“હું રોજ મારી પત્નીના પગ દબાવું છું.” જાણીતા ક્રિકેટર હાર્દિક અઠવાડિયે ગયે અઠવાડિયે કરેલા આ વિધાન પછી ઘણા લોકોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા છે. એમણે કહ્યું હતું કે, “ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ કહે છે, કારણ કે જે વ્યક્તિ સારો માણસ હોય એ જ સારો ક્રિકેટર બની શકે !” આ વાત માત્ર ક્રિકેટ માટે જ લાગુ પડે છે ? ના ! વિશ્વની દરેક કારકિર્દી અને જિંદગીના દરેક સંબંધમાં આ વાત સાચી પુરવાર થાય એમ છે. એક “સારો માણસ” જીવનમાં જે કંઈ કરે તે બધું સારું જ થાય… આવું આપણે વારંવાર સાંભળ્યું છે, પરંતુ છેલ્લા થોડા સમયથી જે કંઈ બની રહ્યું છે એમાં જાણે કે આ વાત ખોટી પુરવાર થવા લાગી છે. સારા બનતા, સાચા બનતા, ભલા કે ઉદાર બનતા ડર લાગવા માંડે એવું વાતાવરણ આપણી આસપાસ સર્જાવા લાગ્યું છે. ટ્રોલિંગથી શરૂ કરીને છેતરપિંડી સુધીના અનેક બનાવો એવા છે કે જેમાં માણસની ડાર્ક સાઈડ આપણી સામે રહી રહીને ઉઘડે છે.
આપણે જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય કે આઉટ ઓફ ધ વે જઈને મદદ કરી હોય, જેની ચિંતા કરી હોય, કાળજી કરી હોય, જેને મિત્ર, ભાઈ-બહેન કે સંતાન જેવા માનીને એના સારા-ખરાબ સમયમાં એની બાજુમાં ઊભા રહ્યા હોઈએ એવી વ્યક્તિ જરાક સફળ થાય, પૈસા કમાય કે તરત એનો આપણી સાથેનો સંબંધ અને વ્યવહાર બદલાય… ત્યારે એક સવાલ એવો થાય કે સારો માણસ કયો ? જે તકલીફના સમયમાં રોજ આપણી સાથે વાત કરતો હતો, આપણી મદદ માગતો હતો કે આપણને પ્રેમ કરવાનો દાવો કરતો હતો તે ? કે પછી આપણી સામે આજે એનું જે સ્વરૂપ ઉઘડ્યું છે તે ? આનો જવાબ છે, બંને સાચા ! જ્યારે તકલીફ હતી, પીડા હતી, સમસ્યા હતી ત્યારે એને આપણી જરૂરિયાત હતી. એ વખતનું એનું વર્તન એ સમય માટે સાચું હતું. હવે એને આપણી જરૂર નથી, બલ્કે એની જિંદગી એટલી સરસ રીતે ગોઠવાઈ ગઈ છે કે આપણો સંબંધ એક વધારાની, જૂની વસ્તુ બની ગયો છે ! જેમ જૂના ઘરમાંથી નવા ઘરમાં જઈએ ત્યારે કેટલીક નકામી વસ્તુઓ ત્યાં જ મૂકી દઈએ અથવા કોઈને આપી દઈએ એવી રીતે હવે એનું મન નવા ઘરમાં, નવી પરિસ્થિતિમાં દાખલ થયું છે, એટલે આપણો સંબંધ એને માટે એક જૂની વસ્તુ જેવો છે, જેને માટે એના નવા વાતાવરણ કે મનના નવા ઘરમાં જગ્યા નથી.
બીજી તરફ આપણું મન છે, જે એવું માની બેઠું છે કે આપણે જે કાળજી અને સ્નેહ સામેની વ્યક્તિ ઉપર બતાવ્યા એની અસર એના ઉપર કાયમી છે. એ હવે આપણને એટલો જ પ્રેમ કરશે જેટલો એક વાર કર્યો, એ આપણી સાથે એ જ રીતે વર્તશે જે એની તકલીફના સમયમાં વર્તતા હતા ! એ એવું નથી કરતા એટલે આપણને દુઃખ થાય છે. આપણને એમનું વર્તન “અહેસાન ફરામોશ” જેવું લાગે અથવા “આપણો ઉપયોગ કરી લીધો” એવું આપણને લાગે છે !
આવું થાય ત્યારે સાચું કોણ ? કદાચ બંને ખોટાં છે અથવા બંને સાચાં છે. જુદી પરિસ્થિતિમાં માણસનું મન જુદી રીતે વર્તે છે. સવાલ એ છે કે આ મન, જે આપણા સુખ અને દુઃખ બંનેનું કારણ છે એની સાથે આપણો સંબંધ શું છે ? આપણે બધા જ આ મનના ગુલામ છીએ ?
મઝરુહ સુલતાનપુરીનું લખેલું “સાથી” ફિલ્મનું એક ગીત અહીં જુદી રીતે યાદ આવે,
જો ચલા ગયા ઉસે ભૂલ જા,
વો ન સૂન સકેગા તેરી સદા…
યહી જાન લે વો કોઈ ન થા,
વો ગુબાર થા તેરા હમસફર !
આપણને જે દેખાય છે તે મન તો હિમશીલા (આઈસબર્ગ)ની જેમ ઉપરનું માત્ર એક શિખર છે. અંદર જે છૂપાયેલું છે એ દેખાતું નથી. નવાઈની વાત એ છે કે આપણા સંબંધોની શિપને, વહાણને જે ટકરાય છે અને ગાબડું પાડે છે એ પેલો નહીં દેખાતો હિસ્સો છે ! સંબંધોની નૌકા ડૂબે ત્યારે ઘણા એકબીજાને દોષી ઠેરવે છે, સત્ય એ છે કે બેમાંથી કોઈ દોષી નથી હોતું. આપણે સૌ જુદી જુદી દિશામાં પ્રવાસ કરતા પ્રવાસીઓ છીએ. જ્યારે એક વ્યક્તિ કશુંક શોધતી હોય, ત્યારે બીજી વ્યક્તિ કંઈક બીજું જ શોધતી હોય… બંનેની શોધ અલગ હોય ત્યારે, બંનેના રસ્તા અલગ થઈ જાય એ સ્વાભાવિક છે. બે રસ્તા જુદા પડે, એટલે પ્રવાસની દિશા બદલાઈ જાય.
આપણે આ બદલાતી દિશાને સ્વીકારી લઈએ તો મન ઓછું દુઃખી થાય. જે વ્યક્તિ આપણી લાગણી, પ્રયાસ કે કાળજીને ભૂલીને પોતાની દિશામાં જવા માંગે છે એને અટકાવવાનો પ્રયાસ આપણને પીડાની દિશામાં લઈ જશે. જ્યારે, જેની મદદ કરી એ જ સમયે ભૂલીને જો આપણે આગળ વધી જઈએ તો કદાચ આપણને પાછળ છૂટ્યાની લાગણી નહીં થાય. જો પ્રવાસ કરવાનો જ હોય, છૂટા પડવાનું જ હોય તો આપણે પણ ચાલવા માંડવું જોઈએ… જે અટકી જાય છે એ ભટકી જાય છે ! જે ચાલવા લાગે છે એના રસ્તા આપોઆપ ઉઘડતા જાય છે.