વાત એક રાતની । પ્રકરણ – 8

કબીરનો ફોન ડિસકનેક્ટ થઈ ગયો. માધવ અને વૈશ્નવી કોઈ ચિત્રમાં દોર્યા હોય એવા
નિઃશબ્દ, સ્તબ્ધ ઊભાં હતાં, “હું જઈને આવું.” માધવે કહ્યું, “મેં નહોતું કહ્યું…”
“તેં નહીં મેં કહ્યું હતું.” વૈશ્નવીએ જરાક કડવાશથી કહ્યું, “કબીરને ફોન કરવાનું મેં કહ્યું તને.”
માધવ કંઈ કહેવા ગયો, પણ એણે હાથ ઊંચો કરીને એને અટકાવ્યો, “આ રમતમાં એકલો કબીર
નથી.” વૈશ્નવીની આંખોમાં મયૂર પારેખની દીકરીની ચતુરાઈ ઊભરાઈ, “જે દેખાય છે એનાથી ઘણું
ઊંડું છે આ.”
“કશું નથી.” માધવે કહ્યું, “થઈ હશે મારી કોઈ ભૂલ. એ પાઠ ભણાવવા માગતો હશે…” માધવ
ફિક્કું હસ્યો. કદાચ, એને જ પોતાના શબ્દો પર વિશ્વાસ નહોતો તેમ છતાં એણે કહ્યું, “કબીર એવો
જ છે. ધૂની, વિચિત્ર, અક્કડ, ઈગોઈસ્ટિક અને ન સમજાય એવો… એના મનમાં કંઈ…” કહેતાં કહેતાં
એ બેડરૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે વૈશ્નવીએ એનો હાથ પકડ્યો, “તું સમજતો નથી. ત્યાં જોખમ
છે. એ તને એકલો કેમ બોલાવે છે?” વૈશ્નવીને ખતરો સમજાતો હતો, “કદાચ, મયૂર પારેખ બેઠા હશે
ત્યાં.”
માધવ કંઈ પણ સાંભળવા તૈયાર ન હતો, “મયૂર પારેખ મને નીચો દેખાડવા માગે છે ને? હું
પડીશ નીચો! પગે લગાડશે? માફી મગાવશે? બોન્ડ સાઈન કરાવશે? બે લાફા મારશે?…” દરેક
સવાલ વખતે એનો અવાજ સહેજ વધુ ઊંચો થતો જતો હતો, “હું બધું કરીશ.” કહીને એણે
વૈશ્નવીને બંને ખભેથી પકડીને હચમચાવી નાખી, “કોઈ ચોઈસ છે આપણી પાસે? છે કોઈ બીજો
રસ્તો?” એણે વૈશ્નવીને જે રીતે છોડી, એ ફોર્સનો ધક્કો એટલો જબરદસ્ત હતો કે વૈશ્નવી જમીન
પર પડી ગઈ. જોકે, માધવને એનો ખ્યાલ પણ નહોતો. કોઈ વિક્ષિપ્ત વ્યક્તિની જેમ બેડરૂમ તરફ
જતાં જતાં માધવ બબડતો હતો, “હું સ્ટુપિડ છું. ડરપોક છું… બસ? અત્યારે એક જ વાત મહત્વની
છે, આ છેલ્લો માણસ છે જે પાંચ કરોડ રૂપિયા આપવા તૈયાર થયો છે, ને મારે કોઈપણ ભોગે એ
રૂપિયા જોઈએ છે… મારે પાંચ કરોડ જોઈએ છે… પૈસા તો જોઈશે, જે કરાવે એ કરીશ…”
વૈશ્નવી કશું જ બોલ્યા વિના જમીન પરથી ઊભી થઈ. એના વિખરાઈ ગયેલા વાળ એણે
સમેટીને પાછા બાંધી દીધા. માધવની પાછળ બેડરૂમ તરફ જવાને બદલે એ રસોડા તરફ ચાલી ગઈ.
માધવ પહેરેલા કપડે બાથરૂમમાં ઘૂસી ગયો. શાવર ચાલુ કરીને થોડીવાર તો એમ જ ઊભો
રહ્યો પછી ધીમે ધીમે વસ્ત્રો ઉતાર્યાં. ન્હાતી વખતે માધવના મગજમાં કબીર સાથે ફોન પર થયેલી
બધી જ વાતો જાણે રીવાઈન્ડ થઈને ફરી સંભળાતી રહી. એ બધી વાતો સાંભળીને, બધી વાતો યાદ
કરીને એને જાણે સમજાવા લાગ્યું, વૈશ્નવીની વાત ખોટી નહોતી! કબીરની આ ચાલ પાછળ મયૂર
પારેખ સિવાય, બીજું કોઈ ન હોઈ શકે એ વાત એના મનમાં ધીરે ધીરે ગોઠવાઈ.

બીજી તરફ વૈશ્નવીએ બને એટલા સહજ થઈને રસોડામાં જઈ જમવાની તૈયારી કરવા માંડી.
માધવ બેડરૂમમાંથી બહાર આવ્યો ત્યારે એણે સ્કાય બ્લ્યૂ પોલોનું ટી કોલરવાળું શર્ટ અને ડાર્ક બ્લ્યૂ
જીન્સ પહેર્યાં હતા. એણે શૂ રેકમાં પડેલા શૂઝ પહેરવા માંડ્યા. વૈશ્નવીએ એને શૂઝ પહેરતો જોયો.
પણ એ કશું જ બોલી નહીં.
સામાન્ય રીતે માધવ ન્હાઈને, સૌથી પહેલાં તમિલ લોકો પહેરે એવી સોનેરી કોરવાળી સફેદ
લૂંગી પહેરતો. ઘરમાં જ બનેલા મંદિરમાં દીવો, પૂજા કરીને લગભગ અડધો કલાકે બહાર નીકળતો.
સવારે પાંચ વાગ્યાની ફ્લાઈટ હોય કે રવિવાર-રજાનો દિવસ હોય, એ ગમે તેટલા વાગે ન્હાય પણ આ
પૂજાના રુટીનમાં કોઈ ફેર પડતો નહીં. એ લોકો નાનકડા ઘરમાં રહેતા હતા ત્યારે પણ પૂજાના અલગ
કપડાં અને મંદિરનું રુટીન તો કદી નહોતું બદલાયું, પણ આજે ન્હાયા પછી મંદિરમાં હાથ જોડવા
જેટલીયે સુધ એનામાં બચી નહોતી. વૈશ્નવીને એકવાર વિચાર આવ્યો કે એ માધવને જતો રોકે, પૂજા
કરવાનું યાદ કરાવે પણ, એણે બૂટ પહેરી લીધા હતા. ગઈકાલ રાતથી જે ખરાબ પ્રસંગોની હારમાળા
શરૂ થઈ હતી એ પછી શુકન-અપશુકનમાં ન માનતી વૈશ્નવીને પણ, આજે એને ટોકીને કારણ વગર
કલેશ ઊભો કરવાનું મન ન થયું.
આજે બીજું એક રુટિન પણ તૂટી ગયું! ઓફિસ જતી વખતે પત્નીને વહાલ કર્યા વગર માધવ
ક્યારેય બહાર ન નીકળતો. અહીં પણ મંદિર જેવું જ રુટીન હતું. વહેલી સવારની ફ્લાઈટ હોય તો
પણ વૈશ્નવીએ દરવાજા સુધી મૂકવા જવું જ, એવો માધવનો આગ્રહ રહેતો. આજે એ વૈશ્નવીની
સામે જોયા વગર ઘરનો વજનદાર દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. રસોડાના દરવાજાની
બારસાખમાં ઊભેલી વૈશ્નવી એને જતો જોઈ રહી. એણે મનોમન પ્રાર્થના કરી, “સહુનું ભલું કરજે,
સહુને સદ્‌બુદ્ધિ આપજે.”
સમજણી થઈ ત્યારથી વૈશ્નવી આ એક જ પ્રાર્થના કરતી. એને ઈશ્વરના કોઈ સ્વરૂપ વિશે
શ્રદ્ધા નહોતી. પ્રખર બુદ્ધિશાળી પિતા-પુત્રી વચ્ચે ક્યારેક દલીલ થાય ત્યારે વૈશ્નવી કહેતી, “બતાવો
મને, ઈશ્વર ક્યાં નથી? પત્તામાં, ફૂલમાં, આકાશમાં, જમીનમાં, તડકામાં, છાંયડામાં, મારામાં,
તમારામાં, જડમાં, ચેતનમાં… મને તો બધે દેખાય છે.” મયૂરભાઈ કે એમના પત્ની સંધ્યાબેન દલીલ
કરવા જાય ત્યારે વૈશ્નવી કહેતી, “કોઈ એક સ્વરૂપમાં ઈશ્વર જોવો એનાથી મોટી અંધશ્રદ્ધા બીજી
કોઈ નથી. જો તમે શ્રદ્ધાળુ હોય તો તમને બધે જ ઈશ્વર દેખાવો જોઈએ. જે ઈશ્વર મારા માતા-
પિતાના ચરણમાં છે એ જ ઈશ્વર દુશ્મનની આંખમાં પણ હોવો જોઈએ. એ તો સર્વ વ્યાપ્ત છે.
આપણે એને બાંધ્યો છે, આકારમાં, વિચારમાં, વ્યવહારમાં…”
“સારું ભ’ઈ સારું!” મયૂરભાઈ હાથ જોડી દેતા, પણ બીજી તરફ એમને દીકરીની આ
તેજસ્વી દલીલો ઉપર ગર્વ થતો.
આવી જ દલીલો માધવ સાથે પણ થતી. ભગવાનની મૂર્તિને દૂધથી, પાણીથી નવડાવી, રોજ
નવા વાઘા પહેરાવતો, ધૂપ કરતો, ફૂલ ચઢાવતો, પ્રસાદ ધરતો માધવ બુધ્ધિશાળી અને તર્કબધ્ધ
દલીલો કરતી વૈશ્નવીને બહુ સમજાતો નહીં. માધવ બહારગામ હોય કે વિદેશ હોય યારે વૈશ્નવીને
વિનંતી કરતો, “પૂજા કરી લેજે…”

“દીવો કરીશ.” વૈશ્નવી કહેતી, “હું દીપ પ્રાગટ્યમાં માનું છું. અગ્નિ ઉર્ધ્વ તરફ જાય છે-
ઉપરની તરફ, પ્રકાશ આપે છે. સારું-ખોટું, લીલું-સૂકું જોયા વગર બધું જ સ્વીકારે છે. હું અગ્નિ
પ્રગટાવીને મારી અને તારી શુદ્ધિની પ્રાર્થના કરીશ…”
“ભલે મારી મા!” માધવ હસીને વાત ટાળી દેતો.
“હું તારી શ્રધ્ધા સામે સવાલ નહીં કરું અને તું મારા તર્કને ખોટા સાબિત કરવાનો પ્રયાસ નહીં
કરતો… આવી વાતમાં ઝઘડીશું નહીં આપણે.” વૈશ્નવી આવી બધી ચર્ચાઓને અંતે કહી દેતી. એ
જાણતી હતી કે, માધવનો ઉછેર ઓછું ભણેલા પિતા અને લગભગ અભણ મા પાસે થયો હતો. બે
બહેનોને પરણાવવા માટે પિતાએ જે દેવું કર્યું હતું એની સામે વિરોધ હોવા છતાં માધવ કશું કરી શક્યો
નહોતો. એને પિતાની પાછળ પાછળ સમાજના કુરિવાજો, માના આગ્રહો-દુરાગ્રહોને વશ થવું પડતું.
એ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે વૈશ્નવીની વાત માનતો પણ એનો ઉછેર એને વૈશ્નવીની વાત પોતાના
માતા-પિતાના સંસ્કાર સામે સવાલ પૂછતાં રોકી દેતા.
પતિ-પત્ની વચ્ચે ઘણા મુદ્દા હતા જેને વિશે ચર્ચા નહીં કરવાનું એમણે બંને જણાએ
સમજદારીથી નક્કી કર્યું હતું. માધવની મમ્મી સમય-સમયાંતરે ફોન કરીને માધવને પુત્રવધૂ વૈશ્નવી
વિરુદ્ધ કંઈ ને કંઈ કહેતી. જોકે, માધવ બહુ ગંભીરતાથી લેતો નહીં, તેમ છતાં માની વાત સાંભળીને
ક્યારેક એ વૈશ્નવીને ટોકતો કે ચોપડાવી બેસતો! માધવની મમ્મીના મનમાં એમ હતું કે ‘શેઠની દીકરી’
ભારે કરિયાવર લઈને આવશે. દીકરીઓના લગ્નમાં કરેલાં દેવાં પુત્રવધૂના કરિયાવરથી ચૂકવવાના
સપનાં જોતી માધવની મમ્મી, સવિતાબેન એકના એક દીકરાના લગ્ન જે રીતે થયા એનાથી ખૂબ
નિરાશ થયા હતા. માધવના પપ્પા રમણભાઈ લાલચુ નહોતા, એમને વૈશ્નવી પોતાની દીકરીઓ
જેટલી જ વહાલી હતી. એમણે નજર સામે ઉછરતી જોઈ હતી એને, પરંતુ આખરે તો એ ‘શેઠની
દીકરી’ હતી. આખી જિંદગી જેને ‘વૈશુબેન’ કહીને સંબોધી એને અચાનક વૈશ્નવી કહેવાનું એમને
અનુકૂળ ન જ પડ્યું…
એ પુત્રવધૂને ‘વૈશુબેન’ કહીને સંબોધતા. એ વૈશ્નવીને ખૂબ સ્નેહ કરતા, પણ એ સ્નેહને
અભિવ્યક્ત કરતાં એમને એમનો ક્લાસ ડિફરન્સ રોકી લેતો. રમણભાઈ પોતાની પત્નીને વારંવાર
સમજાવતા, “આજે નહીં તો કાલે બધું છોકરાંઓનું જ છે ને? શેઠને ક્યાં બીજું સંતાન છે? જરા
ધીરજ રાખ. એકાદ બાળક થશે એટલે ઘીના ઠામમાં ઘી પડી જશે.”
“તે? તમારા શેઠનો કોઈ ભરોસો છે?” સવિતાબેનને પતિના શેઠ મયૂરભાઈ વિશે કોઈ વિચિત્ર
અણગમો હતો, “બધુંય દાનમાં આપી દે એવા મગજના ફરેલા છે…”
“કોઈ એમ ન કરે.” રમણભાઈ સમજાવતા.

“કોઈની ખબર નથી, પણ આ મયૂરીયો ઓછો નથી.” સવિતાબેન આવાં કોઈ વાક્યની સાથે
એકાદી ગાળ ચીપકાવતાં પણ અચકાતાં નહીં.
“બોલવામાં ભાન રાખ, એમનું નમક ખાધું છે.” રમણભાઈ કહેતા.
“તે સેવા ય કરી છે ને? કોઈ મફત-દયાદાન નથી કર્યાં એમણે!” સવિતાબેનને કોઈ આભારવશ
હોવાની લાગણી નહોતી, બલ્કે એમને લાગતું હતું કે ‘આ…ટ…લું બધું ભણેલા’ છોકરાને કેટલોય
કરિયાવર મળ્યો હોત! “હવે શું થવાનું છે?” કહીને આ બધા માટે વૈશ્નવીને જવાબદાર ઠેરવતા
સવિતાબેન જાણતા હતા કે મયૂરભાઈએ વૈશ્નવીને પોતાના જીવનમાંથી જ ફેંકી દીધી હતી, “આપણે
તો દીકરો ય ખોયો અને વહુમાં પણ ભલીવાર નથી.” એ કહેતાં…
બાધા-આખડી, કારણ વગરની પૂજા, કથા કરાવતા રહેતા સવિતાબેન ખૂબ જૂનવાણી અને
અંધશ્રધ્ધાળુ હતાં. એ દ્રઢપણે માનતા હતા કે, માધવના લગ્નને કારણે જ એના ગ્રહો ખાડે પડ્યા છે.
તક મળે આ વાત વૈશ્નવીને સંભળાવવાનું એ ચૂકતાં નહીં, પરંતુ માધવ એમને રોકી શકતો નહીં.
સવારની પૂજાનું રુટિન એ માધવને એની મમ્મી પાસેથી મળેલો વારસો હતો. ક્યારેક નવાઈ લાગે
એવી વાતમાં માધવ શુકન-અપશુકન અને મુહૂર્ત જેવી બાબતો વચ્ચે લઈ આવતો. માધવ
એન્જિનિયર હતો. આઈઆઈએમનો પોસ્ટ ગ્રેજ્યુએટ હતો તેમ છતાં એના ઉછેર સાથે જોડાયેલી
રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા અને ઈગો એની પ્રકૃતિનો હિસ્સો બની ચૂક્યાં હતાં. શરૂઆતમાં વૈશ્નવી ખૂબ
વિરોધ કરતી, પરંતુ ધીમે ધીમે એ સમજી ગઈ હતી કે, આ બાબતમાં કશું બદલી શકાય એમ નથી!

આ બધાની વચ્ચે વૈશ્નવી ક્યારેય પોતાની ફરજ ચૂકતી નહીં. સવિતાબેન ગમે તેટલું બોલે
એણે આજ સુધી ક્યારેય જવાબ આપ્યો નહોતો… વૈશ્નવી માનતી કે એણે માધવ સાથે લગ્ન કર્યાં
છે, એના માતા-પિતા માધવથી અલગ નથી. પોતાના માતા-પિતાએ જેમ તિરસ્કારી દીધા એમ
માધવના માતા-પિતાએ જો ન સ્વીકાર્યા હોત તો ક્યાં જાત! વૈશ્નવીના આ ગુણોને લીધે જ કદાચ
બંને વચ્ચે સંઘર્ષના સમયમાં પણ અતૂટ સ્નેહ જળવાઈ રહ્યો હતો. શરૂઆતમાં જ્યારે માધવને એપલ
જેવી કંપનીમાં મળેલી નોકરી હાથમાંથી ગઈ, મયૂરભાઈ બીજે ક્યાંય ટકવા દેતા નહોતા ત્યારે પણ
બંને વચ્ચે સ્નેહ અકબંધ રહ્યો હતો. કોઈ દિવસ ઊંચા અવાજે બોલવાનું પણ નહોતું થયું. માધવ
હારી જાય, થાકી જાય કે અકળાઈ જાય તો વૈશ્નવી એને સંભાળી લેતી. બંને વચ્ચેના આ મજબૂત
દાંપત્યમાં આજે પહેલી વાર માધવ પત્ની સાથે વાત કર્યા વગર, વહાલ કર્યા વગર બહાર નીકળ્યો
હતો.

“સહુનું ભલું કરજે, સહુને સદબુદ્ધિ આપજે.” વૈશ્નવીએ ફરી આંખો મીંચીને બંધ થયેલા
દરવાજા તરફ જોઈને પ્રાર્થના કરી, “મેં મારા માતા-પિતાને દુઃખ આપ્યું છે, પણ એમાં માત્ર હું
જવાબદાર નથી.” એનાથી કહેવાઈ ગયું, “એ પણ સમજી જ શક્યા હોત…” વૈશ્નવીની આંખો
ભરાઈ આવી, “જીવનસાથી પસંદ કરવાનો અધિકાર પ્રાણીઓને પણ મળે છે. અમે માણસો જ જાતિ,
જ્ઞાતિ, બેન્ક બેલેન્સ પહેલાં જોઈએ છીએ, સમજણ કે સ્નેહ પછી જોઈએ છીએ.” એની આંખમાંથી
આંસુનું એક ટીપું જમીન પર પડ્યું. એ તરત જ રસોડામાં પાછી ગઈ. બેચેન અને અકળાયેલા માધવ
માટે આજે એને ભાવતી વાનગીઓ બનાવીને એનો મૂડ ઠીક કરવાનું એણે નક્કી કરી લીધું.

બેચેન અને વિહવળ માધવ ઉતાવળે બહાર નીકળીને લિફ્ટમાં સીધો બેસમેન્ટમાં પહોંચ્યો.
બેસમેન્ટ પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી. કોઈ અન્ય મનસ્ક જેવો ગાડી ચલાવતો એ કફ પરેડ પર
આવેલી કબીર નરોલાની ઓફિસના બિલ્ડિંગ સામે જઈને ઊભો રહ્યો. છેક બિલ્ડિંગની સામે પહોંચ્યો
ત્યારે એને સમજાયું કે રોજની આદત પ્રમાણે ગાડી ચલાવીને એ અહીં સુધી પહોંચી ગયો, પણ આ
બધા દરમિયાન જાણે એ બેહોશની જેમ ડ્રાઈવ કરી રહ્યો હતો! એની ગાડીનો નંબર પાર્કિંગમાં લખેલો
હતો. માધવે ગાડી પાર્ક કરી.
લિફ્ટમાં પ્રવેશતાં પહેલાં એને લાગ્યું કે જાણે એનું હૃદય ત્રણ ગણી ઝડપથી ધબકી રહ્યું હતું,
કપાળ પર પરસેવો ઊપસી આવ્યો જેના રેલાં કાનની પાછળ સુધી ઉતરી ગયાં. એ.સી. લિફ્ટમાં પણ
માધવને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય એવી અનુભૂતિ થઈ. લિફ્ટ અગિયારમા માળે ઊભી રહી.
અગિયારમો આખો ફ્લોર કબીર નરોલાનો પ્રાઈવેટ ફ્લોર હતો. એની પોતાની ચેમ્બર, એક
કોન્ફરન્સ, મોટી અગાસી અને એક નાનો એન્ટીરૂમ જે કબીરના બેડરૂમ કમ રિલેક્શેશન રૂમ, ને
ક્યારેક પાર્ટી રૂમ તરીકે વપરાતો હતો.
અગિયારમા માળે દાખલ થતાં જ સામેની મોટી દીવાલ ઉપર બોધિ વૃક્ષ નીચે ધ્યાનસ્થ
બુદ્ધનું પેઈન્ટીંગ હતું. રાજા રવિ વર્માની અસર નીચે ભારતના જાણીતા ચિત્રકારે બનાવેલું આ
પેઈન્ટીંગ આજે કરોડો રૂપિયાનું હતું. બોધિ વૃક્ષના દરેક પાંદડાં ઉપર એક જ્ઞાનનો, સમજણનો,
ડહાપણનો શબ્દ લખેલો હતો. વિઝડમ, કામ, કંપોઝ્‌ડ, સ્ટેબલ, ફરગીવિંગ, શૅરીંગ, કૅરીંગ, ઓનેસ્ટી,
ટ્રુથ… જેવા શબ્દોથી વૃક્ષનું દરેક પાંદડું કંઈક કહી રહ્યું હતું. માધવે કોઈ દિવસ આ વૃક્ષ નોટિસ નહોતું
કર્યું. આજે પહેલી વાર એ આ ચિત્ર સામે ઊભો રહી ગયો. એક ક્ષણ માટે એ ચિત્ર સામે જોતો રહ્યો.
એને એ દરેક પાંદડું પોતાને કંઈ કહેતું હોય એવું લાગ્યું. આંખો મીંચીને પોતાની જાતને બને એટલી
સંયમમાં લઈને શાંત થવાનો પૂરો પ્રયત્ન કરી એણે કબીરની ચેમ્બરનો દરવાજો ખોલવાનો પ્રયત્ન
કર્યો. દરવાજો લોક હતો !
એણે ટેરેસ તરફ જોયું. ટેરેસમાં કબીર ઊંધો ફરીને ઊભો હતો. એ આકાશ તરફ જોઈ રહ્યો
હતો. માધવ ફરી એક ક્ષણ માટે ખચકાયો, પછી ટેરેસ તરફ આગળ વધી ગયો. કાચના મોટા ફ્લોર
શીફ્ટેડ ક્લોઝર વાળા દરવાજાને ધકેલીને એ ટેરેસમાં દાખલ થયો. આઠેક હજાર ફૂટની આ ટેરેસ બહુ
જ ખૂબસુરત રીતે સજાવવામાં આવી હતી. કાચના દરવાજાથી નીકળતી એક પગથી સીધી-સામે,
અગાશીના બરાબર મધ્યમાં આવેલી ગઝીબો સુધી પહોંચતી હતી. આરસની ગઝીબો, ગ્રીનહાઉસની
જેમ કાચથી બંધ કરી દેવામાં આવી હતી. ઉનાળામાં પણ અંદર એ.સી.ની ઠંડક સાથે બેસી શકાય
એવા સનરૂમમાં સુંદર બેઠક વ્યવસ્થા અને એક બાર હતો.

ગઝીબો-સનરૂમને પેલે પાર, પાળી ઉપર હાથ ટેકવીને કબીર ઊભો હતો. એની પીઠ ટેરેસના
દરવાજા તરફ હતી. નીચેથી એને કહેવામાં આવ્યું જ હશે, તેમ છતાં એણે માધવના આવવાની કોઈ
નોંધ લીધી નહીં. એ એમ જ ઊંધો ફરીને ઊભો રહ્યો. વેસ્ટફેસિંગ અગાશીમાં હજી તડકો આવ્યો
નહોતો.
માધવ છેક અગાશીની પાળી સુધી પહોંચ્યો ત્યાં સુધી કબીર એમ જ, ઊંધો ફરીને ઊભો
હતો. માધવ ધીમા પગલે ચાલીને કબીરની પાછળ પહોંચ્યો ત્યારે એણે મૂરઝાયેલા અવાજે એનું નામ
લીધું, “કબીર…”
“આવ!” કબીર હજી યે ઊંધો જ ઊભો હતો.
બંને જણા ખાસ્સી ક્ષણો એમ જ ચૂપચાપ ઊભા રહ્યા. બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. અંતે
માધવથી રહેવાયું નહીં, “વ્હાય, કબીર?” એનાથી પૂછાઈ ગયું.
આટલું સાંભળતાં જ કબીર સ્મિતભર્યા ચહેરે માધવ તરફ ફર્યો, “નથિંગ પર્સનલ” એણે બંને
ખભા ઉલાળીને કહ્યું, “તું ફસાઈ ગયો, બસ.”

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *