સ્ત્રી સન્માન ભીખ કે ભેટ નથી જ

આપણે સન્માનની અપેક્ષા પુરુષો પાસે રાખીએ છીએ, એ આપણી સૌથી મોટી ભૂલ છે. સૌથી પહેલું તો સ્ત્રીએ સ્ત્રીનું સન્માન કરવાનું છે. સ્ત્રીએ જ સ્ત્રીની પડખે ઊભા રહેવાનુંછે

मदद चाहती है ये हौवा की बेटी यशोदा की हमजिंस, राधा की बेटी पयम्बर की उम्मत, ज़ुलयखां की बेटी जिन्हें नाज़ है हिन्द पर वो कहाँ है

સાહિર લુધિયાનવીની આ પંક્તિઓ આજથી છ દાયકા પહેલાં લખાઈ છે. એ સમયનો માહોલ કે માનસિકતા જો આ રહી હોય તો સાઠ વર્ષ પછી પણ આ પંક્તિઓ કેમ કન્ટેમ્પરરી અથવા સાચી લાગે છે? આ દેશમાં આજથી હજારો વર્ષ પહેલાં પણ સ્ત્રી સન્માનના શ્લોક લખાયા. એ પછી કેટલાંય ગીતો અને કવિતાઓ સ્ત્રીનાં સન્માન અને એના ઈમોશન સાથે જોડાયેલી અભિવ્યક્તિ કરતાં રહ્યાં. આપણે બધા જ સ્ત્રી સન્માન વિશે મોટી-મોટી વાતો કરીએ છીએ. પોતાની મા વિશે વાત કરતાં કરતાં ગળગળા થઈ જતા, ઈમોશનલ થઈ જતા લોકોને આપણે જોયા, સાંભળ્યા છે, પરંતુ એ જ લોકો જ્યારે બીજા કોઈની પત્ની, મા કે બહેન વિશે વાત કરે ત્યારે ઘસાતી ભાષા વાપરતા કે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા અચકાતા નથી.

હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘હેલ્લારો’માં કચ્છના ‘વાંઢ’ વિસ્તારની કથા રજૂ કરવામાં આવી છે. કચ્છના ‘વાંઢ’ વિસ્તારમાં આકાર લેતી આ કથા માત્ર ગરબા રમવા સામેનો પ્રતિબંધ નથી, પરંતુ એના વિરોધમાં સ્ત્રીની મુક્ત અભિવ્યક્તિ છે અને એના સ્ત્રીત્વના અપમાનની સામેનો આક્રોશ છે. કચ્છના વ્રજવાણી ગામમાં 140 સ્ત્રીઓ ઢોલીના તાલે ઝૂમતી રહી અને એ ગામના પુરુષોની જે ગેરસમજણ હોય એના પ્રતાપે ઢોલીનું મસ્તક ઉડાડી દેવામાં આવ્યું. આ લોકકથા અહીં અટકતી નથી. પોતાનો પતિ કે પ્રેમી ન હોવા છતાં, આ 140 (સાત વીસું) સ્ત્રીઓએ પોતાના પ્રાણ ત્યાગ કર્યા. આ કોઈ ‘સતી’ થયાની કથા નથી. તેમ છતાં પોતાના ચારિત્ર્ય પર શંકા કરનાર પુરુષોને પાઠ ભણાવવા માટે જાતને હોમી દેતી સ્ત્રીઓ વ્રજવાણીમાં સતી તરીકે પૂજાય છે.

સતી કોઈ વ્યાખ્યા કે વ્યક્તિ નથી. જે સ્ત્રી પોતાના સન્માન માટે શરીર કે અસ્તિત્વને હોમી શકે એ બધી સ્ત્રીઓ સતી નથી? આપણે ક્યાંક ટૂંકી વ્યાખ્યાઓ અને આપણી ઓછી માનસિકતાઓ સાથે સ્ત્રીને નાનકડા પાંજરામાં પૂરીને એના ચારિત્ર્ય વિશે ઘોંચ પરોણા કરતા શીખી ગયા છીએ. આનું કારણ કદાચ એ છે કે, સ્ત્રીના ચારિત્ર્ય ઉપર આંગળી ચીંધવી સરળ છે. આપણી સદીઓની માનસિકતા અને એની સાથે જોડાયેલી માન્યતાઓએ સ્ત્રીને ‘વસ્તુ’ બનાવી દીધી છે. લગ્નમાં ‘કન્યાદાન’ એ અત્યંત પુણ્ય અને પવિત્ર વિધિ છે. પોતાની લાડકોડથી ઉછેરેલી, અત્યંત વહાલી એવી અસ્તિત્વનો હિસ્સો છે એ દીકરીને બીજાને ઘેર મોકલતા પિતા એનાથી પોતાની જાતને અળગી કરી શકે, એના સંસારમાં માથું ન મારે અને એને હવે એના સંસારમાં સુખી થવા દઈ શકે એ માટે કરવામાં આવેલી આ વિધિને આપણે કઈ રીતે જોઈએ છીએ? કન્યાવિદાય વખતે રામણ દીવો એકબીજાને આપવામાં આવે છે. આ દીવો એક્સચેઇન્જ કરવાનું પ્રતીક એ છે કે, એકબીજાના ઘરનું અજવાળું હવે એકબીજાને ઘેર નવો ઉજાસ પાથરશે, પરંતુ પત્ની અથવા પુત્રવધૂને જે સન્માન મળવું જોઈએ એ આપણે આપીએ છીએ ખરા?

