2023 અને 24ની વચ્ચેની આ રાત…

31.12.2023… એક આખું વર્ષ પૂરું થાય છે, મોટાભાગના લોકો શરાબ પીને, નાચીને,
રસ્તાઓ ઉપર પીપૂડા વગાડીને, ભીડ જમા કરીને ‘હેપ્પી ન્યૂ યર’ની બૂમો પાડીને વિતાવશે. ક્લબ્સ
અને હોટેલમાં ન્યૂ યરની પાર્ટીઓ હશે, જેમાં ‘5-4-3-2-1…’ના કાઉન્ટ સાથે ફટાકડાં ફૂટશે. યુગલો
ચુંબન કરશે. સહુ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે. દિવાળી કરતાં પણ આપણે 31
ડિસેમ્બરની રાતને વધુ ઉત્સાહ અને જોરશોરથી ઉજવીએ છીએ. આપણી પ્રણાલિ નથી, આપણું
કેલેન્ડર આ નથી તેમ છતાં અંગ્રેજી હકૂમત જે દિવસથી આ દેશ ઉપર હાવી થઈ ગઈ એ દિવસથી
આપણે માટે જાન્યુઆરીથી ડિસેમ્બરનું કેલેન્ડર જ મહત્વનું બની ગયું.

વિતેલી ઘટનાઓનો હિસાબ અને આવનારા દિવસોનું ભવિષ્ય કથન. બંને આમ જોવા
જઈએ તો કેટલું નકામું અને ફ્યુટાઈલ છે એની આપણને ત્યારે જ સમજ પડે છે જ્યારે એ દિવસો કે
વર્ષોને પાછા વળીને જોઈએ. સમય ક્યાં જાય છે એનુંકોઈ માપ કે પરિમાણ રહેતું નથી. લગભગ દરેક
માણસ ઝડપતી વીતી રહેલા સમય વિશે ફરિયાદ કરે છે. લગભગ દરેક માણસને મળતા ચોવીસ
કલાકથી શરુ કરીને એને મળેલી જિંદગીના વર્ષો ઓછા છે એવું એને લાગે છે. કારણ કદાચ એ છે કે
આપણે બધા જ શું કરવું છે એ સમજવામાં વાર લગાડીએ છીએ, કદાચ સમજાઈ જાય તો શરુ
કરવામાં તો ઢીલ કરીએ જ છીએ અને એક વાર શરુ કર્યા પછી પણ એને પૂરું કરીશું જ અથવા જે
કરવું છે તે જ કરીશું, એવું કોઈ વચન આપણે આપણી જાતને આપ્યું નથી.

નવાઈની વાત એ છે કે વર્ષના અંતે જ્યારે આપણે વિતેલા દિવસોનો હિસાબ કરીએ ત્યારે
એક યા બીજી બાબત બાકી રહી ગયાનો, ન થઈ શક્યાનો અફસોસ આપણને થાય જ છે. વર્ષ પૂરું
થાય ત્યારે પરિવાર સાથે સમય ન વિતાવ્યાનો, કોઈ કોન્ટ્રાક્ટ ખોઈ દીધાનો, તક ગુમાવ્યાનો,
પ્રિયજનને ખોઈ બેઠાનો, દોસ્તી તોડી નાખ્યાનો કે સમય, સ્વાસ્થ્ય વેડફી દીધાનો અફસોસ આપણને
થાય છે. ઝઘડામાં કે લડાઈમાં બરાબર જવાબ ન આપ્યાનો, આપણા હાથમાં ચાન્સ હોવા છતાં
કોઈકને પાઠ ન ભણાવ્યાનો, લોકોને સીધા ન કર્યાનો પણ અફસોસ થાય છે ક્યારેક. આશ્ચર્ય એ
વાતનું છે કે ક્યારેક આપણને ક્ષમા કરી દીધાનો પણ અફસોસ થાય છે, અને ક્યારેક વેર લીધાનો પણ
અફસોસ થાય છે ! વર્ષ પૂરું થાય ત્યારે અખબારો વિતેલા વર્ષની સમીક્ષા કરે છે એમ આપણે પણ
માણસ તરીકે વિતી ગયેલા વર્ષની સમીક્ષા કર્યા વગર રહી શકતા નથી, પરંતુ વિતી ગયેલા વર્ષ વિશેનો
અફસોસ આમ તો અર્થહીન જ છે ને ? કદાચ એથી જ વિતેલા વર્ષને ઉજવવાનો એક નવો સંકલ્પ
આપણી સામે મૂકાયો છે. દિવાળી હોય કે અંગ્રેજી નવું વર્ષ, જે વિતી ગયું છે તે વર્ષને ઉજવીને નવા
વર્ષનો વિચાર પૂર્વ અને પશ્ચિમ બંનેએ સ્વીકાર્યો છે. જે ચાલ્યું જ ગયું છે એનો અફસોસ શું કામ
કરવાનો ? જેમાં કાંઈ બદલી શકાય તેમ છે જ નહીં, એના વિશેનો તરફડાટ, ઉશ્કેરાટ કે અફસોસ
કરવાને બદલે નવા વર્ષને નવેસરથી શરુ કરવાની આ ફિલોસોફી અથવા સમજણ પૂર્વ અને પશ્ચિમ
બંનેએ સ્વીકારી છે. તદ્દન જુદી ફિલોસોફી અને માનસિકતામાં ઉછરેલી આ બંને સંસ્કૃતિઓ પણ જે
ગયું તેને વિશે અફસોસ નહીં કરવા વિશે એકમત છે!

આપણી જિંદગી પણ આમ તો વિતી રહેલા વર્ષ જેવી જ છે. ગયેલો સમય ક્યારેય પાછો
નતી આવતો. ટ્વેન્ટી-ટ્વેન્ટીના વર્ષમાં આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ 2019નું વર્ષ પાછું
નથી આવતું, એવી જ રીતે ગમે તેટલું સારું વીત્યું હોય તો પણ 2016ના 08ના 05ના વર્ષમાં પાછા
જવું સંભવ નથી, ખરું ને? જિંદગીના જે વર્ષો વિતી જાય છે એ વર્ષોને ફરી પાછા પામવા કે મેળવવા
અસંભવ છે છતાં આપણે એ વર્ષોનું મૂલ્ય કરતા નથી. વિતેલા વર્ષને ઉજવવાને બદલે જિંદગીના
અંતકાળે મોટાભાગના લોકોને એક યા બીજી વાતનો અફસોસ હોય છે. આપણે બધા સમજીએ
છીએ, કે જે ગયું તેના વિશે કોઈ સમજી નહીં શકે તેમ છતાં, અફસોસ કેમ છૂટતો નથી?

આમાં કન્ઝ્યુમર સાયકોલોજી અપનાવવા જેવી છે. તૂટેલા, ફૂટેલા, રિપેર નહીં થઈ શકતા
વિચારો કે સંબંધોને બહુ લાંબુ ખેંચ્યા વગર એની જગ્યાએ કશુંક નવું અપડેટેડ, અપગ્રેડેડ રિપ્લેસ કરી
દેવું એ પણ જિંદગી જીવવાનો એક સુંદર અને સમજદાર રસ્તો છે. વોશિંગ મશીન કે ફ્રીઝ ક્યારેક
રિપેર કરાવવા જઈએ તો મોંઘું પડે એને બદલે હવે ઓપન માર્કેટમાં આવી વસ્તુઓ સસ્તી મળી જાય
છે. આપણે ગ્રાહક તરીકે કે કન્ઝ્યુમર તરીકે રિપેર કરવાને બદલે નવું ખરીદી લેવાનું આપણને અનુકુળ
આવે છે. કદાચ, વિચારો કે સંબંધોમાં પણ એવું જ કરવું જોઈએ? ગેરસમજને અવકાશ નથી, વ્યક્તિ
રિપ્લેસ કરવાની વાત નથી, વિચાર અને સંબંધ રિપ્લેસ કરવાની વાત છે, સમજવા જેવું છે… પતિ
સાથે કે પત્ની સાથે, કદાચ વૈચારિક મતભેદ હોય અને એકબીજા વિશે અમુક પ્રકારનું પઝેશન હોય,
અણગમા હોય, વર્તન, વ્યવહાર કે વાણી વિશે સમસ્યા હોય તો એ સંબંધને રિપ્લેસ કરીને ત્યાં
દોસ્તીનો સંબંધ મૂકી શકાય! એવી જ રીતે માતા-પિતા સાથે કદાચ વૈચારિક મતભેદ હોય તો ત્યાં
વડીલનો, મિત્રતાનો, સમજદારીનો સંબંધ મૂકી શકાય. સંતાનો સાથે પણ ક્ષમાનો કે કાળજીનો સંબંધ
મૂકી શકાય…

વિતી ગયેલું વર્ષ આપણને ‘આવજો’ કહે છે… અર્થ એ થાય છે કે જે ગયું છે તેને મુક્ત કરીને
ફટાકડા ફોડવા, સંગીત અને નૃત્યમાં ગુલતાન થઈ જવું (શરાબ પીવી એ કદાચ વિતેલું વર્ષ
ઊજવવાની રીત નથી, હોય તો પશ્ચિમ સાથે જોડાયેલી છે) આપણે તો દીપક પ્રગટાવીએ છીએ
અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું એક નવું પ્રસ્થાન શરૂ કરીએ છીએ.

આજે પૂરું થઈ રહેલું વર્ષ સૌના જીવનમાં એક આખું કોરું કડાક વર્ષ લઈને આવશે… ચાલો,
વિતેલી ડાયરીને સાચવીને મૂકી દઈએ અને 365 નવા દિવસની એક નવી ડાયરીમાં નવો પ્રવાસ
આરંભ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *