વુમન્સ ડેઃ સેલિબ્રેશન કે ડિપ્રેશન?

“આપકી પહેલી પિક્ચર ‘તુમ બીન’ થી… વેરી રોમેન્ટીક પિક્ચર ! ફીર ઉસકે બાદ આપને બનાઈ મુલ્ક, ગુલાબ ગેંગ, આર્ટીકલ-15 ઔર થપ્પડ… ઐસા ક્યા હો ગયા સર, કી પ્યાર સે વિશ્વાસ ઉઠ ગયા ?” કપિલ શર્માના શોમાં આવેલા અનુભવ સિન્હાને પૂછાયેલો આ સવાલ આમ તો કપિલ શર્માએ હસતાં હસતાં પૂછ્યો, પરંતુ આ સવાલની પાછળ રહેલો મર્મ સમજવા જેવો છે. અનુભવ સિન્હાની છેલ્લી ત્રણ ફિલ્મો દેશના સળગતા સવાલ સાથે જોડાયેલી છે. હિન્દુ-મુસલમાનના પરસ્પરના અવિશ્વાસ, સ્ત્રી સાથે થતા અન્યાય અને દલિત સમાજ ઉપર થતા અત્યાચારની કથા પછી એ લઈને આવ્યા છે, ફિલ્મ થપ્પડ.

પતિને પ્રેમ કરતી, એની સાથે આનંદથી, સુખેથી જીવતી સ્ત્રી છૂટાછેડા માગે છે. કારણ છે, પતિએ મારેલી થપ્પડ ! આપણા દેશમાં ડોમેસ્ટીક વાયોલન્સના કિસ્સા સામાન્ય રીતે બહાર આવતા નથી. મોટાભાગની સ્ત્રીઓ પતિની મારપીટ વિશે ફરિયાદ કરતાં અચકાય છે. સૌથી મોટું અને પહેલું કારણ એ છે કે આવી ફરિયાદ કર્યા પછી એને માટે પિયર પાછા ફરવાનો રસ્તો બંધ થઈ જાય છે. આવી ફરિયાદ કરનારી દીકરી કે બહેન, પિયરના પરિવાર માટે ‘મૂર્ખ’ અથવા ‘વધુ પડતી દોઢડાહી’ છે. આવી ફરિયાદ કર્યા પછી પતિ સાથે રહેવાની શક્યતા લગભગ નહિંવત્ થઈ જાય છે અને કદાચ પતિ રાખે તો એની પહેલી શર્ત એ હોય છે કે, હવે પછી મારપીટ થાય તો પણ “અવાજ નહીં જોઈએ !” સ્ત્રી પાસે પણ આ સહન કર્યા સિવાય બીજો રસ્તો રહેતો નથી, કારણ કે એ કમાતી નથી, સંતાનો છે, માતા-પિતાની પ્રતિષ્ઠાનો સવાલ છે, પોતાના ઈમોશનનો સવાલ છે અને સૌથી વધારે ઉછેરમાં ક્યાંક એને ‘સ્ત્રી’ હોવા વિશે કેટલીક ડરામણી બાબતો શીખવી દેવામાં આવી છે. દસ વર્ષ પહેલાં ડોમેસ્ટીક વાયોલન્સ વિશે ઝાઝો ઉહાપોહ નહોતો. જે કમાય, ખવડાવે, સગવડ સાચવે એ ક્યારેક મારે… એમ માનીને જીવી ગયેલી સ્ત્રીઓની સંખ્યા ઓછી નથી.

હવે સમય બદલાયો છે. નવા જમાનાની સ્ત્રી કમાય છે, સાથે સાથે સોશિયલ મિડિયા અને શિક્ષણે સ્ત્રીને પોતાના વિશે અને કાયદા વિશે સજાગ કરી છે, પરંતુ આ પરિસ્થિતિ માત્ર કેટલાક એ કે બી ટાઉનમાં જ છે. ભારતના હજી 70 ટકા પરિવારોમાં સ્ત્રીએ માર ખાધા પછી પણ ચૂપ રહેવું પડે છે. નવાઈની વાત એ છે કે આ વિશે સ્ત્રીઓને પોતાને કોઈ મોટો વાંધો કે તકલીફ દેખાતા નથી. એથી આગળ વધીને જો કોઈ સ્ત્રી આવી ફરિયાદ કરે તો સ્ત્રી જ એને સહન કરી લેવાની સલાહ આપે છે અથવા એના અવાજ ઉઠાવવાના આ પગલાંનો વિરોધ કરે છે !

ડોમેસ્ટીક વાયોલન્સ એ માત્ર શારીરિક ઈજા નથી, ઈમોશન અબ્યુઝ પણ ડોમેસ્ટીક વાયોલન્સનો હિસ્સો છે. ઘરની અંદર સ્ત્રીને પોતાના સ્વમાન વિશે કે એના માનસિક સ્વાસ્થ્યને હાની પહોંચાડે એવા શબ્દો કે વાતો કહેવી એ પણ હવે કાયદાકીય રીતે ગુનો માનવામાં આવે છે, જેની મોટાભાગની સ્ત્રીઓને ખબર જ નથી. કામની જગ્યાએ, વ્યાવસાયિક રીતે કે એડમિશન, પ્રમોશનમાં જો સ્ત્રીને ફક્ત સ્ત્રી હોવાને કારણે અન્યાય કરવામાં આવે તો એ પણ કાયદાકીય રીતે ગુનો બને છે. પિન્ક, સાંઢ કી આંખ, લજ્જા, સેવન ઈન્ડિયન ગોડેસીસ, છપાક જેવી ફિલ્મો સ્ત્રીને થોડીક વાર માટે જગાડે છે. એને પોતાનો અધિકાર માગવા માગે ઉશ્કેરે છે, પરંતુ અહીં સવાલ એ ઉઠે છે આપણી જ્યુડિશીયરી (કાયદાકીય સિસ્ટમ) સ્ત્રીને આ ફરિયાદ સામે કેટલું રક્ષણ આપે છે ?

રેપ જેવા ભયાનક ગુનાથી શરૂ કરીને સામાન્ય ડોમેસ્ટીક વાયોલન્સ કે ફેસબુક અને ટ્વીટર ઉપર સ્ત્રીના માન-સન્માનને હાનિ પહોંચાડતા શબ્દપ્રયોગો, આક્ષેપો સહજતાથી થઈ રહ્યા છે. એ વિશે સ્ત્રી ફરિયાદ કરે તો પણ આવું વર્તન કરનારા નિરાંતે પોતાની જાતને આરોપમાંથી બહાર કાઢી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, જે કાયદો સ્ત્રીને રક્ષણ આપવાનો દાવો કરે છે એ જ કાયદો તોડી-મરોડીને, એના મનફાવતા અર્થ કાઢીને આરામથી સ્ત્રીને જ કાયદાના કટઘરામાં ઊભી કરી શકે છે !

મહેશ માંજરેકરની ફિલ્મ ‘અસ્તિત્વ’ (2000) કે ટાગોરની ‘ચોખેરબાલી’ (1903) જુદી વાત નથી કરતા. સ્ત્રીને પણ શારીરિક જરૂરિયાત હોય એ વાત 1903થી શરૂ કરીને 2000 સુધીની ફરિયાદ બની રહી છે, તેમ છતાં સ્ત્રી બળાત્કાર નથી કરતી. સામે પક્ષે સ્ત્રીના કપડાં, વર્તન, વ્યવહાર, શબ્દોથી શરૂ કરીને કોઈ પણ બાબતને બહાનુ બનાવીને એના પર શારીરિક, માનસિક કે સામાજિક અત્યાચાર થઈ શકે છે, બળાત્કાર, મારપીટ કે ખૂન સુધી કંઈ પણ થઈ શકે છે. આ અત્યાચાર જસ્ટીફાય પણ થાય છે. પુરુષ કદાચ આ અત્યાચારને જસ્ટીફાય કરે તો એને માફ કરી શકાય, પરંતુ જ્યારે સ્ત્રી જ સ્ત્રી ઉપરનો અત્યાચાર જસ્ટીફાય કરે ત્યારે સમાજના વિકાસની આશા રાખવી વ્યર્થ નથી ?

આપણે બધા ઈક્વાલિટીની, સ્ત્રી સમાનતાની વાત કરતા થયા છીએ. દહેજ વિરુદ્ધ કે બળાત્કાર વિરુદ્ધ અનેક કાયદા પણ બન્યા છે, પરંતુ એ કાયદાનો આશરો લેવા જ્યારે સ્ત્રી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં જાય છે ત્યારે એની સાથે જે વર્તન કરવામાં આવે છે (અપવાદ હોઈ શકે છે) એને માટે આપણે કોને જવાબદાર ઠેરવી શકીએ ? મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે, પરંતુ શું ત્યાં ખરેખર સ્ત્રીનો અવાજ સાંભળવામાં આવે છે ? સ્ત્રી માટે જે કાયદા બનાવવામાં આવ્યા છે એ જ કાયદાને છટકબારી બનાવીને છટકી ગયેલા ગુનેગારો વિશે આ દેશ, સમાજ અને સરકાર શું કરી શકે છે ? બંધબારણે થતી મારપીટ પછી સ્ત્રી ચૂપચાપ એ જ પતિને ઘેર પાછી ચાલી જાય ત્યારે પોલીસ પણ શું કરી શકે ? સેક્સ્યુઅલ એસોલ્ટ પછી ફરિયાદ કરવાને બદલે થોડાક રૂપિયા લઈને જ્યારે સ્ત્રી કેસ પાછો ખેંચી લે ત્યારે કાયદો શું કરે ? 498ની ખોટી ફરિયાદ કરીને જ્યારે પુત્રવધૂ નિર્દોષ સાસુ-સસરા કે પરિવારને ફસાવે ત્યારે કાયદો કેવી રીતે કામ કરી શકે ?

માત્ર કાયદો બનાવવાથી કશું થતું નથી. એ કાયદાનો અમલ કરાવનારા લોકોની માનસિકતા બદલવી પડશે. દિલ્હી, યુ.પી., બિહાર કે બંગાળમાં આજે પણ સ્ત્રીને વસ્તુ માનવામાં આવે છે. એન્જિનિયર, ડોક્ટર છોકરાઓના ભાવ બોલાય છે. દહેજ માટે પુત્રવધૂને મારી નાખવામાં આવે છે. કૂખમાં દીકરો ન હોય તો ગર્ભપાત કરવામાં આવે છે… આવા મોટાભાગના કિસ્સામાં પુરુષ જવાબદાર નથી હોતો, સ્ત્રી પણ જવાબદાર હોય છે.

સાસુ તરીકે, મા તરીકે, મોટી બહેન તરીકે કે પછી બહેનપણી કે પડોશણ તરીકે પણ જે સ્ત્રીઓ ચૂપ રહેવાનું શીખવે છે એ બધી આવા ગુના માટે સરખા ભાગે જવાબદાર છે. આપણને ન્યાય જોઈએ છે, તો માગ્યા વગર નહીં મળે. એક વાર ન્યાય માગવા નીકળ્યા પછી પાછા ફરીને જોવાની જગ્યા સામાન્ય રીતે બચતી નથી. યુદ્ધમાં ઉતરેલી દરેક વ્યક્તિએ સામા પક્ષના નુકસાનની સાથે પોતે પણ નાની-મોટી ખુવારી વેઠવી જ પડે છે. છેલ્લા કેટલાય સમયથી એવું જોવા મળે છે કે પોતાની અંગત ખ્વાહીશ પૂરી કરવા માટે સ્ત્રી પોતાના સ્વમાન અને સન્માનને પણ વેચી કાઢે છે. આવી મુઠ્ઠીભર સ્ત્રીઓ બીજી અનેક સ્ત્રીઓને મોટું નુકસાન કરે છે. જે સાચી છે, પીડિત છે, શોષિત છે, અપમાનિત છે એમને પણ સાંભળવામાં નથી આવતી, કારણ કે આવી થોડીક સ્ત્રીઓએ પોતાની અંગત ઈર્ષ્યા, અહંકાર કે સ્વાર્થ માટે કાયદાને ક્યારેક હથિયાર તો ક્યારેક રમકડું બનાવ્યો છે.

આજે પણે વુમન્સ ડે ઉજવી રહ્યા છીએ, પરંતુ સાચા અર્થમાં ક્યાંય વુમન્સ ડે ઉજવાય છે ખરો ? સ્ત્રી પોતાની ગરિમા અને ગૌરવ સાથે જીવવા માગે તો આ સમાજ એને જીવવા દે છે ? જે સ્ત્રી પ્રામાણિકતાથી દંભ વગર પોતાના વ્યક્તિત્વને સમાજ સામે મૂકે એને સમાજ સ્વીકારે છે ? એક સ્ત્રી બીજી સ્ત્રીના સ્વમાન અને સન્માન માટે લડવા ઊભી થાય છે ? જો આ બધું ન કરી શકવાના હોઈએ તો વુમન્સ ડેના નામે ચાલતી બધી ઉજવણી, સમારંભો અને જલસા, પાર્ટી એક નક્કામી પ્રવૃત્તિ સિવાય કંઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *