“મને સંઘર્ષની કોઈ નવાઈ જ નથી. મારા પિતા મીઠાભાઈ કનોડિયા મિલમાં કામ કરતા. અમે દોઢ વર્ષની ઉંમરે મા ગુમાવી. આજે મારી માનો કોઈ ફોટો મારી પાસે નથી. ‘મા’ના નામે યાદ કરું તો મને મહેશભાઈ જ યાદ આવે છે.” 19મી ઓગસ્ટે, સાંજે, એમની બર્થડેના આગલા દિવસે નરેશ કનોડિયા સાથેના ઈન્સ્ટાગ્રામ ચેટમાં આ કહેતાં કહેતાં એમનું ગળું ભરાઈ આવ્યું હતું, “નાનકડા ઝૂંપડામાં મહેનત મજૂરી કરીને અમે ભાઈ બહેનો અમારું ગુજરાન ચલાવતા. મહેશભાઈ સૌથી મોટા. એમણે અમારી ખૂબ કાળજી કરી. આજે હું જે કંઈ છું એમાં મહેશભાઈનો ઉપકાર ભૂલાય એમ નથી.” કેવો સ્નેહ હશે બે ભાઈઓનો… કે સાથે સંઘર્ષ કર્યો, સાથે જીવ્યા અને બે જ દિવસના અંતરે આ દુનિયા છોડી ગયા.
મહેશભાઈ કનોડિયાનો દેહાંત 25 ઓક્ટોબર, 2020ના દિવસે થયો. નરેશભાઈ ત્યારે કોરોનાને કારણે હોસ્પિટલમાં હતા. બે જ દિવસ પછી નરેશભાઈએ પણ શરીર છોડી દીધું. બંને ભાઈઓ જાણે કે એકબીજાની કંપની વગર ન જ રહી શકતા હોય એમ, મહેશભાઈની પાછળ પાછળ નરેશભાઈ પણ ચાલી નીકળ્યા. એમની સંઘર્ષ કથા, અને સફળતાની કથા કોઈ ફિલ્મની સ્ટોરી કરતા ઓછા ઈન્સ્ટ્રેસ્ટીંગ નથી. મુંબઈ શહેરમાં સંઘર્ષ કરવા પહોંચ્યા ત્યારે બંને જણા દિવસે કામ કરતા અને સાંજ પછી શો કરતા. ક્યારેક ખાવાનું પણ પૂરતું ન મળ્યું હોય એવા દિવસો જોયા પછી જ્યારે સફળતા મળી ત્યારે છકી જવાને બદલે, નરેશભાઈ અને મહેશભાઈએ એ સફળતાને ઈશ્વરનો આશીર્વાદ માનીને પૂરી નમ્રતાથી આવકારી. જ્યારે એક સાથે ત્રણ-ત્રણ થિયેટરના નરેશ કનોડિયાની ફિલ્મો ચાલતી હોય ત્યારે પણ એમણે શુટિંગમાં એક દિવસની રજા નથી પાડી !
“હું હાલોલ કે લક્ષ્મી સ્ટુડિયોમાં શુટિંગ કરતો, એવો આગ્રહ રાખતો કે શુટિંગ ત્યાં જ હોય, કારણ કે સાત વાગ્યે મને દિગ્દર્શક છોડે એટલે મેકઅપ ઉતારું, તો ક્યારેક ઉતાર્યા વગર પણ સીધો ગાડીમાં બેસું. ભરૂચ, સુરત અને ગુજરાતના શો માટે સીધો થિયેટર પર પહોંચું. કપડાં ક્યારેક ગાડીમાં બદલું તો ક્યારેક બેકસ્ટેજ… પછી ‘જોની જુનિયર’નો કિરદાર નિભાવું. ‘મહેશ-નરેશ’ના શો એ વખતે ધમધોકાર ચાલતા. લગભગ રોજ શો હોય. રાત્રે અગિયાર-સાડા અગિયારે શો પૂરો થાય એટલે ગાડી તૈયાર હોય. આવીને ગાડીમાં ઉંઘી જાઉં. હાલોલ કે લક્ષ્મી સ્ટુડિયો પહોંચું. થોડાક કલાકની ઉંઘ ક્યારેક મળે ને ક્યારેક ન યે મળે ને પછી સવારે સાત વાગ્યે મેકઅપ કરીને ફરી પાછો સેટ પર હાજર થઈ જાઉં. આવું મેં ઓછામાં ઓછા દસ વર્ષ કર્યું છે.” નરેશભાઈએ પોતાના જીવનની કથા મને કહેવાનું પસંદ કર્યું એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. બર્થડેની આગલી સાંજે હું જ એમની સાથે ઈન્સ્ટા-લાઈવ કરું એવો એમનો આગ્રહ, મારે માટે આશીર્વાદ જ હતો !
એ દિવસે એમણે કહેલું, “નાની નાની વાતમાં અકળાઈ જતા, ઉશ્કેરાઈ જતા કે આત્મહત્યા તરફ વળી જતા આ યુવાનોને જોઉં ત્યારે મને થાય કે અમારા જેવો સંઘર્ષ કરવો પડે તો આ લોકો શું કરે !” એમની વાત સાવ સાચી હતી. એમણે જ્યાંથી શરૂ કર્યું એ સ્થળેથી એ જ્યાં પહોંચ્યા, એનો વિચાર કરવો પણ અશક્ય હતો.
ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ લખવો હોય તો ‘નરેશ કનોડિયા’ના નામ વગર પૂરો ન થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને ‘મિલેનિયમ મેગાસ્ટાર’નું બિરુદ આપ્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે 2012માં એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. એકાવન વર્ષની એમની ફિલ્મીયાત્રામાં એમણે 128 ફિલ્મો કરી. ત્રણ સંતાનો, હિતુ, સુરજ અને સરજુ (દીકરી) સાથે એક સરસ મજાના પરિવાર સાથે નરેશભાઈ છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગરમાં રહેતા હતા. 51 વર્ષમાં એમણે 56 અભિનેત્રીઓ સાથે કામ કર્યું. ઈન્સ્ટા લાઈવ વખતે મેં એમને પૂછેલું, “દર વખતે નવી અભિનેત્રી લઈ આવો તો ઘરમાં ઝઘડા થાય?” એમણે હસીને કહેલું, “બહાર ભલે હું મેગાસ્ટાર હોઉં, પણ ઘરમાં તો મારી રતનનું જ ચાલે !” આ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. આટલા મોટા સ્ટાર બન્યા પછી મહેશભાઈ અને નરેશભાઈમાં જે સરળતા અને નમ્રતા હતી, એ ગુજરાતી ફિલ્મના બીજા કોઈ અભિનેતાઓમાં ભાગ્યે જ જોવા મળી છે.
માત્ર ફિલ્મી કારકિર્દી જ નહીં, વિધાનસભા અને સંસદની ચૂંટણી પણ મહેશભાઈ, નરેશભાઈ અને હવે હિતુભાઈ જીત્યા છે. લોકોનું સમર્થન અને પ્રેક્ષકોનો સ્નેહ એમને મળતો રહ્યો છે.
શરૂઆત થયેલી સાવ સાદા ઓરકેસ્ટ્રામાં ગાવાથી. મહેશભાઈને કુદરતી આશીર્વાદ હતા. એ લતા મંગેશકર સહિત કેટલાય કલાકારોના અવાજમાં ગાઈ શકતા. પહેલાં અન્યની ઓરકેસ્ટ્રા પાર્ટીમાં મહેશભાઈએ ગાવાનું શરૂ કર્યું. પછી, નરેશભાઈ મોટા થયા ત્યારે એ આવા કાર્યક્રમોમાં ડાન્સ કરતા થયા. ફૂંક મારીને આગળની લટ ઉડાડવાની એમની સ્ટાઈલ આજે પણ કોપી થાય છે ! એમની એનર્જી ત્યારે તો અદભુત હતી જ, પરંતુ 77 વર્ષે પણ એમણે કોરોનાને ભગાડવા માટે ઢોલ વગાડીને પોતાની એનર્જી ઘટી નથી, એ દેખાડી આપ્યું હતું. બીજાના કાર્યક્રમોમાં જે પ્રકારનો પ્રતિસાદ મળવા લાગ્યો એનાથી એમને પોતાનું ગૃપ સ્થાપવાનો વિચાર આવ્યો. ‘મહેશ-નરેશ એન્ડ પાર્ટી’ના દેશ-વિદેશમાં હજારો શો થઈ ચૂક્યા છે. મ્યુઝિકલ કાર્યક્રમો અને એમાં મનોરંજન પણ સમાવી શકાય એ વિચાર જ ‘મહેશ-નરેશ એન્ડ પાર્ટી’થી શરૂ થયો. નરેશભાઈ ખુબ સારા મિમિક્રિ કલાકાર… ભલભલા સ્ટારના અવાજ અને સ્ટાઈલ કોપી કરતા. એમને જોઈને ચાલુ કાર્યક્રમમાં એક પ્રોડ્યુસર મળવા આવ્યા. એમણે નરેશભાઈને પહેલી ફિલ્મ ઓફર કરી, સંજીવકુમાર અને કાનન કૌશલ અભિનીત ‘જીગર અને અમી’ (1970)માં એમને નાનકડો રોલ મળ્યો. એ પછી તો જાણે કે કોઈ વિમાન ટેક ઓફ થયું હોય એમ નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોમાં છવાઈ ગયા.
હું લગભગ દસ વર્ષની હોઈશ. મારા પિતા દિગંત ઓઝા ‘સૂત્રધાર ઈન્ટરનેશનલ’ નામની કંપની ધરાવતા, જે ગુજરાતી ફિલ્મોના પ્રચારનું કામ કરતી. નરેશભાઈની ફિલ્મ ‘વણઝારી વાવ’ રિલિઝ થયેલી અને અમે એનો પ્રિમિયર જોવા ગયા હતા. નરેશભાઈ લેધરનું જેકેટ અને જીન્સ પહેરીને ગાડીમાંથી ઉતર્યા ત્યારે મેદની જે રીતે એમને વધાવતી હતી એ દ્રશ્ય હું આજે પણ ભૂલી નથી ! એ સાચા અર્થમાં સુપરસ્ટાર હતા. સાવ નીચલા મધ્યમવર્ગના બે અઢી રૂપિયાની ટિકિટ લઈને ફિલ્મ જોનારા લોકોથી શરૂ કરીને મોટા-મોટા પ્રોડ્યુસર્સ સુધી નરેશભાઈ સૌના ડાર્લિંગ હતા… એમણે ક્યારેય પણ સેટ પર ટેન્ટ્રમ કર્યા હોય, કોઈ પ્રોડ્યુસરને હેરાન કર્યા હોય કે કોઈનું અપમાન કર્યું હોય એવા સમાચાર સાંભળવા મળ્યા નથી.
સિલ્કના લૂંગી-કૂર્તામાં ગાડીમાંથી ઉતરતા નરેશ કનોડિયાને જોવા 70 અને 80ના દાયકામાં હજારો લોકોની ભીડ ભેગી થતી. એ વખતે સિનેમામાં ત્રણ ક્લાસ રહેતા. લોઅર, અપર અને બાલ્કની… લોઅર ક્લાસમાંથી ફેંકાતા પૈસાને કારણે સિનેમાના સ્ક્રિનને નુકસાન થયું હોય એવો એક માત્ર ગુજરાતી સ્ટાર એટલે નરેશ કનોડિયા ! ઉપેન્દ્ર ત્રિવેદીની કમબેક ફિલ્મ ‘મા-બાપને ભૂલશો નહીં’માં જ્યારે નરેશભાઈને ગેસ્ટ એપિયરન્સ માટે વિનંતી કરવા જ્યારે દિગ્દર્શક આત્મારામ ઠાકોર ગયા ત્યારે એમને સહેજ સંકોચ હતો. મોટાભાગના લોકો એમ માનતા કે ઉપેન્દ્રભાઈ અને નરેશભાઈ વચ્ચે વ્યવસાયિક હરીફાઈ હતી… નરેશભાઈ પૂરા આદર અને સ્નેહથી તૈયાર થયા એટલું જ નહીં, એ ફિલ્મમાં એમની એન્ટ્રી વખતે (1999) ફરી એકવાર પૈસા ફેંકાયા !
એમની ફિલ્મો જુદા પ્રકારની હતી, કારણ કે ત્યારે પ્રેક્ષકવર્ગ જુદા પ્રકારનો હતો. ત્યારે દિગ્દર્શકો અને નિર્માતાઓ પણ જુદા પ્રકારના હતા. ગુજરાતી ફિલ્મોના અર્થશાસ્ત્રને જેણે પાયામાંથી ઊભું કર્યું એવા બે કલાકારો, નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સતત યાદ રાખવા પડશે. આજે નરેશભાઈ આપણી વચ્ચે નથી, ગુજરાતી ફિલ્મોનો એક નવો દૌર શરૂ થયો છે. યુવાનોની એક આખી નવી પેઢી ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષાઈ રહી છે ત્યારે આ ફિલ્મો જેને કારણે બની, ચાલી અને પ્રેક્ષકોને જેમણે ગુજરાતી ફિલ્મો જોવા તૈયાર કર્યા એવા મિલેનિયમ મેગાસ્ટારની વિદાય ગુજરાતી સિનેમાના એક આખા ઈન્સ્ટિટ્યૂશનની, એક ઈતિહાસની અને એક લાઈબ્રેરીની વિદાય છે. નરેશભાઈ ! તમે ક્યારેય ગુજરાતી પ્રેક્ષકના હૃદયમાંથી વિદાય થઈ શકો એમ નથી…