અમરેલીના કેરિયા રોડ વિસ્તારમાં આવેલા નાનકડા બંગલી જેવા મકાનના ચોકની ડેલીનો
ડોકાબારી જેવો દરવાજો ખુલ્લો હતો. ખુલ્લા દરવાજામાંથી દાખલ થયેલો માધવ એની મા,
સવિતાબેનને ભેટીને રડી રહ્યો હતો. સવિતાબેને રડતા માધવની પીઠ પર હાથ ફેરવતાં કહી નાખ્યું,
‘મને તો ખબર જ હતી… એ મયૂર પારેખની દીકરી એક દિવસ તને રાતે પાણીએ રોવડાવશે, પણ એ
દિવસ આટલો જલ્દી આવશે એવું મેં નહોતું ધાર્યું.’
‘બધું બરબાદ થઈ ગયું, મા.’ રડતા માધવે માનો ખભો એવી રીતે પકડ્યો જાણે ડરી ગયેલું
બાળક કોઈને ચોંટી પડે, ‘હું મારી ચિતા જાતે સળગાવીને આવ્યો છું.’ માધવે કહ્યું.
‘અંદર તો આવ.’ સવિતાબેને કહ્યું. માધવને લઈને એ ઘરમાં દાખલ થયા. ચોકની અંદર
આવેલા ઓટલા ઉપર કાથીના ખાટલા પર બેસીને ચા પી રહેલા રમણભાઈ આવી રીતે આવેલા
માધવને જોઈને એકદમ ઊભા થઈ ગયા! માધવ રડતો રડતો ઓટલા ઉપર બેસી ગયો, ‘પેલીએ
ઘરમાંથી કાઢી મૂક્યો આને…’ કહીને સવિતાબેને ભૂંડાબોલી ગાળો દેવા માંડી…
‘એનો કોઈ વાંક નથી.’ માધવે કહ્યું, ‘બધું એવું અચાનક બન્યું કે…’
‘અરે, શું થયું એનો ફોડ પાડીશ કે બૈરાંની જેમ રડ્યા કરીશ?’ સવિતાબેન અકળાયાં. માધવે
રડતાં રડતાં જે બન્યું હતું એ બધી વાત તૂટક તૂટક વાક્યમાં માતા-પિતાને કહી સંભળાવી. રમણભાઈ
સૂન-મૂન થઈ ગયા. ઘરની પુત્રવધૂ આવી રીતે કોઈ માણસ સાથે રાત વિતાવી આવે એ વિચાર માત્ર
એમને તો મરવા જેવો લાગ્યો. સવિતાબેન જાણે રાજી થયા હોય એમ એમણે કહ્યું, ‘એ જ લાગની છે.
એના બાપને બહુ ઘમંડ છે ને પૈસાનો. હવે આપે જવાબ. પોતાની દીકરી ઉપર આવે ત્યારે
સમજાય…’ એમને જાણે મજા પડી હોય એમ એમણે પૂછ્યું, ‘એના બાપને ખબર છે આ બધી?’
‘ના.’ માધવે ડોકું ધૂણાવ્યું.
‘તો કહે એને…’ સવિતાબેન ઉશ્કેરાયાં.
‘શું કરે છે તું?’ રમણભાઈ, જે અત્યાર સુધી ચૂપ હતા, એ હવે બોલ્યા, ‘માધુ’ એમણે ધીમેથી
કહ્યું, ‘હું તારી વાત સમજ્યો. જે થયું એ સારું નથી થયું. વૈશ્નવીબેન બિચારાં…’
‘કાંઈ બિચારી નથી.’ સવિતાબેને ફરી પાછી ગાળો દેવા માંડી.
‘બસ!’ માધવ ઊભો થઈ ગયો, ‘મને એમ હતું કે તમારી પાસે આવીને મને થોડો સધિયારો
મળશે. બે-ચાર દિવસ મન શાંત કરીને પાછો જઈશ, પણ તું તો…’ માધવે ગુસ્સામાં કહ્યું, ‘મને
બચાવવા માટે એ છોકરીએ જાત વેચવાનું સ્વીકારી લીધું ને તું એને જ…’ માધવની આંખમાં ફરી
પાણી આવી ગયાં. હજી માધવને એમ જ લાગતું હતું કે, વૈશ્નવી સાથે ખોટું થયું છે. પોતાને પાંચ
કરોડ રૂપિયા અપાવવા માટે વૈશ્નવીએ જે સમાધાન કરવું પડ્યું એને કારણે માધવ પોતાની જાતને
માફ કરી શકતો નહોતો. એને પૂરી વિગતોની જાણ નહોતી છતાં, એના મનમાં જે કંઈ બન્યું એ
વિશેનો ખટકો, રંજ, અફસોસ એ હદે હતાં કે બેચેની અને અપરાધભાવ એનો પીછો છોડતા નહોતા.
એ બંને હાથ વચ્ચે માથું પકડીને બેસી રહ્યો, ‘એણે જે કર્યું એ માટે થેન્ક યુ કહેવાને બદલે મેં…’ એણે
પિતા સામે જોઈને કહ્યું, ‘મેં થપ્પડ મારી એને… હું એને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો.’ એ
ફરીથી નાના બાળકની જેમ રડવા લાગ્યો. એણે કહ્યું, ‘હું પાછો મુંબઈ નહીં જાઉ… મારે નથી જવું…’
‘તું ચિંતા ન કર, બેટા.’ રમણભાઈએ કહ્યું, ‘શાંતિથી અહીં રહે. તારું મન શાંત થાય અને તને
પાછા જવાની ઈચ્છા થાય ત્યારે જજે.’ એમણે કહ્યું. પછી સવિતાબેન તરફ જોઈને ઉમેર્યું, ‘છેક
મુંબઈથી આવ્યો છે. એને ચા-પાણીનું પૂછ અને નાહવા-ધોવાની વ્યવસ્થા કર.’ દીકરાના હાલ જોઈને
રમણભાઈ સમજી ગયા હતા કે, માધવ નોનસ્ટોપ ગાડી ચલાવીને અહીં પહોંચ્યો હોવો જોઈએ.
બબડતા, અકળાતા સવિતાબેને બધી વ્યવસ્થા કરવા માંડી.
નાહીને, પિતાનો લેંઘો-ઝભ્ભો પહેરીને માધવ ઉપરના ઓરડામાં જઈને આડો પડ્યો. બબ્બે
રાતના ઉજાગરા અને સ્ટ્રેસ પછી એને તરત જ ઊંઘ આવી ગઈ.
*
રાતના ઊંઘની ગોળી લઈને સૂતેલી વૈશ્નવી જ્યારે જાગી ત્યારે સૂરજ માથે આવી ગયો હતો.
એણે નારાયણને પૂછ્યું, ‘સા’બ આયે હૈ ક્યા?’ નારાયણે નિરાશ ચહેરા સાથે ડોકું ધૂણાવીને ‘ના’ પાડી.
હવે વૈશ્નવીને સહેજ ચિંતા થઈ. ગઈકાલ સવારથી ચાલી ગયેલો માધવ ઘરે જ ન આવ્યો એ વાત
હવે એને ગંભીર લાગી. એ ક્યાં જઈ શકે, એ વિશે વૈશ્નવી વિચારવા લાગી.
અત્યાર સુધી તો એનું એક જ ઠેકાણું હતું, કબીર નરોલા. મોડી રાત્રે, વહેલી સવારે કે કોઈપણ
વિચિત્ર સમયે જો માધવ ફોન ન ઉપાડે, ઘરે ન આવ્યો હોય તો વૈશ્નવી રાકેશને પૂછી લેતી. માધવના
આસિસ્ટન્ટ રાકેશ પાસે એની અપડેટ હોય જ, પરંતુ આજે તો એ ઓફિસ નહીં જ ગયો હોય એ
વાતની વૈશ્નવીને ખાતરી હતી. શહેરની કોઈ હોટેલમાં ચેકઈન કર્યું હશે? માધવી વિચારતી રહી.
થોડીવાર મન સાથે સંવાદ કર્યા પછી એણે માધવનો ફોન ટ્રાય કર્યો. એનો ફોન સ્વીચ ઓફ હતો. હવે
વૈશ્નવીને વધારે ચિંતા થવા લાગી. એણે રાકેશને ફોન કર્યો. રાકેશે પહેલી જ રિંગમાં ફોન ઉપાડી
લીધો. વૈશ્નવી પૂછે એ પહેલાં વૈશ્નવીને એણે માધવના સમાચાર પૂછ્યા. બધું ઠીક છે કે નહીં એ
વિશે રાકેશ પણ ચિંતિત હતો. વૈશ્નવીને સમજાઈ ગયું કે એ ઓફિસમાં નથી. સાથે જ રાકેશના
અવાજની સ્વાભાવિકતા પરથી એ સમજી શકી કે પરમ દિવસે રાત્રે જે કંઈ બન્યું છે એ વિશે કબીર,
માધવ અને પોતાના સિવાય કોઈ કશું જાણતું નથી. વૈશ્નવીને એક વિચિત્ર હાંશકારો થયો. સાથે જ
માધવ ક્યાં હશે એ વિશે એનું મન વિચારે ચડ્યું. એક વાર કબીરને પૂછી જોવાની ઈચ્છા થઈ, પણ
વૈશ્નવી એને ફોન કરતા અચકાઈ.
*
ઓફિસના ગળાડૂબ કામ વચ્ચે કબીરની નજર સામે વારંવાર વૈશ્નવીનો ચહેરો આવતો રહ્યો.
કબીરને રહી રહીને વૈશ્નવીને ફોન કરવાની ઈચ્છા થતી રહી, પરંતુ એણે પોતાની જાત પર સંયમ
રાખવાનો પ્રયાસ કર્યો. થોડી થોડી વારે એ પોતાનો ફોન ચેક કરતો હતો. કોણ જાણે કેમ, એને એવી
આશા હતી કે, વૈશ્નવી કદાચ એને ફોન કરે…
માધવ ઓફિસમાં નહોતો. આજે નહીં જ આવે એવી કબીરને ખાતરી હતી. તેમ છતાં, કબીર
મનોમન માધવની રાહ જોઈ રહ્યો હતો. છેલ્લા થોડા દિવસોમાં દોસ્તીનો અભિનય કરતાં કરતાં
કબીર અજાણતાં જ માધવની નજીક આવી ગયો હતો. એની સરળતા, એનો સ્નેહ અને પોતાના માટે
એની વફાદારીને કારણે માધવ માટે કબીરના મનમાં ક્યાંક દુઃખ, થોડો અફસોસ પણ હતાં. એક વાર
તો એને વિચાર આવ્યો કે, માધવને ફોન કરીને એની માફી માગી લઉ. લડાઈ તો પોતાની અને
વૈશ્નવી વચ્ચે હતી. પોતે માધવને સાધન બનાવીને વૈશ્નવી ઉપર વેર લીધું એ વાતે હવે કબીરને
પોતાની અપરાધભાવ જાગ્યો હતો, પરંતુ કબીર નરોલાના ગર્વએ એને માફી માગવા સુધી જવા દીધો
નહીં!
માધવ ઓફિસે આવશે ત્યારે પોતે સારી રીતે વર્તીને પોતાના ગુનાહની ભરપાઈ કરી દેશે એવું
મન મનાવીને કબીરે ઓફિસના કામમાં જીવ પરોવવાનો પ્રયાસ કર્યો, પરંતુ છેલ્લા થોડા સમયથી એને
વાતે વાતે માધવ સાથે ચર્ચા કરવાની, એની સાથે સમય પસાર કરવાની ટેવ પડી ગઈ હતી, એટલે
એનું મન માધવની ખોટ અનુભવી શકતું હતું. અંતે, એણે માધવનો ફોન નંબર ટ્રાય કર્યો, એનો નંબર
સ્વીચ ઓફ હતો. કબીરને ચિંતા થઈ, પરંતુ જો પોતે વૈશ્નવીને ફોન કરે તો એણે ફોન કરવા માટે
બહાનું કાઢ્યું છે એવું લાગશે એમ વિચારીને એણે ફોન ન કર્યો… બપોર પછી ફરી એણે માધવનો
નંબર ટ્રાય કર્યો. ફોન હજી સ્વીચ ઓફ હતો! માધવને પરિસ્થિતિ સાથે સમાધાન કરીને સહજ થતાં
કદાચ, બે-ચાર દિવસ લાગશે કબીરે વિચાર્યું, એ પોતે જ નોર્મલ થશે એટલે મને ફોન કરશે. એણે મન
મનાવ્યું, જશે ક્યાં? કંપનીના ફ્લેટમાં રહે છે, બીજી કોઈ નોકરી તો છે નહીં. બે-ચાર દિવસ શોક
પાળીને આવવું તો અહીં જ પડશે. એમ વિચારીને કબીરે ફોન કરવાનો પ્રયત્ન છોડી દીધો. જ્યાં સુધી
એ નોર્મલ ન થાય ત્યાં સુધી માધવ સાથે વાત નહીં કરવાનું મુનાસિબ માનીને કબીરે પણ એનાથી
અંતર જાળવવાનું નક્કી કરી લીધું. બે-ચાર દિવસ જો ન આવે તો પછી પોતે જ માધવને ફોન કરીને
પાછો ઓફિસે બોલાવી લેશે, એવું પણ કબીરે નક્કી કરી નાખ્યું પણ, સાંજ પડતા સુધી એનું મન રહી
રહીને વૈશ્નવી અને માધવ વિશે વિચારતું રહ્યું, પણ એણે ફોન ન કર્યો.
નમતી બપોરે માધવની ચિંતામાં બેચેન વૈશ્નવીના ફોન પર રિંગ વાગી. માધવનો ફોન હશે એ
આશામાં એણે ફોન જોયો. મયૂરભાઈનો ફોન હતો. વૈશ્નવીએ એક ક્ષણ વિચાર કર્યો, પછી ફોન
ઉપાડ્યો, ‘પતી ગયું પપ્પા. માધવે પાંચ કરોડ ચૂકવી દીધા.’ એણે કહ્યું.
‘સાંભળ્યું મેં.’ મયૂર પારેખના અવાજમાં હજીયે પિતાની લાગણી કે દયાને બદલે દીકરીને પાઠ
ન ભણાવી શક્યાનો અફસોસ સંભળાયો, વૈશ્નવીને! એમણે કહ્યું, ‘ડ્રાઈવરનો દીકરો આટલા બધા
પૈસા લાવ્યો ક્યાંથી?’
‘જેનો બાપ તમારા આંગણે મરી ગયો ને, એણે આપ્યા.’ વૈશ્નવીએ પૂરી કડવાશ સાથે કહ્યું.
‘વાહ. જે મારે એ જ તારે.’ મયૂર પારેખ હસ્યા. ‘જો પૈસા આપવા જ હતા તો પછી ફસાવ્યો
શું કામ?’ એમણે લગભગ સ્વગત કહ્યું, પણ વૈશ્નવી સમજી શકી કે, મયૂરભાઈ આ કેસમાં રજેરજ
વિગત જાણે છે.
‘એને ફસાવવો પડે ત્યાં સુધી તો તમે જ લઈ ગયા ને?’ વૈશ્નવીએ કહ્યું. એ રડું રડું થઈ ગઈ.
અત્યારે પણ એનું હૃદય કબીર સાથે થયેલા અન્યાય માટે તડપી ઊઠ્યું, ‘એવું કેમ કર્યું તમે, પપ્પા? એ
લોકોને મૂર્ખ બનાવ્યા, મને ઘરેથી ભાગવા મજબૂર કરી ને પછી…’
‘મને ખબર નહોતી કે તું ભાગી જઈશ.’ મયૂર પારેખ પોતાના અવાજમાં એમનો ગર્વ
ઘવાયાનો રંજ છુપાવી શક્યા નહીં, ‘પાંચ પૈસાના માણસની કિંમત બાપના લાડ અને પ્રેમ કરતાં વધી
જાય એવું તો કોઈ બાપ વિચારે જ નહીં.’ એમનું ગળું સહેજ રૂંધાયું, ‘હું તને માફ નહીં કરું.’
એમનાથી કહેવાઈ ગયું.
‘માફ તો હું નહીં કરું તમને…’ વૈશ્નવીએ પહેલીવાર પિતા સાથે ઊંચા અવાજે વાત કરી,
‘તમે ખૂની છો.’ એનાથી કહેવાઈ ગયું, ‘કબીરના પિતાની હત્યા કરી છે તમે… તમારા જુઠ્ઠાણાને
લીધો મર્યો એ ભલો માણસ.’ મયૂરભાઈ સહેજ ડઘાઈ ગયા. વૈશ્નવી બધું જાણી ગઈ છે એ વાતે
સહેજ ઝંખવાયા પણ ખરા. વૈશ્નવીએ કહી જ નાખ્યું, ‘અત્યાર સુધી હું એમ માનતી હતી કે મેં
તમને દુઃખ પહોંચાડ્યું છે, ગુનો કર્યો છે, પણ હવે મને લાગે છે કે ગુનેગાર હું નહીં, તમે છો.’
મયૂરભાઈ સાંભળતા રહ્યા, ‘જે થયું ને એ બહુ સારું થયું પપ્પા. હું ને કબીર સામસામે આવી ગયા.
સત્ય જાણી શક્યા અમે બંને, અત્યાર સુધી એ મને ગુનેગાર માનતો હતો ને હું ઘરેથી ભાગી ગયાના
ગિલ્ટમાં જીવતી હતી. મુક્ત થઈ ગયા અમે બંને. થેન્ક યુ.’ એણે કહ્યું.
‘થેન્ક યુ?’ મયૂરભાઈને સહેજ નવાઈ લાગી.
‘હાસ્તો, તમે મદદ કરી હોત તો કદાચ, હું ને કબીર સામસામે આવ્યા જ ન હોત. આ તો…’
વૈશ્નવી કહેતાં કહેતાં અટકી ગઈ. હવે આગળની વાત કોઈને કહેવાની નહોતી, કહેવાય એવી પણ
નહોતી.
‘કબીરને મળીને?’ મયૂરભાઈએ કદાચ, જાણી જોઈને વૈશ્નવીના મનને ઢંઢોળ્યું, ‘સમજાયું હશે
તને, કે તારા બાપે તારા માટે કરેલી પસંદગી ઉત્તમ જ હતી. એજ્યુકેશન, ક્લાસ, દેખાવથી શરૂ કરીને
બેન્ક બેલેન્સ સુધી બધું જ પેલા ડ્રાઈવરના છોકરા કરતાં સો ગણું ચડિયાતું છે ને? પણ તારે તો
ઉકરડામાં જ…’ મયૂરભાઈ એમ હારી જાય એવા નહોતા, ‘હજી છોડી દે. એ દેવાળિયા, જુગારિયા,
નકામા માણસને. કબીર તરત જ હા પાડશે…’ એમણે ફરી દાણા નાખી જોયા, ‘તારા પ્રેમમાં ચાર્ટર્ડ
વિમાન લઈને મુંબઈથી અમદાવાદ આવતો માણસ મોસ્ટ એલિજિબલ હોવા છતાં હજી પરણ્યો નથી
એનો અર્થ સમજાય છે તને?’ એ હસ્યા, ‘હી સ્ટિલ વેઈટિંગ.’
‘પપ્પા…’ વૈશ્નવી વધુ ચીડાઈ ગઈ, ‘હું માધવની પત્ની છું.’
‘એમ?’ મયૂરભાઈ છેલ્લું હથિયાર ઉગામ્યું ‘એટલે, પાંચ કરોડ રૂપિયા લેવા તને કબીર પાસે
મોકલી હતી એણે?’ વૈશ્નવી અવાક્ થઈ ગઈ. એની પાસે આ તમાચાનો કોઈ પ્રતિઉત્તર નહોતો.
વૈશ્નવી ચૂપ થઈ ગઈ એટલે એમણે કહ્યું, ‘એમ નહીં માનતી કે, હું કંઈ નથી જાણતો. રજેરજની
ખબર છે મને. આવા પરિવાર અને છોકરાને મૂકીને ભાગી તું… છેલ્લે તો એણે જાત પર જઈને તારો
સોદો કર્યો ને? સારું થયું, કમસે કમ તને એની ઓકાત તો સમજાઈ ગઈ.’ કહીને મયૂરભાઈ હસ્યા.
‘ઓકાત તો બંનેની સમજાઈ ગઈ, પપ્પા.’ વૈશ્નવી પણ એમની જ દીકરી હતી, ‘માધવ એની
જાત પર ગયો, માન્યું! પણ તમારો પસંદ કરેલો મોસ્ટ એલિજિબલ બેચલર પણ જાત પર જ ગયો ને?
સીધી રીતે નહીં તો ખરીદીને બોલાવી એના ઘરમાં… ફેર શું રહ્યો બંનેમાં?’
મયૂરભાઈ આ સાંભળીને હતપ્રભ થઈ ગયા. એમની પાસે જવાબ નહોતો. ‘તારા બાપની
બાપ નથી તું. થવાની કોશિશ પણ નહીં કરતી.’ કહીને એમણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
વૈશ્નવી જાણે પત્થરની બની હોય એમ સ્તબ્ધ થઈ ગઈ. જે વાતની ત્રણ જણ સિવાય કોઈને
જાણ નહોતી એ વાત અને એ રાતની જાણ મયૂરભાઈને કેવી રીતે થઈ, વૈશ્નવીને આ સવાલે એટલી
બેચેન કરી નાખી કે એણે અકળાઈને કબીરને ફોન કર્યો. સ્ક્રીન ઉપર વૈશ્નવીનું નામ વાંચીને કબીરના
રોમરોમમાં ઝણઝણાટી થઈ ગઈ, ‘હાય.’ એણે ફોન ઉપાડ્યો, ‘હું તારા ફોનની રાહ જોતો હતો. મને
હતું જ કે તું ફોન કરીશ.’
‘અફકોર્સ! મારો બાપ મને ફોન કરશે ને પછી હું તને ફોન કરીશ, એટલી તો તને ખબર હોય
જ ને?’ વૈશ્નવીના અવાજમાં કડવાશ હતી. કબીરને નવાઈ લાગી, પણ એ સાંભળતો રહ્યો, ‘માત્ર
મયૂર પારેખને શું કામ કહ્યું, છાપામાં જાહેરાત આપવી હતી ને. માધવ દેસાઈએ પોતાની પત્નીને પાંચ
કરોડમાં વેચી નાખી એ પણ ફક્ત એક રાત માટે… હેડલાઈન બની જાત. તને પણ પબ્લિસિટી મળી
જાત…’
‘શું બોલે છે તું?’ કબીરના અવાજમાં પ્રામાણિક આશ્ચર્ય હતું.
‘હું શું બોલું છું? જે વાત વિશે આપણે ત્રણ જ જણાં જાણતા હતા એ વાત મારા બાપને કેવી
રીતે ખબર પડી? હું પાંચ કરોડ રૂપિયા માટે તારે ત્યાં આવી હતી… એ મેં કહ્યું નથી. માધવ તો કહે જ
નહીં… તું જ…’
‘આર યુ સ્ટુપિડ?’ કબીરથી કહેવાઈ ગયું, ‘મેં મયૂર પારેખ સાથે છેલ્લી વાત કરી એ રાત્રે તું
ભાગી ગઈ હતી. એ પછી મેં એમનો અવાજ નથી સાંભળ્યો.’ કબીરે કહ્યું.
‘આઈ ડોન્ટ બિલિવ યુ.’ વૈશ્નવીએ કહ્યું, ‘તારા સિવાય એને કોણ કહે?’
‘એ મને નથી ખબર… પણ, મેં નથી કહ્યું એટલું હું તને કહું છું…’
‘શાબાશ!’ વૈશ્નવીએ પૂરા વ્યંગ અને ચીડ સાથે કહ્યું, ‘એ રાત્રે એકલો, અટુલો, દુઃખી લાગતો
કબીર નરોલા આવી રમત રમી શકે એવું મેં ધાર્યું નહોતું… પણ, હવે મને સમજાય છે કે તું એવું જ કરે!
ઈનફેક્ટ, તું આવું ન કરે તો જ મને નવાઈ લાગવી જોઈએ…’ એણે વધુ તિરસ્કાર અને અપમાનના
અહેસાસ સાથે કહ્યું, ‘સારું કર્યું, મયૂર પારેખને આ ડીલ વિશે કહીને તેં બહુ સારું કર્યું… એ વારેવારે
કહેતા હતા ને, માધવ એની જાત પર જશે… હવે એમને સમજાયું કે, તું પણ અંતે તો તારી જાત પર
જ ગયો.’ કહીને એણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
હાથમાં સેલફોન પકડીને ઊભેલા કબીરને એવું લાગ્યું કે, જાણે કોઈએ વાંક વગર એને અચાનક
એક થપ્પડ મારી દીધી હોય!
(ક્રમશઃ)