“તું ફસાઈ ગયો, બસ!” કહેતી વખતે પણ કબીરના ચહેરા પર કોઈ કડવાશ નહોતી… એણે
સાવ સ્વાભાવિક રીતે કહ્યું હતું. સહજ મોહક સ્મિત સાથે.
છ ફૂટ બે ઈંચ જેટલી ઊંચાઈ, કસરતી પહોળા ખભા પણ કોઈ હન્ક જેવું, અકુદરતી રીતે
બનાવેલું સિક્સ પૅક બોડી નહોતું એનું. એનું શરીર સરસ શૅપમાં હતું. એને પહેરેલા કપડાં શોભતાં,
કંઈ પણ પહેરે એ સારો જ લાગતો એવું માધવ એને હંમેશા કહેતો. આજે પણ, લીનનનું પીચ કલરનું
શર્ટ ટક ઈન કર્યા વગર પહેર્યું હતું. પાતળા લીનનમાંથી એની છાતીના વાળ અને શરીરનો સુદૃઢ
આકાર સ્પષ્ટ થતો હતો. એની પાતળી કમર, ફ્લેટ હિપ્સ અને લાંબા પગ કોઈ મોડેલ જેવા હતા.
માધવ એના ચહેરા સામે જોઈ રહ્યો. એ એના ભાવ સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સ્વચ્છ બેદાગ
ચહેરો, કાળા લીસા વાળ અહીં ફરફરતી હવામાં ઊડીને અવ્યવસ્થિત થઈ ગયા હતા. કબીરની
આંખોમાં કોઈ અજબ જેવું આકર્ષણ હતું. એના આકર્ષણમાં એકવાર સંડોવાય એ લોકો એનાથી છૂટી
શકતા નહીં.
આટલી બધી અબજોની સંપત્તિનો એકલો વારસ, આટલો દેખાવડો અને ભારતના મોસ્ટ
એલિજેબલ બેચલર્સમાં જેનું નામ લેવાતું હતું એવા આ કબીર નરોલાની પાછળ ખેંચાઈને અનેક
છોકરીઓ ફર્યા કરતી. કબીર નરોલાને કદાચ, સ્ત્રી માત્રમાં રસ નહોતો! જોકે, એના કોઈ બીજા
ઈન્ટ્રેસ્ટ હોય એવી અફવા પણ કોઈએ ક્યાંય સાંભળી નહોતી.
“યોર સ્માઈલ ઈઝ પોઈઝનસ” એક અભિનેત્રીએ એને એક પાર્ટીમાં કહેલું.
“યસ! ઈટ કિલ્સ” કબીરે હસીને જવાબ આપેલો, “આઈ એમ એ સિરિયસ કિલર.”
કબીરની સેન્સ ઓફ હ્યુમર, કુશાગ્ર બુધ્ધિ અને અદભૂત દેખાવની સાથે લખલૂંટ પૈસા… એ
ગજબનું લિથલ કોમ્બિનેશન હતો. એને અચાનક મળ્યા પછી માધવ એનો ફેન થઈ ગયો હતો.
વાતેવાતે એ કબીરના વખાણ કરતો, નાની નાની વાતો ઘરે આવીને વૈશ્નવી સાથે શેર કરતો. વૈશ્નવી
પણ માધવ પાસેથી સાંભળી સાંભળીને કબીરને ઓળખતી થઈ હતી. એ ઘણીવાર કહેતી, “એકવાર
મળવા તો લઈ જા… ઘરે બોલાવ એને.”
માધવે કહ્યું હતું, વિનંતી-આગ્રહ કર્યો હતો, પણ કબીર સભાનપણે વૈશ્નવીને મળવાનું
ટાળતો. કેમ, એ માધવને સમજાતું નહીં, પણ કબીર સ્પષ્ટ ‘ના’ પાડે પછી એને કારણ પૂછવાની
માધવની હિંમત થતી નહીં, “યાર! વી આર ગુડ… એકવાર સ્ત્રી વચ્ચે આવે ને, પછી દોસ્તી ગૂંચવાઈ
જાય.” કબીર કહેતો. એના ચહેરા પર સહજ મોહક સ્મિત સાથે.
*
એના ચહેરા પર અત્યારે પણ રોજ જેવું સહજ-મોહક સ્મિત હતું. જાણે કશું બન્યું જ ન હોય
એમ એની આંખો સાફ અને નિખાલસ હતી. માધવે ધાર્યું હતું કે કબીર જરા જુદી રીતે વર્તશે, પણ એ
તો આગળ વધીને રોજની જેમ જ માધવને ભેટ્યો. માધવ લાકડાના ટૂકડાની જેમ જડ-સ્થિર ઊભો
રહ્યો. એ પોતાના હાથ ફેલાવીને કબીરને ભેટી શક્યો નહીં, “કમ ઓન!” કબીર હસી પડ્યો, એણે
માધવની પીઠ પર ધબ્બો માર્યો, “પાંચ કરોડ રૂપિયા ગયા છે, કેન્સર ડીટેક્ટ નથી થયું.”
“કેન્સર થાત તો સારું થાત, કમસે કમ દોસ્ત દગો ન કરી શકે એ ભ્રમ તો સચવાઈ રહ્યો
હોત!” માધવે કડવાશથી કહ્યું, “કેમ કર્યું તેં આવું?” એ બળ કરીને કબીરથી છૂટો પડ્યો, બે ડગલાં
પાછળ થઈને એણે કબીરની આંખમાં જોયું. એની આંખો એટલી જ સ્વચ્છ-નિખાલસ લાગી
માધવને. એ ગૂંચવાઈ ગયો! કબીરના ચહેરા પર અપરાધ કે તિરસ્કાર જેવો કોઈ ભાવ શોધવાનો એણે
પ્રયત્ન કર્યો, પણ કબીર નરોલા કોઈ તદ્દન નિર્દોષ, સરળ વ્યક્તિની જેમ એનું મોહક સ્મિત લઈને
ઊભો હતો! માધવ એની આ સરળતા અને સ્નેહભર્યા વર્તાવથી વધુ ગૂંચવાઈ ગયો. કબીરે કેમ
ફસાવ્યો પોતાને? આ બધું શું હતું? કેમ થયું? પોતે શા માટે એનો શિકાર બન્યો હતો… આવા
સવાલો માધવને વધુ મૂંઝવવા લાગ્યા. એ કબીરના જવાબની રાહ જોતો ઊભો રહ્યો.
*
આજે પહેલી વાર માધવ પૂજા કર્યા વગર વૈશ્નવીને વહાલ કર્યા વગર ઘરની બહાર નીકળી ગયો હતો.
બંને બાબત વૈશ્નવીએ નોંધી છતાં અત્યારે માધવની માનસિક સ્થિતિ જોતાં એને ટોકવાનું કે રોકવાનું
વૈશ્નવીને યોગ્ય ન લાગ્યું. એના ગયા પછી વૈશ્નવી રસોડામાં ગઈ. એ પાછો આવે ત્યારે એનો મૂડ
બદલવાના ઈરાદાથી માધવને ભાવતી વાનગી બનાવવાની નારાયણને સૂચના આપીને પોતે ન્હાવા
ગઈ.
શાવર ઓન કરતાં જ જાણે યાદોનો વરસાદ તૂટી પડ્યો.
લગ્નના પાંચ વર્ષ, કોઈ રંગીન સ્વપ્નની જેમ તો નહોતા જ વીત્યા. સિલ્ક-સાટીન, ચોકલેટ,
ગુલાબો કે ફુગ્ગા નહોતા એમના લગ્નજીવનમાં. છેલ્લા ચાર વેલેન્ટાઈન ડેમાંથી આ વર્ષે પહેલો
વેલેન્ટાઈન ડે હતો જ્યારે માધવ સારા મૂડમાં હતો અને બંને જણાએ એક સુંદર સાંજ વીતાવી હતી.
શરૂઆતના દિવસોમાં બહારની દુનિયા સાથેનો સંઘર્ષ જ એટલો હતો કે સામસામે લડવાનો
ટાઈમ જ નહોતો રહ્યો, બેઉ જણાંને!
લગ્ન પછી તરત વૈશ્નવીએ વર્કિંગ વિમેન્સ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું હતું. બંને એટલું ઓછું
મળતા કે દલીલબાજી, ઝઘડા માટેનો સમય જ રહેતો નહીં.
એ લગ્ન જે રીતે અને જે પરિસ્થિતિમાં થયા એ યાદ કરીને વૈશ્નવીના ચહેરા પર સ્મિત
આવી ગયું. લગ્નનું પાનેતર ખરીદવાના ય પૈસા નહોતા બંને પાસે. પોતાની સાથે લાવેલા થોડાક
કપડાંમાંથી સારામાં સારું સલવાર-કમીઝ કાઢીને વૈશ્નવીએ પહેર્યું હતું. વ્હાઈટ શર્ટ અને જીન્સમાં
માધવ નજર લાગી જાય એટલો હેન્ડસમ લાગતો હતો એ દિવસે. વૈશ્નવીની નજર સામે એ પળ, એ
ક્ષણ જાણે સજીવ થઈ ગઈ.
વરલીના શિવ મંદિરમાં લગ્ન કરવા માટે પગથિયાં ચઢતી વખતે વૈશ્નવીએ માધવનો હાથ
પકડ્યો હતો. એના મજબૂત બાવડાંની આસપાસ લપેટાયેલા પોતાના હાથની એ સલામતી
વૈશ્નવીને આજે પણ યાદ હતી. જાણે કોઈ દેવમૂર્તિના હાથને પકડીને જે સલામતી અનુભવાય એવી
સલામતી અનુભવી હતી એણે.
શિવ મંદિરમાં પહોંચીને બંને જ્યારે શિવલિંગ સામે ઊભા હતા ત્યારે બે હાથ જોડીને, આંખો
મીંચીને વૈશ્નવીએ મનોમન કહ્યું હતું, “હવે મને કંઈ નથી જોઈતું. આનાથી વધારે તારી પાસે કંઈ
નહીં માગું, વચન આપું છું.”
ને સાચે જ, એણે એ પછી ઈશ્વર પાસે કશું જ માગ્યું નહીં. એ હંમેશા પ્રાર્થના કરતી, “સહુનું
ભલું કરજે, સહુને સદ્બુદ્ધિ આપજે.” અત્યારે પણ આંખો મીંચીને શાવર નીચે ઊભેલી વૈશ્નવી,
શિવ મંદિરમાં જ્યારે બંને સાથે ઊભાં હતાં એ ક્ષણને યાદ કરી રહી હતી.
માધવના પિતા અને માધવનો એક મિત્ર મનીષ અગ્રવાલ એમના સાક્ષી તરીકે હાજર હતા.
મનીષ પોતાના સેલફોનમાં ફોટા પાડી રહ્યો હતો. ઘરેથી નીકળતી વખતે વૈશ્નવીએ પોતાનું બર્થ
સર્ટિફિકેટ સાથે લીધું નહોતું, પણ એના વોલેટમાંથી મળી આવેલા આધારકાર્ડથી કામ ચાલ્યું હતું. બંને
અઢાર વર્ષથી ઉપરના છે અને પોતાની મરજીથી રાજીખુશીથી લગ્ન કરી રહ્યા છે એવા ફોર્મ પર સહી
કરતી વખતે વૈશ્નવીની આંખો છલકાઈ હતી. આ જ તો ઝંખ્યું હતું, સમજણી થઈ ત્યારથી!
