વાત એક રાતની । પ્રકરણ – 2

આજે પાંચ બેડરૂમના લક્ઝરી એપાર્ટમેન્ટના બેડરૂમમાં સૂતેલી વૈશ્નવી વિચારી રહી
હતી કે પોતે જેને છેલ્લા પાંચ વર્ષથી દિલ ફાડીને ચાહતી હતી એ માણસ સાચો હતો કે
ગઈકાલે રાત્રે શરાબના નશામાં ધૂત્ત પાછો ફરેલો માધવ? પિતાનું ઘર, પૈસા અને પ્રતિષ્ઠા
દાવ પર લગાડીને પોતે જેને પરણી હતી એ માધવ, અને ગઈકાલ રાત્રે બેફામ બરાડી
રહેલા માધવ બંને જાણે જુદા માણસો હતા. એની સામે આજે જિંદગીનો સૌથી અઘરો સવાલ
રાક્ષસની જેમ જડબાં ફાડીને ઊભો હતો.
લાંબા સંઘર્ષ પછી હજી બે વર્ષથી જિંદગી માંડ થાળે પડી હતી. જિંદગી હવે એક નવા
વળાંકે ઊભી હોય એવું લાગતું હતું, ત્યાં જ આ નવો સવાલ આવીને ઊભો રહી ગયો હતો.
‘પાંચ કરોડ રૂપિયા…’ વૈશ્નવી વિચારતી હતી, ‘એવો કયો સટ્ટો કરવાની જરૂર પડી હશે, માધવને!’ એને
સમજાતું નહોતું, ‘કઈ રીતે ચૂકવશે પૈસા!’ આ ઘર એમનું નહોતું. કંપનીએ આપેલું હતું. ગાડી અને બીજી બધી
સવલતો-કંપનીની હતી. માધવનો પગાર સારો હતો, પણ પાંચ કરોડ રૂપિયા એક રાતમાં ચૂકવી શકે એવા પૈસા નહોતા
હજી એમની પાસે!
ગઈકાલે સટ્ટામાં પાંચ કરોડ રૂપિયા ગુમાવી ચુકેલા માધવ સાથે ફરી એકવાર
સંઘર્ષની જિંદગી શરૂ કરવી કે એના પિતા મયૂર પારેખે ગઈકાલે બપોરે ફોન કરીને એને
જ્યારે આ પાંચ કરોડના નુકસાન વિશે સમાચાર આપ્યા ત્યારે ઘેર પાછા ફરવાની સલાહ
આપી હતી એ માની લેવી… વૈશ્નવી ફરી એકવાર પસંદગીના દોરાહા પર આવીને ઊભી હતી.

*

“મેં તો પહેલાં જ કહ્યું હતું” મયૂર પારેખે ગઈકાલે પાંચ વર્ષ પછી પહેલીવાર પોતાની દીકરી સાથે વાત કરી
હતી અને એ પણ એક ખરાબ સમાચાર આપવા માટે, “એવો ભયાનક પછડાયો છે કે હવે ઊભો નહીં થઈ શકે. એની
સાથે સાથે તું પણ હેરાન થઈશ. પાછી આવી જા. હું તને માફ કરવા તૈયાર છું.” મયૂર પારેખની વાત સાંભળીને
વૈશ્નવીને ચક્કર આવી ગયાં હતાં. પાંચ કરોડ રૂપિયા! રાતોરાત આટલા બધા પૈસા માધવ નહીં ચૂકવી શકે એ વાત
વૈશ્નવી પણ સમજતી હતી, પરંતુ માધવ હતો ક્યાં?
વૈશ્નવીએ આખી બપોર માધવને શોધવા મરણિયા પ્રયાસ કર્યા હતા. એ દરમિયાન ઉઘરાણીના ફોન શરૂ થઈ
ગયા હતા. સટ્ટાના બૂકી, એના માણસો અને લેણદાણોના ફોન ઉપર વૈશ્નવીએ ગઈકાલ બપોરથી આજ સુધીમાં
એવા શબ્દો સાંભળ્યાં હતા, જે એણે જિંદગીમાં પહેલાં ક્યારેય નહોતા સાંભળ્યા. માધવને શોધવા માટે ફોન કરનારા
લોકોના અપશબ્દો, આક્ષેપો અને ગલીચ વાતો સાંભળી-સાંભળીને એ થાકી ગઈ હતી. અત્યારે, એ પોતાના બેડરૂમમાં
પિતાએ કહેલા શબ્દો યાદ કરી રહી હતી. “પાછી આવી જા, બેટા!”

