22 ઓગસ્ટ 2013ના દિવસે શશી થરૂરે ટ્વિટર ઉપર લખ્યું, “હું એનિવર્સરીના દિવસે પત્નીને ફૂલો આપવાનું ભૂલી ગયો, છતાં
તેણે લંચના સમયે ખૂબ જ સરસ વર્તન કરીને મારો દિવસ સુધારી દીધો.” એની સામે સૂચેતા દલાલ (મુંબઈ મિરર) એ રિટ્વિટ
કર્યું… સાંજે મેં અને શશીએ શેમ્પેઈનના ગ્લાસ સાથે ફોટો અપલોડ કર્યો, પરંતુ એ બધુ ધીમે ધીમે બનાવટી અને ખોટું લાગવા
લાગ્યું.
નામ : સુનંદા પુષ્કર
સ્થળ : # 345, લીલા પેલેસ હોટેલ, ચાણક્યપુરી, દિલ્હી.
સમય : 2014
ઉંમર : 49
હું હવે આ દુનિયામાં નથી, પણ મારી કથાઓ હજી મીડિયાની સુર્ખીઓમાં છવાયેલી છે. શું થયું, કોમ થયું એક પછી એક
સિલસિલાબંધ ઘટનાઓ કઈ રીતે બનતી ગઈ એ વિશેની અનેક વિગતો મીડિયા રોજેરોજ છાપી રહ્યું છે… હું નાની હતી ત્યારથી
મને ખબર હતી કે, હું ખૂબ સુંદર છું. મારી માં, દાદી, નાની બધા મને કહેતા કે મારા નસીબમાં કોઈ રાજકુમાર હશે! હું પણ
રાજકુમારના સ્વપ્ન જોતી… કોલેજમાં ભણતી ત્યારે હોટેલ મેનેજમેન્ટમાં ભણતા સંજય રાયનાના પ્રેમમાં પડી. એ લગ્ન એક
જ વર્ષમાં પૂરું થઈ ગયું! એ પછી સુજીત મેનનને મળી, લગ્ન કર્યાં. એ લગ્નમાં કોઈ મોટી સમસ્યા નહોતી પણ સુજીત એ
‘રાજકુમાર’ તો નહોતો જ… પરંતુ શશી થરૂર, એ રાજકુમાર હતો! જિંદગીના 45 વર્ષ પૂરા કર્યા પછી આવી કોઈ વ્યક્તિ મળશે,
એવી આશા પણ મોટાભાગની સ્ત્રીઓ છોડી દેતી હોય છે, ત્યારે મારા જીવનમાં શશીએ પ્રવેશ કર્યો હતો.
ઓગસ્ટ 2012 કોઈ સપનાની જેમ પૂરા થઈ ગયા. અમે એકમેકમાં ખોવાયેલા હતા, અથવા એવું મને લાગતુ હતું! બહુ ઝડપથી
એ સપનું પૂરું થઈ ગયું અને આંખો ખુલી ત્યારે અમે અમારા પબ્લિક ડેમોન્સ્ટ્રેશન ઓફ અફેક્શનના સમયમાંથી નીકળીને અમારા
સંબંધમાં ખૂટી ગયેલા ઈમોશન શોધવા લાગ્યા હતા. માત્ર અમને જ નહીં લોકોને પણ લાગતું હતું કે અમારી કેમેસ્ટ્રી બદલાઈ ગઈ
હતી. હું હજીએ પેજ 3 માટે “SUI (સ્યુ)” હતી. પરંતુ, હવે એમનો રસ અમારી વચ્ચેની બદલાતી કેમેસ્ટ્રીને જાહેર કરવામાં હતો.
સુચિત્રા વિજયન નામની એક પોલિટિકલ એનાલિસ્ટે લખ્યું તે પહેલાં જે રસથી લોકો સુનંદા અને શશી થરૂર વિશે લખતા હતા,
એને બદલે હવે જ્યારે એમના વિશે વાત થાય છે ત્યારે, એક કટાક્ષ અથવા વ્યંગભર્યું સ્મિત એમના ચહેરા પર દેખાય છે. વિદ્યા
ગોપીનાથની સ્ટોરી જ્યારે આઉટલુકમાં પ્રકાશિત થઈ ત્યારે એણે મારી દુબઈની જિંદગીના પાના ખોલીને મુકી દીધા. એ એવો
સમય હતો, જ્યારે અમારા લગ્ન અને સંબંધોનું ગ્લેમર પૂરું થઈ ગયું હતું. હવે બધાને મારી વિતેલી જિંદગીમાંથી મસાલા
શોધવાનો રસ હતો. મારા દુબઈના વર્ષો, પહેલા લગ્ન અને શશીની પહેલાં બીજા પુરુષો સાથેના મારા સંબંધો વિશે ક્યારેક નામ
લઈને તો ક્યારેક અછડતા ઈશારામાં લખાવા માંડ્યું. શશી આ બધુ વાંચીને બહુ વિચલિત થઈ જતા. એમને લાગતુ હતું કે મારું
વર્તન એક ભારતીય રાજનીતિજ્ઞની પત્નીને છાજે તેવું નહોતું. ધીરે-ધીરે પ્રેમ ઓસરતો ગયો અને પ્રશ્નો વધતા ગયા. સવાલો
અને સમસ્યાઓની વચ્ચે હું કોઈપણ સંજોગોમાં આ લગ્ન નિભાવવા માંગતી હતી. પરંતુ, મને સમજાવા લાગ્યું હતું કે ક્યાંક શશી
મારાથી કંટાળવા લાગ્યા હતા.
એમણે 22 ઓગસ્ટ 2013ના દિવસે ટ્વિટર ઉપર લખ્યું, “હું એનિવર્સરીના દિવસે પત્નીને ફૂલો આપવાનું ભૂલી ગયો, છતાં તેણે
લંચના સમયે ખૂબ જ સરસ વર્તન કરીને મારો દિવસ સુધારી દીધો.” એની સામે સૂચેતા દલાલ (મુંબઈ મિરર) એ રિટ્વિટ કર્યું…
સાંજે મેં અને શશીએ શેમ્પેઈનના ગ્લાસ સાથે ફોટો અપલોડ કર્યો, પરંતુ એ બધુ ધીમે ધીમે બનાવટી અને ખોટું લાગવા લાગ્યું.
શશી થરૂરના સેક્રેટરી અભિનવ કુમાર પણ જ્યારે-જ્યારે ઘરે આવતા ત્યારે એમણે અમારી વચ્ચે બદલાતા સંબંધોને સાક્ષી ભાવે
જોયા છે. શશીની બહેન, સ્મિતા અને શોભા, એમના મમ્મી લીલીને હું ક્યારેય ગમતી નહોતી. એ બંને જણા સમય સમયાંતરે
શશીને મારા વિરુદ્ધ જાતજાતનું કહ્યા કરતા. એમણે મને કદી સ્વીકારી જ નહીં. મારું સૌંદર્ય અને મારો આત્મવિશ્વાસ એમને
કદી ગમ્યો નહીં. જૂન 2013માં શશીના પરિવારનું રિયુનિયન થવાનું હતું. બંને બહેનો, ભાઈ અને બીજા નિકટના સ્વજનો
લંડનમાં ભેગા થવાના હતા, ત્યારે એમણે ત્યાંથી એવી કડક સૂચના આપી કે, શશીએ મને સાથે લઈને ન આવવું… અનાયાસે,
ઈમેઈલનો આ સંવાદ અને શશીને ફોન પર વાત કરતા સાંભળની મેં એ વિશે મારો પ્રતિભાવ આપ્યો, જેમાંથી એટલો બધો
ઝગડો થયો કે બીજે દિવસે શશી થરૂર એના સેક્રેટરી અભિનવ કુમારની સામે નાના બાળકની જેમ રડી પડ્યા… આ સાચુ છે કે
નહીં, એની મને ખબર નથી કારણ કે, આ વાત અભિનવ કુમારે એમના સ્ટેટમેન્ટમાં મારા મૃત્યુ પછી પોલીસને જણાવી હતી.
હું વધુ ચીડિયણ, ગુસ્સાવાળી અને ઝગડાળુ થઈ ગઈ હતી. મને લ્યુપિન નામનો રોગ ડિટેક્ટ થયો. આ એક એવો રોગ છે, જેમાં
આપણી ઈમ્યુન સિસ્ટમ પોતે જ પોતાના ઉપર અટેક કરે છે. સમય જતાં આ રોગને કારણે શરીરના ઘણા બધા અંગો ઉપર અસર
થવા લાગે છે. મારી ટ્રીટમેન્ટ ચાલી રહી હતી, એ દરમિયાનમાં એક દિવસ મેં થરૂરના અમુક ઈમેઈલ્સનો જવાબ આપવા માટે
જ્યારે મેં એમનો ઈમેઈલ એકાઉન્ટ ખોલ્યો ત્યારે મને જાણ થઈ કે શશી થરૂર પાકિસ્તાનની મહિલા પત્રકાર મહેર તરાર સાથે
ઘણા સમયથી ઈમેઈલ પર વાતચીત કરતા હતા. એ ડિવોર્સી સિંગલ મધર હતી. કશ્મીર પર પુસ્તક લખી રહી હતી, જેને કારણે
એ શશીના પરિચયમાં આવી હતી. એ પછી બંને જણા ક્યારે નજીક આવ્યા અને ક્યારે એમની વચ્ચે અંગત વાતો થવા લાગી
એની મને ખબર જ નહોતી. મેં શશીને સીધા પ્રશ્નો પૂછ્યાં જેના જવાબમાં એમણે દ્રઢતાથી કહ્યું કે એમની અને મહેર તરાર
વચ્ચે કશું જ નહોતું, પરંતુ મેં શોધી કાઢ્યું કે 2013માં મહેર 3 વાર ભારત આવી હતી. એ શશીને પણ મળી હતી… હું ખૂબ
નિરાશ થઈ ગઈ. એ એવો સમય હતો જ્યારે મારી તબિયતને કારણે હું લાચાર હતી. 27 જૂન 2013ના દિવસે મારી બર્થડે
પાર્ટીમાં આવેલી મારી મિત્ર નલિની સિંહ અને સાગરિકા ઘોષ બંને જણાએ મને કહ્યું કે હું નબળી અને ફિક્કી દેખાતી હતી. એ
પછી મને ખબર પડી કે લ્યુપિન ટર્મિનલ એટલે કે, સારો ન થઈ શકે તેવો રોગ છે… મારી પાસે બહુ સમય નથી તેવો ખ્યાલ
આવ્યા છતાં શશીનો વર્તાવ ખાસ બદલાયો નહીં, બલ્કે એ વધુ બેદરકાર અને મારાથી દૂર થતા જતા હતા.
હું મારા ભાઈ આશિષ સાથે સતત સંપર્કમાં હતી. મેં જ્યારે એને જણાવ્યું કે, મને લ્યુપિન નામનો રોગ છે, ત્યારે આશિષને ચિંતા
થવા લાગી એ મને મળવા આવ્યો અને મારું ઉતરી ગયેલું વજન જોઈને એણે શશી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શશીએ
એને સમય આપવાની પાડી… એ પછી, અમારી વચ્ચે પ્રશ્નો વધવા લાગ્યા.
એ જ દિવસોમાં શિવ ખોટી કંપનીને કારણે દુબઈમાં ડ્રગ્સ લેતો પકડાયો. હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર તરીકે એ
સમાચાર દબાવતા થરૂરને ખૂબ મુશ્કેલી પડી. ઈન ફેક્ટ આ સમાચાર મળ્યા ત્યારે શશીએ મદદ કરવાની ચોખ્ખી ના પાડી. હું
મારી જાતે દુબઈ ગઈ અને ફોન ઉપર શશીને ખૂબ વિનંતીઓ કરી, રડી ત્યારે એણે મહામહેનતે મારા દીકરાને મદદ કરવાની
તૈયારી બતાવી. સારા ખરાબ સમયમાં હું શશીની સાથે રહી, પરંતુ મારી અંગત સમસ્યા વખતે શશીએ જે વર્તાવ કર્યો એ માટે હું
આ ઘડી સુધી માફ કરી શકી નથી… મારા દીકરાને તો UAE સરકારે મુક્ત કરી દીધો, પરંતુ BJPના સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ
કરીને લખ્યું કે “યુનિયન મિનિસ્ટરને કેરાલાથી ઓળખાણ કાઢવાની એવી શી જરૂર પડી કે એમણે પોતાના દીકરાને નાર્કોટિક
ટ્રાફિકિંગ માટે જેલમાં જતો બચાવવા પોતાની ખુરશી પણ દાવ પર લગાડી દીધી.”
જેના જવાબમાં શશી થરૂરે ક્લેરિફિકેશન આપવું પડ્યું અને ઓફિશિયલ સ્ટેટમેન્ટ ઈશ્યૂ કરવું પડ્યું, જેને કારણે અમારી
સમસ્યાઓ વધી ગઈ… હું આજે પણ વિચારું છું કે શશીનો પોતાનો દીકરો હોત તો પણ એમણે આટલો ઠંડો જ વર્તાવ કર્યો
હોત! એ પછી અમે દુબઈમાં રેગીનાની અને સંજય ખાનની ભત્રીજી લૈલાની ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપી. મારુ ફેસબુક પેજ
અનિલ કપૂર અને બીજા અભિનેતાઓ સાથેના ફોટોઝથી ઊભરાઈ ગયું. અમે પાછા ફર્યા એ પછી અમારે કિંગફિશર વિલામાં
વિજય માલ્યાની પાર્ટીમાં જવાનું હતું. ન્યૂ યર ઈવની એ પાર્ટીમાં હાજર રહેલા ઘણા લોકોને સમજાયું કે અમારી વચ્ચે કંઈક
બદલાઈ ગયું હતું. એક જાણીતી ફેશન ડિઝાઈનરે એના ફેસબુક પેજ ઉપર અમારો સાથે ડાન્સ કરતો ફોટો મુકીને કેપ્શન આપ્યું,
“વ્હેર ઈઝ ધી મેજિક?” અમે વિજય માલ્યાની પાર્ટીમાંથી પાછા આવ્યા એ પછીની બે રાત હું ઉંઘી શકી નથી…
હું કંટાળી ગઈ હતી. શશીથી, એની બેદરકારીથી, શિવના બેજવાબદાર વર્તનથી અને મારી તબિયતથી… મારો ગુસ્સો ક્યારેક હદ
વટાવી જતો તો ક્યારેક હું એટલું બધું લો ફીલ કરતી કે 24 કલાક પથારીમાંથી ઊભા થવાનું મન જ નહોતું થતુ!
નવું વર્ષ શરૂ થઈ ગયું હતું, 2014નું એ વર્ષ મારે માટે પોતાની મુઠ્ઠીમાં શું છુપાવીને લાવ્યું હતું એની અમને કોઈને ખબર
નહોતી…
(ક્રમશ:)
શશી થરૂરને 7 કલાકની પૂછપરછ પછી અત્યારે તો શકના દાયરામાં રાખીને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે… મારા
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જુદાજુદા અભિપ્રાયો મળતા રહ્યા છે.