આજે 21 જુલાઈ, બે એવા લોકોનો જન્મદિવસ જેમને આ દુનિયા શ્રેષ્ઠ કવિ, ગીતકાર તરીકે યાદ
કરે છે. એક, જેમણે સાહિત્યના ઊંડાણમાં ખેડાણ કર્યું. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતાં કાવ્યો,
એકાંકી નાટકોથી શરૂ કરીને તત્સમ ગુજરાતી ભાષા સુધી એમની કલમ વિસ્તરે છે. ગાંધીવિચારથી પ્રભાવિત
હોવા છતાં એમની કવિતામાં વિશ્વપ્રેમ છે. કુદરત અને માણસના મનમાં વસતા અનેક ભાવને એમણે
અદભૂત રીતે પ્રતિબિંબિત કર્યા છે. એમની ટૂંકી વાર્તાઓ વિવિધ દ્રશ્યો અને મનોભાવને ઊઘાડી આપતા
એમના નિબંધો, વ્યક્તિચિત્રોથી શરૂ કરીને એમની ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને કાવ્યો ગુજરાતી
સાહિત્યનું વિશિષ્ટ પ્રદાન છે.
સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર ‘જ્ઞાનપીઠ’થી જેમનું સન્માન કરવામાં આવ્યું, એ કલકત્તાની
વિશ્વભારતી યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ અને વિશ્વ પ્રવાસી
પણ કહી શકાય એવા શ્રી ઉમાશંકર જોશીનો આજે જન્મદિવસ છે. ઈડરના બામણા ગામમાં એમનો જન્મ,
ચાર ધોરણ પૂરા કરીને ઈડરના છાત્રાલયમાં રહીને એમણે અંગ્રેજી સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો.
અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ કરીને ગુજરાત કોલેજમાં હતા ત્યારે સત્યાગ્રહની
લડતમાં ઝંપલાવી દીધું. એ પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસ સાથે બી.એ.
અને એ પછી એમના પ્રદાન વિશે ગુજરાતી સાહિત્ય નતમસ્તક છે!
એમણે કવિતા, પદ્યનાટકો, એકાંકી, નવલિકા, નવલકથા, નિબંધ, વિવેચન, સંશોધન, સંપાદન,
અનુવાદ, સંપાદન, ચિંતન, વ્યક્તિચિત્રો, શિક્ષણ, પ્રવાસ, વૃત્તવિવેચન, પ્રકીર્ણ સુધીના પ્રત્યેક વિષયમાં
ખેડાણ કર્યું છે. બુધ્ધિપ્રકાશ (એપ્રિલ 1944થી સપ્ટેમ્બર 1946), સંસ્કૃતિ (1947-1984)ના તંત્રી પદે
રહી ચૂકેલા ઉમાશંકર જોશીની કવિતાઓમાં ભાષા અને વ્યાકરણનો સુભગ સમન્વય જોવા મળે છે. એમના
જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત સંગ્રહ ‘નિશીથ’ માં એમણે ભગવાન શિવનું વર્ણન કરતાં લખ્યું છે,
‘નિશીથ હે! નર્તક રૂદ્રરમ્ય!
સ્વગંગનો સોહત હાર કંઠે,
કરાલ ઝંઝા-ડમરુ બજે કરે,
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ,
તેજોમેઘોની ઊડે દૂર પામરી
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય!’
એક વ્યક્તિ એવી, જેમણે શિષ્ટ સાહિત્ય અને ભાષાના વૈભવ સાથે ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય
સ્તરે સન્માન અપાવ્યું, બીજી વ્યક્તિ એવી જેણે સિનેમાના ગીતોમાં જીવન, ફિલસૂફી, પ્રણય, કુદરત અને
દેશભક્તિને વણી લીધા-જનસામાન્યને કવિતા સાથે જોડવાનું કામ કર્યું.
હિન્દી સિનેમા જેના ગીતોને આજે પણ ગણગણે છે અને જેમની સિનેમાના ગીતોની કારકિર્દી
1957થી 2002 સુધી ચાલતી રહી… જેમણે 44 વર્ષે ‘બોબી’ ફિલ્મના ગીતો લખ્યા. 52 વર્ષની ઉંમરે ‘એક
દૂજે કે લિયે’, 61ની ઉંમરે ‘ઈલુ ઈલુ’ જેવું ગીત અને 70 વર્ષની ઉંમરે યશરાજની ફિલ્મ ‘મહોબ્બતેં’ના ગીતો
લખ્યા. એ સદાબહાર, સદાજવાન હૃદય ધરાવતા આનંદ બક્ષીની કથા પણ બહુ રસપ્રદ છે.
એક વાર આનંદ બક્ષી દિલ્હીથી મુંબઈ જતા હતા. એક સ્ટેશને ડફલી સાથે ફકીર ચડ્યો. ફકીરે
ગાવાનું શરૂ કર્યું, ‘મુબારક હો સબ કો સમા યે સુહાના…’ ત્રણ વખત એ ગીતને વન્સમોર મળ્યું, પણ ટ્રેનના
ડબ્બામાં બેઠેલા કોઈને ખબર નહોતી કે એ ગીતના લેખક પણ અન્ય મુસાફરોની સાથે ગીત સાંભળી રહ્યા
હતા!
રાવલપિંડીમાં એમનો જન્મ થયો. નવાઈની વાત એ છે કે, આનંદ બક્ષી ગાયક બનવા માગતા હતા.
એમના પરિવારમાં બધા લશ્કર અથવા પોલીસમાં જ હતા. એમના માનું અવસાન થયું. પિતાજીએ બીજા
લગ્ન કર્યાં એટલે એક તરફ, સાવકી મા અને બીજી તરફ, કડક પિતા. આનંદ નામના એ નાનકડા બાળકને
ફિલ્મો જોવાનો ખૂબ શોખ. ઘરમાંથી પૈસા તો મળે નહીં. પસ્તીવાળાને ત્યાં જઈને સ્કૂલના પુસ્તકો વેચી
દીધા. પૈસા લઈને ફિલ્મ જોવા પહોંચી ગયા. પસ્તીવાળાએ પુસ્તક ઉપર લેબલ વાંચ્યું, એમને ખબર પડી કે,
આ તો ઈન્સ્પેક્ટર બક્ષી સાહેબના દીકરાનું દફ્તર છે. પિક્ચર જોઈને ઘેર પહોંચ્યા પછી દફ્તર વિશે
પૂછપરછ થઈ. આનંદે કહ્યું, ‘દફ્તર ખોવાઈ ગયું.’ જે માર પડ્યો છે… એ પછી છાત્રાલયમાં રહેવું પડ્યું.
નેવીમાં નોકરી લેવી પડી. એમને નેવીનું પોસ્ટિંગ કરાંચીમાં મળ્યું. ભારત છોડો આંદોલનના સમયમાં
1944માં નૌકાદળે બળવો કર્યો, એમાં અન્ય ઓફિસર્સ જોડે આનંદ બક્ષી પણ ગિરફ્તાર થયા. એમને
જેલની સજા કરવાને બદલે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. પાછા ફર્યા ઈલેક્ટ્રિશિયનનું કામ શીખ્યા.
રાવલપિંડીમાં સિનેમા થિયેટરમાં બુકિંગ ક્લાર્કની નોકરી સ્વીકારી લીધી… 1947માં ભાગલા પડ્યા અને
પરિવાર ભારત આવી ગયું. જબલપુરમાં સ્થાયી થવાનો પ્રયત્ન કરતા હતા, પછી મુંબઈ ગયા. મુંબઈમાં કામ
ન મળ્યું એટલે એમણે કસમ ખાધી કે મુંબઈ ફરી ક્યારેય પાછા નહીં આવે, પરંતુ નસીબ એમને ફરી મુંબઈ
લઈ આવ્યું! ગાયક તરીકે કામ શોધતા આનંદ બક્ષીને દરેક જગ્યાએથી ‘નકાર’ સાંભળવો પડ્યો. એ પોતાની
લાગણીઓ અને વિચારોને કવિતાઓમાં ઉતારતા… એક દિવસ જાણીતા કોમેડી એક્ટર ભગવાનદાદાને
એમણે કવિતા સંભળાવી, ભગવાનદાદાએ ‘ભલા આદમી’ માટે એમનું એક ગીત પસંદ કર્યું, પણ રેકોર્ડ બહાર
પડી ત્યારે એમનું નામ જ નહોતું!
1930માં જન્મેલા આનંદ બક્ષીને પહેલી સફળતા 1960માં મળી! અને એ પછી એમણે પાછું
વળીને જોયું નથી. એમના ગીતો યાદ કરીએ તો સમજાય કે, જીવનની ફિલસૂફીથી શરૂ કરીને પ્રણય અને
દેશભક્તિના ગીતો એમણે આપ્યાં છે. રૂપ તેરા મસ્તાના (આરાધના), સાથિયા નહીં જાના કિ જી ના લગે
(આયા સાવન ઝૂમકે), યે રેશ્મી જુલ્ફેં, યે શરબતી આંખેં (દો રાસ્તે), આને સે ઉસકે આયે બહાર (જીને કી
રાહ), એક કેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ (વાપસ), રિમઝિમ કે ગીત સાવન ગાયે (અન્જાના), કોઈ
નઝરાના લેકર આયા હૂં મૈં દીવાના તેરે લીયે (આન મિલો સજના), આયા રે ખિલૌનેવાલા ખેલ ખિલૌને લેકે
આયા રે (બચપન), આજા તુઝકો પુકારે મેરે ગીત રે (ગીત), માન જાઈએ, માન જાઈએ, બાત મેરે દિલ કી
જાન જાઈએ (હિમ્મત), ઢલ ગયા દિન, હો ગઈ શામ (હમજોલી), તુમ મુઝસે દૂર ચલે જાના ના, મૈં તુમસે
દૂર ચલી જાઉંગી (ઈશ્ક પર જોર નહીં), ઝિલમિલ સિતારોં કા સાવન હોગા (જીવન મૃત્યુ), જિસ ગલી મેં
તેરા ઘર ન હો બાલમા (કટી પતંગ), ખિલૌના જાનકર તુમ તો મેરા દિલ તોડે જાતે હો (ખિલૌના)…