માધવને આ સ્થિતિમાં છોડીને જવાનો તો સવાલ જ નહોતો! પરંતુ, પિતાની વાત સાચી પડી એ વાતે
વૈશ્નવીનું ગૌરવ હણાયું હતું. એનો વિશ્વાસ તૂટ્યો હતો. આજથી પાંચ વર્ષ પહેલાં માધવ ઉપરના અતૂટ વિશ્વાસ
અને પોતાના પ્રેમના ભરોસે વૈશ્નવી પોતાના પિતા મયૂર પારેખની અબજોની મિલકતને છોડીને નીકળી ગઈ હતી. એ
જ્યારે લગ્ન કરીને પિતાને પગે લાગવા ગઈ ત્યારે એના પિતાએ એને એક તમાચો મારીને કહ્યું હતું, “જ્યાં સુધી
પછડાઈશ નહીં ત્યાં સુધી મારી વાત નહીં સમજાય. એમણે માધવ સામે આંગળી ચીંધીને કહ્યું હતું, “આ કોઈનો નહીં
થાય.” એ પછી વૈશ્નવીના પિતાએ આગ ઝરતી આંખે માધવ સામે જોઈને કહ્યું હતું, “નમક હરામ. તને એક પિતાની
હાય લાગશે.” એમણે ખૂબ દુઃખ અને હતાશાથી વૈશ્નવીને શ્રાપ આપતા હોય એમ કહ્યું હતું, “મા-બાપને દુભવ્યા છે
તેં. અમારી લાગણીને, વિશ્વાસને છેતર્યા છે. તું પસ્તાઈશ! બહુ પસ્તાઈશ.”
“હું તમને ખોટા પાડીશ.” વૈશ્નવીએ આત્મવિશ્વાસપૂર્વક માધવનો હાથ પકડીને પિતા સામે જોયું હતું, “મારો
નિર્ણય સાચો છે એવું તમારે સ્વીકારવું પડશે.”
“ને ખોટી પડીશ તો?” મયૂરભાઈએ પૂછ્યું હતું.
“તો તમારી માફી માગીશ.” વૈશ્નવી પણ એમની જ દીકરી હતી. એટલી જ જિદ્દી, એટલી જ સ્વમાની અને
આત્મવિશ્વાસથી સભર હતી એ. એણે પિતાની કડવાશને મન પર લીધા વગર જ કહ્યું હતું, “જો ખોટી પડીશ તો તમે
કહેશો એમ કરીશ.” આટલું કહીને થોડા ડગલાં દૂર ઊભેલા પિતાની ચરણરજ લેવા નીચી નમીને, એમને પ્રણામ કરીને,
વૈશ્નવી નીકળી ગઈ હતી.
મયૂર પારેખ ભીની આંખે પોતાની એકની એક દીકરી, કાળજાના ટૂકડાને નજરથી દૂર જતો જોઈ રહ્યા હતા.
એ દિવસ પછી પિતા-પુત્રી વચ્ચે છેલ્લાં થોડાં વર્ષોમાં ક્યારેય વાત થઈ નહોતી.
ભયાનક સંઘર્ષના દિવસોમાં, બંને પાસે નોકરી નહોતી અને લગભગ ખાવાના સાંસાં હતા એવી સ્થિતિમાં પણ
વૈશ્નવીએ પિતાને ફોન નહોતો કર્યો, કે ન મયૂર પારેખે પોતાની દીકરીની ખબર કાઢવાની તસદી લીધી હતી.

*

“મયૂર પારેખ બોલું છું.” પાંચ વર્ષ પછી આ ચાર શબ્દો સાંભળતાં જ વૈશ્નવીના રોમે રોમ હર્ષથી છલકાઈ
ગયાં. પોતાના સેલફોન પર એણે પિતાનું નામ વાંચ્યું ત્યારે જ એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. ફોન
ઉપાડતાં પહેલાં એણે આંખો લૂછી નાખી. ફોન ઉપાડીને એ કંઈ બોલી શકી જ નહીં, એનું ગળું ભરાઈ આવ્યું હતું. એ
પિતાની ક્ષમા-સ્નેહ ભરેલા શબ્દોની પ્રતીક્ષા કરી રહી હતી ત્યાં જ મયૂર પારેખે એને માધવે સટ્ટામાં ગૂમાવેલી
રકમના સમાચાર આપ્યા હતા. વૈશ્નવી આઘાતમાં ઢગલો થઈને બેસી પડી હતી.
પાંચ વર્ષે પિતા સાથે વાત થઈ, પણ કેવી?

*

માધવ સાથે લગ્ન કરવા માટે વૈશ્નવી ઘર છોડીને ગઈ એ પછી મયૂર પારેખે પોતાની પત્ની, વૈશ્નવીની મમ્મી
સંધ્યાબહેનને સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે જો એ વૈશ્નવી સાથે સંબંધ રાખવાનો પ્રયત્ન કરશે કે દીકરીને મળશે
તો એમણે પણ મયૂર પારેખનું ઘર છોડી દેવું પડશે… એકવાર પિતાની ગેરહાજરીમાં માને મળવા આવેલી વૈશ્નવીને
પોતાના જ ઘરમાં મયૂર પારેખે પકડી પાડી હતી. એમને શક હતો જ. એમણે વૉચમેનને સૂચના આપી હતી. જેવી
વૈશ્નવી ઘેર આવી કે વૉચમેને ફોન કરીને માલિકને જણાવ્યું હતું. ઓફિસથી સીધા ઘેર આવેલા મયૂરભાઈએ બે જ
વાક્યમાં પોતાની વાત કહી દીધી હતી, “આજ પછી ક્યારેય અહીં નહીં આવતી, નહીં તો હું પોલીસ બોલાવીશ ને ટ્રેસ
પાસિંગમાં તને પકડાવી દઈશ” એમણે પત્નીને કહ્યું હતું, “રસ્તામાં મળી જાય તો પણ એની સાથે વાત કરતી તને
જોઈશ તો હું તારી સાથે જીવનભર નહીં બોલું.”

એ પછી સંધ્યાબહેને રડતાં રડતાં દીકરીને ભેટીને કહી દીધેલું, “મારે માટે તો તારા પપ્પા કહે એ પૂર્વ દિશા. આ
ઉંમરે એ કાઢી મૂકે તો ક્યાં જાઉં?” વૈશ્નવી અને સંધ્યાબહેન બંને જાણતા હતા કે મયૂરભાઈ ક્યારેય પોકળ ધમકી
આપતા નહીં. એમણે કહ્યું હતું એટલે સાચે જ કાઢી મૂકતાં નહીં અચકાય એવી સંધ્યાબહેનને ખાતરી હતી. મા-દીકરી
એકબીજાને છેલ્લી વાર ભેટ્યાં એ ક્ષણને પણ વર્ષો થઈ ગયાં હતાં.
એકવાર મા-દીકરી એકબીજાને મળ્યાં હતાં, પરંતુ મયૂરભાઈ સાથે હતા. સંધ્યાબહેને ભીની આંખે મોઢું ફેરવી
લીધું હતું. મયૂરભાઈના ચહેરા પર આ જોઈને પીડાને બદલે સ્મિત આવ્યું હતું. એ જોયા પછી વૈશ્નવીએ પણ પોતાનું
મન વાળી લીધું હતું. ધીરે ધીરે વૈશ્નવીએ પિતાનો આ ધિક્કાર કે તિરસ્કાર સ્વીકારી લીધો હતો, પરંતુ છેલ્લા બે વર્ષ
દરમિયાન માધવની પ્રગતિ જે ઝડપે થઈ રહી હતી એ પછી વૈશ્નવીએ ફરી એકવાર પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ
કર્યો હતો. પોતે તકલીફમાં છે માટે સંબંધ રાખવાનો પ્રયત્ન કરે છે એવું ન લાગે માટે સંઘર્ષના ત્રણ વર્ષ દરમિયાન એણે
પિતાનો સંપર્ક નહોતો કર્યો, પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન એ પિતાના જન્મદિવસે, મમ્મીના જન્મદિવસે, મમ્મી-
પપ્પાની એનીવર્સરી પર, દિવાળી પર અને ન્યૂયર ઉપર મેસેજ કરીને પોતાની લાગણી વ્યક્ત કરવાનું ચૂકતી નહીં.
જવાબ નહીં જ આવે એવી ખાતરી હતી, તેમ છતાં એ પોતાની ફરજ પૂરી કરતી.

*

પલંગમાં ભીની આંખો મીંચીને સૂતેલી માધવીનું મન ખૂબ ઉદાસ હતું. ગઈકાલે રાત્રે
જે થયું તે પછી એને પાંચ વર્ષમાં પહેલી વાર, માધવ સાથે લગ્ન કર્યાનો અફસોસ થયો
હતો. એણે કોઈ દિવસ નહોતું ધાર્યું કે માધવ આટલો અને આવો બદલાઈ જશે. માધવના
મનમાં પૈસાની બાબતમાં કેટલીક લઘુતાગ્રંથિ હતી, એને પોતાનું સ્ટેટસ વૈશ્નવીના પિતાની
બરોબર કરવું હતું, મયૂર પારેખને દેખાડી આપવું હતું… આ બધું વૈશ્નવી જાણતી હતી, પરંતુ
એણે કોઈ દિવસ માધવ સાથે પોતાના પિતાની સરખામણી નહોતી કરી. એ જ્યારે માધવના
પ્રેમમાં પડી હતી, ત્યારે ચૌદ વર્ષની હતી ને માધવ વીસનો. જિંદગીનાં કડવાં સત્યો અને
‘અભાવ’ની પૂરેપૂરી સમજણ હતી, માધવ દેસાઈને. નાનપણમાં જ પિતાને નજીવી રકમ માટે
મહેનત કરતા, અને માને ઘરમાં બે છેડા ભેગા કરવા માટે તડજોડ કરી જોઈને ઉછરેલો
માધવ, એના ભાઈ-બહેનો કરતાં જુદો, અતિશય તેજસ્વી અને મહત્વકાંક્ષી હતો.
માધવ આમ તો વૈશ્નવીના પિતા મયૂર પારેખના ડ્રાઈવરનો દીકરો હતો. મયૂરભાઈએ
એના ગુણો બાળપણમાં જ ઓળખીને માધવના શિક્ષણની જવાબદારી પોતાના માથે લીધી.
વૈશ્નવીની સાથે એની મોંઘી સ્કૂલમાં ભણવા મૂક્યો. ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલમાં
મયૂરભાઈની દીકરી જે ન કરી શકી એ ડ્રાઈવરના દીકરાએ કરી બતાવ્યું. સુપર ગ્રેડ્‌સ અને
દરેક પ્રવૃત્તિમાં આગળ રહેતા માધવને બારમા ધોરણ પછી એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાં
સ્કોલરશીપ મળી. ગ્રેજ્યુએશન પૂરું કરીને એણે કંપની સેક્રેટરીનો કોર્સ કર્યો.એની ઈચ્છા
આઈ.આઈ.એમ.માં ભણવાની હતી, પરંતુ હવે એ મયૂરભાઈના માથે બોજ બનવા માગતો
નહોતો. ‘કેટ’ની પરીક્ષામાં એનો એટલો ઉંચો સ્કોર આવ્યો કે એને ભારત સરકાર તરફથી
સ્કોલરશીપ મળી. આઈ.આઈ.એમ.ના તેજસ્વી વિદ્યાર્થીઓને મળતું ફ્રી રેસિડેન્સ પણ એને
ઓફર કરવામાં આવ્યું…

એક સાથે ઉછરી રહેલા બે બાળકો વચ્ચે મયૂરભાઈએ ક્યારેય તફાવત રાખ્યો
નહોતો. માધવ એમના ઘરનો દીકરો જ બની ગયો હતો. વૈશ્નવીથી ત્રણ ધોરણ આગળ
ભણતો માધવ એને મેથ અને સાયન્સ ભણાવવા આવતો. અબજોપતિ અને ડાઈમંડ કિંગ
ગણાતા મયૂર પારેખની એકની એક દીકરી પુસ્તકના પાઠ ભણતાં-ભણતાં હોંશિયાર, તેજસ્વી,
સંસ્કારી અને પ્રામાણિક પરંતુ, ગરીબ ડ્રાઈવરના દીકરાના પ્રેમમાં ક્યારે પડી ગઈ એની
મયૂરભાઈને તો ખબર ન જ પડી, પરંતુ વૈશ્નવીને પોતાને પણ એની ખબર નહોતી રહી.

*

આજે એણે સાડા પાંચ વર્ષે પિતાનો અવાજ સાંભળ્યો હતો, “મયૂર પારેખ બોલું છું.” એમના અવાજમાં
હજીયે એ જ કડક મિજાજ અને વૈશ્નવી પરત્વેની પીડા મિશ્રિત કડવાશ અકબંધ હતી.
“પપ્પા!” વૈશ્નવીનો અવાજ ધ્રૂજી ગયો હતો, “કેમ છો?” એની આંખોમાં આંસુ ધસી આવ્યાં ને હોઠ પર
સ્મિત, “તમારો અવાજ સાંભળીને સારું લાગ્યું. મને ખાતરી હતી કે એક દિવસ તમે મને માફ કરશો.”
“માફીનો સવાલ જ નથી આવતો.” મયૂરભાઈનો અવાજ કોઈ ઠંડી તલવારની ધાર જેવો હતો, “મેં તને
સમાચાર આપવા માટે ફોન કર્યો છે. આખરે મારી વાત સાચી પડી. આ છોકરો તને રસ્તા પર લઈ આવ્યો છે.” એમણે
સહેજ અટકીને ઉમેર્યું, “મારે માટે આનંદના ને તારે માટે આઘાતના સમાચાર છે, આ.”
વૈશ્નવીનું હૃદય એક થડકારો ચૂકી ગયું, “વાત શું છે, પપ્પા?” એણે પૂછ્યું.
“હરામખોર! માણસે ઔકાતમાં રહેવું જોઈએ, પણ ડ્રાઈવરનો દીકરો શેર બજારનો સટ્ટો કરવા ગયો એમાં
પાંચ કરોડ રૂપિયા હારી બેઠો છે.” મયૂર પારેખનું અટ્ટહાસ્ય વૈશ્નવીના હાડકાંને વીંધીને કડકડતી ઠંડીની જેમ પસાર
થઈ ગયું હતું. વૈશ્નવી એક અક્ષર બોલી શકી નહોતી. મયૂર પારેખે સગી દીકરીને સણસણતી સંભળાવી હતી, “ફ્લેટ
તો તમારો છે નહીં. પગારમાં બચાવી બચાવીને કેટલા બચાવ્યા હશે? તારો વર જાત વેચી નાખશે ને તોય પાંચ કરોડ
ભરપાઈ નહીં થાય… ઈકબાલ પાસેથી દસ ટકાએ લીધા છે, તારા વરે… સાંજ પહેલાં તો ઈકબાલના માણસો આવી
પહોંચશે.” મયૂર પારેખે હસતાં હસતાં ઉમેર્યું હતું, “બહુ ઊડ્યો બે વરસ. રસ્તા પર આવી ગયો, પાછો. જેની જે
ઓકાત હોયને એણે ત્યાં જ રહેવું જોઈએ. આવા ફુદ્દાં બહુ ઉંચે ઉડેને, તો બહુ ઉંચેથી પછડાય…” કહીને મયૂર પારેખ
ફરી એવું જ, કડવું હસ્યા હતા.

“તમને આ જાણીને આનંદ થયો? પપ્પા!” વૈશ્નવીનું ડુસકું છૂટી ગયું હતું. એણે રડતાં રડતાં પૂછ્યું હતું, “તમે
કેમ આટલું ધિક્કારો છો એને? શું ગુનો છે એનો? મને પરણ્યો એ?”
એનું રુદન મયૂરભાઈને પીગળાવી શક્યું નહોતું, “સાલો! નમક હરામ.” એમના અવાજમાં ભારોભાર કડવાશ
હતી, “ભૂલ તો મારી જ છે. એ હરામીને તમારી જોડે સ્કૂલમાં મોકલ્યો, ઘરનો છોકરો માનીને રમવા દીધો, પરિવારના
સભ્યની જેમ રાખ્યો. એણે તો સિરિયસલી લઈ લીધું.” બાપ-દીકરી બંને થોડીક ક્ષણ ચૂપ થઈ ગયાં, પછી મયૂરભાઈએ
ઉમેર્યું, “એણે પૈસા માટે તને ફસાવી. જે ઘરમાં ખાધું, જેણે ભણાવ્યો એના જ પરિવાર પર થૂક્યો. ધિક્કારું નહીં? મારે
તો એને તરફડતો, કરગરતો, રડતો-કકળતો જોવો છે… ત્યાં સુધી ટાઢક નહીં થાય મારા હૈયાને.”
“આટલું બધું વેર?” વૈશ્નવી પોતાના પતિની વિરુદ્ધ કંઈ જ સાંભળવા તૈયાર નહોતી, “કોણ ક્યાં જન્મે એ
નક્કી કરવાનો અધિકાર માણસને નથી મળતો, પપ્પા… પણ માણસ ક્યાં જીવે એ તો પોતે જ નક્કી કરે ને? એ
ડ્રાઈવરનો દીકરો છે, એટલે એણે ડ્રાઈવર જ બનવું એવું કોણ નક્કી કરે? એ પોતાની મહેનતથી અને હોંશિયારીથી
સાત કંપનીના ગ્રુપનો સી.ઈ.ઓ. છે.”
“હતો.” મયૂરભાઈ હસ્યા, “હવે નહીં રહે.” આટલું કહીને એ હુકમનું પાનું ઉતર્યા, “નોકરી જશે. ફ્લેટ ખાલી
કરવો પડશે. ઉઘરાણીથી બચવા મુંબઈ તો છોડવું જ પડશે, અમદાવાદમાં હું નહીં ઘુસવા દઉં. ક્યાંય ટકીને નહીં રહી
શકે. ગામેગામ ભટકતાં થઈ જશો.”
“ને તમે જોઈ રહેશો, આ બધું?” વૈશ્નવીથી પૂછાઈ ગયું, “તમારાં દીકરી-જમાઈને ભટકવા દેશો?”
“અફકોર્સ!” મયૂરભાઈના પેટનું પાણી પણ હલ્યું નહીં, “જેવું કરે તેવું ભરે. સટ્ટા બજારનો નિયમ છે, જે રમે
એણે ચુકવવાના.” બે-ચાર ક્ષણ ચૂપ રહીને એમણે ઉમેર્યું, “હજી તો ઘણું બધું થશે. એ ડ્રાઈવરનો છોકરો જીવતો બચી
જાય ને, તો આભાર માનજે ભગવાનનો. બાકી ઈકબાલનો રૂપિયો એ આંતરડાં ખેંચીને વસૂલે છે.” મયૂરભાઈ હસ્યા.
“શું બોલો છો, પપ્પા?” વૈશ્નવીનો અવાજ ધ્રૂજી ગયો.
“હું આ દુનિયાનો પુરાણો પાપી છું. તું તો બાળક છે. જે દુનિયામાં તને ઉછેરી છે એ પરીઓની, ચોકલેટની,
ટેરિબેરની દુનિયા છે. તું શું જાણે? એક આખી જુદી દુનિયા છે, આપણી દુનિયાની નીચે, અંડરવર્લ્ડની.” હવે એમના
અવાજમાં સહેજ ભયની ધ્રૂજારી ભળી, “ઈકબાલના માણસો છોડશે નહીં. એક-એક રૂપિયો વસૂલી લેશે.” એમના
અવાજમાં અચાનક સ્નેહની સુગંધ આવી, વૈશ્નવીને, “બેટા! પાછી આવી જા. એ લોકો તને પણ નહીં છોડે.” કહીને
એમણે ઉમેર્યું, “હું બધું ભૂલી જઈશ. તું એને એના હાલ પર છોડી દે.” એમણે સહેજ અચકાઈને ઉમેર્યું, “એના પાપે હું
તને બરબાદ થતી નહીં જોઈ શકું.”
“મારો પતિ તકલીફમાં છે ત્યારે હું એને છોડીને નીકળી જાઉં? આવા સંસ્કાર આપ્યા છે તમે મને?” વૈશ્નવીથી
પૂછાઈ ગયું, “એ તમને ગમતો હોય કે નહીં, મારો પતિ છે. સુખ-દુઃખમાં સાથ નિભાવવાના સોગંદ લીધા છે અમે.”
વૈશ્નવીનું ગળું ભરાઈ આવ્યું, “આઈ લવ હીમ.”
“લવ-બવ બધું અવળું નીકળી જશે.” મયૂરભાઈનો સૂર સાવ બદલાઈ ગયો હતો, “પૈસા નહીં મળે તો તને
ઉપાડી જાય એવા લોકો છે આ બધા.” મયૂરભાઈનો અનુભવ ખોટો નહોતો, એમણે કહ્યું, “એ હરામખોરે જે કુંડાળામાં
પગ મૂકી દીધો છે એમાંથી નીકળી નહીં શકે હવે. એની પાસે બે જ રસ્તા છે, કાં તો આપઘાત કરશે અને નહીં તો દેશ
છોડીને ભાગી જશે… બીજો કોઈ રસ્તો જ નથી છોડ્યો એણે પોતાને માટે, પણ તું શું કરીશ? તું શું કામ એની સાથે
ભાગેડુંની જેમ રખડતી ફરીશ? મયૂર પારેખની દીકરી છે તું… મારું જે કંઈ છે એ તારું જ છે.” મયૂરભાઈએ કહ્યું,
“પડતો મૂક એને. પાછી આવી જા.” એમણે વૈશ્નવીને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, “જ્યાં સુધી તું એની
સાથે સુખે-દુઃખે રહેતી હતી ત્યાં સુધી તારી સામે પણ નથી જોયું મેં. હવે મારો ઈગો, પ્રતિષ્ઠા અને ગુસ્સો બધું
બાજુએ મૂકીને તને વિનંતી કરું છું, પાછી આવી જા બેટા. આવતીકાલ સવારે જે થવાનું છે એની કલ્પના પણ મને
ધ્રૂજાવી મૂકે છે.”

વૈશ્નવીનો અવાજ દૃઢ હતો, “આવીશું તો બંને આવીશું, હું એકલી નહીં આવું તમારે ત્યાં.”
મયૂરભાઈનો અવાજ અચાનક સુક્કો થઈ ગયો, “એને માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી.” એમણે છેલ્લું વાક્ય
કહી નાખ્યું, “હું આવતીકાલ સવાર સુધી તારી રાહ જોઈશ. તું બપોરના બાર પહેલાં જો ઘેર પાછી નહીં ફરે તો હું
માની લઈશ કે તેં તારું નસીબ જાતે પસંદ કર્યું છે. એ પછી તારી બરબાદી પર રડીશ પણ નહીં હું.” આટલું કહીને
એમણે ફોન કાપી નાખ્યો.
સેલફોન હાથમાં પકડીને વૈશ્નવી એના સ્ક્રીન સામે જોતી રહી. એનું ભેજું સુન્ન થઈ ગયું હતું. કાનમાં જાણે
તમરાં બોલતાં હતાં. માથું ચક્કર-ચક્કર ફરવા લાગ્યું હતું. ગળું સુકાવા લાગ્યું. ફોન ટેબલ પર મૂકીને એ બે ગ્લાસ પાણી
પી ગઈ. થોડીક ક્ષણ એમ જ બેસી રહી, પછી એણે માધવનો સેલફોન લગાડ્યો. ફોન સ્વીચ ઓફ હતો… વૈશ્નવીનું
બ્લડપ્રેશર વધવા લાગ્યું. જેમ સમય વીતતો ગયો તેમ તેમ એને સમજાતું ગયું કે કંઈક ભયાનક બન્યું છે, માધવનો
સેલફોન કદી સ્વીચ ઓફ ન હોય, પણ આજે એનો ફોન બંધ હતો એટલું જ નહીં એનો આસિસ્ટન્ટ પણ નહોતો
જાણતો કે માધવ ક્યાં છે… મિત્રો, સહકાર્યકરો, માધવના મમ્મી-પપ્પા અને છેલ્લે એક-બે બિઝનેસ એસોસિયેટ્‌સને
પણ ફોન કર્યા પછી વૈશ્નવીને સમજાયું હતું કે બપોરથી ઓફિસ છોડીને નીકળી ગયેલો માધવ જિંદગીની એક ભયાનક
સમસ્યામાં સપડાઈ ચૂક્યો હતો!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *