છ વર્ષમાં બમણા કિસ્સાઃ તમારું બાળક આનો હિસ્સો નથી ને?

1979માં રિપન કપૂર નામના ઈન્ડિયન એરલાઈન્સમાં કામ કરતા એક પરસરને વિચાર
આવ્યો કે, આ દેશમાં બાળકો માટે કંઈ કામ કરવું જોઈએ. 50 રૂપિયાના ફંડ સાથે એમના છ મિત્રોએ
ભેગા થઈને ‘ક્રાય’ (CRY) નામની સંસ્થાની સ્થાપના કરી. ‘ચિલ્ડ્રન રાઈટ્સ એન્ડ યુ’ નામની આ
સંસ્થા બાળકોના અધિકારો માટે કામ કરે છે. શિક્ષણ, સુરક્ષા અને સમાજમાં એમને મળવું જોઈતું
સ્થાન, બાળમજૂરી, બાળકો સાથે થતાં દુષ્કર્મના કેસ, છોડી દેવાતા અનાથ બાળકો અને બાળ
ગુનેગારો માટે પણ આ સંસ્થા અત્યંત જાગૃતિથી કામ કરે છે. 2023માં ક્રાય દ્વારા એક એનાલિસિસ
(સર્વે) કરવામાં આવ્યો. જેના આંકડા જાણતાં આપણે કદાચ ચોંકી જઈએ. ક્રાયના રિસર્ચ ડાયરેક્ટર
શુભેન્દુ ભટ્ટાચાર્યએ પૂરી જવાબદારી સાથે એવી જાહેરાત કરી છે કે બાળકો સાથે થતાં યૌન
શોષણના કેસ છેલ્લા છ વર્ષમાં બમણા થઈ ગયા છે. 2016માં 19,776 કેસ નોંધાયા હતા, જ્યારે
2022માં 38,911 કેસ નોંધાયા છે. આ માત્ર નોંધાયેલા અથવા પોલીસ ચોપડે ચડેલા કેસની વિગતો
છે. એ સિવાય ક્યાં અને કેટલા કેસ બનતા હશે એની માહિતી હજી આપણી પાસે નથી પહોંચી.

આમાં બે બાબતો મહત્વની છે. પહેલી બાબત એ છે કે, સામાજિક જાગૃતિ આવી છે
અને પોતાના સંતાન સાથે થયેલા યૌન શોષણ કે મોલેસ્ટેશન જેવા કિસ્સામાં ચૂપ રહેવાને બદલે હવે
મા-બાપ અવાજ ઉઠાવતા થયા છે. શાળાઓમાં આ જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવે છે જેથી
બાળકો ‘ગુડટચ’ અને ‘બેડટચ’ સમજતા થયા છે, એટલે બાળકો પણ પોતાની સાથે બનતી ઘટનાને
સમજી શકે છે. બીજી મહત્વની અને ભયજનક બાબત એ છે કે, સમાજ વધુને વધુ વિકૃત થતો જાય
છે. માણસનું મન વધુને વધુ મેલું થતું જાય છે. નવાઈની વાત એ છે કે, જેના શરીરનો કોઈ આકાર
નથી કે જેની આંખો હજી નિષ્પાપ છે એવાં ઈશ્વર જેવાં નિર્દોષ બાળકોમાં જેને સ્ત્રી કે પુરુષ દેખાય
છે એ માનસિક રીતે રોગી છે. આપણા સમાજમાં આવા રોગીઓ વધતા જાય છે. બાળકને ચોકલેટ કે
રમકડાંની લાલચે પોતાના શારીરિક વિકારનો શિકાર બનાવતા આ માણસોને ‘રાક્ષસ’ નહીં તો બીજું
શું કહી શકાય? સમાજમાં આવાં રાક્ષસો અને દાનવો વધતા જાય છે, એ સાચે જ ભયજનક બાબત
છે. દુઃખની બાબત એ છે કે, ક્રાય અથવા બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થાઓ જેટલું કરી
શકે છે તેટલું કરે છે-એની સામે ગુનેગારોની સંખ્યા એટલી મોટી છે કે એને પહોંચી વળવું લગભગ
અસંભવ બની જાય છે. આ સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે.

માનસિક રીતે વિકૃત બની જતા માણસો વિશે વિચારીએ તો સમજાય કે, એમના
બાળપણમાં એમની સાથે બનેલી કોઈ આવી જ ઘટનાએ એમને વિકૃત બનાવ્યા હોવાની સંભાવના
સૌથી વધારે છે. બીજી શક્યતા તરીકે આપણે સિનેમા અને સોશિયલ મીડિયાને જવાબદાર ગણી
શકીએ. હવે દરેક પાસે એક સ્માર્ટ ફોન છે. જેમ આ સ્માર્ટ ફોન માહિતી, સુરક્ષા અને કોમ્યુનિકેશન
માટે આશીર્વાદ છે એવી જ રીતે આવા વિકૃત માણસ માટે આ જ સ્માર્ટ ફોન અભિશાપ પૂરવાર થાય
છે. પોર્ન સાઈટ્સ, ચાઈલ્ડ પોર્ન સાઈટ્સ ઉપર પ્રતિબંધ હોવા છતાં અસંખ્ય સાઈટ્સ ઉપલબ્ધ છે.

અનેક લોકો આ પોર્ન સાઈટ્સ ઉપર નિયમિત રીતે કન્ટેન્ટ પોસ્ટ કરે છે. ભાભી-દિયર, ટીચર-
વિદ્યાર્થી, શિક્ષક અને વિદ્યાર્થિની, પડોશીની સાથે પતિના મિત્ર અને એવા તમામ પ્રતિબંધિત શારીરિક
સંબંધો વિશેની ગંદી-વિકૃત ફિલ્મો જુદા જુદા લોકોને લઈને બનાવવામાં આવે છે. આ ફિલ્મો
અશિક્ષિત અને મૂર્ખ માણસને ઉશ્કેરવાનું કામ કરે છે. સભ્ય કહીએ તેવા સમાજમાં આપણે કલ્પના
પણ ન કરી શકીએ એવી અને એટલી સંખ્યામાં આવું પોર્ન-વિકૃત કન્ટેન્ટ સોશિયલ મીડિયામાં સતત
ઠલવાયા કરે છે. આ પ્રકારના કન્ટેન્ટને જોનારા મોટેભાગે અશિક્ષિત અને પોતાના નાનકડા
ગામડામાંથી મેટ્રો તરફ ગયેલા મજૂર, ચોકીદાર અને ડ્રાઈવર જેવી નોકરીઓ કરતા માણસો છે. બીજા
પણ છે, પરંતુ વધુ પ્રમાણમાં એવા લોકો છે જેમને સારા-નરસાની સમજ નથી. એ લોકો આવું
કન્ટેન્ટ જોઈને ઉશ્કેરાય છે. શારીરિક આવેગોને સમાવવામાં માટે કાં તો સેક્સવર્કર તરફ વળે છે અને
જો પૈસાની તંગી હોય તો ઘરકામ કરનારી સ્ત્રીઓ, યુવાન મજૂર સ્ત્રીઓ સાથે રિલેશનશિપ
બનાવવાનો પ્રયાસ કરે છે. આ બંને ન થઈ શકે ત્યારે બળાત્કારની સ્થિતિ આવે છે. એમને માટે એ જ
ક્ષણે ઊભો થયેલો આવેગ સમાવવાનું જે પહેલું દેખાયું તે સાધન મોટેભાગે બાળક છે. સૌથી વધુ
પીડાદાયક બાબત એ છે કે હવે, આમાં મેલ કે ફિમેલ ચાઈલ્ડનો તફાવત પણ ભૂંસાતો જાય છે.
આપણને આઘાત લાગે એવું સત્ય એ છે કે, મોટાભાગના બાળકો સાથેના આવા
શોષણના કિસ્સાઓમાં સ્કૂલની બસ કે રીક્ષાનો ડ્રાઈવર, સ્કૂલનો પટાવાળો, ઘરમાં કામ કરતો નોકર કે
બાઈ, ટ્યુશન ભણાવવા આવતા શિક્ષકો, ઘર રિપેરિંગ માટે આવેલા મજૂર કે આસપાસમાં રહેતા-
ઘરમાં અવરજવર કરતા, જેને પરિવારના સભ્ય કહી શકાય એવી વ્યક્તિઓ મહદ્અંશે જવાબદાર
હોય છે. એકમેકને ઘેર રમવા જતી બહેનપણીઓ કે મિત્રોના માતા-પિતા, એમના પરિવારના સભ્યો
કે એથી આગળ વધીને કઝિન મામા, કાકા, માસી, ફોઈ, પિતાના મિત્રો અને મમ્મીની બહેનપણીઓ
પણ ક્યારેક આવા કિસ્સામાં સંડોવાયેલા જોવા મળે છે. સવાલ એ થાય છે કે, શું આપણા બાળકને
સતત ડરાવીને રાખવું? એને કોઈ સાથે કે કોઈ પાસે ન જવા દેવું? આવું કરવાથી એના વિકાસ અને
સામાજિક આત્મવિશ્વાસ પર અસર પડશે. એ એકલવાયું અને ડરપોક બની જશે.

આવી પરિસ્થિતિમાં રસ્તો એ છે કે, બાળક સમજણું થાય ત્યારથી જ એને સ્નેહ અને
વિકૃતિ વચ્ચેનો ફેર સમજાવવો જોઈએ. ‘મોટું થશે ત્યારે સમજાવીશું’ એવી ધીરજ હવે રાખી શકાય એમ
નથી. ચાર કે પાંચ વર્ષની દીકરી કે દીકરો આપણી વાત સમજતા થાય, સૂચના સ્વીકારતા અને એ
પ્રમાણે વર્તતતા થાય ત્યારે જ એને પ્રાઈવેટ ભાગ પરનો સ્પર્શ, સામેની વ્યક્તિના હાવભાવ
ઓળખવાની અને અણગમતી પરિસ્થિતિ કે સ્પર્શ વિશે માતા-પિતા સાથે નિઃસંકોચ વાત કરવાનું
શિક્ષણ આપવું જોઈએ. બીજી એક મહત્વની વાત, માતા-પિતાએ પરિવારના સભ્ય, સગા, શિક્ષક
જેવા સંબંધનો જરાક પણ ભય કે શેહ રાખ્યા વગર પોતાના સંતાન સાથે બનેલા દુર્વ્યવહાર કે દુષ્કર્મ
વિશે, જે વ્યક્તિએ આ કર્યું એની સાથે સ્પષ્ટ રીતે વાત કરવી જોઈએ અને પછી પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવવી જોઈએ.

કુમળી વયમાં થયેલા આવા અનુભવ વ્યક્તિને જીવનભર માટે ડરપોક કે વિજાતિય
વ્યક્તિ પરત્વે નિરુત્સાહ બનાવી શકે છે. ક્યારેક આવા કોઈ અનુભવને કારણે બાળક સમજણું થાય
તે પહેલાં ગે અથવા લેસ્બિયન બની જાય છે. કેટલાંક બાળકો આવા આઘાતજનક અનુભવને કારણે
ગુનાખોરી તરફ ધકેલાય છે. આ બધામાંથી બચાવવાનો સીધો અને સરળ રસ્તો સંતાન સાથે સતત
વાતચીત કરતા રહેવાનો અને આસપાસના વાતાવરણ અને વ્યક્તિ વિશે સતત સજાગ રહેવું એ જ
છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *