સૂરજ હજી આકાશમાં દેખાયો નહોતો. સૌરાષ્ટ્રમાં જેને ‘મ્હોં સુઝણું’ કહે તેવું અજવાળું થઈ ગયું હતું. પૂર્વનું
આકાશ લાલ હતું. કોઈપણ ક્ષણે સૂરજદાદા દેખા દેવાની તૈયારીમાં હતા. મુંબઈ શહેરમાં ટ્રાફિક શરૂ થઈ ગયો હતો.
આમ પણ મુંબઈ ભાગ્યે જ ઊંઘે છે, સવારના ત્રણથી ચાર-સાડા ચાર કદાચ દોઢેક કલાક માટે સહેજ પોરો ખાતું આ
શહેર ચોવીસ કલાક ટ્રાફિકમાં શ્વાસ લે છે. જોકે, ઉનાળામાં મુંબઈ રોજ કરતાં વહેલું જાગે છે. ગરમી શરૂ થાય એ
પહેલાં બધા પોતપોતાની ઓફિસ કે નિશ્ચિત સ્થાને પહોંચીને એ.સી.માં ઘૂસી જવા માટે ઉતાવળા હોય છે. મે
મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. સ્કૂલ-કોલેજોમાં વેકેશન ચાલતું હતું, ટ્રાફિક કદાચ એટલે ઓછો હતો. વહેલા ઊઠીને
બાળકોને સ્કૂલે મૂકવા જતી મમ્મીઓ કે પપ્પાઓ જરા નિરાંતની ઊંઘ ખેચી રહ્યા હોવા જોઈએ. સ્કૂલ બસીઝની
ગેરહાજરી પણ ખાલી રસ્તાઓ ઉપર જણાઈ આવતી હતી. મુંબઈનો દરિયો પણ જાણે જરાક આળસ મરડીને સુસ્તી
ઉડાડતો હોય એમ મરીન ડ્રાઈવના રસ્તાની ધારે આરામથી ફેલાઈને પડ્યો હતો. એનો ઘુઘવાટ પણ સહેજ મંદ થયો
હતો. આછાં અજવાળાને કારણે દરિયાના પાણી ભૂખરા અથવા જાંબુડી દેખાતા હતા.
મરીન ડ્રાઈવ પર ચાલવા આવેલા લોકો સડસડાટ ચાલી રહ્યા હતા.
દરિયો દેખાય એવી સીફેસિંગ વિશાળ બાલ્કની ધરાવતા ફ્લેટમાં ટોપ ફ્લોર પર એક સ્ત્રી રેલિંગ પાસે પોતાની
કોણી ટેકવીને ઊભી હતી. એના અત્યંત સુંદર ચહેરા પર આખી રાતનો ઉજાગરો સ્પષ્ટ દેખાતો હતો. એ આખી રાત
ખૂબ રડી હશે એવું પણ એની સૂઝેલી પણ સુંદર, માછલી જેવી ભૂખરી આંખો ચાડી ખાતી હતી. એણે પહેરેલો
નાઈટસુટ ચોળાઈ ગયો હતો. કમર સુધીના લાંબા વાળને એણે ગોળ લપેટીને બટરફ્લાય ક્લિપ ભરાવી હતી. એમાંથી
નીકળી ગયેલી થોડીક લટો એના ચહેરાની આસપાસ એક ફ્રેમની જેમ ઊડી રહી હતી. એ શૂન્ય આંખે આકાશમાં
જોઈ રહી હતી.
રસ્તા પર જતા-આવતા, પાળી પર બેઠેલા લોકોને એ સ્ત્રી એવી રીતે જોઈ રહી હતી જાણે એ બધા જીવતા-
જાગતા માણસો નહીં પણ પથ્થરના પૂતળાં હોય. એની આંખોમાં રહી રહીને પાણી ધસી આવતાં હતાં.
એની નજર સામે હજી ગઈકાલે રાત્રે જ, વહેલી સવારે એના ઘરમાં ભજવાયેલું દ્રશ્ય રહી રહીને ફરી
ભજવાઈ રહ્યું હતું… એને જેટલીવાર એ બધું યાદ આવતું એટલીવાર એની આંખોમાં પાણી ધસી આવતાં.