પોતે ક્યારથી માધવને પ્રેમ કરવા માંડી એ વૈશ્નવીને પોતાને પણ યાદ નહોતું. પંદર-સોળ
વર્ષની થઈ ત્યારથી એણે માધવ સિવાયના કોઈ છોકરાનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો… એ બંને જણા
જે સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલમાં બિલ્ડર્સના, ડૉક્ટર્સના અનેક છોકરાંઓ ભણતાં. લગભગ બધાને
ખબર હતી કે માધવ ડ્રાઈવરનો દીકરો છે, અને વૈશ્નવીના પિતા એને આવી મોંઘી સ્કૂલમાં ભણાવે
છે. ટૂંકમાં, માધવ અને એનો આખો પરિવાર વૈશ્નવીના પિતા મયૂરભાઈના ઉપકાર નીચે જીવતા
હોવા છતાં વૈશ્નવી જે રીતે માધવની પાછળ પાછળ ફરતી, એનો મૂડ સાચવવાનો પ્રયત્ન કરતી એ
જોઈને, વૈશ્નવીનો એના તરફનો લગાવ જોઈને એની ક્લાસના ઘણા છોકરાઓને ઈર્ષ્યા અને
આશ્ચર્ય બંને આપતો રહ્યો!
જોકે, માધવે ઘણીવાર વૈશ્નવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને જણા સ્કૂલબસમાં
સાથે જતાં ત્યારે માધવ જુદો બેસતો, વૈશ્નવી જઈને એની બાજુમાં ગોઠવાઈ જતી, લંચટાઈમમાં
પણ વૈશ્નવી એને શોધીને માધવની સાથે જ લંચ કરતી. મયૂરભાઈને કહીને માધવ પાસે મેથ્સ કે
ફિઝિક્સ શિખવા વૈશ્નવી એને પોતાના ઘેર બોલાવતી, રૂમ બંધ કરીને ભણવા બેસતી…
દરવાજા બંધ થાય એ પછી વૈશ્નવી ઘણીવાર માધવને પોતાના પ્રત્યે આકર્ષવાનો, નજીક
લાવવાનો પ્રયાસ કરતી, પણ ત્યારે માધવ એને રોકતો, “નોટ ફેર વૈશ્નવી. તારા પિતા વિશ્વાસ કરીને
મને તારા ઘરમાં આવવા દે છે. મને ભણાવે છે, એમના ઉપકાર છે મારા ઉપર…”
અત્યારે પણ શાવર નીચે ઊભેલી વૈશ્નવી યાદ કરી રહી હતી, માધવની શાલીનતા,
સજ્જનતા. એનો સંયમ વૈશ્નવીને વધુ આકર્ષતો. એ જેમ દૂર રહેવાનો પ્રયાસ કરતો એમ વૈશ્નવી
એને નજીક લાવવાના વધુ મરણિયા પ્રયત્નો કરતી. મયૂરભાઈને પણ એ બંનેની દોસ્તી સામે કદી
વાંધો નહોતો. બંને જણાં કલાકો એક ઓરડામાં એકલાં હોય તેમ છતાં મયૂરભાઈએ ક્યારેય માધવને
ઘરમાં આવતો રોક્યો નહોતો, કે ન એમણે કોઈ દિવસ વૈશ્નવીને ટોકી. સામે માધવે પણ, કોઈ દિવસ
એ એકાંતનો ગેરલાભ લીધો નહોતો! વૈશ્નવી ક્યારેક એનો હાથ પકડતી કે ચુંબન કરવાનો પ્રયાસ
કરતી કે તરત માધવ રૂમનો દરવાજો ખોલી નાખતો. ક્યારેક તો કશુંક કહ્યા વગર જ ચાલી જતો.
માધવનો આ સંયમ, એની પ્રામાણિકતાથી આકર્ષાયેલી વૈશ્નવી એનાથી દૂર જવાને બદલે
માધવની વધુ નજીક આવી ગઈ હતી. આકર્ષણમાંથી પ્રેમ, પ્રેમમાંથી સન્માન અને સન્માનમાંથી
સહજીવનના કોડ જાગ્યા હતા એને! માધવને જ્યારે એન્જિનિયરીંગમાં એડમિશન મળ્યું ત્યારે
વૈશ્નવીએ એના ગળામાં હાથ પરોવીને એના ગાલ પર પપ્પી ચોડી દીધી હતી, “વીલ યુ મેરી મી?”
એણે પૂછ્યું હતું.
“લગ્ન? મારી સાથે?” માધવે એના બંને હાથ પોતાના ગળાની આસપાસથી હટાવીને એને
સહેજ દૂર ધકેલી હતી, “તારા પપ્પાને પૂછ્યું છે? નોકરના દીકરા સાથે પરણવા દેશે તને?”
વૈશ્નવી અત્યારે ન્હાતાં-ન્હાતાં એ જ વિચારી રહી હતી. પોતે ગમે તેટલી સપનાંમાં રાચે,
પણ માધવે એને સતત ચેતવણી આપી હતી. પોતાનાથી દૂર કરવાના, દૂર રાખવાના તમામ પ્રયાસો
કર્યા હતા. એ સતત વૈશ્નવીના રોમાન્સને સચ્ચાઈની જમીન પર લઈ આવતો. એને સપનાંમાંથી
જગાડીને હકીકતની દુનિયામાં ઢસડી લાવતો.
“મૂર્ખ છે, તું. આ ઈન્ફેક્ચ્યુએશન છે. હું તને આવી વૈભવી જિંદગી નહીં આપી શકું.” માધવે
વારંવાર કહ્યું હતું.
“મેં વૈભવી જિંદગી નહીં, તને પસંદ કર્યો છે.” વૈશ્નવી કહેતી.
“વૈશુ! આવું બધું ફિલ્મોમાં થાય. છ મહિનામાં સમજાઈ જશે કે એ.સી. વગર ઉંઘ નથી
આવતી! બસમાં બેસવાનો અનુભવ છે તને? તારા કબાટમાં ભરેલા પરફ્યુમ્સ અને મેકઅપનોસામાન
વેચી નાખીએ તો અમારા આખા વર્ષનું અનાજ આવી જાય…” એ હસતો, “તું જેને જરૂરિયાત
સમજે છે એ અમારે માટે લક્ઝરીથી પણ ઉપર છે. સિઝનની કેરી પણ તારા પપ્પા આપે તો અમે
ખાઈએ છીએ. આ વાત સમજે છે તું?” માધવ દર વખતે એને સચ્ચાઈનો આઈનો બતાવીને
જગાડતો.
“હું જીવી લઈશ.” વૈશ્નવી કહેતી, “આ બધું છે એટલે માણું છું. નહીં હોય તો એના વગર
તકલીફ નહીં પડે, પણ તું નહીં હોય તો જીવી નહીં શકું. વહાલ અને વસ્તુ વચ્ચે વહાલ પસંદ કર્યું છે
મેં…”
વૈશ્નવીએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું હતું. એક પણ વખત ફરિયાદ કર્યા વગર એણે માધવની
નબળાઈ બનવાને બદલે એની શક્તિ, એની તાકાત અને એનું મોટીવેશન બનીને સંઘર્ષમાં એનો સાથ
આપ્યો હતો. લગ્ન પછીના છ મહિના વૈશ્નવી વર્કિંગ વિમેન હોસ્ટેલમાં રહી હતી, એ.સી. વગર,
ત્રણ છોકરીઓ એક રૂમ શૅર કરતી હોય એવી હોસ્ટેલમાં. એ છ મહિના કોમન બાથરૂમમાં ન્હાઈ
હતી, બબ્બે નોકરી કરી હતી એણે. એને માટે માધવ જ જીવનનું સત્ય અને સર્વસ્વ બની ગયો હતો.
જોકે, માધવ માટે એ છ મહિના ઓછા મુશ્કેલ નહોતા. મયૂરભાઈએ પોલીસ ફરિયાદ કરી
હતી. એને આઈ.આઈ.એમ.માંથી કઢાવવાનો પણ પ્રયત્ન કરી જોયો હતો. એની બ્રિલિયન્ટ કારકિર્દી
અને સારા બીહેવિયરને કારણે મયૂરભાઈ સફળ થઈ શક્યા નહોતા… છ મહિના પછી એની
ઈન્ટર્નશીપ વખતે વૈશ્નવીને ડોમમાં એની સાથે રહેવાની છૂટ મળી હતી. સાથે રહેવાથી એમના
પ્રશ્નો પૂરા નહોતા થયા. માધવને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં મળી ગયેલી એપલ જેવી કંપનીની નોકરી
મયૂરભાઈએ પોતાની ઓળખાણોનો પૂરેપૂરો ઉપયોગ કરીને ટર્મિનેટ કરાવી હતી.
આઈ.આઈ.એમ.માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી સામાન્ય રીતે કરોડોના પેકેજમાં નોકરીએ
જોડાતાં લોકોની સામે માધવે દોઢ વર્ષ સુધી છૂટક છૂટક નાની મોટી નોકરીઓ કરવી પડી હતી કારણ
કે, એ જ્યાં નોકરી શોધી આવતો ત્યાંથી એને કઢાવવાનું કામ જાણે મયૂરભાઈની લાઈફનું મિશન બની
ગયું હતું!
અંતે માધવ ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો. થાકી-હારીને એણે વૈશ્નવીને વિનંતી કરી હતી, “તું જતી
રહે, તારા બાપ પાસે! એ શાંતિથી જીવવા નહીં દે આપણને. મેં તો કહ્યું હતું તને, ધરતી અને આકાશ
મળે છે એ જગ્યાને ક્ષીતિજ કહેવાય છે, પણ એ એક્ચ્યુલી હોતી નથી વૈશ્નવી, માત્ર દેખાય છે!
આપણો સંબંધ પણ આ ક્ષીતિજ જેવો છે. એક્ઝીસ્ટ નહીં કરે… દેખાયા કરશે.”
“સૂર્યોદય પણ ક્ષીતિજ ઉપર જ થાય છે ને!” વૈશ્નવીએ થોડા પોઝિટિવ વિચાર આપવાનો
પ્રયત્ન કર્યો હતો.
“ને સૂર્યાસ્ત પણ ત્યાં જ થાય છે.” માધવ હવે થાક્યો હતો, “તું જા, હું તને હાથ જાેડું છું.
મ્યુચ્યુઅલ ડીવોર્સની પીટીશન હું સાઈન કરીને મોકલી આપીશ.” એણે કહ્યું હતું.
વૈશ્નવીને જિંદગીનો સૌથી મોટો આઘાત લાગ્યો હતો, આ સાંભળીને. માધવ આટલો
જલદી તૂટી જશે એવું એણે ધાર્યું નહોતું. થોડીક ક્ષણો વિચારીને એણે નિર્ણય લીધો હતો, “હું નહીં
જાઉં. તું કાઢી મૂકીશ તો એકલી રહીશ, પણ હવે એમને ત્યાં નહીં જાઉં એટલું નક્કી છે.”
“શું કામ તારી અને મારી બંનેની જિંદગી બરબાદ કરે છે?” અકળાઈ ગયેલા માધવે એ દિવસે
કહી નાખ્યું હતું, “કરોડોની નોકરી કરતો હોત, મારો પોતાનો એપાર્ટમેન્ટ ખરીદી લીધો હોત, મારા
મા-બાપને એક સારી, સુખી જિંદગી આપી શક્યો હોત, એટલું જ સપનું હતું મારું. તેં મૂર્ખની જેમ
તારા રોમેન્ટિક વિચારોમાં પ્રેમના નામે બધું બરબાદ કરી નાખ્યું. સોફ્ટવેર એન્જિનિયર,
આઈ.આઈ.એમ. ગ્રેજ્યુએટ છું હું… પિસ્તાલીસ હજારની નોકરી કરું છું. એ પણ ક્યારે જાય એના
ભય નીચે, ફફડતા જીવે!” માધવની આંખોમાં પાણી આવી ગયા હતા. એણે ભીંત પર મુક્કા પછાડીને
કહ્યું હતું, “તેં બધું બગાડી નાખ્યું, વૈશ્નવી… મારી જિંદગી બરબાદ કરી નાખી.”
“તારી જિંદગી બરબાદ નહીં કરું.” વૈશ્નવીએ મનોમન માધવને જવાબ આપી દીધો હતો,
“જો મેં જ બધું બરબાદ કર્યું હોય તો હું જ સુધારીશ.”
એ વાતને સાડા ત્રણ વર્ષ થયા તેમ છતાં, અત્યારે પણ એ પળ યાદ કરતા વૈશ્નવી નખશીખ
ધ્રૂજી ગઈ. માધવને છોડીને જીવવાનો વિચાર પણ એને અંધકારમય લાગતો હતો, એ માધવ વગર
જીવી નહીં શકે એવી એને ખાતરી હતી. અંતે એણે આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. એ ઢગલાબંધ
ઊંઘની ગોળીઓ લઈ આવી હતી. બધી ગોળીઓ એક સામટી ખાઈ જવી એવું એણે નક્કી કરી લીધું
હતું. ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયેલો માધવ પાછો ફરે પછી એને શાંત, આનંદમાં જોઈને
આંખ મીંચવા માગતી હતી, એટલે એ માધવની પ્રતીક્ષા કરતી બેસી રહી.
અત્યારે ગરમ પાણીના શાવર નીચે ઊભેલી વૈશ્નવીના શરીરમાંથી એ પળને યાદ કરીને
લખલખું પસાર થઈ ગયું.
એ દિવસે એણે નક્કી જ કરી લીધું હતું કે હવે આ દુનિયા છોડી જવી છે. પોતાના મૃત્યુ પછી
મયૂરભાઈ અચૂક માધવને માફ કરી દે એ માટે એણે પિતાને પત્ર પણ લખી નાખ્યો હતો. માધવ
અપરાધભાવ ન અનુભવે એ માટે એને પણ એક જુદો પત્ર પણ લખ્યો હતો. એ બંને પત્રો એણે એવી
રીતે ગોઠવી દીધા કે તરત જ માધવના હાથમાં આવી જાય. એણે ઊંઘની ગોળીઓનો ભૂક્કો કરીને,
રોઝના શરબતમાં મિક્સ કરીને ગ્લાસ ભરીને તૈયાર રાખ્યો હતો.
બસ! માધવ આવે એટલી વાર… આજે એને એટલું વહાલ કરવું છે કે છેલ્લી મેમરી માત્ર
પ્રેમની, વહાલની, અદ્ભુત ક્ષણોની જ બાકી રહી જાય…
માધવ એ રાત્રે મોડો આવ્યો હતો, ગઈકાલની જેમ જ!
એનો ચહેરો આનંદથી ચમકતો હતો. અવાજમાં નવો ઉત્સાહ, આત્મવિશ્વાસ હતો, “મને
નોકરી મળી ગઈ છે… કેન યુ બીલીવ? ૩૬ લાખનું પેકેજ છે. મેં બધું જ સાચું કહ્યું છે, કંપનીના
માલિકને. એ બધું જાણ્યા પછી મને નોકરી આપી છે. હી ડઝન્ટ કેર ફોર મયૂર પારેખ. બધા કંઈ તારા
બાપથી બીતા નથી! કહે તારા બાપને, એનાથી જે થઈ શકે તે કરી લે…” માધવ થોડો નશામાં હતો.
માધવને આટલો આનંદમાં જોઈને વૈશ્નવીને રાહત થઈ ગઈ. એણે રોઝ શરબતનો ગ્લાસ
ઢોળી દીધો.
મરવાની તૈયારી કરીને બેઠેલી વૈશ્નવીએ માધવનો ચહેરો અને મૂડ જોઈને આજની આ
ઘટનાને મનોમન ઈશ્વરનો સંકેત માનીને મૃત્યુની ઘડીને ટાળી દીધી હતી.
*
એક તરફ વૈશ્નવી શાવર નીચે ઊભી રહીને વિતેલા દિવસોમાંથી પસાર થઈ રહી હતી ને
બીજી તરફ, કબીર નરોલા સામે ઊભેલો માધવ એના જવાબની પ્રતીક્ષા કરી રહ્યો હતો.
(ક્રમશઃ)