બાર મહિના જમાડતી અન્નપૂર્ણા, સંતાનને જન્મ આપતી જગતજનની, પરિવારનાં સુખદુઃખમાં ઊભી રહેતી દુર્ગા, ઘરનું ઈકોનોમિક્સ ઢાંકી-ઢૂબીને સંભાળતી લક્ષ્મી, સંતાનોના શિક્ષણ માટે ઉજાગરા કરતી સરસ્વતી કે પરિવારના કલ્યાણ માટે ત્રિશૂલ ઉપાડતી કાલી શું એક જ સ્ત્રીમાં નથી હોતી? એ સ્ત્રી થોડીક સ્વતંત્રતા માગે, ઊડવા માટે પોતાનું આકાશ માગે કે અભિવ્યક્તિ માટે પોતાના શબ્દો પોતાના અવાજમાં કહે એ કેમ મંજૂર નથી હોતું?

પોતાની જાતને સમાજના ઠેકેદાર માનતા કેટલાક લોકો બીજાના ચારિત્ર્ય વિશે ન્યાય તોળવો એ પોતાનો અધિકાર સમજે છે. આવા લોકો પોતાની મા, બહેન કે દીકરી વિશે પ્રોટેક્ટિવ અથવા અત્યંત સંવેદનશીલ હોય છે, પરંતુ એ જ્યારે બીજી સ્ત્રીઓ વિશે ઘસાતું બોલે કે લખે ત્યારે એમની સંસ્કૃતિ અને સભ્યતાને ઊની આંચ આવતી નથી! આવા લોકો માટે સૌથી અઘરી બાબત એ છે કે બદલાતા સમય સાથે એમણે સ્ત્રીની બદલાતી છબી અને માનસિકતાનો સ્વીકાર કરવો પડે છે. આ લોકો કદાચ મનોમન સમજે છે કે સ્ત્રીને જો મુક્ત કરી દેવામાં આવશે તો એની પાંખો આખા જગતને આવરી શકે એટલી વિશાળ ફેલાઈ શકે છે. સ્ત્રીને જો અભિવ્યક્ત થવા દેવામાં આવશે તો રંગોળી, રસોઈથી શરૂ કરીને રાજકારણ સુધી, શબ્દથી શરૂ કરીને સંતાન સુધી એનું સર્જન વિસ્તરી શકે છે. સત્ય તો એ છે કે જે લોકો પોતાની જાતને સમાજના ઠેકેદાર સમજે છે અથવા સ્વઘોષિત જાહેર કરે છે એમની પાસે પાવરફુલ લોકો સાથે સંઘર્ષમાં ઊતરવાની હિંમત નથી! ત્યાં એમનું કોઈ સાંભળે એમ નથી એની એમને ખબર છે! નહીં તો ગૂગલ પર દેખાતા, વાઇરલ થતા ગંદા વિડિયો, રોસ્ટના નામે ચાલતી ગાળાગાળી કે સ્ટેન્ડઅપ કોમેડીના નામે બોલાતી બીભત્સ ભાષા સામે આ ઠેકેદારો કેમ કંઈ કરતા નથી? જે સમાજ બગડવાની એમને બીક છે એ આ બધ ખુલ્લેઆમ જોઈ રહ્યો છે, વાઇરલ કરી રહ્યો છે, પરંતુ એ વિશે કંઈ થશે નહીં  હા, બીજાની મા, બહેન, દીકરી પર આંગળી ચીંધતા  લોકો સંસ્કૃતિ અને સભ્યતાના નામે કોઈકની ગૃહલક્ષ્મીને અપમાનિત કરી શકે છે, પરંતુ જગતભરમાં ચાલતી વેબસિરીઝ, સિનેમાના સેક્સ અને વાઇલન્સ સામે ચૂં કે ચાં કરવાની એમની હિંમત નથી કે પછી એમની પહોંચ નથી? હોર્ડિંગ પર દેખાતી અર્ધનગ્ન સ્ત્રીઓ કે વેબ સિરીઝમાં દેખાડવામાં આવતાં દૃશ્યો એમને દેખાતાં નથી, કારણ કે એમને જોવાં જ નથી. આવા કહેવાતા સંસ્કૃતિના રક્ષકો કે સમાજના ઠેકેદારોને ફક્ત એટલી જ જગ્યાએ પહોંચવું છે જ્યાંથી એમને પ્રસિદ્ધિ કે પબ્લિસિટી મળે. એમના મળતિયાઓ કે એમના જેવા જ એમના સપોટર્સ પણ સાચા અર્થમાં સામાજિક પ્લેટફોર્મ પર કશું કરવા માગતા નથી, કરી શકે એમ જ નથી.

