વાત એક રાતની । પ્રકરણ – 26

ફરી એકવાર ઘરનો બેલ વાગ્યો ત્યારે બાલ્કનીની બહાર દેખાતા દરિયાના પાણી ચાંદીની જેમ
ચમકવા લાગ્યા હતા. સૂરજ માથે ચઢી આવ્યો હતો. માધવ બેચેન હતો. એ મનોમન ઈચ્છતો હતો કે,
કબીર કોઈપણ રીતે એના ઘરમાંથી જાય, પરંતુ કબીરે નક્કી કરી લીધું હતું કે, જ્યાં સુધી વૈશ્નવી
આંખો ન ખોલે ત્યાં સુધી એ માધવના ઘરમાંથી નહીં જાય.
એકવાર માધવ અકળાયો પણ ખરો, ‘ક્યાં સુધી મારા ઘરમાં બેસી રહીશ, તું?’
‘વૈશ્નવી આંખો ખોલે એટલે નીકળી જઈશ.’ કબીરે નમ્ર રહેવાનો પ્રયાસ કર્યો, ‘હું કન્સર્ન્ડ
છું.’
‘મારી પત્ની છે.’ માધવે અધિકાર જતાવવાનો પ્રયાસ કર્યો, ‘હું જોઈ લઈશ એનું ભલું-બૂરું…’
‘શ્યોર.’ કબીરે ખભા ઊલાળ્યા, ‘હું અહીં ડ્રોઈંગ રૂમમાં બેઠો છું. કોઈ દખલ નહીં કરું તમારા
દિવસમાં…’ આ કહેતાં એને પોતાને પણ નવાઈ લાગી રહી હતી. કબીર નરોલા! અબજોનો માલિક,
ગરુર અને ગૌરવની મૂર્તિ… એના એક કર્મચારીને વિનવી રહ્યો હતો!
‘તું પ્લીઝ, જા.’ માધવે બે હાથ જોડ્યા, ‘એને હોશ આવશે તો તને જણાવી દઈશ…’ એણે
સહેજ કંટાળાથી કહ્યું, ‘વૈશ્નવી ભાનમાં આવે એ પછી પણ મળવા નહીં ધસી આવતો, પ્લીઝ.’
માધવનો ઉશ્કેરાટ કબીર સમજી શકતો હતો, ‘મારા ઘરમાં એમ કોઈ બેસી રહે એ મને પસંદ નથી.’
માધવે ચિડાઈને કહ્યું, ‘પ્લીઝ ગો.’
હવે કબીરના સ્વમાન પર ઉઝરડો પડ્યો, ‘ટેકનિકલી આ મારું ઘર છે.’ કબીરે કહ્યું, ‘કંપનીએ
તને રહેવા આપ્યું છે. હું માલિક છું આ ફ્લેટનો.’
‘…આ ઘર મારું છે.’ માધવ વધુ અકળાયો, ‘જ્યાં સુધી હું અહીં રહું છું…’ એણે કબીરને
સંભળાવ્યું, ‘મકાનો તો બહુ છે, તારી પાસે ઘર નથી ને?’ એ કડવું હસ્યો, ‘મારી પાસે મકાન નથી,
પણ ઘર છે, કબીર નરોલા!’ કબીરને જવાબ આપવાનો વિચાર આવ્યો, પણ એ ચૂપચાપ સાંભળતો
રહ્યો, ‘કોઈપણ મકાનને ઘર બનાવી શકે એવી એક પત્ની, એ સ્ત્રી, જેને તું પામવા માગતો હતો! એ
મારી છે.’ કબીર પલક ઝપકાવ્યા વગર માધવને જોઈ રહ્યો હતો, ‘તને વૈશ્નવી ન મળી એમાં તેં મારું
ઘર તોડવાનું, મારું લગ્ન વિખેરી નાખવાનો પ્રયાસ કર્યો… પણ, તું કંઈ કરી શક્યો નહીં.’ માધવે કહ્યું,
‘એ હજી મારી પત્ની છે ને અમે કોઈપણ મકાનમાં રહીએ, ત્યાં ઘર અમારું બનાવી શકીશું. તું ગમે
તેટલાં મકાન ખરીદી લઈશ, તારી પાસે એક પણ ઘર નહીં હોય…’ માધવે જરા ઉશ્કેરાટમાં કહ્યું,
‘એની વે, તારું મકાન ખાલી કરી દઈશું, અમે…’
‘જો, માધવ…’ સમજાવવાનો પ્રયત્ન કર્યો કબીરે, પછી એને જ લાગ્યું કે આ વિશે આગળ
વાત કરવી નકામી છે. એ ક્ષણભર ચૂપ રહ્યો ને પછી એણે કહ્યું, ‘વૈશ્નવી આંખો ખોલે તો મને ફોન
કરી દેજે.’ માધવ કંઈ બોલવા જાય એ પહેલાં કબીરે જ કહી દીધું, ‘ને હા, હું નહીં આવું એને જોવા.’
કબીર સડસડાટ બહારની તરફ ચાલવા લાગ્યો. દરવાજો ખોલતા પહેલાં એ એક ક્ષણ અટક્યો. પાછો
ફર્યો. ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ ઊભેલા માધવને એણે એક ક્ષણ માટે જોયો, પછી કબીરના ચહેરા પર

સ્મિત આવ્યું, કબીર નરોલાનું એ પ્રસિધ્ધ સ્મિત! એ સ્મિત, જેમાં અનેક રહસ્યો હતા-કરોડોની
ઉથલપાથલ કરવાની ક્ષમતા હતી અને કંઈકની જિંદગી પલટી નાખવાનો ખુમાર હતો. એણે સ્મિત
સાથે જ કહ્યું, ‘મકાનો બદલી નાખવાથી, ઘર બચી નથી જતાં… એને માટે સંબંધ બચાવવો પડે છે.
તેં તો સંબંધના લીરેલીરા કરી નાખ્યા છે.’ માધવને આ વાક્ય થપ્પડ જેવું લાગ્યું. એ કંઈ કહેવા જતો
હતો, પણ કબીરે હાથ ઊંચો કરીને એને રોક્યો, ‘ઘર બનાવવા અને બચાવવા માટે ઘરવાળી માટે
સન્માન હોવું જોઈએ. તું જે ક્ષણે એને મારે ત્યાં મૂકી ગયો એ જ ક્ષણે તેં જ તારું ઘર તોડી નાખ્યું.
હવે મકાન ખાલી કરે કે ન કરે… મને બહુ ફરક નથી પડતો.’ કબીર દરવાજો ખોલીને બહાર નીકળી
ગયો. માધવ એને જતો જોઈ રહ્યો.
લિફ્ટમાં નીચે ઉતરીને કબીર બિલ્ડિંગની બહાર નીકળ્યો. વહેલી સવારે નારાયણના ફોન
પછી કબીર સડસડાટ અહીં પહોંચ્યો હતો, એ વખતે બિલ્ડિંગનો વોચમેન હાજર નહોતો એટલે એણે
ગાડી બાજુની ગલીમાં પાર્ક કરી દીધી હતી. ગાડી લેવા માટે એ જ્યારે બિલ્ડિંગના ગેટમાંથી નીકળીને
ગલી તરફ વળ્યો બરાબર ત્યારે જ મયૂરભાઈની ગાડી એને સામે દેખાઈ.
અમદાવાદથી નીકળીને મયૂરભાઈ નોનસ્ટોપ મુંબઈ પહોંચ્યા હતા. વૈશ્નવીના બિલ્ડિંગની
બહાર નીકળી રહેલા કબીરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ગઈકાલે રાત્રે બની ગયેલી ઘટના વિશે
એમને કોઈ માહિતી જ નહોતી.
એમણે ડ્રાઈવરને ગાડી ઊભી રાખવાનું કહ્યું, એ નીચે ઉતર્યા, ‘તમે, અહીં?’ મયૂરભાઈએ ધાર્યું
હતું કે, એક રાત કબીરને ત્યાં વિતાવી આવ્યા પછી માધવ અને વૈશ્નવી આ માણસનું મોઢું સુધ્ધાં
જોવા તૈયાર નહીં થાય, પરંતુ કબીર તો એમના જ ઘરમાંથી બહાર નીકળી રહ્યો હતો.
‘નમસ્તે.’ કબીરે બે હાથ જોડ્યા.
મયૂરભાઈની આંખો ઝૂકી ગઈ. એમની નજર સામે કબીરના પિતા રાધેશ્યામ નરોલા દેખાયા.
એમના મૃત્યુના સમાચાર મયૂરભાઈએ છાપામાં વાંચ્યા હતા. એ કબીરને મળવા ગયા હતા, પરંતુ
કબીરે એમને મળવાની ના પાડી હતી. મયૂરભાઈ એ ક્ષણ અને એ દિવસ આજ સુધી ભૂલી શક્યા
નહોતા. એમણે પરાણે બે હાથ જોડ્યા, ‘નમસ્તે.’ એ મહામહેનતે કહી શક્યા.
‘તમને નવાઈ લાગી હશે કે, હું અહીં શું કરું છું?’ કબીરે સામેથી જ કહ્યું.
‘જી, એટલે… હા, આઈ મીન…’ મયૂરભાઈને સમજાયું નહીં કે એમણે શું જવાબ આપવો
જોઈએ. કબીરને એમની આંખોમાં અપરાધભાવ સ્પષ્ટ વંચાતો હતો.
‘વૈશ્નવીએ ગઈકાલે રાત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.’ મયૂરભાઈ કંઈ જ બોલી શકે એમ
નહોતા, પણ એમની આંખો ભરાઈ આવી, ‘એ ઠીક છે.’ એમની આંખોનો સવાલ કબીરે વાંચી લીધો.
એણે કહ્યું. બંને જણાં થોડીવાર ચૂપચાપ ઊભા રહ્યા. એમની વચ્ચેનું મૌન એટલું ભારેખમ હતું કે,
હવે કોણ વાતની શરૂઆત કરે એ બેમાંથી કોઈને સમજાયું નહીં. મયૂરભાઈની ગાડી ગેટની વચ્ચોવચ
ઊભી હતી. પાછળ બિલ્ડિંગના કોઈ રહીશની ગાડી આવી. એમણે હોર્ન માર્યો એટલે ડ્રાઈવરે ગાડી
ખસેડવા માટે ખૂબ નમ્રતાથી એક હોર્ન વગાડવાનો પ્રયત્ન કર્યો. મૌનમાં સ્તબ્ધ થઈ ગયેલા બંને જણાં
ચોંક્યા, ખસ્યા. મયૂરભાઈની ગાડી બિલ્ડિંગના ગેટમાં દાખલ થઈ. વોચમેને આગળ આવીને વિગતો
પૂછી, ગેસ્ટ પાર્કિંગમાં જવાની સૂચના આપી. કબીર થોડીવાર નીચું જોઈને, અદબવાળીને ઊભો
રહ્યો, પછી એણે કહ્યું, ‘સારું થયું તમે આવ્યા… વૈશ્નવીને તમારી જરૂર છે.’
‘આઈ એમ સોરી.’ મયૂરભાઈએ પોતાના અહંકારને મહામહેનતે વશમાં લઈને કહ્યું, ‘મારી
જીદ અને ભૂલનું પરિણામ તમારે ત્રણેયએ ભોગવવું પડ્યું…’
‘હા.’ કબીરે ડોકું ધૂણાવ્યું, ‘તમારા એક સત્યએ અમારા ત્રણ જણની જિંદગી બચાવી લીધી
હોત.’ મયૂરભાઈની આંખોમાંથી આંસુ સરવાં લાગ્યાં, ‘તમે એ વખતે વૈશ્નવીની વાત સાંભળી લીધી
હોત, માની લીધી હોત તો કદાચ, આપણે બધા આ રીતે અહીં આવી દશામાં ન હોત.’ કબીરનું ગળું
ભરાઈ આવ્યું, ‘મારા પિતા જીવતા હોત, કદાચ!’
‘મને માફ કરી દો…’ મયૂરભાઈએ કહ્યું, ‘હું સમજું છું કે માફી માગવાથી કશું બદલી નહીં
શકાય, પણ છતાં…’
‘સાચું કહું?’ કબીરે એમની સામે જે રીતે જોયું એ મયૂરભાઈ સહી ન શક્યા, એમની આંખો
ઝૂકી ગઈ. કબીર કહેતો રહ્યો, ‘હું વૈશ્નવીને પ્રેમ કરતો હતો…’ એણે ગળું ખોંખારીને સુધાર્યું, ‘કરું છું.’
મયૂરભાઈ નીચી નજરે સાંભળતા હતા, ‘સાંભળ્યું હતું કે, પ્રેમ બરબાદ કરી નાખે.’ કબીરના ચહેરા
પર ફરી એ જ કડવું, એકલવાયું સ્મિત આવ્યું, ‘મને તો મારા પ્રેમે બરબાદ કર્યો જ, પણ મારા પ્રેમને
કારણે માધવ…’ એણે સ્હેજ સંકોચાઈને કહ્યું, ‘વૈશ્નવી પણ બરબાદ થઈ.’ એનાથી કહેવાઈ ગયું,
‘એનો તો કોઈ વાંક નહોતો…’ એણે ધીમેથી ઉમેર્યું, ‘તમે ઉપર જાઓ. વૈશ્નવીની માનસિક હાલત ઠીક
નથી. વૈશ્નવીને તમારી જરૂર છે.’ કહીને કબીર સડસડાટ બહાર નીકળી ગયો. કબીરની પાતળી કમર,
પહોળા ખભા અને સિંહ જેવી ચાલ જોઈ રહેલા મયૂરભાઈને ફરી એકવાર આવો જમાઈ
ગૂમાવવાનો અફસોસ થયો. એમની દીકરીએ ખોટો જ નિર્ણય કર્યો હતો એ વાત ઉપર એમના મને
ફરી એકવાર મહોર મારી. હવે કશું થઈ શકે એમ નહોતું, એટલે મન મનાવીને મયૂરભાઈ બિલ્ડિંગમાં
પ્રવેશી ગયા.

ઘરનો બેલ વાગ્યો, એ સાંભળીને માધવ ચીડાઈ ગયો, ‘કૌન હૈં, નારાયણ?’ એણે મનોમન
કહ્યું, ‘પાછો આવ્યો હશે…’
કબીરે તો બિલ્ડિંગના પગથિયાં ઉતરતાં જ આખી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન
શરૂ કરી દીધો. એનું મનોબળ ખૂબ મજબૂત હતું, એ સિવાય આટલો મોટો બિઝનેસ કેવી રીતે
સંભાળી શકે! એ જ્યાંથી નીકળી જતો, મનથી કે ફિઝિકલી… એ વિતી ગયેલી પરિસ્થિતિ કે વ્યક્તિ
સાથે શું બને છે એ વિશે ન વિચારવાની કબીર પાસે ગજબની તાકાત હતી. એણે મયૂરભાઈથી છુટા
પડતાં જ મનોમન નક્કી કરી લીધું, અહીંથી વૈશ્નવી પ્રકરણ પૂરું થાય છે. હું હવે એનો સંપર્ક નહીં કરું
અને એ મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે તો હું જવાબ નહીં આપું… ભીતરની કોઈ મોંઘી મિરાત
જેવા વિતેલા બે દિવસો અને એક રાતની યાદોને રેશમી વસ્ત્રોમાં લપેટીને સાચવીને મૂકી દીધી. હવે,
આ વસ્ત્ર કદીયે ઉકેલવાનું નથી એવું એણે પોતાની જાતને વચન આપ્યું.

નારાયણે દરવાજો ખોલ્યો. દરવાજામાં ઊભેલા મયૂરભાઈ અને સંધ્યાબેનને જોઈને માધવ
અવાચક્ થઈ ગયો. બંને જણાં એકમેકને થોડીક ક્ષણો માટે જોતાં જ રહ્યાં. મયૂરભાઈની પાછળ
ઊભેલા સંધ્યાબેનને લાગ્યું કે કોઈકે બોલવું પડશે નહીં તો બંને જણાં આમ જ ઊભા રહેશે. એમણે
ધીમેથી કહ્યું, ‘માધવ બેટા, કેમ છે?’
ડઘાઈ ગયેલો માધવ સહેજ ભાનમાં આવ્યો, ‘આવો, આવો…’ એણે કહ્યું, ‘સારું કર્યું તમે
આવ્યા.’
મયૂરભાઈને હજીયે માધવ સાથે વાત કરવાનું બહુ અનુકૂળ નહોતું, ‘વૈશુ ક્યાં છે?’ એમણે
પૂછ્યું.
‘આવો.’ માધવે ફરી કહ્યું. એ અંદરની તરફ જવા લાગ્યો. મયૂરભાઈ એનાથી આગળ નીકળીને
બેડરૂમ સુધી પહોંચી ગયા. વૈશ્નવી બેહોશ હતી.
એમની પાછળ આવેલા સંધ્યાબેને સૂતેલી વૈશ્નવીની નજીક જઈને એના માથા પર હાથ
ફેરવ્યો. એમણે પણ પૂછ્યું, ‘બધું ઠીક તો છે ને?’ એમનું મન આશંકાથી ઘેરાઈ ગયું હતું.
‘ઠીક નથી.’ માધવે બે હાથ જોડ્યા, ‘હું તમારી દીકરીને સંભાળી ન શક્યો.’ મયૂરભાઈના હોઠ
સુધી આવી ગયું, ‘મને ખબર જ હતી.’ એ બોલ્યા નહીં, પણ માધવને એમની આંખોમાં એ વંચાઈ
ગયું. એણે ફરી માફી માગી, ‘આઈ એમ સોરી…’ શું સંબોધન કરવું એ ન સમજાતા એણે કહ્યું, ‘સર!’
મયૂરભાઈના ચહેરા પર ‘સર’ સાંભળીને ગૌરવની એક ઝાંય આવીને નીકળી ગઈ. એમણે
જરા ગુસ્સાથી કહ્યું, ‘મારી દીકરીએ આપઘાત કરવો પડે ત્યાં સુધી લઈ આવ્યો તું એને.’ પાણી લઈને
આવેલો નારાયણ દરવાજામાં જ ઊભો રહી ગયો. મયૂરભાઈએ આગળ વધીને માધવના કોલર પકડી
લીધા, ‘મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી તેં.’
‘સોરી.’ પછી માધવે ફરી એકવાર કહ્યું, ‘સર!’ મયૂરભાઈ એની સામે જોઈ રહ્યા, ‘જે થયું એ
બદલી નહીં શકું, પણ હવે ધ્યાન રાખીશ.’ માધવ નીચું જોઈને બે હાથ જોડીને ઊભો હતો, ‘બીજું શું
કહું, આપને?’
‘હવે તારે કંઈ નથી કહેવાનું, જે કહેવાનું છે એ હું કહીશ.’ મયૂરભાઈનો ઉશ્કેરાટ ઘટતો
નહોતો, ‘હું આવી ગયો છું. ડિવોર્સ પેપર તૈયાર કરાવીશ, ચૂપચાપ સાઈન કરી દેજે. જરાક પણ નાટક
કર્યું છે ને તો…’
‘તો?’ માધવના ચહેરા પર એક નિરાશ, હારેલા વ્યક્તિનું સ્મિત હતું, ‘તો શું કરશો? માર
મરાવશો? પોલીસ કેસ કરશો?’ એણે તદ્દન ભાંગેલા અવાજે કહ્યું, ‘એ બધું તો તમે કરી ચૂક્યા છો. કંઈ
નવું હોય તો કહો…’
‘ખૂન કરાવીશ, તારું.’ મયૂરભાઈની આંખો લાલ હતી. એમણે આંગળી ઊઠાવીને કહ્યું, એમનું
આખું શરીર અને હાથ ધ્રૂજતો હતો.
‘હું તો મરી જ ગયો છું.’ માધવ માંડ બોલી શક્યો, ‘જે ક્ષણે વૈશ્નવી મારો જીવ બચાવવા
કબીર નરોલાના બંગલે ગઈ એ ક્ષણે માધવ દેસાઈ મરી ગયો.’ એની આંખોમાંથી આંસુ સરવાં લાગ્યાં.

‘એ બધું નાટક રહેવા દેજે.’ મયૂરભાઈ ઉશ્કેરાટમાં બોલી રહ્યા હતા. સંધ્યાબેન સ્નેહથી
વૈશ્નવીને માથે હાથ ફેરવતાં સ્તબ્ધ બનીને આ બંનેનો સંવાદ સાંભળી રહ્યાં હતાં, ‘વૈશ્નવીની
સિમ્પથી જીતવાનો પ્રયત્ન નહીં કરતો, જરાક પણ.’
‘હું કશુંય જીતી શકું એમ છું જ નહીં. જાતને જ હારી ગયો છું.’ એણે ફરી ઉમેર્યું, ‘સર!’
‘તો હવે આ યાદ રાખજે…’ મયૂરભાઈએ કહ્યું. એમણે પોતાનો સેલફોન કાઢીને કોઈને ફોન
લગાવ્યો, ‘હેલો, મયૂર પારેખ બોલું છું. મુંબઈમાં છું. મારી દીકરીએ સ્યુસાઈડની કોશિશ કરી, એના
હસબન્ડ વિરુધ્ધ એફઆઈઆર લખો.’ માધવ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો, ‘જરૂર. આવો. હું
એડ્રેસ લખાવું.’ એમણે એડ્રેસ સમજાવ્યું. એમણે ફોન ડિસકનેક્ટ કરીને માધવને કહ્યું, ‘એસીપી મુંબઈ
પોલીસ. હમણા મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનથી કોન્સ્ટેબલ આવીને ફરિયાદ લઈ લેશે.’ એમણે ચપટી
વગાડી, ‘આઈ વિલ સી ટુ ઈટ… કે તું જેલમાં જાય.’
‘હું વિરોધ નહીં કરું.’ માધવે ફરી હાથ જોડ્યા, ‘તમે તમારી જગ્યાએ સાચા જ છો.’
‘મૂરખ!’ મયૂરભાઈને ખૂબ ગુસ્સો આવ્યો, ‘હું પહેલેથી જ સાચો હતો. તું મારી દીકરીને લાયક
જ નથી. એની મતિ ભ્રષ્ટ હતી…’ એમણે ઊંડો શ્વાસ લીધો, ‘આઈ હોપ હવે, એની અક્કલ ઠેકાણે
આવી ગઈ હોય.’
એ પછીના બે કલાકમાં મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનથી એક અધિકારી અને એક કોન્સ્ટેબલ
આવ્યા. મયૂરભાઈની ફરિયાદ લખી, માધવનું સ્ટેટમેન્ટ લીધું, નારાયણની પૂછપરછ કરી, ઘરની થોડી
તપાસ કરી જેમાં કચરાના ડબ્બામાંથી ઊંઘની ગોળીના ત્રણ સ્ટ્રીપ મળી આવ્યા. કબીરના કપડાં
નારાયણે વોશિંગ મશીનમાં નાખી દીધા હતા એટલે એ તો ન મળ્યા, પરંતુ રાત્રે કોણ આવ્યું હતું અને
વૈશ્નવીની ટ્રીટમેન્ટ કોણે કરી એ વિશેની પૂછપરછ કરતાં કબીરની વિગતો પણ આપવી પડી.
કબીર નરોલાનું નામ આવતા જ પોલીસ અધિકારીના કાન ચમક્યા, ‘કબીર નરોલાના
સ્ટેટમેન્ટની જરૂર પડશે.’ એણે નમ્રતાથી કહ્યું, ‘એ સૌથી પહેલાં પહોંચ્યા હતા એટલે. એણે
મયૂરભાઈને કહ્યું, ‘મેડમ લા હોશ આલા નંતર એમનું સ્ટેટમેન્ટ પણ લાગશે.એમનું સ્ટેટમેન્ટ તમારા
કેસને સાચી-ખોટી દિશામાં લઈ જશે હો, સાહેબ!’
‘હવે મને સાચી-ખોટી દિશાનો ભય નથી, ભાઈ.’ માધવે કહ્યું, ‘જે થાય તે…’
એ પછીના થોડા કલાકોમાં ફરિયાદ નોંધાઈ ગઈ, અરેસ્ટ વોરન્ટ નીકળ્યું અને મયૂરભાઈની
ઓળખાણ અને દબાણથી માધવ અરેસ્ટ પણ થઈ ગયો.

વૈશ્નવીએ આંખો ખોલી ત્યારે બધું જ ગૂંચવાઈ ગયું હતું. માધવ મરીન ડ્રાઈવ પોલીસ
સ્ટેશનના લોકઅપમાં હતો. મયૂરભાઈ ગુસ્સાથી બેબાકળા હતા, માધવને ‘પાઠ’ ભણાવી દેવાના
આશયથી એ પોતાની બધી ઓળખાણો કામે લગાડીને ઝઝૂમી રહ્યા હતા. સંધ્યાબેન આ બધાની
વચ્ચે સપડાયેલા, ફસાયેલા હતા…
વૈશ્નવીએ ભાનમાં આવીને પહેલો સવાલ પૂછ્યો, ‘માધવ? માધવ ક્યાં છે?’ સંધ્યાબેન પાસે
કોઈ જવાબ નહોતો. હજી હમણાં જ ભાનમાં આવેલી માને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહેલી દીકરીને
એ કઈ રીતે કહે કે એના પિતા આવ્યા હતા દીકરીને જોવા, એની મદદ કરવા… પરંતુ, એમણે
આવતાંની સાથે પરિસ્થિતિ ગૂંચવી હતી. જે પતિની એમની દીકરી ચિંતા કરી રહી હતી એને એના
પોતાના પિતાએ જ લોકઅપમાં પૂરાવી દીધો હતો…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *