વાત એક રાતની । પ્રકરણ – 6

અમદાવાદમાં આઈઆઈએમનું કેમ્પસ વસ્ત્રાપુરની પાસે ગાઢ વનરાજી અને હરિયાળા
વૃક્ષોની વચ્ચે આવેલું છે. અમદાવાદના ભાગતા, દોડતા, હાંફતા ટ્રાફિક સાથે આ નાનકડા કેમ્પસને
જાણે કોઈ નિસબત જ ન હોય એવું મહાનગરથી વિખૂટું પડી ગયું હોય, એવા કેમ્પસમાં વૈશ્નવીને
અચાનક જોઈને માધવની આંખો પહોળી થઈ ગયેલી.
“વૈશ્નવી? તું? અહીં?” માધવનો અવાજ ફાટી ગયેલો. એણે વૈશ્નવીને પૂછ્યું હતું, “તું તો
જામનગર હતી… અહીં કેવી રીતે આવી?”
માધવનું આશ્ચર્ય સ્વાભાવિક હતું. હજી ગઈકાલે સાંજે એની વૈશ્નવી સાથે વાત થઈ હતી.
એ જામનગર હતી. કોઈકના લગ્નમાં આખો પરિવાર જામનગર જઈ રહ્યો હતો એવું વૈશ્નવીએ જ
માધવને કહ્યું હતું. માધવના પિતા ગાડી ચલાવીને પરિવારને જામનગર લઈ ગયા હતા. બીજા બે
ડ્રાઈવરો પણ એમની સાથે હતા. ત્રણ ગાડીમાં સામાન અને બીજી વસ્તુઓ લઈને જામનગરનું
પારિવારિક મકાન ખોલીને બધા ત્યાં રહેવાના હતા… આ બધી વિગતો હજી ગઈ કાલે જ વૈશ્નવીએ
જ માધવને આપી હતી. આજે, અત્યારે રાતે દોઢ વાગે અચાનક વૈશ્નવીને અમદાવાદમાં જોઈને
માધવને આઘાત અને આશ્ચર્ય બંને એક સામટાં થયાં હતાં.
“તું આવી કેવી રીતે?” એણે ફરી પૂછ્યું હતું. એને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો
આવતો.
“તારા પપ્પા સાથે, ગાડીમાં.” વૈશ્નવીએ જરાય ડર્યા કે ગભરાયા વગર જવાબ આપ્યો હતો,
“સાંજે સાત વાગે નીકળી. થોડી વાર તારા પપ્પાએ ગાડી ચલાવી, થોડી વાર મેં…” એણે કહ્યું,
“નોનસ્ટોપ આવ્યા છીએ અમે.” એ પોતાના બંને હાથ લંબાવીને માધવને ભેટી પડી હતી, “આઈ
કાન્ટ લીવ વિધાઉટ યુ.” એની આંખોમાંથી પાણી વહી નીકળ્યાં હતાં.
“ચાઈલ્ડીશ છે, તું.” માધવે બંને હાથ ખસેડીને એને પોતાનાથી થોડી દૂર કરી હતી, “મૂરખ!”
એ જરા ગુસ્સે થઈ ગયો હતો, “આવી રીતે અવાય?”
“તો શું કરું?” વૈશ્નવીની આંખોમાં એક વિચિત્ર બેચેની દેખાઈ હતી, માધવને, “પપ્પા મારાં
લગ્ન કરાવવા લઈ ગયા હતા.”
“હેં?” માધવના આશ્ચર્યમાં ઉમેરો થયો, “પણ તેં તો કહ્યું હતું કે…”
“હા! કહ્યું હતું કે હું ફેમિલી વેડિંગમાં જાઉ છું.” વૈશ્નવી સહેજ ચીડાઈ ગઈ, “એમણે મને જે
કહ્યું એ મેં તને કહ્યું. એમણે કહ્યું કે આપણે એક ક્લોઝ રીલેટીવના લગ્નમાં જઈએ છીએ. ઘણા
વર્ષોથી જામનગર રહ્યા નથી એટલે બધા સાથે મળીને થોડા દિવસ ત્યાં રહીશું. મને શું ખબર કે…”
વૈશ્નવીએ દાંત ભીંસ્યા હતા, “હી ચીટેડ મી.”

“અરે પણ…” માધવને હજીયે સમજાતું નહોતું કે ખરેખર શું બન્યું હતું, “એ શું કામ તારા લગ્ન
કરાવે? એ પણ આવી રીતે? તને છેતરીને?” એ ગુંચવાતો જતો હતો.
“વેલ!” વૈશ્નવીએ અદબ વાળી હતી, “મેં તને કહ્યું નહોતું. એમણે દસેક દિવસ પહેલાં મારા
લગ્નની વાત કાઢેલી. એમના કોઈ મિત્ર છે. મુંબઈમાં ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એમનો દીકરો…”
“શું નામ?” માધવે પૂછ્યું હતું.
“મને નથી ખબર.” વૈશ્નવીએ ખભા ઊલાળીને આખીયે વાત સાથે પોતાને કોઈ નિસ્બત જ
ન હોય એમ કહ્યું હતું, “મારે શું કામ પૂછવું જોઈએ? મને એનામાં રસ જ નથી.” વૈશ્નવીએ નાના
બાળકની જેમ કહ્યું, “ગઈકાલે એ લોકો જાન લઈને જામનગર પહોંચ્યા…”
“ને તું ભાગી આવી?” માધવ ચીડાયેલો હતો. વૈશ્નવીને અહીંયા જોઈને એનું સંતુલન
ખોરવાઈ ગયું હતું. ઘરેથી શું કહીને આવી હશે, હવે અહીંયા એને ક્યાં રાખીશ, એને શોધતા હશે,
જાન ત્યાં પહોંચશે તો શું થશે… જેવા કેટલાય સવાલો એના મગજમાં ઘુમરાવાના શરૂ થઈ ચૂક્યા
હતા, “હું એમ પૂછું છું કે પપ્પાએ તને છોકરા વિશે કહ્યું ત્યારે ના પાડવી જોઈએ. એમાં અહીં ભાગી
આવવાની ક્યાં જરૂર હતી?”
“હું ગાંડી નથી.” વૈશ્નવીના ચહેરા પર હજીયે પોતે જે કર્યું છે એ વિશેનો અફસોસ દેખાતો
નહોતો, “મેં એમને ના જ પાડી હતી. મેં કહ્યું કે અત્યારે મારે લગ્ન નથી કરવાં.”
“તો?” માધવે પૂછ્યું હતું, “વાંધો ક્યાં પડ્યો?”
“અરે! તું મયૂર પારેખને નથી ઓળખતો?” વૈશ્નવીએ પૂછ્યું હતું, “એમને માટે તો આ
બિઝનેસ ડીલ હતી. એમનાથીયે પૈસાવાળા, ભારતમાં આંગળીના વેઢે ગણાય એવા શ્રીમંતોમાંના
એક… એ આવી તક જવા દેતા હશે? એમને માટે હું દીકરી નહીં, લેવડ-દેવડનું સાધન છું.” એણે કહ્યું
હતું, “મને આપીને એમને આવા શ્રીમંત માણસ સાથે સંબંધ બાંધવાની તક મળતી હોય તો મયૂર
પારેખ છોડે ખરા? ત્રણ હજાર કરોડની પાર્ટીને ત્રીસ હજાર કરોડનો સોદો છોડવો પોષાય?” એ
બોલતી રહી… એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
માધવની ધીરજ ખૂટી ગઈ હતી, “પણ ભાગી કેમ, એ તો કહે.”
“મેં એમની પ્રપોઝલ માટે ના પાડી એટલે એમણે વહાલથી પૂછ્યું, “તને કોઈ ગમે છે?”
વૈશ્નવી કહી રહી હતી.
“પછી?” માધવને લાગ્યું હતું કે એનું હૃદય બંધ પડી જશે. વૈશ્નવીએ મારું નામ ન આપ્યું
હોય તો સારું, એણે મનોમન વિચાર્યું હતું, “તેં શું કહ્યું?”
“પછી શું? કહેવું જ પડે ને? મારે ના પાડવાનું કારણ તો આપવું જ પડે.” એણે ખભા
ઉલાળ્યા, “એટલે મેં સાચું કહી દીધું.”

“અરે! તેં શું કહ્યું એમને?” માધવને લાગ્યું હતું કે એની નસો ફાટી જશે.
“મેં કહ્યું કે, મને માધવ ગમે છે.” વૈશ્નવીએ બિલકુલ માધવની છાતી પર બોમ્બ ફોડી દીધો
હતો, “બીજું શું કહું એમને?” એના ચહેરા ઉપર ડર કે અફસોસને બદલે આનંદ હતો, “વહેલું-મોડું
કહેવાનું તો હતું જ ને?” એણે કહ્યું હતું.
“અરે પણ…” માધવ કશું બોલી શક્યો નહીં, પણ એની નજર સામે પોતાનું એક બાકી
સેમેસ્ટર, એની સાથે જોડાયેલા આર્થિક સમીકરણો, મયૂર પારેખનો ચહેરો અને પોતાની સામે
ઊભેલી વૈશ્નવીના ભાગી આવ્યા પછી ત્યાં શું થયું હશે, એનાં ભયાનક પરિણામો દેખાવા લાગ્યા. એ
પગથી માથા સુધી ધ્રૂજી ગયો. માધવ ડ્રાઈવરનો દીકરો હતો. રાજકુમારીની જેમ ઉછરેલી વૈશ્નવીના
પ્રમાણમાં માધવ થોડો ડરપોક હતો. એનાં કારણ પણ સ્પષ્ટ હતાં. એ આખી જિંદગી મયૂર પારેખના
ઉપકાર નીચે દબાઈને જીવ્યો હતો. છાતી કાઢીને કોઈની સામે ઊભા રહેવું કે આંખમાં આંખ નાખીને
પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું માધવને ક્યારેય આવડ્યું નહોતું. ડ્રાઈવરના દીકરાને અભાવ
કોઠે પડી ગયો હતો. પોતાને જે મળે તેને ‘નસીબ’ માનીને સ્વીકારી લેતાં માધવ શીખી ગયો હતો.
વૈશ્નવી ઘણો પ્રયત્ન કરતી, પણ પોતે ડ્રાઈવરનો દીકરો હતો, એ વાત માધવ ક્યારેય ભૂલી
શકતો નહીં. એના પિતા રમણભાઈ અમદાવાદ આવ્યા ત્યારે લોકોના વાસણ માંજતા, ઝાડુ-પોતા
કરતા, ઘરઘાટી તરીકે કામ કરતા હતા. મયૂર પારેખને ઘેર કામ કરતા હતા ત્યારે એમણે ડ્રાઈવિંગ
સ્કૂલમાં પૈસા ભરીને એમને ડ્રાઈવિંગ શીખવ્યું, લાઈસન્સ અપાવ્યું, રહેવા માટે સર્વન્ટ ક્વાર્ટર આપ્યું,
ત્યારથી શરૂ કરીને છેલ્લા વીસ વર્ષથી માધવના પિતા મયૂર પારેખને ત્યાં જ નોકરી કરતા હતા. એ
મયૂર પારેખને પોતાના ભગવાન માનતા. માધવ પણ લગભગ એ જ માનસિકતામાં મોટો થયો હતો.
એની તેજસ્વી કારકિર્દી પણ મયૂર પારેખને જ આભારી હતી.
આ છોકરી, વૈશ્નવી, અબજોપતિ બિઝનેસ ટાઈકૂન મયૂર પારેખની એકની એક મોઢે
ચઢાવેલી લાડકી દીકરી કશું જ વિચાર્યા વગર ઘર છોડીને ભાગી આવી હતી. આ બધું ઓછું હોય
એમ, એના પોતાના પિતા, મયૂર પારેખના નોકર એને લગનના માંડવેથી ભગાડી લાવ્યા હતા. હવે,
આનાથી ખરાબ શું થઈ શકે? માધવને વિચાર આવી ગયો હતો, આ મૂરખ છોકરીએ બધા પર પાણી
ફેરવી દીધું. એણે હતાશામાં અને અકળામણમાં વૈશ્નવીને તતડાવી નાખી, “બસ? એટલી અમથી
વાતમાં તું ભાગી આવી? કોઈને કહ્યા વગર નીકળી ગઈ? તને કલ્પના છે, ત્યાં શું થયું હશે એની?”
આટલું કહીને માધવે ગુસ્સામાં વૈશ્નવીનું બાવડું પકડ્યું હતું, “ચાલ, મારી સાથે, પહેલાં ઘેર ફોન કર.”
“મારો ફોન હું મૂકીને આવી છું.” વૈશ્નવી હજી પણ શાંત, દૃઢ હતી, “ટ્રેક ન થઈ શકે એટલે.”
એણે ઉમેર્યું હતું, “મયૂર પારેખે અત્યાર સુધીમાં પોલીસ દોડાવી હશે. ચારેબાજુ શોધતા હશે મને.”
પછી સહેજ ઉંડો શ્વાસ લઈને ઉમેર્યું હતું, “ને તને પણ…” એણે બાવડું છોડાવીને માધવનો હાથ
પકડ્યો હતો, “આપણે તરત જ લગ્ન કરી લેવાં પડશે.”

“અક્કલ છે, તારામાં? શું બોલે છે એનું ભાન છે તને?” માધવે ફરી એનું બાવડું પકડીને એને
ડોમના કોરીડોરમાં ઘસડવા માંડી હતી. આસપાસ ભેગાં થઈ ગયેલા માધવના ક્લાસમેટ્સ અને એ જ
ડોમમાં રહેતા બીજા સ્ટુડન્ટન્સ આશ્ચર્યથી આ નાટક જોઈ રહ્યા હતા, “ચાલ બહાર.” માધવનું
મગજ ફાટફાટ થતું હતું.
અત્યાર સુધી દૃઢ રહીને હિંમતપૂર્વક પરિસ્થિતિ સમજાવી રહેલી વૈશ્નવીની આંખોમાં પાણી
આવી ગયાં હતાં. એ ચૂપચાપ માધવ સાથે કોરીડોરમાંથી ચાલીને બહાર, ફોયરમાં આવી હતી, “પપ્પા
ક્યાં છે?” માધવે પૂછ્યું હતું. ચારેબાજુ નજર નાખતા એણે દૂર ઊભેલી બી.એમ.ડબલ્યુ. ગાડી
ઓળખી કાઢી હતી. બાવડું છોડ્યા વગર વૈશ્નવીને એવી જ રીતે લગભગ ઢસડતો એ ગાડી સુધી લઈ
આવ્યો હતો.
માધવ અને વૈશ્નવીને આવેલાં જોઈ ગાડીની અંદર બેઠેલા માધવના પિતા દરવાજો ખોલીને
નીચે ઉતર્યા હતા, “આ શું કર્યું તમે?” માધવ પિતાને જોતાં જ તાડુક્યો હતો, “આ બાળકબુદ્ધિ છે,
બેવકૂફ છે, પણ તમે?” એણે પૂછ્યું હતું, “તમે એને અહીં લઈને આવી ગયા? જરાક તો વિચાર કરવો
હતો…”
“શું કરું બેટા?” માધવના પિતા શિયાંવિયાં થઈ ગયા હતા, “વૈશુબહેને આપઘાત કરવાની
ધમકી આપી. તું તો ઓળખે છે…. એ સાચે કંઈ કરી લે તો…” માધવના પિતાની આ નમકહરામી
પણ એની નમકહલાલીનો જ હિસ્સો હતી એ સમજ્યા પછી માધવ પણ ચૂપ થઈ ગયો. બધા થોડી
મિનિટો એમ જ ચૂપ ઊભા રહીને પોતપોતાના તાણાવાણા ગૂંથતા રહ્યા હતા, “બેટા!” અંતે માધવના
પિતાએ ચૂપકીદી તોડી હતી, “હવે પાછા જવાનો રસ્તો નથી રહ્યો. લગ્ન કરી જ લેવાં પડશે.”
“તમે બંને પાગલ થઈ ગયા છો.” માધવ ઉશ્કેરાઈ ગયો હતો, “મારું આખું સેમેસ્ટર બાકી છે.
ક્યાં રાખીશ આને?” માધવે વૈશ્નવી તરફ જોઈને પૂછ્યું હતું.
“આઈ વીલ મેનેજ માય સેલ્ફ.” વૈશ્નવીના અવાજમાં ફરી એ જ આત્મવિશ્વાસ છલકાયો
હતો, “ગ્રેજ્યુએટ છું. નોકરી શોધી લઈશ. વર્કિંગ વિમેન હોસ્ટેલમાં એડમિશન લઈ લઈશ. છ મહિના
તો આમ નીકળી જશે.”
“આ ફિલ્મ નથી, સાચી જિંદગી છે. બધું તું ધારીશ એમ નહીં થાય.” માધવ વધુ ને વધુ
ઉશ્કેરાતો જતો હતો, “તારો રોમાન્સ, તારી બેવકૂફી, તારી નાની-મોટી જીદ સુધી બરાબર હતું, પણ
આજે તેં જે કર્યું એ ભયાનક છે.” માધવે સહેજ વિચારીને કહ્યું હતું, “હું તારા પપ્પાને ફોન કરું છું.”
એણે પોતાના પિતા તરફ જોઈને કહ્યું હતું, “એને પાછી લઈ જાવ.” માધવનો અવાજ ગળગળો થઈ
ગયો હતો. મયૂર પારેખના ખરેખર બહુ ઉપકાર હતા. એ પોતાના વિશે શું વિચારશે એની કલ્પના જ
માધવને ડરાવી ગઈ, “એમને લાગશે કે મેં પૈસા માટે તને ફસાવી.”
“તેં ક્યાં ફસાવી?” વૈશ્નવીના ચહેરા પર આ પરિસ્થિતિમાં પણ સ્મિત આવી ગયું હતું, “હું
ભાગી આવી છું. મારી મરજીથી તને પરણવા…” કહીને એણે માધવના ગાલ પર ટપલી મારીને ઉમેર્યું
હતું, “હમણાં જ ફોન કરીને કહી દે મારા પપ્પાને, કે હું તો ના પાડું છું, પણ તમારી દીકરી માનતી
નથી.” વૈશ્નવી આવા ભયાનક સમયમાં પણ હસી શકતી હતી એ જોઈને માધવને વધુ ગુસ્સો
આવ્યો.

માધવે અચકાઈને પૂછ્યું હતું, “ને હું અત્યારે લગ્ન કરવાની ના પાડું તો…” માધવ સાચે જ
ગૂંચવાઈ ગયો હતો.
“તો? હું મરી નહીં જાઉં.” વૈશ્નવીનું સ્મિત ઝંખવાયું નહોતું, “એ તો રમણકાકા મને અહીં
નહોતા લાવતા એટલે ધમકી આપેલી.” પછી સહેજ અટકીને એણે કહ્યું હતું, “જીવીશ. પણ, ઘેર
પાછી નહીં જાઉં હવે… એ રસ્તો બંધ થઈ ગયો છે.” જોકે આ કહેતી વખતે કોઈ અફસોસ કે ભય
નહોતાં વૈશ્નવીના ચહેરા પર! એણે હિંમતથી કહ્યું, “પ્લીઝ! પપ્પાથી ડરવાની જરૂર નથી એમ
મારાથી પણ ડરવાની જરૂર નથી. તું લગ્નની ના પાડી શકે છે. કોઈ દબાણમાં નહીં આવતો. દયા પણ
નહીં ખાતો મારી.”
“એવું નથી, પણ…” માધવ અંજાઈ ગયો હતો. વૈશ્નવીની હિંમતથી, આત્મવિશ્વાસથી.
“હું પ્રેમ કરું છું તને. એટલો જ પ્રેમ તને પણ હોવો જોઈએ. તને પણ મારી સાથે જીવવાની
એટલી જ તીવ્ર ઝંખના હોવી જોઈએ, જેટલી મને છે.” વૈશ્નવીના ચહેરા પર કોઈ અજબ જેવું તેજ
હતું, “જો, હું તારી જવાબદારી કે બોજ બનીને નથી આવી. તારી સહચરી, જીવનસાથી બનવા
આવી છું.” વૈશ્નવીની આંખો ચમકતી હતી, “પ્રેમમાં પડ્યા ત્યારે જ ખબર હતી ને? કે તકલીફ પડશે,
મુશ્કેલી આવશે… તો હવે આવી છે.” એણે કહ્યું, “ના પાડીશ તો જરાય દુઃખ નહીં થાય, પણ હા પાડે તો
સમજણ સાથે નિર્ણય કરજે.” માધવ સાંભળતો રહ્યો. વૈશ્નવીની સ્પષ્ટતા, દૃઢતા અને પ્રેમમાં બધું જ
છોડવાની એની તૈયારી સામે માધવની અસલામતી અને સવાલો ઓગળવા લાગ્યા.
“કહેવાનું સહેલું છે.” માધવ અકળાયો, “તારા પપ્પા છોડશે નહીં, આપણને.” એનો ડર સાચો
હતો, “ખાધું, પીધું ને રાજ કર્યું… એવું પરીકથામાં થાય, અહીં તો જીવવું હરામ કરી દેશે તારો બાપ!”
“ખબર છે મને” વૈશ્નવીના ચમકતાં સફેદ બત્રીસ દાંત દેખાય એવડું સ્મિત કર્યું હતું એણે,
“ઘરેથી નીકળી ત્યારે જ ખબર હતી કે, પ્રોબ્લેમ્સનું પોટલું લઈને નીકળી છું.” એણે માધવનો હાથ પકડ્યો
હતો, “હવે તને ડર લાગતો હોય તો તું ના પાડી શકે છે. મને મંજૂર છે.” વૈશ્નવીની આંખોમાં શ્રદ્ધા
ઝગમગી, “ખરેખર કહું છું, તું કદાચ ફ્લર્ટ કરતો હોય, ટાઈમપાસ કરતો હોય અને હવે બધું સીરિયસ
થઈ ગયું.” એનું સ્મિત અકબંધ હતું, “તો સાચું કહી દે. હું ફરિયાદ નહીં કરું.” એણે કહ્યું. વૈશ્નવીના
ચહેરા પર પૂર્ણ સચ્ચાઈ હતી.
“એટલે?” માધવને સમજાયું નહીં. આ છોકરી કયા વિશ્વાસે અહીં આવી હતી, અને હવે
કેટલી આસાનીથી પોતાને મુક્ત કરી રહી હતી… એ જોઈને માધવ ડગમગી ગયો. એ સાચે જ
વૈશ્નવીને પ્રેમ કરતો હતો, પણ એણે આવી પરિસ્થિતિની કલ્પના નહોતી કરી. કદાચ
આઈ.આઈ.એમ.ની ડિગ્રી લઈને, સારી નોકરી લઈને હિંમતથી મયૂરભાઈની સામે ઊભો રહી શક્યો
હોત… કદાચ! પણ, આ સ્થિતિમાં શું કરવું એ માધવને સમજાતું નહોતું, “એટલે શું કહેવા માંગે છે,
તું?” એણે ફરી પૂછ્યું.

ઊંડો શ્વાસ લઈને સ્વસ્થ અવાજે વૈશ્નવીએ કહ્યું, “એટલે… કંઈ નહીં!” એણે માધવનો હાથ
પકડ્યો, “જો!” એણે સમજાવ્યું, “અહીંથી બે જ રસ્તા આગળ જાય છે. પહેલો સાથે જીવવાનો અને
બીજો જિંદગીભર એકબીજાને યાદ કરીને આ ક્ષણ ગૂમાવ્યાનો અફસોસ કરતાં કરતાં જીવી
નાખવાનો. શર્ત એક જ છે, નિર્ણય હમણાં જ કરવો પડશે.” કહીને વૈશ્નવીએ ઉમેર્યું હતું, “મેં મારો
નિર્ણય કરી લીધો છે હવે તારે તારા ભાગનો નિર્ણય કરવાનો છે.”
*

માધવને યાદ આવી ગયું, આજે અહીંયા આટલી ભયાનક પરિસ્થિતિમાં પણ એને એ ક્ષણ
યાદ આવી ત્યારે એના ચહેરા પર સહેજ હળવાશ પથરાઈ ગઈ. એ વૈશ્નવી સામે અહોભાવથી જોઈ
રહ્યો. કેવી છોકરી હતી, આ! એણે જિંદગીભર પોતાનું ધાર્યું કર્યું છે. એને જે યોગ્ય લાગ્યું તે જ કરતી
રહી છે. વૈશ્નવી સામે જોઈ રહેલા માધવની આંખોમાં એ સ્નેહ ફરી ઊભરાઈ આવ્યો.
આજથી પાંચ વર્ષ પહેલાં, એ દિવસે પણ વૈશ્નવી મનમાં જે નક્કી કરીને આવી હતી એ
કરીને જ જંપી હતી…

*

માધવે ફોન કરીને મયૂર પારેખને એમની દીકરી અમદાવાદ પહોંચી હોવાના સમાચાર આપ્યા
હતા. બંને લગ્ન કરવાના છે એ વાત કહેતાં માધવની જીભ નહોતી ઉપડતી. અંતે વૈશ્નવીએ જ
પોતાના પિતાને જણાવી દીધું હતું. મયૂર પારેખે ગુસ્સાથી બરાડતાં કહ્યું હતું, “ચોવીસ કલાકમાં ઘેર
પાછી આવ. હું બધું માફ કરી દઈશ.” સહેજ અટકીને ઉમેર્યું હતું, “તને.”
વૈશ્નવીએ દૃઢતાથી કહ્યું હતું, “હું પાછી આવું પણ, મને વચન આપો કે તમે મને માધવ સાથે
પરણાવશો.”
“તારામાં અક્કલ નથી, પણ મારામાં તો છે. ડ્રાઈવરના છોકરા સાથે ક્યારેય નહીં પરણવા દઉં
તને.” મયૂરભાઈનો અવાજ ફાટી ગયો હતો, “બે પૈસાનો છોકરો… મારા ટૂકડા પર મોટો થયો, એને
જમાઈ બનાવું? એના પગ ધોઉં?”
“માણસે ક્યાં જનમવું એ માણસ નક્કી નથી કરતો, તમે જ કહ્યું હતું.” વૈશ્નવીએ દલીલ કરી
હતી.

“આવા બધા ફિલોસોફિકલ વાક્યો તો બીજાને કહેવા માટે હોય. કહ્યું હશે ક્યારેક, પણ તેં બહુ
સિરિયસલી લઈ લીધું.” મયૂરભાઈને અત્યાર એટલો ગુસ્સો આવતો હતો કે દીકરી સામે હોત તો
કદાચ ખૂન કરી નાખત. મયૂરભાઈએ રાડ પાડી, “પાછી આવ… બાકી જીવનભર માટે આ ઘરના દરવાજા
બંધ થઈ જશે.”
“આવીશ તો માધવ મારી સાથે આવશે.” વૈશ્નવીના અવાજમાં એના પિતાના ડીએનએમાંથી
મળેલી જીદ હતી.
“તો નહીં આવતી.” મયૂરભાઈએ કહી નાખ્યું, “ક્યારેય નહીં આવતી… આ ઘરમાં તને
ડ્રાઈવરના દીકરા સાથે નહીં ઘૂસવા દઉ.”
“એ ડ્રાઈવરનો દીકરો હવે મારો પતિ છે.” વૈશ્નવીએ પણ એટલા જ દ્રઢ અવાજે જવાબ
આપ્ચો હતો, “હવે જે એને નહીં સ્વીકારે એણે મને પણ ભૂલી જ જવી પડે.”
સામેના છેડેથી ફોન ડિસકનેક્ટ થઈ ગયો હતો, ને પિતા-પુત્રીનો સંબંધ પણ.

*

એના ભાગી ગયા પછી ત્યાં જે બન્યું હતું એ વિશે તો હજી વૈશ્નવીને કંઈ ખબર જ નહોતી.
(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *