વાત એક રાતની । પ્રકરણ – 25

માધવને દરવાજાની બહાર ઊભેલો જોઈને નારાયણની આંખોમાં પાણી આવી ગયાં, ‘આ ગયે
સા’બ?’ એણે પૂછ્યું, એનાથી કહેવાઈ ગયું, ‘મેડમ કી તબિયત બહુત ખરાબ હૈ…’ એનું વાક્ય પૂરું
થાય એ પહેલાં એને બારણાની વચ્ચેથી હટાવીને માધવ અંદરની તરફ દોડ્યો.
માધવ બેડરૂમમાં દાખલ થયો. આંખો મીંચીને સૂતેલી વૈશ્નવીનો ચહેરો તદ્દન સફેદ થઈ ગયો
હતો. ઊંઘની ગોળીઓ બહાર કાઢવા માટે કબીરે જે ઉલ્ટીઓ કરાવી એને કારણે ડી હાઈડ્રેશન થઈ
ગયું હતું. એ હજી તંદ્રામાં હતી. માધવને નજીક જઈને એના કપાળ પર હાથ ફેરવ્યો, પણ વૈશ્નવીએ
આંખો ખોલી નહીં, ખોલી શકે એમ જ નહોતી! માધવે એને જગાડવાનો પ્રયાસ કર્યો, ‘વૈશુ!
વૈશ્નવી…’ પરંતુ, ઊંઘની ગોળીઓને કારણે સીડેટ થઈ ગયેલા મગજ સુધી એ અવાજ પહોંચ્યો જ
નહીં. માધવે જોરથી બૂમ પાડી, ‘નારાયણ! મેડમને શું થયું છે?’
માધવ બેચેન થઈને વૈશ્નવીને હચમચાવી રહ્યો હતો, ‘વૈશુ… વૈશુ…’ વૈશ્નવીનું મગજ બેર
મારી ગયું હતું. કદાચ, એને એ અવાજ સંભળાતો હતો, પરંતુ આંખો ઉપર ઊંઘની ગોળીઓનો ભાર
હતો.
એ જ વખતે બાથરૂમનો દરવાજો ખૂલ્યો. અંદરથી કબીર બહાર નીકળ્યો. વૈશ્નવીની બાજુમાં
ઊભેલો માધવ અને બાથરૂમના બારણાની ફ્રેમ વચ્ચે ઊભેલો કબીર બંને થોડીક ક્ષણો માટે એકમેકને
જોઈ રહ્યા. પોતાના બેડરૂમના બાથરૂમમાંથી બહાર નીકળી રહેલા કબીરને જોઈને માધવ ડઘાઈ
ગયો, ‘તું અહીં શું કરે છે?’ એણે પૂછ્યું, એ જ ક્ષણે કબીરના શરીર ઉપર પોતાનાં કપડાં જોઈને
માધવનું મગજ ફરી ગયું. કબીર જવાબમાં કશું કહે, કે નારાયણ જવાબ આપે એ પહેલાં માધવે
ઉશ્કેરાટમાં પૂછ્યું, ‘ઓહ! તો આખી રાત અહીંયા હતો, તું?’ કબીર કંઈ કહેવા ગયો એ પહેલાં માધવે
હાથ ઊંચો કરીને એને રોક્યો, ‘સમજું છું! મારી બૈરી છે જ એવી… એકવાર એક રાત એની સાથે
વિતાવી, પછી તો લોહીનો સ્વાદ કેમ ભૂલાય?’
‘શું બોલે છે, તું?’ પોતાની જ પત્ની વિશે માધવે જે કહ્યું એ સાંભળીને કબીર હતપ્રભ થઈ
ગયો.
માણસ માત્ર નજર સામે દેખાતી વાતોને સાચી માનીને પ્રતિભાવ આપી બેસે છે, પરંતુ દરેક
વખતે આપણે જે જોઈએ છીએ એ જ અને એટલું જ સત્ય નથી હોતું! નવાઈની વાત એ છે કે, આ
વાત મોટાભાગના લોકોને સમજાય છે, પરંતુ જ્યારે સમજાવી જોઈએ ત્યારે નથી સમજાતી. માધવ
એક ક્ષણ માટે અટક્યો હોત, એણે ધારી લેવાને બદલે કબીરને પૂછ્યું હોત તો…
પરંતુ, આ ‘તો જ’ સૌથી મહત્વનું છે.
કેટલું ય ન બન્યું હોત જો વૈશ્નવી એકવાર કબીરને મળી હોત તો… એણે કબીરને સાચું કહી
દીધું હોત તો… મયૂરભાઈએ વૈશ્નવી ઉપર જબરજસ્તી ન કરી હોત… એને છેતરીને પરણાવવાને
બદલે એની પસંદગી સ્વીકારી લીધી હોત… કબીરના પિતા રાધેશ્યામ નરોલાને સત્ય જણાવીને માફી
માગી લીધી હોત… પરંતુ, આ બધા ‘જો’ અને ‘તો’ હવે વિતી ચૂક્યા હતા.
મેસેજ કાઢી નાખીએ એમ કેટલાક દિવસો પણ જિંદગીમાંથી ડિલીટ કરવાની ફેસિલિટી હોવી
જોઈએ.’ કબીરે આ વાત માધવને કહી કે પોતાની જાતને, કોને ખબર પણ એની આંખો ભરાઈ
આવી. એણે માધવનો હાથ પકડી લીધો, ‘ચાલ ને, આપણા ત્રણેયની જિંદગીમાંથી આ 72 કલાક
ડિલીટ કરી નાખીએ. હતા ત્યાં પાછા જઈને, ફરી એકવાર બધું…’
માધવ ફરી જોરથી હસ્યો, ‘કેટલી આસાનીથી કહે છે, તું… એક માણસને ફસાવીને, એની
બૈરી સાથે રાત…’ એણે સુધાર્યું, ‘રાતો વિતાવીને, હવે કહે છે કે, ડિલીટ કરી નાખીએ?’ માધવ હવે
પોતાની આંખના આંસુ છુપાવી શક્યો નહીં, ‘તું નબીરો છે, કરોડપતિ બાપની ઓલાદ. મેં જોયો છે
તને… સ્ત્રીઓથી રમકડાની જેમ રમતાં. તારી પથારીની ચાદર બદલાય એના કરતાં ય વધુ ઝડપથી
એના પર સૂઈ જતી સ્ત્રી બદલી છે, તેં…’ એણે નજીક આવીને કબીરના ટી-શર્ટને બે હાથની મુઠ્ઠીમાં
પકડી લીધી, ‘કેમ? કેમ કર્યું તેં આવું?’ કબીર પોતાની સામે ઊભેલા માધવની આંખોમાં દેખાતા
પોતાના પ્રતિબિંબને જોઈ રહ્યો. માધવને કશી ય ખબર નહોતી… કબીરનું વૈશ્નવી માટેનું આકર્ષણ,
રાધેશ્યામ નરોલાના મૃત્યુનું કારણ… કબીરનું વેર… એ તો બિચારો, આખી ય વાતમાં વગર લેવા-
દેવાએ પીડાયો! કબીરને વિચાર આવ્યો, પીડાયો કે પિસાયો… બિચારો! કબીરે સ્નેહથી માધવના
માથે હાથ ફેરવ્યો.
કબીરનો હાથ ઝટકાવીને માધવે કહ્યું, ‘હવે કશું ય ડિલીટ નહીં થઈ શકે. આપણી જિંદગીઓ
એકબીજા સાથે એવી ગૂંચવાઈ છે કે આપણા ત્રણેયના ગળામાં આ ફાંસો જીવનભર રહેવાનો છે.’
માધવે નીચું જોઈને આંસુ લૂછી નાખ્યા, ‘એકાદ દિવસ કોઈકના ગળામાં ફાંસો જરાક ટાઈટ થઈ જાય
તો સારું.’ કહીને એણે ઊંડો શ્વાસ લીધો, ‘આણે ઊંઘની ગોળીઓ ખાધી છે ને? શું કામ બચાવી
એને?’
‘આપણા ત્રણમાંથી જો કોઈ એક જણે મરવું જોઈએ તો એ હું છું…’ કબીરથી કહેવાઈ ગયું,
‘પણ એવી હિંમત નથી થતી મારી.’
‘મારી પણ ન થઈ.’ માધવથી બોલાઈ ગયું.
બંને એકબીજાની સામે જોઈ રહ્યાં. બંને જણાં વિચારતા હતા, એકબીજાને મળ્યા જ ન હોત
તો સારું થાત! બાલ્કનીમાંથી દરિયાને સ્પર્શીને આવતો ઠંડો પવન બેડરૂમના પડદા ઊડાડી રહ્યો હતો.
આંખો મીંચીને લગભગ બેહોશ સૂતેલી વૈશ્નવીના ચહેરા ઉપર પણ એની લટો ઊડી રહી હતી.
નિરાંતે, નિશ્ચિંત સૂતેલી વૈશ્નવીનો ચહેરો એકદમ શાંત હતો. થોડા કલાકો પહેલાં એના
મનમાં ચાલેલી ભયાનક ઉથલપાથલની એક પણ રેખા એના ચહેરા પર દેખાતી નહોતી. માધવે
આગળ વધીને વૈશ્નવીના ચહેરા પર ઊડી રહેલી લટોને સહેજ હટાવી, એના ગાલ પર હાથ ફેરવ્યો.
એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં. એણે કબીર તરફ જોઈને કહ્યું, ‘અમે અમારો સંઘર્ષ કરી લેત. શું
કામ આવ્યો તું અમારી જિંદગીમાં? આ નોકરી, આ ઘર, આ સગવડો…’ માધવને ડૂમો ભરાઈ ગયો,
‘ને દોસ્તીનું નાટક. કેમ કર્યું તેં?’
‘બાકી બધું નાટક હોઈ શકે’ કબીર પણ ગળગળો થઈ ગયો, ‘માનું છું કે નાટક હતું, પણ દોસ્તી
ખોટી નહોતી… હું સાચે જ તને…’

પોતાના જ અહમ્, કર્મો અને પોતાની જ પીડાના શિકાર એવા ત્રણ જણાં એક એવી જાળમાં
સપડાયા હતા જે એમણે જ ગૂંથી હતી! વધુને વધુ ગૂંથી રહ્યા હતા… વધુ ફસાઈ રહ્યા હતા, ને છતાંય
એમાંથી નીકળી જવું અશક્ય લાગતું હતું, ત્રણેયને!
કબીર હજી ગઈકાલ રાતની વાત માધવને સમજાવે એ પહેલાં માધવે કહ્યું, ‘તું અહીં, મારા ઘેર
પહોંચી ગયો એનાથી બહુ આશ્ચર્ય નથી થયું મને! તારે માટે સ્ત્રી એક રમકડું છે-પણ, આ…?’
પલંગમાં બેહોશ પડેલી વૈશ્નવી તરફ હાથ કરીને માધવે કહ્યું, ‘આ બાઈ? મારા જ ઘરમાં, મારા જ
પલંગમાં તારી સાથે ફરી એકવાર રાત વિતાવે એની નવાઈ લાગે છે, મને.’ કબીરે બે હાથ જોડ્યા, એ
કંઈક કહેવા માગતો હતો, પરંતુ એની વાત સાંભળવાને બદલે માધવે બૂમો પાડવા માંડી, ‘ચલો, માન્યું
કે એ દિવસે તો મજબૂરી હતી… પણ, આજે? આજે તું અહીં શું કરે છે?’ માધવ કોઈ વિક્ષિપ્તની
જેમ હસવા લાગ્યો, ‘તમે બંનેએ ધારી લીધું હશે કે, હું પાછો નહીં આવું… કેમ? ક્યાંક ડૂબી મર્યો
હોઈશ, કે ઊંઘની ગોળી ખાઈને…’ એ જોર જોરથી હસી રહ્યો હતો, ‘પણ, સોરી! હું તો આવી ગયો.
તમને બંનેને પકડ્યા.’ એ જોરજોરથી હસી રહ્યો હતો. નારાયણ બઘવાયેલો-ડઘાયેલો આ બધું જોઈ
રહ્યો હતો. માધવે કહ્યું, ‘ટચ્ ટચ્ ટચ્! તમારા બંનેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું, નહીં?’
‘શટ અપ!’ કબીર બરાડ્યો, ‘જીવન-મરણની વચ્ચે ઝોલાં ખાય છે, તારી પત્ની…’ પોતે ન
પહોંચ્યો હોત તો વૈશ્નવી બચી શકી હોત કે નહીં એવો વિચાર ફરી એના મનમાં ઝબકી ગયો. એનું
ગળું ભરાઈ આવ્યું, ‘ઊંઘની 30 ગોળીઓ ખાઈ ગઈ છે…’
‘એમ?’ માધવ હજી માનવા તૈયાર નહોતો, એ ફરી હસ્યો, એણે પૂછ્યું, ‘મારા ઘરમાં, મારા
કપડાં પહેરીને, મારા બાથરૂમમાંથી બહાર નીકળે છે ને મને સમજાવે છે કે વૈશ્નવીએ ઊંઘની ગોળીઓ
ખાધી છે…’
‘સમજતો કેમ નથી?’ કબીરે રખાય એટલો સંયમ જાળવવાનો પ્રયત્ન કરીને કહ્યું, ‘એ બેહોશ
છે.’
‘ઊંઘની ગોળીઓ ખાઈ ગઈ હોય તો એને હોસ્પિટલ લઈ જવી જોઈએ.’ માધવે થોડી
બેફિકરાઈથી કહ્યું, ‘તું ડૉક્ટર છે?’
‘એને હોસ્પિટલ લઈ જાઉ તો પોલીસ કેસ થાય. આત્મહત્યાનો ગુનો બને.’ કબીરે કહ્યું,
‘કબીર નરોલા એને હોસ્પિટલ લઈને જાય, એટલે મીડિયામાં પણ ચગે. વીડિયો વાયરલ થાય. અમારા
સંબંધો વિશે સવાલો થાય.’ એણે પલંગમાં સૂતેલી વૈશ્નવી તરફ હાથ બતાવીને કહ્યું, ‘એની પ્રતિષ્ઠાની
ચિંતા છે, મને.’ કબીરે નજીક આવીને માધવને બંને ખભેથી પકડ્યો, ‘જો! જે થવાનું હતું તે થઈ ગયું.
ક્યાંક હું ખોટો હતો, ક્યાંક…’
કબીર આગળ બોલે એ પહેલાં માધવ બે ડગલાં પાછળ ખસી ગયો, ‘હું ક્યાંય ખોટો નથી.
મારું તો નામ જ નહીં લેતો.’ એણે નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘હું તો બધે જ સાચો હતો. પ્રેમમાં,
લગ્નમાં, દોસ્તીમાં, ઓફિસમાં.’ કબીરની આંખોમાં આંખો પરોવીને એણે ઉમેર્યું, ‘તારી વાત માનીને
ઈન્વેસ્ટમેન્ટ કરતી વખતે પણ હું તો સાચો જ હતો.’ એણે કબીરને પૂછ્યું, ‘શું મળ્યું તને?’
‘માધવ!’ ઊંડો શ્વાસ લઈને કબીર એની નજીક ગયો, ‘કેટલાક દિવસોની જિંદગીમાંથી
બાદબાકી કરી શકાતી હોત તો આપણે બધા કેટલા સુખી હોત! જેમ કેટલાક ઈમેઈલ કાઢી નાખીએ,
‘ના કહેતો.’ માધવે એને વચ્ચે જ અટકાવી દીધો, ‘હવે મારું મન તારી કોઈ વાત નહીં માને.
તેં બધું બરબાદ કરી નાખ્યું.’
‘બરબાદ તો હું થઈ ગયો.’ કબીરે કહ્યું. આગળ બોલાઈ ન જાય એવા ભયથી એણે અદબવાળી
દીધી. એ ત્યાં જ, ખૂણામાં મૂકેલા સિટીંગમાં ફસડાઈ પડ્યો, ‘તમે જે દિવસે પરણ્યા એ દિવસે મારો
બાપ મરી ગયો, ખબર છે તને? તારે લીધે…’
‘મારે લીધે?’ માધવે પૂછ્યું. એને આઘાત લાગ્યો, ‘મેં શું કર્યું?’
‘લગ્ન કર્યું, આની સાથે.’ કબીર હજી અદબવાળીને ઊભો હતો. એ આગળ કશું જ કહેવા
માગતો નહોતો, પણ ધીરે ધીરે વાત પરત-દરપરત ખૂલી રહી હતી.
‘પ્રેમ કરતો હતો એને…’ માધવે કહ્યું, ‘એ ભાગીને આવી હતી મારી પાસે.’ માધવ જાણે
વિતેલા દ્રશ્યો જોઈ રહ્યો હોય એમ બાલ્કનીની બહાર દેખાતા આકાશને જોઈ રહ્યો, ‘હું તૈયાર
નહોતો. મારું ભણવાનું, જિંદગી, બધું ય એના બાપના ઉપકાર હતા. એ આવી ત્યારે કશાયના ઠેકાણા
નહોતા.’ માધવ કહેતો રહ્યો, ‘પણ એ આવી ગઈ… અને હું, કંઈ ન કહી શક્યો…’ એણે આંસુ લૂછી
નાખ્યા, ‘મારી પાસે ઓપ્શન જ ક્યાં હતો?’
‘એ તો મેં હવે જાણ્યું ને…’ કબીરે લગભગ સ્વગત જ કહ્યું, ‘અત્યાર સુધી તો…’ એનો
અવાજ એટલો ધીમો હતો કે કદાચ, એને પોતાને પણ પોતાના શબ્દો સંભળાયા નહીં, ‘હું, તું કે
વૈશ્નવી કોઈ ગુનેગાર નથી… ને છતાં ત્રણેય જણાં પોતપોતાના ગુનાની સજા ભોગવીશું.’ કબીરે ફરી
એટલા જ ધીમા અવાજે કહ્યું, ‘હું જતો રહીશ તો પણ હવે તમારી જિંદગીમાંથી જઈ નહીં શકું, હું.
તમે મને ભૂલી નહીં શકો ને હું…’ એને કહેવું હતું, ‘વૈશ્નવીને નહીં ભૂલી શકું.’ પણ એણે કહ્યું નહીં.
એ માધવ સામે જોઈ રહ્યો. કોઈ પવનમાં ફડફડતા દીવા સામે જોતો હોય એવી રીતે. માધવની
આંખોમાં એના પ્રેમની, એના વિશ્વાસની જ્યોત વારેવારે ફડફડતી હતી. વૈશ્નવી પર ભરોસો કરવો કે
નહીં, કબીર જે કહી રહ્યો છે તે સાચું છે કે નહીં આવા સવાલો એના મનમાં નાગની જેમ ફેણ ઊંચકી
રહ્યા હતા, ‘મને નહોતી ખબર કે વૈશ્નવી કેમ ભાગી, પણ અમે, હું, મારા ડેડ અને બીજા કેટલાય
લોકો જાન લઈને પહોંચ્યા હતા એમને આંગણે, જામનગર…’
‘વ્હોટ? તો એ તું હતો…’ માધવે પૂછ્યું. કબીરે અદબ થોડી વધુ ટાઈટ કરીને ડોકું ‘હા’માં
ધૂણાવ્યું, ‘મને ખરેખર ખબર નથી.’ માધવે કહ્યું. એની આંખોમાં કબીર પ્રત્યે થોડી દયા, થોડી કરુણા
ક્ષણવાર માટે ઝબક્યા અને પછી બૂઝાઈ ગયા, ‘આને ખબર હતી?’ એણે વૈશ્નવી તરફ હાથ
બતાવીને પૂછ્યું, કબીરે અદબ વધુ ટાઈટ કરી અને ‘ના’માં ડોકું ધૂણાવ્યું.
‘એને પણ એ રાત્રે જ ખબર પડી કે…’ કબીરના અવાજમાં પશ્ચાતાપ હતો, ‘ને મને પણ
ત્યારે જ ખબર પડી કે એને કશી ખબર નહોતી.’ એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં, ‘બધું ગૂંચવાઈ
ગયું. અજાણતાં જ…’ એણે માધવ સામે જોયું પણ માધવે નજર ફેરવી લીધી.
‘હું છોડી દઉં, વૈશ્નવીને… તું લગ્ન કરી લે.’ માધવે કહ્યું, ‘એનાથી કદાચ તારા વેર, તારા
અહમને રાહત મળે.’
‘રાહત?’ કબીરની આંખોમાં કંઈક એવા ભાવ આવ્યા કે માધવને સમજાયા નહીં, ‘રાહત હવે
કોઈને નહીં મળે.’ એણે કહ્યું.

‘ખરું છે. આપણે ત્રણેય એકબીજા પરનો વિશ્વાસ ખોઈ બેઠા છીએ. શરીરમાંથી શ્વાસ અને
સંબંધમાંથી વિશ્વાસ જતો રહે પછી અગ્નિદાહ જ આપી દેવો પડે.’
‘હંમમ.’ માધવે ડોકું ધૂણાવ્યું, ‘ત્રણ ચિતા ખડકાશે, ત્રણ મડદાં બળશે…’ માધવની અંદર જાણે
ખરેખર કોઈ મરી ગયું હતું. એની આંખો પત્થરની હોય એવી લાગવા માંડી, ‘અમારા લગ્નને,
આપણી દોસ્તીને અને અમારા વિશ્વાસનું શબ. ત્રણેયને અગ્નિદાહ આપવો પડશે.’

*

અમદાવાદથી ગાડીમાં કેશ લઈને નીકળેલા મયૂરભાઈ અને સંધ્યાબેન મુંબઈ શહેરની હદમાં
પ્રવેશી ચૂક્યા હતા. એમના મનના ઉચાટને કારણે એમને ગાડીની સ્પીડ સતત ધીમી લાગતી હતી. જે
કંઈ બની ગયું એને માટે પોતે જવાબદાર છે એ વિચાર મયૂરભાઈનો પીછો છોડતો નહોતો.
અમદાવાદથી મુંબઈના સાડા આઠ કલાકના પ્રવાસ દરમિયાન એમણે સંધ્યાબેન સાથે ભાગ્યે જ કશી
વાત કરી હતી. સંધ્યાબેન પણ ચૂપચાપ મનમાં તાણાંવાણાં ગૂંથતા રહ્યા. એમને એટલો સંતોષ હતો
કે, અત્યાર સુધી દીકરીના જીવન-મરણની ચિંતા ન કરનાર મયૂરભાઈએ હવે એને ક્ષમા કરી હતી. એ
અંતે પોતાની દીકરીને મળવા જઈ રહ્યા હતા…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *