અમારા પરિવારની દીકરીનો ઉછેર પ્રમાણમાં સ્વતંત્ર અને જુદી જ રીતે કરવામાં આવતો. એ સમય અને
જમાના પ્રમાણે મારા સાસરાના પરિવારમાં હું કદાચ થોડી વધુ સ્વતંત્ર અને દૃઢ વિચારોની લાગી હોઈશ ! પણ અમે
બધા જ એવા છીએ… મારા છૂટાછેડાની સારી એવી ચર્ચા થઈ, જુનવાણી પરિવારોએ એ વિશે મને જ જવાબદાર
ઠેરવી, પરંતુ મારા કાકા અને ભાઈએ એ વિશે જરાક પણ અણગમો દેખાડ્યા વગર મને ઘરમાં એ જ સન્માન અને પ્રેમ
મળતો રહે એવી કાળજી લીધી.
નામ : અનસુયા સારાભાઈ
સ્થળ : અમદાવાદ
સમય : 1971
ઉંમર : 86 વર્ષ
ભારત આઝાદ થયાની રજત જયંતી નજીક આવી રહી છે… હું અમદાવાદમાં મારા બંગલામાં બેસીને ક્યારેક
નિરાંતે વિચારું ત્યારે મને વિતેલા દિવસો યાદ આવે છે. અમે સૌ, સારાભાઈ પરિવાર કઈ જુદી જ માટીના બન્યા
છીએ. શિક્ષણ અને અમદાવાદ, ગુજરાતના વિકાસ માટે અમે સૌએ અમારી રીતે ખૂબ કામ કર્યું. લગભગ સો વર્ષ સુધી
અમદાવાદમાં સારાભાઈ પરિવારે પોતાના તરફથી અનેક શિક્ષણ સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓ અને જનકલ્યાણની
સંસ્થાઓને કાર્યરત રાખી. હું છેક 1860-61થી અમારા પરિવારનો ઈતિહાસ તપાસું તો મને સમજાય કે અમે
શ્રીમાળી જૈન પરિવારના એવાં મૂળ ધરાવીએ છીએ જેમાં ધાર્મિકતાને બદલે દેશદાઝ અને આધુનિક વિચારોનું મહત્ત્વ
હંમેશાં વધારે રહ્યું છે.
મારા પિતા, સારાભાઈ-જે નામને પછીથી અમે અટક તરીકે અપનાવી લીધું. એમણે પોતાના સમયમાં અનેક
સખાવતો કરેલી ત્યારે કદાચ નોંધ રાખવાની પધ્ધતિ નહોતી એટલે એમને બહુ ઝાઝા લોકો ઓળખતા નહીં. મારી
માનું નામ ગોદાવરીબા. બંને જણાંએ મળીને અમદાવાદમાં એ સમયમાં કન્યા શિક્ષણ માટે અને અંધવિશ્વાસની સામે
પોતાની લડત ચલાવેલી. ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ સાવ શરૂઆતના તબક્કામાં હતો. 1857નો બળવો હજી બહુ જૂની
ઘટના નહોતી, મારા માતા-પિતા બંને સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈમાં યથાશક્તિ મદદ અને મહેનત કરી રહ્યા હતા ત્યારે
અમારો જન્મ થયો. હું સૌથી મોટી, પછી મારા ભાઈ અંબાલાલ અને એ પછી મારી બેન, કાન્તા.
હું એ સમયની વાત કરું છું જ્યારે ભારત બ્રિટીશ સરકારના તાબા હેઠળ હતું. માનચેસ્ટરમાં કોટનની મિલો
શરૂ થઈ હતી. અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ નામના એક સાહસિક વ્યાપારીએ પહેલી મિલ શરૂ કરેલી. એ
નાગર બ્રાહ્મણ હતા. છોટાલાલ ઉદેશંકર અને લાભબાઈના દીકરા. એમણે મૂળ નોકરી શરૂ કરેલી, કસ્ટમ્સ વિભાગમાં,
પરંતુ લાંચ લેવાના આરોપ હેઠળ એમને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા. એમણે આ ચેલેન્જ ઉપાડી લીધી
અને 1861માં એમણે પહેલી મિલ શરૂ કરી. એક લાખ રૂપિયાની મૂડી સાથે એ ભારતમાં મિલ શરૂ કરનાર બીજી
વ્યક્તિ બન્યા. માનચેસ્ટર પછી અમદાવાદ કોટન મિલો માટે બીજા નંબરનું જાણીતું શહેર બન્યું. રણછોડલાલે એમની
બીજી મિલ 1877માં શરૂ કરી. મ્યુનિસિપાલિટીમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા અને એમણે અમદાવાદમાં વોટર સપ્લાયની
લાઈનો શરૂ કરવાનું કામ કર્યું. એ સમયમાં એમણે આર.સી. હાઈસ્કૂલ (1846માં) શરૂ કરી. સ્ત્રીઓની હોસ્પિટલ અને
ગુજરાત કોલેજ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વગેરે પણ એમણે શરૂ કર્યા.
1894માં એમની સાથે બીજા લોકો જોડાયા. જેમાં લાલભાઈ દલપતભાઈ, મોતીલાલ અમૃતલાલ અને મારા
પિતા સારાભાઈ મગનભાઈ પણ હતા. સૌએ સાથે મળીને ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ વિચાર્યા, મારા પિતા સ્વપ્નદૃષ્ટા
હતા. એ પોતાના સ્વપ્નો પૂરા કરે એ પહેલાં તો એમનું મૃત્યુ થયું. જોકે, એમણે પોતાનો પરિવાર સુખેથી જીવી શકે
એટલી સંપત્તિ સંચિત કરી હતી. મારી મા અને પિતાજી બંને ગુજરી ગયા ત્યારે હું નવ વર્ષની હતી. મારા પિતાનું નામ
સારાભાઈ. પણ બધા એમને શેઠ સાહેબ કહેતા. મારી મા ગોદાવરીબા, દયાળુ અને પ્રેમાળ હતા એમ સહુ કહે છે.
અમે એક ભાઈ અને બે બહેનો, અમારા કાકા ચીમનભાઈ પાસે ઉછર્યા.
મારા કાકાએ અમને ખૂબ સારી રીતે ઉછેર્યા, પિતાની ખોટ કદી સાલવા દીધી નહીં. કાન્તા અને મારા શિક્ષણ
માટે પણ એમણે પૂરી વ્યવસ્થા ઊભી કરી. એ જમાનામાં દીકરીઓના લગ્ન બહુ નાની ઉંમરે કરી દેવામાં આવતા. એ
સમયના રિવાજ પ્રમાણે મારા લગ્ન પણ તેર વર્ષની ઉંમરે, 1898માં કરી દેવામાં આવ્યા. જોકે, એ લગ્ન એક વર્ષમાં
જ પૂરા થઈ ગયા. એના કારણોમાં ન પડીએ તો પણ મારે એટલું તો કહેવું જ જોઈએ કે, અમારા પરિવારની દીકરીનો
ઉછેર પ્રમાણમાં સ્વતંત્ર અને જુદી જ રીતે કરવામાં આવતો. એ સમય અને જમાના પ્રમાણે મારા સાસરાના
પરિવારમાં હું કદાચ થોડી વધુ સ્વતંત્ર અને દૃઢ વિચારોની લાગી હોઈશ ! પણ અમે બધા જ એવા છીએ… મારા
છૂટાછેડાની સારી એવી ચર્ચા થઈ, જુનવાણી પરિવારોએ એ વિશે મને જ જવાબદાર ઠેરવી, પરંતુ મારા કાકા અને
ભાઈએ એ વિશે જરાક પણ અણગમો દેખાડ્યા વગર મને ઘરમાં એ જ સન્માન અને પ્રેમ મળતો રહે એવી કાળજી
લીધી.
અમારા જ પરિવારના એક કરમચંદ પ્રેમચંદ નામના સગાંએ કેલિકો મિલની સ્થાપના કરેલી. જોકે, એમને
મિલ ચલાવવાનો ઝાઝો અનુભવ ન હોવાથી એમણે મારા કાકા ચીમનભાઈની મદદ લીધી. 1888માં કેલિકો મિલની
સ્થાપના થઈ જે લગભગ બે લાખ 41 હજાર સ્કવેર મિટર જગ્યામાં સ્થાપવામાં આવી. સાબરમતી નદીને કિનારે
સ્થપાયેલી આ કોટન મિલ અમદાવાદની ઓળખ બની જશે એવું ત્યારે કોઈએ ધાર્યું નહોતું. મારા કાકા ચીમનભાઈમાં
પણ મારા પિતા જેવી જ વ્યાપારી કુનેહ હતી. એમણે કેલિકો મિલને વ્યવસ્થિત કરી, એની ઉત્પાદનની ક્ષમતા વધારી
અને એક નવી મિલ, જ્યુબિલી મિલની સ્થાપના કરી. એ સમયના બ્રિટીશ રાજમાં પણ એમણે મિલને સારી રીતે
ચલાવવાની હામ ભીડી. કામદારોનું આરોગ્ય, એમના સંતાનોનું શિક્ષણ અને એમના રહેઠાણ માટે ચાલીઓ બાંધવાની
શરૂઆત ચીમનભાઈએ કરેલી એમ કહેવાય છે. માત્ર કમાણી જ નહીં, પરંતુ મિલ મજદુરને યોગ્ય વેતન અને એના
પરિવારને એક સારું જીવન મળે એવો પ્રયાસ ચીમનભાઈએ કરેલો. જોકે, એ આ મિલને બહુ લાંબો સમય સુધી
પોતાની સેવાઓ આપી શક્યા નહીં… ટૂંકી માંદગીમાં એમનું અવસાન થયું ત્યારે મારા ભાઈ અંબાલાલ ગુજરાત
કોલેજના પહેલાં વર્ષમાં હતા. 17 વર્ષની ઉંમરે એમણે પારિવારિક વ્યવસાય સંભાળી લેવો પડ્યો. ચીમનકાકાના
સંતાનો, અમે અને બીજા સૌની જવાબદારી મારા ભાઈ પર આવી પડી. એમણે શિક્ષણ છોડવું પડ્યું.
1912માં મારા ભાઈ અંબાલાલે મને ઈંગ્લેન્ડ મોકલવાની વ્યવસ્થા કરી. એમની ઈચ્છા હતી કે, હું અને
કાન્તા આગળ ભણીએ. 1907માં એમણે કેલિકો મિલનો વહીવટ સંભાળી લીધો હતો અને એમના નેતૃત્વ હેઠળ
મિલની આવક અને ઉત્પાદન બંને વધ્યા હતા. હવે આર્થિક ચિંતાઓ ઓછી હતી, પરંતુ અંબાલાલભાઈની
જવાબદારીઓ વધતી જતી હતી. અંબાલાલભાઈની ઈચ્છા હતી કે, હું મેડિકલ કોલેજમાં એડમિશન લઈ ડોક્ટર બનું,
પરંતુ ત્યાં પ્રાણીઓ ચીરવા પડે, ને પહેલે જ દિવસે હું બેભાન થઈ ગઈ. મારામાં જૈન સંસ્કારો ખૂબ જ ઊંડા હશે એમ
ત્યારે મને લાગ્યું…
ભાઈની પરવાનગીથી મેં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડમિશન લીધું અને મારું શિક્ષણ શરૂ થયું.
(ક્રમશઃ)