સ્વાતંત્ર્યની પહેલી શર્ત સલામતી છે…

28મી ડિસેમ્બરે ‘દિવ્ય ભાસ્કર’માં એક સમાચાર પ્રકાશિત થયા હતા. સગા પિતા, પુત્રી પર ચાર વર્ષ સુધી બળાત્કાર કરતા રહ્યા. પુત્રીને પિતાથી બચાવવા માટે માસીના ઘરે મોકલવામાં આવી તો ત્યાં માસાએ એ છોકરીનો ગેરલાભ લીધો. મા અને માસી બંને જણાં દીકરીને આ દુષ્કર્મમાંથી બચાવવાને બદલે પિતાને અને માસાને મદદ કરતા રહ્યા ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે એક વિદ્યાર્થીની પાસે શરીરસુખની માગણી કરી. સુરત શહેર નજીક એક સાવકા પિતા અને દાદાએ 15 વર્ષની છોકરીને ત્રણ વર્ષ સુધી બળાત્કારનો ભોગ બનાવી. ગુજરાતમાં બળાત્કારના કેસીસના આંકડામાં 2018માં 16 ટકા અને 2019માં 22 ટકા વધારો થયો છે.

રસ્તા પર અજાણી સ્ત્રી કે છોકરી પર થતા બળાત્કારો, બસમાં, બજારમાં થતી છેડતી કે મોલેસ્ટેશન સમજી શકાય એવું છે. વિકૃત મગજના લોકો કદાચ આવું કરતા હોય એમ માનીને આવી ઘટનાને આપણે બેનિફીટ ઓફ ડાઉટ આપી શકીએ, પરંતુ સગા પિતા, દાદા, શિક્ષક જ્યારે આ દિશામાં વળે ત્યારે આપણે કોને દોષી ગણવા ? મહેશ ભટ્ટની ફિલ્મ ‘હાઈવે’ કે ‘મોનસુન વેડિંગ’ જેવી ફિલ્મોમાં સંભ્રાત અને સમૃધ્ધ પરિવારોમાં ઘરની અંદર થતા આવા ડોમેસ્ટિક બળાત્કારોની વાત મુક્ત અવાજે કરવામાં આવી છે. છતાં, હજી સમાજમાં એ વિશે વાત કરતા સહુ ડરે છે. એ વિશે અવાજ ઊઠાવવાનું સાહસ હજીયે આપણા સૌમાં જોઈએ એટલું નથી.

આપણે બધા શેનાથી ડરીએ છીએ ? જ્યારે જ્યારે આપણે ‘સમાજ’ની વાત કરીએ ત્યારે એ સમાજમાં આપણો પણ સમાવેશ થઈ જ જાય છે. સ્ત્રી ઉપર થતા બળાત્કારો માટે જ્યારે એના ‘વસ્ત્રો’ દેખાવ, એની હિંમત, સાહસ, એના બિંદાસપણાને જવાબદાર ઠેરવવામાં આવે છે ત્યારે એક સવાલ એ પણ ઊઠે છે કે ઘરની અંદર રહેતી દીકરી કે પૌત્રી ક્લાસમાં ભણતી વિદ્યાર્થિની આ વ્યાખ્યામાં આવે છે ખરી ? ભાણી, ભત્રીજી, પુત્રવધૂ કે પડોશીની દીકરી ઉપર જ્યારે બળાત્કાર થાય છે ત્યારે એના કપડા, ચેનચાળા કે સ્ત્રીના ચારિત્ર્ય વિશે કરાતી, ઘસાતી કમેન્ટ્સ જવાબદાર હોય છે ખરી ? જેને પુત્રીની નજરે જોવી પડે અથવા જોવી જોઈએ એવી સાવકી દીકરી પુત્રવધૂ, ભાણી કે ભત્રીજી સુધી હજીયે સમજી શકાય, પરંતુ જ્યારે આપણે સગી દીકરીની વાત કરીએ છીએ ત્યારે કાળજું કંપી જાય છે. આને જ કળિયુગ કહેતા હશે ?

સ્ત્રી સ્વતંત્ર થઈ છે, વધુ શિક્ષણ, સ્વતંત્ર આવકની સાથે સાથે  સ્ત્રી પોતાના અધિકારો માંગતી થઈ છે. સ્ત્રીને એના અધિકારો મળવા જોઈએ કે નહીં, કેટલા પ્રમાણમાં મળવા જોઈએ. સંસ્કૃતિ અને સભ્યતાને જરાય નુકસાન કર્યા વગર સ્ત્રી સ્વાતંત્ર્યને કઈ રીતે આવકારી શકાય એની ખુલ્લા દિલે ચર્ચા કરવાને બદલે આપણે સહુ કોઈ ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. એક પિતા જ્યારે પુત્રીનો બળાત્કાર કરે છે ત્યારે એના મનમાં માત્ર વિકાર કે વાસના હોય છે ? કદાચ, ના ! વાસના અને વિકાર સંતોષવા માટે તો બજારમાં પણ સ્ત્રી ઉપલબ્ધ છે. એક ઘરની અંદર, એક પરિવારની દીકરી સાથે જ્યારે આવી ઘટના બને, વારંવાર એનું પુનરાવર્તન થાય છે ત્યારે એમાં સ્ત્રીને પાઠ ભણાવવાની, સીધી કરવાની, અપમાનિત કરવાની વૃતિ સામેલ હોઈ શકે?

છેલ્લા થોડા સમયમાં આપણે જોઈ શક્યા છીએ કે શરીર એ જ સંબંધોનું સત્ય બનતું જાય છે. પ્રેમ અને તિરસ્કાર બંનેની અભિવ્યક્તિ વધુને વધુ શારીરિક, શાબ્દિક બનતી જાય છે. એકબીજા સામે વિરોધ પ્રગટ કરવાનો રસ્તો હવે સાત્વિક કે સહજ નથી રહ્યો. એકબીજાને નુકસાન કરવું, ખતમ કરી નાખવા એવી કોઈક માનસિક તીવ્રતા આખા સમાજને ડિસ્ટર્બ કરી રહી છે. એકાદ જણ આવી પ્રવૃત્તિ કરે તો એને માફ કરી શકાય, પરંતુ અનેક લોકો સથે મળીને જ્યારે આવી પ્રવૃત્તિમાં જોડાતા દેખાય ત્યારે સમાજે જાગવું જોઈએ અને સાવચેત થઈ જવું જોઈએ.

સમાજની સાવચેતી એટલે શું ? પોતાની દીકરીને ઘરની અંદર બંધ કરવી ? એના કપડાં, મોબાઈલ ઉપર નજર રાખવી ? આ તો અંગત બાબત થઈ. આખા સમાજમાં કશું બદલવું હોય તો કેવી રીતે બદલી શકાય ? સૌએ સાથે મળીને એક શુધ્ધતા, સ્વચ્છતાની પ્રવૃતિ શરૂ કરવી પડશે. માત્ર શહેરની સ્વચ્છતા નહીં, ભીતરની સ્વચ્છતા. કોઈ એક વ્યક્તિ, બીજી વ્યક્તિ પરત્વે ખરાબ શબ્દો વાપરે, એનું અપમાન કરે કે એની સાથે આવું કોઈ દુષ્કર્મ કરે ત્યારે આખો સમાજ જાગે, સૌ સાથે મળીને આવી પ્રવૃત્તિને અટકાવવા માટે આગળ વધે. આવું થતું નથી, બલ્કે આનાથી તદ્દન વિરુધ્ધ વર્તન જોવા મળે છે. કોઈ સાથે કંઈ ખરાબ થઈ રહ્યું હોય તો આપણને એનું મહત્વ એક સમાચારથી વધુ હોતું નથી. આવા સમાચાર વાંચીને ભીતર જે અરેરાટી થવી જોઈએ એ થતી નથી… એટલું જ નહીં, જ્યારે કોઈ એક વ્યક્તિ વિશે ખરાબ બોલાય, લખાય ત્યારે એને અટકાવવાનો પ્રયત્ન કરવાને બદલે સમાજ એમાં જોડાતાં શીખી ગયો છે !

આપણે ક્યાં પહોંચ્યા છીએ ? શું થઈ રહ્યું છે આ સમાજમાં ? એક તરફ આપણે ધર્મ અને સંસ્કૃતિના નામે સોશિયલ મીડિયામાં એકબીજા ઉપર કાદવ ઉછાડીએ છીએ અને બીજી તરફ જ્યારે આવા કિસ્સા થાય છે ત્યારે કોઈ આગળ આવતું નથી. સમજવાની વાત એ છે કે આવા ભયાનક બળાત્કાર માત્ર સ્ત્રી ઉપર થાય છે, એવું નથી રહ્યું. છેલ્લા થોડા સમયમાં એવું જોવા મળ્યું છે કે નાના બાળકો અને યુવાનોને પણ એક યા બીજા કારણસર આવા પ્રકારના શોષણનો સામનો કરવો પડે છે.

અત્યાર સુધી માત્ર  પુરુષો તરફ આંગળી ચીંધી શકાય એમ હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી જોવા મળતા કિસ્સાઓમાં સ્ત્રીઓ પણ આવી માનસિક વિકૃતિનો ભોગ બનતી જોવા મળે છે. કોર્પોરેટ્સમાં અને મધ્યમવર્ગના નજીક નજીક આવેલા ઘરોમાં  કુમળા યુવાન છોકરાઓ સાથે દુષ્કર્મ થાય છે. આશ્ચર્ય એ વાતનું છે કે જે જગતજનની છે, કલ્યાણીનું સ્વરૂપ છે, મા છે એ આવી કોઈ પણ પ્રવૃતિમાં કેવી રીતે સંડોવાઈ શકે ?  આ કોઈ બળવો છે ? અત્યાર સુધી સ્ત્રીઓ પર અત્યાચાર થયો છે માટે હવે સ્ત્રીઓ કોઈ રીતે બદલો લેવા માંગે છે ? એવું હોય તો એ તદ્દન ખોટું અને અયોગ્ય છે. સદીઓથી પુરુષ જે કરતો આવ્યો છે, એ જ જો સ્ત્રી કરશે તો ફેર શું રહેશે? ઈશ્વરે જેને સર્જન અને ઉછેરની જવાબદારી સોંપી છે એ પણ જે દિવસે પોતાની માનસિક વિકૃતિ સમાજમાં ઠાલવતી થઈ જશે એ દિવસે આ સમાજ છિન્ન-ભિન્ન થયા વગર નહીં રહે. સ્ત્રીએ ક્ષમા અને સૌજન્ય તો રાખવું જ પડશે કારણ કે એ એના મૂળભૂત ગુણો છે.

આપણે બધાએ સમજી લેવું જોઈએ કે સ્ત્રી-પુરુષનો સંબંધ પ્રકૃતિએ સર્જન માટે જોડ્યો છે. માણસ જાત જીવતી રહે એ એનો મૂળ ઉદ્દેશ છે. એને વિકૃત રીતે જોવાની પ્રવૃત્તિનો અર્થ જ  પ્રકૃતિ સાથે, ઈશ્વર સાથે ગુનો છે. આપણે બધાએ સાથે મળીને આવા ગુનાની વિરુધ્ધ અવાજ ઊઠાવવો જ પડશે. દીકરી કે દીકરાની નજરે જેને જોવા જોઈએ એવા કુમળી વયના બાળકોને પોતાની વાસનાનો શિકાર બનાવનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ એ ગુનેગાર છે. એને કાયદો તો ત્યારે સજા કરે જ્યારે એનો ગુનો સાબિત થાય ને ન થાય તો કદાચ આવી વ્યક્તિઓ કાયદાની નજરે છટકી શકે, પરંતુ એ જે સમાજમાં વસે છે એ સમાજે આવી વ્યક્તિઓનો ઈલાજ, ઉપાય કરવો જોઈએ.

જે ઘરમાં એક મા જ પોતાની દીકરીને એના સગા પિતાને સોંપી રહી છે, જે ઘરમાં એક સાવકા પિતાના બળાત્કારનો ભોગ બની રહેલી પોતાની દીકરીને બચાવવા માટે મા આગળ નથી આવતી તો પણ સમાજની અનેક સ્ત્રીઓએ સાથે મળીને આવા કિસ્સાઓમાં દીકરીઓની મદદ કરવી જોઈએ. ફેશન, રેસિપી અને ભક્તિથી આગળ પણ એક જગત છે, હવેની સ્ત્રીઓએ જો ખરેખર સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરવી હોય તો પહેલાં સ્ત્રીની સલામતીની વાત કરવી પડશે. પેન્ટ પહેરવાથી, ભણવાથી કે નોકરી કરવાથી સ્વાતંત્ર્ય નથી આવતું, સ્વાતંત્ર્ય સલામતીથી આવે છે. માત્ર શારીરિક જ નહીં, માનસિક બળાત્કારોથી પણ આપણી દીકરીઓને બચાવવી એ આ સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે આપણી ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *