મુંબઈ મેટ્રોના કારણે રસ્તાઓને પહોળા કરવામાં આવી રહ્યા છે. આ રસ્તાઓના સમારકામ
અને વિસ્તરણની પ્રક્રિયામાં એક બંગલો અમિતાભ બચ્ચનનો પણ છે, અત્યારે એ બંગલો ન
ખસેડવો-એની જગ્યા ન કાપવી કે એમને પણ એક સામાન્ય નાગરિકની જેમ જ પોતાની જગ્યા
આપવા ફરજ પાડવી એ બાબતે કોર્પોરેશન અને બચ્ચન સાહેબના લોયર્સ વચ્ચે માથાકૂટ ચાલી રહી
છે. કેટલાંય વર્ષો પહેલાં દક્ષિણ મુંબઈના એક ફ્લાયઓવરમાં પણ આવો જ વિવાદ થયેલો. લતા
મંગેશકરના ઘર પાસેથી પસાર થતો આ ફ્લાયઓવર બીજી તરફ વાળવાની ફરજ પડેલી કારણ કે,
એમનું મકાન, ‘પ્રભુકુંજ’ ફ્લાયઓવરની સામે આવતું હતું. એમની ‘પ્રાયવસી’માં મુશ્કેલી ઊભી થાય
એમ હતી!
લતા મંગેશકર એક ‘દંતકથા’ નામનું પુસ્તક હરિશ ભીમાણીએ લખ્યું છે. જેનો અનુવાદ ડૉ.
શરદ ઠાકરે કર્યો છે. હરિશ ભીમાણીનો અવાજ કેટલાંય દાયકા સુધી અનેક ભારતીય જાહેરાતો,
નેશનલ-ઈન્ટરનેશનલ ડોક્યુમેન્ટ્રીઝ અને ફિલ્મો અને જાહેર કાર્યક્રમોમાં આપણે સાંભળતા રહ્યા
છીએ. એમણે લખેલા આ પુસ્તકમાં લતા મંગેશકર નામની વ્યક્તિને નીકટથી ઓળખવાનો એક સરસ
અનુભવ મળે છે. એમણે લતાજી સાથે વિદેશપ્રવાસ કર્યો, અને એમના અનેક ઈન્ટરવ્યૂઝ કર્યા એ
સહુને સંકલિત કરીને એમમે આ પુસ્તકમાં લતા મંગેશકરની એક બાયોગ્રાફી, કેરેક્ટર સ્કેચ આપણી
સામે રજૂ કર્યાં છે.
લતાજીના નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ માં ભાગ્યે જ કોઈને પ્રવેશ મળતો. મોટેભાગે સ્ટુડિયોમાં
મુલાકાત આપતાં લતાજીના ઘર વિશે એમણે કરેલું વર્ણન રસપ્રદ છે. લતાજીના નિવાસસ્થાન પાસેથી
પસાર થનાર દરેક વ્યક્તિ ‘પ્રભુકુંજ’ નામના મકાનને જોઈ શકે છે, પણ ‘101, પ્રભુકુંજ’ની અંદરનું
વિશ્વ આજે પણ સૌના માટે એક કોયડો બની રહ્યું છે. બારણા ઉપર ફક્ત ક્રમાંક લખેલો છે, એની
પ્રખ્યાત માલિકણનું નામ નહીં. તમે જેવા એ ઘરમાં દાખલ થાવ છો, એવા જ તમને એ
એપાર્ટમેન્ટની વિશાળતાનો અહેસાસ મળી જાય છે. વિશાળ દીવાનખંડમાંથી પસાર થતી વેળાએ,
જો તમે ડાબા હાથ તરફ આવેલા પૂજાખંડને જોવાનું ચૂકી જાવ, તો પણ એમાંથી આવતી
અગરબત્તીની સુગંધ અવશ્ય તમને ઊભા રહી જવા માટે વિવશ કરી દેશે. પહેલી નજરે જ તમે દેવી
સરસ્વતી, ભગવાન મંગેશ, ગણપતિ, કૃષ્ણ, લક્ષ્મીજી અને ભગવાન શિવની મૂર્તિઓ નિહાળી શકશો.
આ દેવી-દેવતાઓ ઉપરાંત, વિવિધ સંતોની છબિઓ અને મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે.
શિરડીના સાંઈબાબા, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને અલબત્ત, લતાજીના પૂજ્ય
પિતાજી-માસ્ટર દીનાનાથ પણ એમાં સમાવિષ્ટ છે. મંગેશકર પરિવારમાં સવારની શરૂઆત દૈનિક
પ્રાર્થનાથી કરવામાં આવે છે. પ્રારંભ સૂર્યના મંત્રોચ્ચારોથી થાય છે અને આખીયે પૂજાવિધિ એક કલાક
સુધી ચાલતી રહે છે. લતાજી ખુદ આ પૂજાઘરમાં રોજ બે વાર પૂજા માટે આવતા હતા.
આ ઘરમાં એવી એક પણ નિશાની નથી, જે જોઈને તમને એવું લાગે કે એની માલિકણ
વર્ષના છ મહિના પરદેશમાં રહેતાં હશે. અહીં તમને ચંદ્રકોની હારમાળા પણ જોવા નહીં મળે અને
સામાન્યપણે ફિલ્મ કલાકારોનાં ઘરોમાં જોવા મળતી સુશોભનની કલાકૃતિઓ પણ અહીં નહીં દેખાય.
દીવાનખંડની સજાવટમાં ફક્ત એક વિશાળ, લાકડાનું કબાટ છે, જેમાં જાતજાતનાં પુસ્તકો
ખડકાયેલાં છે. મહાભારત, શ્રી અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર,
હરિવંશરાય બચ્ચનની આત્મકથાના ચાર ભાગો અને કેટલાંક અંગ્રેજી પુસ્તકો-ક્રિકેટ અને રાજકારણ
વિશેનાં કેટલાંક પુસ્તકો, વિશ્વનાં વિવિધ શહેરો વિશે ટાઈમ અને લાઈફ સામયિકોએ બહાર પાડેલી
સચિત્ર આવૃત્તિઓ, આ બધું તમને અહીં જોવા મળશે. એમાંનાં કેટલાંક પુસ્તકોનાં નામ જાણીને
તમને નવાઈ પણ લાગે! અહીં રહસ્યકથાઓની સમ્રાજ્ઞી આગાથા ક્રિસ્ટીની ચોપડીઓ પણ મોજૂદ
છે. આ બધાંની વચ્ચોવચ કાચની પેટીમાં હાથીદાંતમાંથી બનાવેલો ભગવાન શ્રીકૃષ્ણનો રથ
ગોઠવવામાં આવેલો છે.
આ ઘરનાં સભ્યોને ટેલિફોનની ઘંટડી વાગે એ પ્રત્યે જ તંદુરસ્ત અણગમો છે, એનું કારણ એ
પણ છે, કેમ કે એમનો મોટા ભાગનો સમય સંગીતકક્ષમાં જ પસાર થતો હોય છે. આ સંગીતકક્ષ
દીવાનખંડથી થોડેક દૂર આવેલો છે. સંગીતપ્રેમી મંગેશ્કર પરિવાર માટે ‘રિયાઝ’નું મહત્વ ભરપૂર છે,
પણ એના માટે તેઓ જ્યાં ભેગાં મળે છે, એ સંગીતકક્ષનું કદ માની ન શકાય એટલી હદે નાનું છે. એ
માંડ છ બાય આઠ ફીટ જેવડો ‘મોટો’ હશે. ખાસ તો એ નોંધવા જેવું છે કે એ ઘરના બાકીના ભાગની
જેમ જ આ ઓરડો પણ સાવ સાદાઈથી સજાવવામાં આવેલો છે.
દીવાલને અઢેલીને ચાર તાનપૂરી મૂકવામાં આવેલા છે. આમાંનો એક માસ્ટર દીનાનાથ
ઉપયોગમાં લેતા હતા, પણ એનો ચકળાટ એવો છે કે જાણે એ નવો જ હોય! વિશાળ દીવાનખંડના
જમણા ખૂણે એક બીજો ઓરડો આવેલો છે, જે સંગીતકક્ષ કરતાં ફક્ત થોડાક ફીટ જેટલો જ મોટો
છે, પણ તો પણ એને નાનો જ ગણી શકાય. આ ઓરડાનું દ્વાર હંમેશાં બંધ જ રહે છે. જ્યારે એ
ઉઘાડું હોય છે, ત્યારે પણ એના ખેંચાયેલા પડદાને કારણે એની ગુપ્તતા જળવાયેલી રહે છે.
આ નાનકડા ઓરડામાં હિંદી ફિલ્મસંગીતનો એક આખો યુગ રહે છે. જેનું નામ છે, લતા
મંગેશકર.
‘એ સાવ જુદી જ છે… એના જેવું બીજું કોઈ જ નથી.’ માઈની ફરિયાદમાં વહાલ ઝલકે છે.
આ કમરામાં એ કલાકોના કલાકો લગી ગોંધાઈ રહે છે. એવું નથી કે એને ગપ્પાં મારવાં કે હસવું ગમતું
નથી… વાસ્તવમાં, આ બધું તો એને અતિશય પ્રિય છે, પણ એની આખી દુનિયા આ એક ઓરડામાં
સમાઈ જાય છે.
એ નાનકડા ઓરડામાં, બારણાની સામે માત્ર એક વ્યક્તિ બેસી શકે એવો એક ‘સોફા’ મૂકેલો
છે. એની પાછળ વસ્ત્રો માટેનાં બે કબાટો આવેલાં છે. એની બાજુમાં લાકડાનું કબાટ છે, પુસ્તકો
ભરેલાં છે. એમાં વચમાં-વચમાં ખાસ પસંદગીની આરસની કલાકૃતિઓ ગોઠવેલી છે. ઓરડાની સાથે
એક નાનકડી બાલ્કની જોડાયેલી છે. જેમાં ઊભા રહીને તમે નીચેથી પસાર થતો પેડર રોડનો
વાહનવ્યવહાર જોઈ શકો છો.
કોઈ સમ્રાજ્ઞી માટે બનાવેલી હોય એવી નાનકડા કદની પથારી ઉપર ચાહકોના અને મિત્રોના
પત્રો તેમ જ પ્રાયોજકો અને રેકોર્ડિંગ માટેની સંસ્થાઓ તરફથી આવેલી ટપાલો પથરાયેલી જોઈ
શકાય છે. પથારીની બાજુમાં બે ટેલિફોન પડેલા છે, જેમાંથી એકનો નંબર ટેલિફોનતંત્રની યાદીમાં
સામેલ કરવામાં નથી આવ્યો. પથારીની પાછળની દીવાલ ઉપર કેટલીક છબીઓ ટીંગાડવામાં આવી
છે. એમાંથી કેટલીક સ્વયં લતાજીએ લીધેલી છે. એ તસવીરો કુદરતી પ્રકાશની સંતાકૂકડીનાં કલાત્મક
ઉદાહરણો સમાન લાગે છે.
હરિશ ભીમાણીનું આ વર્ણન આપણને ‘પ્રભુકુંજ’ નો આંતરિક પ્રવાસ કરાવે છે. ભારત સરકારે
ખરેખર તો લતા મંગેશકર નામની ‘દંતકથા’નું એક મ્યુઝિયમ બનાવવું જોઈએ. જ્યાં એમના તાનપૂરા,
એમણે વાપરેલી અને એમને ગમતી વસ્તુઓ, એમના વસ્ત્રો, એમની તસવીરો અને એમણે પાડેલી
તસવીરોનો એક સુંદર પ્રદર્શન હોવું જોઈએ, પરંતુ આ દેશ ડોક્યુમેન્ટેશનની બાબતમાં તદ્દન બેપરવાહ
છે. 20 વર્ષ પછી જ્યારે કોઈને કહીશું કે, 50 હજારથી વધુ ગીતો ગાનારી અને 140થી વધુ જુદી
જુદી ભાષાની અભિનેત્રીને પોતાનો અવાજ આપનારી એક અદભૂત વ્યક્તિ આ ધરતી પર હતી ત્યારે
એ ‘દંતકથા’ જ લાગશે!