘હા’ પાડી, ‘બેસો.’ કબીરનો સ્ટાફ માધવને
ઓળખતો હતો. એ વૈશ્નવીને બોલાવવા ગયો.
વૈશ્નવી ઉપરથી નીચે આવી ત્યારે એણે કપડાં બદલી લીધાં હતાં. ગઈકાલની સાડીને બદલે
ટ્રાઉઝર અને ટોપમાં એ સાવ જુદી દેખાતી હતી. સીડી પરથી નીચે ઉતરતા એણે તદ્દન સહજ રીતે
કહ્યું, ‘ગુડ મોર્નિંગ.’
માધવ જવાબ ના આપી શક્યો. એણે માત્ર ડોકું ધૂણાવ્યું. એના મગજમાં હજારો વિચારો કોઈ
સાપના રાફડાની જેમ ચારેતરફથી ફેણ ઊઠાવી રહ્યા હતા. એનાથી પૂછાઈ ગયું, ‘કપડાં કેમ બદલી
નાખ્યા?’
‘સાડી ચૂંથાઈ ગઈ હતી.’ માધવે જે સૂરમાં પૂછ્યું હતું એ જ સૂરમાં વૈશ્નવીએ જવાબ
આપ્યો. કોઈએ તમાચો મારી દીધો હોય એમ માધવનો ગાલ, એના કાન તમતમી ગયા.
આગળ કંઈ પૂછવાની એની હિંમત નહોતી, છતાં એનાથી પૂછાઈ ગયું, ‘કબીર?’
વૈશ્નવીએ સ્મિત કર્યું,‘કબીર હજી ઊંઘે છે. બહુ મોડે સુધી જાગતા હતા અમે… એની રાહ
જોવાની જરૂર નથી. આપણે નીકળીએ?’ વૈશ્નવીનો અવાજ એટલો બધો સહજ અને અપરાધભાવ
વગરનો હતો કે માધવને સહેજ ગુસ્સો આવી ગયો. એ કશું બોલ્યો નહીં. ઊભો થઈને ઘરની બહાર
નીકળી ગયો. વૈશ્નવી જરાય ભાર વગર આરામથી ગાડીમાં બેઠી, સીટબેલ્ટ પહેર્યો. માધવ સામે
જોઈને ફરી સ્મિત કર્યું અને કહ્યું, ‘પૈસા ચૂકવી દીધા?’
એના સવાલનો જવાબ આપ્યા વગર માધવે એકદમ ચીડિયા અવાજે પૂછ્યું, ‘શું થયું રાત્રે?’
‘આપણે નક્કી કર્યું હતું કે, એ વિશે વાત નહીં કરીએ.’ વૈશ્નવીએ દ્રઢ અને
આત્મવિશ્વાસસભર અવાજે કહ્યું, ‘રાત ગઈ બાત ગઈ.’
‘એવું નહીં ચાલે. તારે મને કહેવું પડશે.’ માધવ જીદે ચડી ગયો.
‘શું કામ જાણવું છે તારે? આપણે બંનેએ ઘરેથી નીકળતી વખતે જ નિર્ણય કર્યો હતો કે સવારે
તું મને લેવા આવશે એ પછી આપણે બંને આજની રાત આપણા જીવનમાંથી ડિલીટ કરી નાખીશું.
ભૂલી જઈશું બધું… નક્કી કર્યું હતું ને?’
‘કર્યું હશે!’ માધવ એકદમ ચીડાયેલો અને હજી નશામાં હતો, ‘શું થયું રાત્રે? મારે બધું જાણવું
છે. તારે કહેવું જ પડશે.’ માધવ ગાડી સ્ટાર્ટ કર્યા વગર ત્યાં જ બેસી રહ્યો, ‘તું ઉપર એના બેડરૂમમાં
કેમ હતી?’
‘મારે ક્યાં હોવું જોઈએ?’ વૈશ્નવીના અવાજમાં હવે સહેજ ધાર નીકળી આવી, ‘તેં મને જે
કરવા મોકલી હતી એ જ થયું. પાંચ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા એણે… વસૂલ તો કરે ને?’ માધવ
સ્ટિયરિંગ વ્હીલ પર મુઠ્ઠી પછાડી રહ્યો હતો, ‘આટલું બસ છે કે, ડિટેઈલમાં સાંભળવું છે. એણે કઈ
રીતે સાડી ઉતારી, કઈ રીતે વાળ ખોલ્યા, મને ઊંચકીને પલંગ પર…’
‘બસ!’ માધવે બંને હાથ કાન પર મૂકી દીધા, ‘ચૂપ થઈ જા.’ એણે લગભગ ચીસ પાડીને કહ્યું.
‘તારે જ જાણવું હતું…’ વૈશ્નવી પણ હવે ઉશ્કેરાઈ ગઈ હતી, ‘તો સાંભળ. એણે શું કર્યું, કેવી
રીતે કર્યું, બધું જ કહું તને.’ વૈશ્નવી આગળ બોલે એ પહેલાં માધવનો હાથ ઊંચકાયો, વૈશ્નવીના
ગાલ પર એક ઝન્નાટેદાર થપ્પડ પડી. ગોરા ગાલ પર ચાર આંગળાની છાપ ઉપસી આવી.
(ક્રમશઃ)