*
ગઈકાલે રાત્રે સાડા ત્રણ વાગે શરાબમાં ધૂત્ત, લથડતા પગલે માધવ દેસાઈ પોતાના ઘરમાં દાખલ થયો ત્યારે
એની પત્ની વૈશ્નવી એને શોધવા માટે લગભગ સિત્તેર ફોન કરી ચૂકી હતી. માધવ ઓફિસેથી બપોરે ત્રણ વાગે જ
નીકળી ગયો હતો. એ પછી માધવ ક્યાં ગયો એ વિશે કોઈને ખબર નહોતી. અત્યારે, બાર કલાકની ગુમશુદા પછી એ
ઘરમાં પ્રવેશી રહ્યો હતો. આ બધા કલાકો દરમિયાન એનો ફોન બંધ હતો. સામાન્ય રીતે માધવની આખા દિવસની
વિગતો એના પર્સનલ આસિસ્ટન્ટ રાકેશને ખબર જ હોય. મિટિંગમાં કે બહારગામ હોય, અને માધવનો ફોન બંધ હોય
કે એનો સંપર્ક ન થાય તો રાકેશને ફોન કરવો એવી સૂચના એણે પોતાની પત્ની વૈશ્નવીને પણ આપી હતી.
પણ, આજે વૈશ્નવીએ જ્યારે રાકેશને ફોન કર્યો ત્યારે એણે ચિંતાતુર અવાજે જવાબ આપ્યો હતો, “મેમ,
માધવ સર ક્યાં ગયા છે એની મને ખબર નથી. તમને ખબર પડે તો મને જણાવજો. થોડો પ્રોબ્લેમ થયો છે. અહીં
બધા એમને શોધે છે.”
માધવના માતા-પિતાને, એના મિત્રોને, એના અમુક નજીકના બિઝનેસ એસોસિયેટ્સની ઓફિસમાં પણ ફોન
કરીને વૈશ્નવીએ તપાસ કરી હતી. એ ક્યાંય નહોતો. ઉચાટમાં અને ઉદ્વેગમાં વૈશ્નવીનું માથું ફાટી રહ્યું હતું. સાંજે
પાંચથી રાતના ત્રણથી સુધીમાં એણે પાંચ ક્રોસીન ગળા નીચે ઉતારી દીધી હતી.
રાહ જોઈને થાકેલી વૈશ્નવી ડ્રોઈંગરૂમમાં જ બેઠી હતી. ડોરબેલ રણક્યો ત્યારે એણે ઘડિયાળ તરફ જોયું.
રાતના ત્રણ વાગીને પાંત્રીસ મિનિટ થઈ હતી. વૈશ્નવી દરવાજો ખોલવા ઊઠે એ પહેલાં એમના ઘરનો નોકર નારાયણ
દોડીને આવ્યો. વૈશ્નવી ડ્રોઈંગરૂમની વચ્ચે જ ઊભી રહી ગઈ, સાડા ત્રણે કોણ હોય! માધવ જ હશે… એણે
અદબવાળીને ગુસ્સામાં માધવના દાખલ થવાની પ્રતીક્ષા કરી. નવ ફૂટ બાય પાંચ ફૂટનો મોટો વજનદાર મુખ્ય
દરવાજો નારાયણે પૂરું બળ લગાવીને ખોલ્યો. દરવાજો ખુલતાં જ એના ટેકે ઊભેલો માધવ ધબ્ દઈને જમીન પર
પટકાયો. એનું શરીર અડધું ઉંબરની બહાર અને અડધું ઉંબરની અંદર હતું. નારાયણે એને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો,
પણ શરાબમાં ધૂત્ત છ ફૂટ બે ઈંચના કસરતી શરીરને એમ ઊભું કરવું સહેલું નહોતું. સાડા પાંચ ફૂટના નારાયણનો
આધાર લઈને માધવ જેટલીવાર ઊભો થવા ગયો એટલીવાર પોતાના જ વજન, લેધર સોલના શૂઝ અને લપસણી
જમીનને લીધે એ જમીન પર પટકાયો. એણે જોયું કે, હોલમાં અદબવાળીને ઊભેલી વૈશ્નવી પોતાના તરફ મટકુંય
માર્યા વગર તાકી રહી છે.
“શું જુએ છે?” માધવે લસરતી જીભે રાડ પાડી, “અહીં આવીને મને ઊભો કર.”
“તું જે રીતે પડ્યો છે એ જોતાં તને કોઈ ઊભો કરી શકે એમ નથી.” વૈશ્નવીનો અવાજ પ્રમાણમાં સ્થિર
હતો, “ને જાતે ઊભા થવાની તો હવે તાકાત જ નથી રહી, તારી…” એણે કહ્યું.
“વ્હોટ ધ હેલ!” માધવે ફરી રાડ પાડી, “હું ઊભો થઈશ.” કહેતાં કહેતાં એણે નારાયણ ઉપર પોતાનું પૂરું
વજન નાખી દીધું. “જો તું… હું ઊભો થઈશ, તું ત્યાં જ ઊભી રહીને જોતી રહેજે હં…” દરવાજાની બારસાખને એક
હાથે પકડીને બીજા હાથે નારાયણના ખભાને દબાવતો એ ઊભો થઈ ગયો, “જો!” એણે પોતાના બંને હાથ ફેલાવીને
વૈશ્નવી સામે જોયું. એની આંખોમાં નશાની સાથે અહંકાર હતો, “થયો ને ઊભો?” એણે ફરી એટલા જ જોરથી કહ્યું,
“માધવ દેસાઈ નામ છે, મારું. આખી જિંદગી મારા જ પગ પર ઊભો રહ્યો છું. સાત કંપની ચલાવું છું. એકલા હાથે…
એકાદ વાર પડી ગયો, થઈ ભૂલ… તો? તો શું થયું? આટલો ઈસ્યુ શું કરે છે? ઝીરોથી શરૂ કર્યું હતું ને? થઈશ ફરીથી
ઊભો…” જે સૂરમાં માધવ બોલી રહ્યો હતો એ સૂર આવા સોફિસ્ટીકેટેડ બિલ્ડિંગમાં રાત્રે સાડા ત્રણ વાગ્યે કોઈ
સંજોગોમાં, કોઈ ન બોલે એવો, લાઉડ અને અસહ્ય સૂર હતો. એના આ મોટા અવાજથી વૈશ્નવીના ચહેરા પર કંટાળો
અને શરમ બંને ધસી આવ્યા હતા. તેમ છતાં એ આગળ તો ન જ વધી. ત્યાં જ, વિશાળ ડ્રોઈંગરૂમની વચ્ચોવચ્ચ
ઊભા રહીને એ બંને હાથની અદબવાળીને સામે ઊભેલા માધવને જોતી રહી. એની આંખોમાં જોતાં જ માધવની
આંખો ઝૂકી ગઈ.
“ચૂપચાપ અંદર આવ.” વૈશ્નવીના અવાજમાં એક વિચિત્ર સત્તાવાહી અધિકાર હતો, “આજુબાજુમાં કોઈ
જાગશે તો તને આ હાલતમાં જોઈને તારી કિંમત કરશે.”
“કિંમત!” માધવ ત્યાં જ ઊભો ઊભો હસવા લાગ્યો. એ તાળી પાડતો ઘરમાં દાખલ થયો, “બાપ-દીકરી બંને
એક જ શબ્દ સમજે છે, કિંમત.” એણે કહ્યું, પછી મૂર્ખની જેમ હસ્યો, પછી માધવનો અવાજ ગળગળો થઈ ગયો,
“તને નહીં સમજાય, કિંમત! પાંચ કરોડ રૂપિયા ખોયા છે, મેં.” એની આંખમાં પાણી ધસી આવ્યું. બંને હાથે એણે
આંખો લૂછી કાઢી. આંખ લૂછવા માટે ઉઠાવેલા હાથને કારણે એનું બેલેન્સ ગયું. એના ડોલતા શરીરને સ્થિર કરવા
એણે બાજુમાં ગોઠવાયેલા બુદ્ધની મૂર્તિને પકડવાનો પ્રયત્ન કર્યો. માધવનું બેલેન્સ ગયું ને સાથે જ ત્રણ ફૂટની એ મૂર્તિ
પણ જમીન પર પછડાઈને આઠ-દસ ટૂકડામાં વહેંચાઈ ગઈ, “પાંચ કરોડ રૂપિયા કોને કહેવાય ખબર છે તને?” મૂર્તિ
તૂટી ગઈ એની નોંધ પણ લીધા વગર, વૈશ્નવી સાંભળે છે કે નહીં, એની યે દરકાર કર્યા વગર એ આમતેમ જોતો,
બોલતો રહ્યો, “સોરી, સોરી! તને તો ખબર હોય જ ને!” એ કડવું અને પીડા ભરેલું હસ્યો, “મયૂર પારેખની દીકરી છે
તું. ત્રણ હજાર કરોડનો માલિક… તારો બાપ… ને તું એની પ્રિન્સેસ… પાંચ કરોડ તો તારે માટે ટીસ્યુ પેપર છે.” એ
હસતો રહ્યો, હવે એની આંખમાંથી વહેતાં આંસુ અટકી શકે એમ નહોતા. એણે એ આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યા વગર
શર્ટની બાંય ઘસીને નાકમાંથી વહેતું પાણી અટકાવ્યું.
આ બંનેની દલીલનો એક માત્ર સાક્ષી નારાયણ ડઘાયેલો ઊભો હતો. એણે છેલ્લા બે-અઢી વર્ષની એની
નોકરીમાં પહેલી વખત આ પતિ-પત્નીને ઝઘડતા જોયાં હતાં. એ ટેબલ ટેનિસની ગેમ જોતો હોય એમ બાઘો બનીને
વારાફરતી બંને તરફ જોતો હતો.
“આ સાફ કર.” વૈશ્નવીએ પતિનો ગુસ્સો નોકર પર ઉતાર્યો, “શું જુએ છે? સર્કસ ચાલે છે?” નારાયણ તરત
જ સુપડી અને ઝાડુ લેવા અંદરની તરફ દોડી ગયો. એના ગયા પછી વૈશ્નવીએ ફરી ધારદાર નજરે માધવ તરફ જોયું,
“દરેક વાતમાં મારા બાપને વચ્ચે લાવવાની જરૂર નથી. એમણે છેલ્લા પાંચ વર્ષમાં એક વાર પણ તારું નામ લીધું
નથી.” વૈશ્નવીનો અવાજ તરડાઈ ગયો. એણે ભરાયેલા ગળે કહ્યું, “તારી સાથે સાથે પપ્પા મને પણ ભૂલી ગયા છે.”
વૈશ્નવી બોલતી હતી ત્યારે ડોલતો, ઝુલતો, ઘરની એક પછી એક ચીજનો આધાર લેતો માધવ એના સુધી પહોંચી
ગયો, એણે વૈશ્નવીને પકડવા બંને હાથ પહોળા કર્યા. ફરી એનું બેલેન્સ ગયું. નજીક ઊભેલી વૈશ્નવી પર એનું શરીર
પછડાય એ પહેલાં વૈશ્નવીએ બંને હાથે એને રોકીને બીજી તરફ ઢાળી દીધો. માધવ ફરી નીચે પડી ગયો, વૈશ્નવી એની
મદદ કર્યા વગર અદબ વાળીને જમીન પર પડેલા માધવને જોઈ રહી.
સુપડી અને ઝાડુ લઈને આવેલો નારાયણ બુદ્ધની મૂર્તિના ટુકડા ભેગા કરી રહ્યો હતો, પણ એની નજર
વૈશ્નવી તરફ હતી. “ડીસઘસ્ટીંગ!” વૈશ્નવીએ કહ્યું, એ બેડરૂમ તરફ ઉતાવળે પગલે ચાલી ગઈ.
જમીન પર પડેલો માધવ મોટા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. કોઈ નિકટનું સ્વજન મૃત્યુ પામ્યું હોય એવી
રીતે એ જમીન પર માથું પછાડી-પછાડીને રડી રહ્યો હતો. રડી રહેલા સાહેબને અટકાવવા કે મે’મ સાહેબે સોંપેલું કામ
પૂરું કરવું, એ બેની વચ્ચે ગૂંચવાયેલો નારાયણ સૂપડી અને મીઠું પકડીને આ હસતાખેલતા ઘરમાં આજે પહેલીવાર
બનેલી ભયાનક ઘટનાનો સાક્ષી બનીને ઊભો હતો.
વૈશ્નવી અને માધવના લગ્નને પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં હતાં. આ પાંચ વર્ષમાં હનીમૂન જેવાં વીતી ગયાં
હતાં. કોઈ દિવસ ઝઘડ્યા નહોતા. એમના મિત્રોને, માધવની મમ્મીને, પપ્પાને, આસપાસના લોકોને પણ નવાઈ
લાગતી. એ બંને જણા જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા ‘મેડ ફોર ઈચ અધર’ અથવા ‘મેઈડ ફોર ઈચ અધર’
હતા.
આ પાંચ બેડરૂમનું સી ફેસિંગ ઘર, ત્રણ ગાડીઓ, બે નોકર સાથે એ વૈભવી જીવન જીવી રહ્યાં હતાં. જોકે,
આ બધું છેલ્લાં ત્રણ વર્ષમાં જ ઊભું થયું હતું. એ પહેલાં ખૂબ સંઘર્ષ અને સમસ્યાઓ પણ સાથે જોઈ હતી બેઉ જણે.
બે વર્ષ સુધી એક પછી એક જગ્યાએથી રીજેક્શન પામી રહેલા આઈઆઈએમ ગ્રેજ્યુએટ માધવ દેસાઈને માંડ પહેલી
નોકરી મળી હતી. એ નોકરી એના જીવનનું એવું પગથિયું પૂરવાર થઈ કે માધવ દેસાઈ આજે સાત કંપનીના ગ્રુપનો
સીઈઓ હતો. જીવન અચાનક કોઈ પરીકથા જેવું બની ગયું હતું. આજે, પહેલીવાર એ પરીકથામાં એક ઝટકો આવ્યો
હતો.
*
માધવને જમીન પર પડેલો રહેવા દઈને બેડરૂમમાં ચાલી ગયેલી વૈશ્નવી હવે પોતાનું રૂદન રોકી ન શકી.
ચહેરો બંને હથેળીઓમાં છૂપાવીને એ પણ ધ્રૂસકે રડી પડી. એને ખબર હતી કે માધવ કઈ મનોદશામાં હતો…
બપોરે બે વાગે એને સમાચાર મળી ગયા હતા કે શેરબજારના સટ્ટામાં માધવ પાંચ કરોડ રૂપિયા ગુમાવી ચૂક્યો
હતો. છેલ્લા પાંચ વર્ષમાં જેનો અવાજ પણ નહોતો સાંભળ્યો એ, વૈશ્નવીના પિતા મયૂર પારેખે જાતે ફોન કરીને
દીકરીને આ સમાચાર આપ્યા હતા. આ સમાચાર આપતી વખતે મયૂર પારેખના અવાજમાં રહેલો આનંદ વૈશ્નવીના
હાડકાંને વિંધીને કડકડતી ઠંડીની જેમ પસાર થઈ ગયો હતો.
પિતાએ આપેલા સમાચાર વૈશ્નવી માની શકી નહોતી. આ સાંભળ્યા પછી એણે પહેલો ફોન માધવને કર્યો
હતો. માધવનો ફોન સ્વીચ ઑફ હતો. ડરેલી, ચિંતાતૂર વૈશ્નવીએ એ પછી માધવને શોધવાના પ્રયત્નોમાં કશું જ બાકી
નહોતું રાખ્યું. ઓફિસમાં કોઈને ખબર નહોતી કે એ ક્યાં ગયો છે, પણ માધવના આસિસ્ટન્ટ રાકેશે સમાચાર સાચા
હોવાની પુષ્ટિ કરી આપી હતી. એ પછીનો બધો સમય, ‘માધવ કંઈ કરી તો નહીં બેસે ને!’ના ભય હેઠળ વૈશ્નવી રડી-
રડીને અડધી થઈ ગઈ. બપોરે ત્રણ વાગ્યાથી તો ઉઘરાણી અને ધમકીના અનેક ફોન શરૂ થઈ ગયા હતા. જેના જવાબ
આપતાં વૈશ્નવી થાકી ગઈ હતી. આ બધા પછી અડધી રાત્રે ઘેર પહોંચેલો માધવ પોતાની પીડા કે તકલીફ પત્ની સાથે
વહેંચવાને બદલે શરાબમાં ધૂત્ત થઈને લથડતો, બકવાસ કરતો પાછો ફર્યો હતો.
એકબીજાથી કશું જ ન છુપાવવું એવું વચન આપીને, ઘર છોડીને, ભાગીને પરણેલા, છેલ્લા પાંચ વર્ષથી માત્ર
એકબીજાના સહારે જીવી રહેલા આ બંને જણા અત્યારે એક જ ઘરના જુદા જુદા રૂમમાં રડી રહ્યા હતા…
*
વૈશ્નવીની ભીની, બંધ આંખોની સામે ભૂતકાળનાં કેટલાંક દૃશ્યો ફિલ્મની પટ્ટીની જેમ પસાર થઈ રહ્યાં
હતાં.
સ્થળઃ અમદાવાદ, પરિમલ ગાર્ડનની બહાર…
હજી સૂરજ હમણાં જ આકાશમાં દેખાયો હતો. ગાર્ડનની બહાર ચાલવા આવેલા લોકો ગપાગપ નાસ્તો કરી
રહ્યા હતા. ચાની લારીઓ પર રીઝનેબલ ભીડ હતી. લારી પર વાગી રહેલા રેડિયો પર આર.જે. દેવકીનો સવારનો
કાર્યક્રમ મોટા અવાજે સંભળાતો હતો.
ગાર્ડનની બહાર પાર્ક થયેલી ગાડીઓમાં એક ડીપ મૉવ કલરની એસ ક્લાસ મર્સિડીઝ પણ ઊભી હતી. એમાં
બે જણાં બેઠાં હતાં. એક, બેચેન અકળાયેલી, રડતી છોકરી, અને બીજો, એને સમજાવી રહેલો છોકરો!
“કમ ઓન!” બાવીસ-ત્રેવીસ વર્ષના એ હેન્ડસમ છોકરાએ મર્સિડીઝના બંધ કાચની અંદર ડ્રાઈવિંગ સીટ પર
બેઠેલી છોકરીના બંને ગાલ પર હાથ મૂક્યા. મર્સિડીઝનો સેલ ચાલુ હતો. બહાર ગરમી શરૂ થઈ ચૂકી હતી, પણ
ગાડીની અંદર એકવીસ ડિગ્રી ટેમ્પરેચર હતું. ગાડીમાં ધીમા વોલ્યુમ ઉપર કોઈ જાઝની કોઈ ધૂન વાગતી હતી.
છોકરાએ રૂપાળી, નાજુક છોકરીની સામે આશાભરી નજરે જોયું, નમ્ર અને સમજાવટભર્યા સ્વરે કહ્યું, “વૈશ્નવી, માત્ર
બે વર્ષનો સવાલ છે. ક્યાં પૂરાં થઈ જશે, એની ખબર પણ નહીં પડે.”
છોકરીની ઉંમર અઢારની હશે. સુખી, સંપન્ન પરિવારની દીકરી હોવાને કારણે એનું શરીર વેલ ડેવલપ્ડ,
ત્વચા, વાળ, વેલ મેઈન્ટેન્ડ હતા. એની આંખો કોઈ માછલી જેવી મોટી અને ભૂખરી હતી. દુર્ગાની પ્રતિમાની જેમ
લાંબી-લાંબી પાંપણોની સાથે છેડેથી સહેજ ઊંચી, એની આંખો ઉપર તીરછી ભ્રમરો એના ચહેરાને ભયાનક આકર્ષક
બનાવતી હતી. આંખોમાં આટલું આકર્ષણ હોવા છતાં એની ઉંમરને કારણે કે પછી દુનિયાદારી સાથે હજી કામ પાડ્યું
નહીં હોય છોકરીની આંખોમાં પોતાના એ આકર્ષણ વિશેનો અહંકાર કે ચાલાકીનું નામનિશાન નહોતું. નમણું નાક,
કોઈ ચિત્રકારે દોર્યા હોય એવા હોઠ અને બેદાગ તગતગતી ત્વચાથી મઢેલો એનો ચહેરો એકદમ નિર્દોષ હતો.
વૈશ્નવીએ નિરાશાથી ડોકું ધૂણાવ્યું, “નો! નો! નો!” એણે હોઠ લાંબા-ટૂંકા કરીને ખભા ઉલાળ્યા. એના કમરથી
નીચે ફેલાયેલા લીસા વાળ હલ્યા, “હું તને નહીં જવા દઉં.” એણે કહ્યું. એના અવાજમાં એક વિચિત્ર પ્રકારની
સત્તાવાહી જીદ હતી, “બે વર્ષ? ૭૩૦ દિવસ… નેક્સ્ટ લિપ યર છે, એટલે ૭૩૧… અને ૧૭,૫૪૪ કલાક! મારે તારા
વગર રહેવાનું? ના… ના… ના…” કહીને એણે પોતાના હાથમાં બાજુમાં બેઠેલા છોકરાનો હાથ પકડી લીધો, “મેડી!
જરાક તો સમજ. હું કેવી રીતે રહીશ?”
એના જવાબ પછી એની બાજુમાં બેઠેલા છોકરાનો ચહેરો સહેજ ઉતરી ગયો. આ છોકરીને કેવી રીતે
સમજાવવી એ વિશે ગૂગલ પર કોઈ માહિતી મળે તો સારું… એવો વિચાર છોકરાને આવી ગયો. એણે ફરી એ
છોકરીના ગાલ થપથપાવ્યા, “આટલી સારી ઈન્સ્ટિટ્યૂટમાં આવી મોટી સ્કોલરશીપ મળી છે, મારી કેરિયરનો સવાલ
છે.” છોકરો સમજાવતો હતો, પણ એના સૂરમાં સ્પષ્ટ હતું કે છોકરીની ‘હા’ અથવા ‘ના’ સાથે એને ઝાઝો સંબંધ
નહોતો. એણે જવાનું તો નક્કી કરી જ લીધું હતું, પણ છોકરીને લાગતું હતું કે, એની જીદ, એના પ્રેમ કે પછી છેલ્લે
એના પિતાના ઉપકાર નીચે દબાયેલા આ છોકરાને પોતે ગમે તેમ કરીને જતો રોકી લેશે. છોકરો ખૂબ હેન્ડસમ હતો,
પણ એની ત્વચા આ છોકરી જેવી ગોરી કે બેદાગ નહોતી. પ્રમાણમાં શ્યામ, ભીનેવાન કહી શકાય એવો આ છોકરો
ગાડીમાં બેઠેલો હતો તો પણ એની ઉંચાઈ છ ફૂટથી વધુ જ હશે એવું દેખાઈ આવતું હતું. એના કસરતી બાવડાં,
પહોળા ખભા, પાતળી કમર જોઈને, એણે પહેરેલા બ્રાન્ડેડ ગંજી અને ટાઈટ્સ ઉપરથી એ જીમમાં જવાને બદલે
અહીંયા આવ્યો હશે અથવા જઈને આવ્યો હશે કે અહીંથી જવાનો હશે એવું લાગતું હતું. એની જીમબેગ પાછળની
સીટમાં પડી હતી. એ બેગ ઉપર મોટો ‘એમ’ ચિતરેલો હતો.
છોકરાનું નામ ‘માધવ’. એના નામના પહેલા અક્ષરના મોનોગ્રાફ સાથે ખાસ ડિઝાઈન કરીને બનાવાયેલી
કસ્ટમાઈઝ્ડ લેધરની મોંઘી બેગ કે એના બ્રાન્ડેડ કપડાં અને શૂઝ જોઈને એ છોકરાની આર્થિક સ્થિતિ વિશે કદાચ કોઈ
અંદાજ બાંધે તો એ ખોટો પડે, કારણ કે આ બેગ, કપડાં અને શૂઝ બધું એને મર્સિડીસમાં બેઠેલી એની ‘ગર્લ્ડ ફ્રેન્ડ’
વૈશ્નવીની આપેલી ભેટ હતાં.
“વૈશ્નવી, આઈ વીલ મીસ યુ, ટૂ.” માધવે સ્ટીયરીંગ પર મૂકાયેલો વૈશ્નવીનો કોમળ હાથ પોતાના હાથમાં
લીધો. વચ્ચેની બે આંગળી ઉપર ઝગારા મારતી ડાયમંડ રીંગ અને છેલ્લી આંગળીમાં મોંઘી પન્નાની રીંગ એના લાંબી
આંગળીઓવાળા, ડિફાઈન્ડ નેઈલવાળા કોમળ હાથને વધુ સુંદર બનાવતી હતી. માધવ એના હાથને જોઈ રહ્યો,
“પણ, જો ભણવા નહીં જાઉં તો તારા પપ્પા સામે શું મોઢું લઈને ઊભો રહીશ?” એ સહેજ અકળાયો, “શું કહીશ
એમને? મને તમારી દીકરી ગમે છે, મને ઘરજમાઈ રાખી લો, એમ કહું?” એણે પૂછ્યું. આ કહેતી વખતે માધવના
ચહેરા પર બંને વચ્ચેના ક્લાસ ડિફરન્સને કારણે એને જે લઘુતાગ્રંથિ અનુભવાતી હતી એ દેખાયા વગર રહી નહીં.
વૈશ્નવીને કદાચ માધવની તકલીફ કે એની ભીતર રહેલી લઘુતાગ્રંથિ સમજાતી જ નહોતી. એણે કહ્યું, “એમાં
શું પ્રોબ્લેમ છે? આમ પણ, પપ્પાનું જે કંઈ છે તે મારું છે, ને મારું છે તે તારું છે. હું કહીશ પપ્પાને! કે, આઈ લવ
માધવ.” વૈશ્નવીના ચહેરા પર એક આત્મવિશ્વાસથી સભર સ્મિત ઝળકી ઊઠ્યું, “પપ્પા મને કોઈ વાતની ના નથી
પાડતા, ખબર છે ને?”
“ગ્રેટ!” માધવ પોતાની કડવાશ છુપાવી શક્યો નહીં, “આ મર્સિડીસની જેમ, ડાયમંડ નેકલેસની જેમ, ગુચીના
શૂઝ કે લૂઈ વિત્તોંની બેગ છું, હું! મને પણ ખરીદી લે. તારા પપ્પાનું ક્રેડીટ કાર્ડ ઘસી નાખ.”
“તું સમજતો નથી.” વૈશ્નવીના અવાજમાં બાલિશ જીદ હતી. એને હજીયે આ છોકરાને થતી પીડા કે એના
સ્વમાન પર થયેલો ઉઝરડો સમજાયાં નહોતાં, “તું બે વર્ષ મુંબઈ ભણવા જાય એ મને મંજુર નથી. બીજી કોઈ પણ
બિઝનેસ સ્કૂલ જોઈન કરી લે, અમદાવાદમાં” એણે કહ્યું, “પછી તો પપ્પાનો બિઝનેસ તારે જ સંભાળવાનો છે ને!”
માધવને એકવાર તો એટલો ગુસ્સો આવ્યો કે એ ગાડીમાંથી ઉતરી જાત. એ થોડી ક્ષણ વૈશ્નવીની આંખોમાં
જોતો રહ્યો, પછી બને એટલો સંયમ રાખીને એણે જવાબ આપ્યો, “આઈઆઈએમમાં એડમિશન લેવા માટે દર વર્ષે
અઢી લાખ લોકો પરીક્ષા આપે છે, એમાંથી માત્ર ૨૪૦૦ એડમિશન થાય છે. એક ટકા કરતાં પણ ઓછા.” માધવના
ચહેરા પર એને આવી ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળ્યાનું ગૌરવ છલકાયું. એણે ઉમેર્યું, “એમાંથી કેટલાને સ્કોલરશીપ
મળે છે? વીસ આઈઆઈએમમાંથી માત્ર ૧૧૨ સ્કોલરશીપ છે. હું અઢી લાખમાંથી પસંદ થયેલા ૧૧૨ સ્ટુડન્ટ્સમાં
છું. તને આ વાતનું મહત્ત્વ સમજાય છે?”
વૈશ્નવીએ એની નિર્દોષ આંખો પટપટાવી, ડોકું ધૂણાવીને હા પાડી, “હું સમજું છું.” એણે કહ્યું તો ખરું, પણ
એ સમજતી હોય એવો એકપણ ભાવ એના ચહેરા પર નહોતો. એણે ફરી કહ્યું, “તું ન જા ને…” પોતાનો મુદ્દો પકડી
રાખીને એણે ઉમેર્યું, “હું પપ્પાને કહીને મારા ભાગનો શેર તને અપાવી દઈશ. હમણાં જ તું ફેમિલી બિઝનેસ જોઈન
કરી લે, ભણવાની ક્યા જરૂર છે?”
“ડ્રાઈવરના દીકરાને માલિકની દીકરીનો શેર ન મળે, મૂરખ!” માધવે સહેજ કડવાશથી કહ્યું, “મારે તારી સાથે
લગ્ન કરવા હશે, તારા બાપાને એટલા પૈસા બતાવવા પડશે જે જોઈને એ તારો હાથ મારા હાથમાં મૂકતાં અચકાય
નહીં.” આટલું કહીને એણે નિઃશ્વાસ નાખ્યો, “એ પછી પણ કદાચ હા નહીં પાડે. અત્યાર સુધી એમનો ઉપકાર છે
મારા પર.” એની આંખોમાં પાણી ધસી આવ્યા, “એમના પૈસે ભણ્યો છું.” એણે બારીના કાચની બહાર જોયું, “પડ્યો
હોત ક્યાંક મ્યુનિસિપલ સ્કૂલમાં જો એમણે મારી મદદ ન કરી હોત તો.”
“રબીશ!” વૈશ્નવી હજી પણ મુદ્દાની સિરિયસનેસ સમજતી નહોતી, એણે વહાલથી પોતાના બંને હાથ
બાજુની સીટમાં બેઠેલા માધવના ગળામાં નાખ્યા, “અમારા ફેમિલીમાં કોઈ ભણતું જ નથી. એમને ભણાવવાનો શોખ
છે એટલે ભણાવે છે, તને.” કહીને એણે પોતાનો ચહેરો આગળ કર્યો. માધવના હોઠ પર હોઠ મૂકી દીધા. સ્ટ્રોબેરી
ટેસ્ટની લિપ્સસ્ટીક, ડેવિડ હૉફના પરફ્યુમની સુગંધ અને કોમળ હોઠના સ્પર્શથી આરંભી દેવાયેલા ચુંબન સામે
માધવને શબ્દો અને સંયમ બંને ખૂટી પડ્યા.
*
આજે પણ, એ બંનેના હોઠ બંધ હતા… આજે પણ, બંને પાસે શબ્દો ખૂટી પડ્યા હતા.
એ દિવસે એકબીજાના બાહુપાશમાં બંધાયેલા બે જણાં વચ્ચે આજે અનેક દિવાલો હતી.
(ક્રમશઃ)