પોતે જે સ્ત્રી વિશે વાત કરે છે એ કોઈનીમા, બહેન, પત્ની કે પ્રેમિકા છે એ વાતને ત્યારે કન્વિનિયન્ટલી ભૂલી જવામાં આવે છે. આનું કારણ કદાચ એ છે કે આપણા પરિવારોમાં આપણે ગમે તેટલી ‘સંસ્કાર અને સંસ્કૃતિ’ની વાત કરીએ તો પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ઉછેરનો ભેદ હજી આપણે ટાળી શક્યા નથી. એનું પરિણામ કદાચ એવું આવ્યુંછે કે પુરુષોને પોતાના અસ્તિત્વો વિશે એક વિચિત્ર પ્રકારનો અહંકારબોધ થતો રહે છે. પરિવારના બ્રેડવિનર કે એકમાત્ર કમાનાર વ્યક્તિ તરીકે દીકરાને ઉછેરવામાં આવે છે. આપણે દીકરીને ભણાવીએ છીએ, પ્રોફેશનલી આગળવધવાની પ્રેરણા કે પ્રોત્સાહન પણ આપતા થયા છીએ તેમ છતાં, દીકરી, પત્ની, બહેનના ચારિત્ર્ય વિશે હજી એવું માનવામાં આવે છે કે જો એમણે કંઈ આડુંઅવળું કરું તો પરિવાર ની પ્રતિષ્ઠા ઉપર મોટું લાંછન આવે છે. દીકરો કંઈ ખોટું કરે, કોઈની દીકરીને ભોળવે, એની સાથે શારીરિક સંબંધ રાખે, એના વિડિયો ઉતારે કે કોઈની દીકરી, બહેન વિશે ઘસાતું બોલે તો એને વઢીને કે ધમકાવીને વાત સંકેલી લેવામાં આવે છે, પણ જો આ જ પરિસ્થિતિ દીકરી કે છોકરીના પરિવારના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો એ ભયાનક ભૂલ અથવા ચારિત્ર્ય નું સ્ખલન છે એવું માનીને છોકરી સાથે અત્યંત તિરસ્કારભર્યું વર્તન કરવામાં આવે છે.

નવાઈની વાત એ છે કે આમાં સ્ત્રી પણ જોડાય છે! ‘હેલ્લારો’ની વાર્તા અથવા વ્રજવાણીના ઢોલીની કથામાં માત્ર સ્ત્રીમુક્તિની કથા નથી, સ્ત્રીની એકતાની પણ કથા છે. એકબીજાની પડખે ઊભી રહેતી અને કોઈ સ્ત્રીનું અપમાન થાય ત્યારે એને સમગ્ર સ્ત્રીત્વનું અપમાન માનીને એના સન્માન માટે જ્યારે અનેક સ્ત્રીઓ ઊભી થશે ત્યારે આ સમાજ બદલાવનો સાચો રંગ પ્રગટ કરી શકશે. આપણે આપણા સન્માનની અપેક્ષા પુરુષો પાસે રાખીએ છીએ, એ આપણી સૌથી મોટી ભૂલ છે. સૌથી પહેલું તો સ્ત્રીએ સ્ત્રીનું સન્માન કરવાનું છે. સ્ત્રીએ જ સ્ત્રીની પડખે ઊભા રહેવાનું છે. સ્ત્રીએ જ બીજી સ્ત્રી વિશે ઘસાતું બોલાય, લખાય કે વર્તન કરાય ત્યારે પોતાના ભાઈ, પતિ, પિતા કે પુત્રને અટકાવવાનાછે .

સત્ય તો એ છે કે જો બદલાવ જોઈતો હોય તો આપણે આપણા દીકરાને સ્ત્રી સન્માન શીખવવાનું છે. વીતી ગયેલી પેઢીઓ કદાચ નહી ં બદલાય એવું માની લઈએ તો પણ, આવનારી પેઢીઓને કશુંક ‘શુભ’ અને ‘કલ્યાણમય’ આપીને જવું એ જનની તરીકે, સ્ત્રી તરીકે અને એક સર્જક તરીકે આપણા સૌની ફરજ છે.