એક વાચકનો ઈ-મેઈલ છે, “રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના સંબંધ વિશે કંઈ બોલો અથવા લખો…” એમનો ઈ-મેઈલ તો ખૂબ લાંબો છે. જેમાં એમણે પોતાની બહેન સાથે થયેલા પ્રોપર્ટીના ઝઘડા વિશે વિગતો લખી છે. પિતા ગુજરી ગયા ત્યારે બહેનની ઉંમર અગિયાર વર્ષની હતી. ઓગણીસ વર્ષના ભાઈએ શિક્ષણની સાથે નોકરી કરીને બહેનને મોટી કરી, ભણાવી અને પરણાવી. કરમસદના ઘર અને નડિયાદના બંગલાની સાથે અમદાવાદનો ફ્લેટ અને બીજી જમીનોના ત્રણ ભાઈઓ વચ્ચે સરખા ભાગ કરવામાં આવ્યા. ત્રણેય ભાઈઓએ પોતાના ભાગમાંથી વીસ ટકા બહેનને આપ્યા… અહીંથી ઝઘડો શરૂ થયો. બહેનનું કહેવું હતું કે ચાર સરખા ભાગ થવા જોઈએ…
સવાલ કૌટુંબિક વારસામાં સ્ત્રીનો અધિકાર ગણવો જોઈએ કે નહીં એ વિશેનો નથી. સવાલ એ છે કે આ વારસો મેળવવા માટે શું અને કેટલું થઈ શકે અથવા કરવું જોઈએ ! બહેને કોર્ટમાં કેસ કર્યો, ભાઈઓ સામે પોલીસ ફરિયાદ કરી, એટલું જ નહીં ભાણીએ સગા મામા વિરુદ્ધ મોલેસ્ટેશનની ફરિયાદ કરી. મામાને બે રાત પોલીસસ્ટેશનમાં વિતાવવી પડી.
પારિવારિક સંપત્તિ આટલી અગત્યની હોઈ શકે ? આવા સવાલો વિશે વિચારીએ ત્યારે સમજાય છે કે આપણે બધા અજાણતાં જ સ્ત્રી તરફી એક સહાનુભૂતિનું વલણ ધરાવીએ છીએ. સમાજમાં સ્ત્રીને જોઈએ તેટલો ન્યાય કે સન્માન નથી મળતું એ વાત સાચી છે. સદીઓ પછી પણ દીકરીને બોજ ગણવામાં આવે કે બહેનને મિલકતનો ભાગ ન મળે એવું મોટાભાગના કુટુંબોમાં બનતું હોય છે. વિધવાને એના સંતાન સાથે કાઢી મૂકવામાં આવે, એવા દાખલા ઓછા નથી. તેમ છતાં, પારિવારિક સંપત્તિનું મહત્વ સંબંધ કરતાં વધુ હોઈ શકે ? આપણે બધા આ સવાલનો જવાબ જાણીએ છીએ, તેમ છતાં આપણું વલણ સંપત્તિ અને સંબંધ પરત્વે બદલાવા લાગ્યું છે. મોટાભાગના પરિવારોમાં હવે સંપત્તિનું મહત્વ સંબંધ કરતાં વધવા લાગ્યું છે.
એક જમાનો હતો જ્યારે ભાઈ-બહેનના સંબંધમાં ક્યારેય પૈસા કે સંપત્તિ વચ્ચે નહોતા આવતા. હજી પણ એવા પરિવારો છે જેમાં એવી દ્રઢ માન્યતા છે કે બહેન-ભાણેજને જેટલું આપો એટલું ઓછું ! આવી માન્યતા શા માટે હશે, એનો અભ્યાસ કરીએ તો સમજાય કે ખાતા-પીતા ઘરમાં ઉછરેલી દીકરી જ્યારે પરણીને પારકે ઘેર જાય ત્યારે પોતાને ઘેર મળતી સ્વતંત્રતા એને સાસરામાં મળતી નથી. ઘરમાં દૂધનો ગ્લાસ એના હાથમાં મૂકવામાં આવતો હોય, પરંતુ સાસરે ગયા પછી, “ચા નથી પીતી, દૂધ ભાવે છે” એવું કહેવાની હિંમત કે સ્પષ્ટતા ઘણી દીકરીઓમાં નથી હોતી. નહીં ભાવતું શાક કે ગમતી વસ્તુ વિશે વાત કરવાની છૂટ બધા ઘરોમાં આજની તારીખમાં પણ છે એવું આપણે નહીં જ કહી શકીએ.
આપણા સમાજમાં આજે પણ દીકરીને મળતી સ્વતંત્રતાના પરિમાણો બદલાયાં છે, પરંતુ પુત્રવધૂ સાથે આપણે વધુ સંકુચિત અને વધુ કડક બન્યા છીએ. આ વાત મોટા શહેરોના સંભ્રાંત પરિવારોની નથી, મધ્યમ અને નીચલા મધ્યમવર્ગમાં પુત્રવધૂ સાથે કરવામાં આવતું વર્તન ક્યારેક અક્ષમ્ય હોય છે. ગુજરાતમાં હજી પણ દહેજ અને બીજા પ્રશ્નો ઓછા છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર કે બંગાળ-ઓરિસ્સાના રાજ્યોમાં પુત્રવધૂનું મૃત્યુ થાય તો પિયરપક્ષ મૃત્યુનું કારણ પણ ન પૂછી શકે એવા કિસ્સા બનતા રહે છે ! આવા સમયમાં ઘણીવાર બહેનના વર્તન અંગે ગેરસમજણ પણ થઈ શકે. બહેનને કશું ન જોઈતું હોય પણ એનો પરિવાર-શ્વસુર પક્ષ એને પોતાનો ભાગ માંગવા મજબુર કરતો હોય એવું પણ બને.
આપણે બધા જે સમાજમાં જીવી રહ્યા છીએ એ સમાજ સ્ત્રીની સ્વતંત્રતા અને શિક્ષણ વિશે મોટી મોટી વાતો ચોક્કસ કરે છે, પરંતુ આજે પણ જો ભાઈ-બહેનમાંથી એકને અંગ્રેજી માધ્યમમાં ભણવાનું કે એકનું જ શિક્ષણ ચાલુ રાખવાનું હોય તો એ દીકરો હોય, દીકરી નહીં એટલું નક્કી છે. છેલ્લા થોડા સમયથી સમાજમાં થોડી જાગૃતિ આવી છે, એમ માની લઈએ તો પણ દીકરીને ભણાવવાથી એ ‘વંઠી જાય’ અને એને સારું ઘર કે સારો છોકરો ન મળે એવું માનનારા લોકોની સંખ્યા ઓછી નથી. ભાઈ-બહેનની વચ્ચે આ ભેદભાવને કારણે કદાચ બાળપણથી જ બહેનના મનમાં ભાઈ વિશે કેટલીક કડવાશ રોપાવા લાગે છે. દીકરાને વધુ મહત્વ આપતી મા ભાઈ-બહેનના સંબંધને બગાડવાનું કામ કરે છે. મોટાભાગની મોડર્ન મમ્મી પણ આમાં અપવાદ નથી, કારણ કે આજે પણ દીકરાનું આકર્ષણ કે ઘેલછા ઓછી થઈ નથી.
ભારતીય જનસમાજમાં દીકરાને મળતી છૂટ કે સ્વતંત્રતા દીકરીને મળતી નથી. મોટાભાગના ઘરોમાં માતા-પિતા માને છે કે, “તાંબાનો લોટો, ઘસો એટલે ઉજળો” એટલે દીકરાના ચારિત્ર્ય વિશે સજાગ કે સભાન રહેવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. દીકરી પરિવારની પ્રતિષ્ઠા માનવામાં આવે છે, એટલે એના ઉપર અનેક પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવે છે. દીકરો મોટો થાય અને મિત્રોમાં બેસવા લાગે એટલે એ લોકો જે વાત કરે અને છોકરીઓને જે રીતે જુએ એનાથી પોતાની કાચી માનસિકતા પર પડેલી છાપ લઈને ભાઈ પણ બહેનની સ્વતંત્રતા પર કાપ મૂકવાનું શરૂ કરે છે. માતા-પિતાના વર્તનમાં અને ભાઈના વર્તનમાં પોતાની ઉંમર સાથે આવેલો બદલાવ બહેનને સમજાતો નથી, એટલે અકળામણ થાય છે, જેમાંથી વિદ્રોહ જન્મ લે છે.
ઘર છોડીને ખોટા માણસ સાથે ભાગી જતી દીકરીઓ કે કાચી ઉંમરે સંબંધમાં ભૂલ કરી બેસતી દીકરીઓની જિંદગી બરબાદ થાય છે, એ સાચું છે. જે પરિવારમાં માતા-પિતા અને ભાઈ-બહેન એકબીજા સાથે ખુલ્લા હૃદયે વાત કરી શકે, એ પરિવારમાં આવી સમસ્યાઓ થતી નથી.
એક બહેન જ્યારે પોતાના ભાઈની સામે સાચા-ખોટા કેસ કરે, એની પાસે સંપત્તિની માગણી કરે ત્યારે દુઃખી થવાને બદલે બહેન અને એના પરિવાર સાથે સ્પષ્ટતાથી વાત કરવી જોઈએ, એવી સલાહ મેં મારા વાચક ભાઈને આપી છે. આજે, રક્ષાબંધનના પર્વ નિમિત્તે મારે બધા જ ભાઈ-બહેનને કહેવું છે કે એક માના ઉદરમાં આળોટીને મોટા થયેલા, એક ડીએનએ ધરાવતા બે જણા જો એકબીજા સાથે લાગણીથી જોડાયેલા રહે તો ખરાબ સમયમાં એકબીજાનો સધિયારો રહે છે. કરોડોની સંપત્તિ ઉપર કબ્જો મળી જાય તો પણ એ સંપત્તિ આપણી સાથે જવાની નથી, એ સમજણ જે દિવસે આવે ત્યારે જો સંબંધ આપણાથી દૂર થઈ ગયો હશે તો પીડાનો પાર નહીં રહે.
જો, ઘણા સમયથી અબોલા હોય, મનદુઃખ થયું હોય, ખોટું લાગ્યું હોય કે કંઈ બોલાઈ ગયું હોય તો આ લોકડાઉન પછીના પહેલા રક્ષાબંધન નિમિત્તે સંબંધની રક્ષા કરી લેજો. ભાઈ-બહેનનો સંબંધ ઈશ્વરે અથવા નિયતીએ બાંધેલો સંબંધ છે… સંપત્તિ કરતાં વધુ મહત્વનો છે.