હિંસા, અહિંસા અને પ્રતિહિંસા…

છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના, મૃત્યુના સમાચારો આપણે સતત સાંભળી રહ્યા છીએ. જેમ ભગવાન બુદ્ધે ગૌતમીને કહ્યું હતું એમ, અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં કોઈ મૃત્યુ ન થયું હોય ! છેલ્લા થોડા મહિના આપણા સહુ માટે મુશ્કેલ, પીડાદાયક અને અનિશ્ચિતતામાં વિત્યા છે. તહેવારો પણ જાણે કે દબાયેલા પગે આવ્યા, અને ચૂપચાપ નીકળી ગયા ! ઈદ, નવરોઝ, જન્માષ્ટમી, સંવત્સરી, ગણેશ ચતુર્થી જેવા જાહેર તહેવારો પણ આપણે ઉજવી શક્યા નથી. આપણા ઘરોમાં બંધ આપણે ધીરે ધીરે કંટાળવા લાગ્યા છીએ, શું થશે એની અનિશ્ચિતતાનો ભય અને આ કંટાળો ઘણા લોકોને જીવન વિમુખ કરી રહ્યો છે.

જીવન વિમુખ થવામાં અને જીવનની એષણા છોડી દેવામાં ઘણો ફેર છે. આત્મહત્યા કરનાર વ્યક્તિને પણ જીવેષણા હોઈ શકે છે, એ જીવન વિમુખ છે, એષણાથી મુક્ત નથી ! એને ઝંખના છે, ફરિયાદ છે, પીડા છે અને સમાજની સામેનો કોઈ વિદ્રોહ એને આત્મહત્યા કરવા ધકેલે છે. અહીં સિગ્મન્ડ ફ્રોઈડને યાદ કરવા પડે. એમણે માણસની ભીતર બે લાગણીઓની વાત કરી છે. એક, જીવવાની ઇચ્છા. બે, મૃત્યુ પામવાની ઇચ્છા. ઇરોઝ, જીવનની ઇચ્છા છે.

થાનાટોસ, મૃત્યુની ઇચ્છા છે. જીવવાની ઇચ્છા જ્યારે દુઃખી, બીમાર કે પીડીત થઈ જાય છે ત્યારે એ મૃત્યુની ઇચ્છામાં બદલાય છે, પરંતુ પોતાનું મૃત્યુ અથવા આત્મહત્યા એ હિંસાથી ઓછી ન ગણી શકાય. કાયદામાં પણ એને ગુન્હો માનવામાં આવ્યો છે, કારણ કે વિશ્વનો કોઈ ધર્મ આત્મહત્યાની તરફેણ કરતો નથી. આત્મહત્યા અહિંસા નથી, પ્રતિહિંસા છે. કોઈએ આપણને સતાવ્યા એટલે, છોડી દીધા એટલે, પીડા આપી એટલે આપણે સ્વયંની હત્યા કરીએ. આ અહંકાર છે, પોતાની ઇચ્છા પૂરી ન થાય, પોતાની શર્તે ન જીવી શકાય માટે નિર્મિત અથવા નિયતને નકારીને આ શરીરથી મુક્ત થઈ જવાનો હઠાગ્રહ! આ હિંસા જ છે, બીજું કંઈ નથી.

તો અહિંસા શું છે ? ‘અહિંસા’ સમજવા માટે હિંસા સમજવી પડે. પ્રકાશને સમજવા અંધકારને ઓળખવો પડે.  કોઈને મારવું, ખૂન કરી નાખવું, શારીરિક તકલીફ આપવી એ જ  હિંસા નથી. સુક્ષ્મ હિંસા પણ બહુ સમજવા જેવી બાબત છે. આપણે જ્યારે કોઈને પણ આપણી ઉપસ્થિતિનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરીએ એ હિંસા છે. કોઈ વ્યક્તિએ જ્યારે આપણી હાજરીની નોંધ લેવી પડે, આપણી ઇચ્છા મુજબ વર્તવું પડે, અથવા આપણે નારાજ ન થઈએ માટે જુઠ્ઠું બોલવું પડે કે છળ કરવું પડે, એ પણ હિંસા જ છે. સત્ય તો એ છે કે આપણી ઉપસ્થિતિને કારણે સામેની વ્યક્તિના માનસ કે વર્તનમાં થતા અનિચ્છનિય ફેરફારો ‘હિંસા’ જ કહેવાય. જો આપણે કોઈ વ્યક્તિને એના જેવો, સ્વાભાવિક અને સહજ નથી રહેવા દેતા તો એ હિંસા છે. આપણે બદલવા માગીએ પણ બદલાવા તૈયાર નથી. રસ્તા પર ચાલતી વખતે જો આપણે આપણો રસ્તો નાનકડી કીડી કે મંકોડા માટે બદલવા તૈયાર ન થઈએ તો એ અહંકારમાંથી જન્મેલી હિંસા છે. બીજા જીવની હત્યા કરવાનો આપણને અધિકાર છે, એ વિચાર મોટી હિંસા છે.

જીવના શરીરની સાઈઝ ઉપર એનું મહત્વ નિશ્ચિત નથી થતું. આત્માને કોઈ સાઈઝ નથી ! આત્મા તો સહુનો સમાન જ હોય છે. જ્યારે હિંસા કરવામાં આવે છે ત્યારે પીડા ભલે શરીરને થતી હોય, પરંતુ હિંસા આત્મા સાથે થાય છે. દરેક જીવને જીવેષણા હોય છે, જે એનાથી મુક્ત થઈ શકે છે તે પરમ તત્વ સાથે જોડાય છે. ધન એકઠું કરવા માટે, બાળક મોટું કરવા માટે, સપનાં પૂરાં કરવા માટે… આપણને જીવવાના અનેક કારણો મળી રહે છે, જ્યાં સુધી જીવેષણા હોય ત્યાં સુધી. જે પળે જીવેષણાથી મુક્ત થઈએ એ પળે જીવવાના કારણો શોધવાં નથી પડતાં, એવી જ રીતે મૃત્યુનું કારણ પણ શોધવાની જરૂર નથી પડતી. એક સહજ, સ્વાભાવિક પ્રવાહની જેમ સ્વાચ્છ્વાસની પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધી જીવનનો સ્વીકાર કરતા આવડી જાય છે, આપણને.

જીવનનો સ્વીકાર કરીએ ત્યારે મૃત્યુનો અંગીકાર આપોઆપ થાય છે. ‘જે છે તે નહીં રહે’, એ વાત વિશ્વનો દરેક ધર્મ સમજાવે છે, પરંતુ અહિંસાનો અર્થ સમજાવવામાં ક્યારેક ધર્મ ટૂંકો પડી જાય છે. આપણે ધર્મને ક્રિયાકાંડ અને વિધિ-વિધાન સાથે જોડતા રહ્યા છીએ. જો ધર્મને સ્વભાવ સાથે જોડીએ તો સમજાય કે સ્વયંની અનુપસ્થિતિનો સ્વીકાર એ સૌથી મોટી અહિંસા છે. કંઈ ન કરવું, ચૂપચાપ પસાર થઈ જવું, વૃક્ષના પાંદડાની જેમ ઉગવું અને ખરી જવું, સમુદ્ર પર લહેરની જેમ સર્જાવું અને વિખરાઈ જવું, શ્વાસની જેમ ભીતર જવું અને નીકળી જવું… જો એમ જીવી શકીએ તો જગતભરના જીવોને અભય પ્રદાન કરી શકીએ. જો અભય પ્રદાન કરી શકીએ તો અહિંસા જીવી શકાય.

હિંસા બીમારી છે, રોગ છે. અહિંસા ઈમ્યુનિટી છે. રોગપ્રતિકારક શક્તિ… રોગ એટલે શરીરને બીમાર કરે તે ! મનને બીમાર કરતા કેટલાક રોગો માટે પણ પ્રતિકારક શક્તિની આવશ્યકતા છે. અહિંસા મહત્વની રોગપ્રતિકારક શક્તિ છે. આગ્રહ, ભય, વેર, અસત્ય, સ્વાર્થ, સંગ્રહ, અહંકાર, એષણા બધા જ હિંસા છે. અનાગ્રહ, અભય, ક્ષમા, સત્ય, પરમાર્થ, નિગ્રહ, નમ્રતા, મુક્તિ અહિંસા છે. ધર્મ એટલે જે બીજાને માટે પણ જીવન સરળ કરી આપે તે. અહિંસાને પરમ ધર્મ કહેવાયો છે, કારણ કે એના દ્વારા ખુલે છે જીવનના અનેક ગુણોનો ખજાનો. અહિંસા આત્મા છે, સંયમ પ્રાણ છે અને તપ શરીર છે. આ ત્રણેયનું સંયોજન એક એષણા મુક્ત, અહિંસક, શુદ્ધ જીવનનું નિર્માણ કરે છે.

ગાંધીજીએ અહિંસાને પોતાના અગિયાર મહાવ્રતોમાંનું એક કહ્યું. આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી જ્યારે જોઈએ છીએ ત્યારે સમજાય છે કે જગત માત્ર હિંસાના પથે જઈ રહ્યું છે. ભોજન, સંપત્તિ, સ્થાવર-જંગમ મિલકતો કે માણસના માણસની સાથેના સંબંધો સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ હિંસા આચરી રહ્યા છે, ત્યારે થોડીક ક્ષણો માટે મન, મગજ અને માનવ શરીરને શાંત કરીને, સ્વયંને થોડી મિનિટો માટે કર્મરહિત કરીને જો અહિંસાનું પાલન કરી શકાય તો આ જગતને ધર્મ સમજાવવાની જરૂર ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *