આધે ઈધર જાઓ, આધે ઉધર જાઓ… બાકી ?

ફેબ્રુઆરીનો આખો મહિનો કેટલાક લોકો ‘પ્રેમના મહિના’ તરીકે ઉજવી નાખે છે. મોટાભાગના લોકોને ઉજવણી કરવા માટે એક યા બીજું બહાનું જોઈતું હોય છે… પ્રેમ હોય કે માતૃત્વ, પિતૃત્વ હોય કે આભાર માનવાનો એક ખાસ દિવસ… આપણે બધા તહેવારપ્રેમી લોકો છીએ. આમાં માત્ર ભારતીય લોકોની વાત નથી. વિશ્વભરમાં માણસ માત્ર ખુશ રહેવાનું કોઈ બહાનું શોધ્યા કરે
છે. જન્મદિવસ હોય કે એનીવર્સરી, સફળતા હોય કે કોઈ એચિવમેન્ટની પળ, લગ્ન હોય કે બાળકનો જન્મ, જાહેર તહેવાર હોય કે અંગત સ્મૃતિઓ, આપણે બધા કોઈ ને કોઈ રીતે ઉજવણી કરવા માટે તત્પર હોઈએ છીએ.

“પાર્ટી આપવી પડે હોં…” આ વાક્ય આપણે કેટલી વાર કહ્યું હશે ? કેટલી વાર સાંભળ્યું હશે ? આ વાક્ય ઉજવણીનું આમંત્રણ છે. પાર્ટી આપનાર અને લેનાર બંને ખુશ થાય છે. સેલિબ્રેશનની મજા જ એ છે. જે સેલિબ્રેટ કરે છે તે અને જેટલા એ સેલિબ્રેશનમાં જોડાય છે તે બધા અંતે તો ‘મજા’ જ કરે છે ! થોડા સમય પહેલાં, થોડા દાયકા પહેલાંની વાત કરીએ તો ‘પાર્ટી’ એટલે ભોજન… સ્વજનો, પ્રિયજન, સહકાર્યકરો કે અડોશી-પડોશી સાથે મળીને ભાવતું ભોજન જમે એટલે ‘પાર્ટી’ની વ્યાખ્યા પૂરી થઈ જતી. સમય જતાં એમાં શરાબ ઉમેરાઈ. એ પછી ‘પાર્ટી’નો અર્થ શરાબ સાથે જોડાવા લાગ્યો. નાના-મોટા સેલિબ્રેશનમાં દારૂનું હોવું એક રીતે અનિવાર્ય બનવા લાગ્યું. કાયદાનું ઉલ્લંઘન કરીને પણ ઉજવણી હોય તો શરાબ હોવી જ જોઈએ એવી એક માનસિકતા ધીમે-ધીમે ઉચ્ચ મધ્યમવર્ગના સમાજમાં પ્રસરવા લાગી. આની પાછળ પશ્ચિમથી આવેલા કેટલાક વિચારો કારણભૂત હતા. એ દ્રાક્ષનો દેશ છે, ત્યાં શરાબ એ જીવનશૈલીનો હિસ્સો છે. આપણે રુદ્રાક્ષના દેશમાં વસીએ છીએ. આપણા દેશમાં શરાબ અનિવાર્ય નહોતી, ક્યારેય નહોતી !

પશ્ચિમ સાથે જોડાયેલા કેટલાક વિચારોએ આપણી કુટુંબ વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી. આખું કુટુંબ સાથે બેસીને શરાબ ન પી શકે (આ વિચાર સાચો જ છે) એવી આપણી ભારતીય સંસ્કારીતાને કારણે જે લોકો ‘પીવા’ માગતા હોય, એમની ઉજવણી અલગથી ગોઠવાવા લાગી. લગ્નોમાં ગાડીની ડીકીમાં કે પારિવારીક પ્રસંગોએ ધાબે અથવા કોઈક ખાનગી જગ્યાએ ગોઠવાયેલી
શરાબની નાનકડી મહેફીલમાં ચોરી-છૂપી જઈને શરાબ પીતા માત્ર યુવાનો જ નહીં, પ્રૌઢ અને વૃદ્ધો પણ જોડાવા લાગ્યા. એને કારણે પરિવારના પુરુષો વચ્ચે એક પ્રકારનો છોછ તૂટી ગયો. જે ઘરમાં પિતા-પુત્ર સાથે શરાબ પીવા લાગ્યા, એ ઘરમાં પિતા પરત્વેનો બેઝિક સન્માનનો મુદ્દો થોડો હચમચી જાય છે. પિતાએ યુવાન સંતાનના મિત્રવત્ થવું એવું આપણા શાસ્ત્રોએ કહ્યું છે,
પરંતુ એના જેવડા કે એના જેવા થઈને એના મિત્ર બનવું એવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય કહ્યું નથી. આપણા સંતાન પાસે મિત્રો અનેક છે, પરંતુ માતા-પિતા એક જ છે અને એમની જવાબદારી સાચી દિશા બતાવવાની છે. એમણે પોતે દિશા ભટકવાની નથી.

એ પછી એક એવો સમય શરૂ થયો જેમાં શરાબ કરતાં મોટા નશા ‘પાર્ટી’ માટે અનિવાર્ય બનવા લાગ્યા. ગાંજો, મેરીઉઆના, એમડી જેવા અનેક ડ્રગ્સ આજે ઘર-ઘરની સમસ્યા બની રહ્યા છે. કેટલાય યુવાનો આ ડ્રગ્સમાં ઢસડાઈ રહ્યા છે, માતા-પિતા અસહાય થઈને એમના સંતાનોને એ દિશામાંથી પાછા વાળવા કે એ દિશામાં જતા અટકાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે
ત્યારે આપણે બધાએ આપણી જાતને આ સવાલો પૂછવા અનિવાર્ય બન્યા છે, છૂટછાટ શું છે ? સ્વતંત્રતા એટલે શું ? કેટલી હદે છૂટ અપાય અથવા કોને સ્વતંત્રતા કહેવાય ? આ સવાલો આપણે આપણી જાતને પૂછવાનું ટાળીએ છીએ. આપણને બધાને આપણા સંતાનો અત્યંત વહાલા છે, પરંતુ વડીલો કહેતાં તેમ, “સોનાની કટારી ભેટમાં શોભે, પેટમાં નહીં…” આપણે બધાએ
સોનાની કટારીને પેટમાં ખોસી દીધી છે ! પશ્ચિમથી આવેલા એક ‘મોડર્ન’ હોવાના આભાસી ખ્યાલને આપણે બધાએ ‘સ્વતંત્રતા’ તરીકે સ્વીકારી લીધો છે.

સત્ય એ છે કે આપણે સંસ્કારમાંથી શીખ્યા નથી અને સંસ્કૃતિને જાળવી શક્યા નથી ! આપણી સંસ્કૃતિમાં જેટલી સ્વતંત્રતા હતી એટલી કદાચ વિશ્વની કોઈ સંસ્કૃતિમાં ક્યારેય નહોતી. કન્યાને ‘સ્વયંવર’ (સ્વયં એટલે જાતે અને વર એટલે પતિ) કરવાની છૂટ હતી. દુષ્યંત અને શકુંતલા, પુરુરવા અને ઉર્વશી, સુભદ્રા અને અર્જુન, અરે સ્વયં રુક્મિણી અને કૃષ્ણ… કેટલાં પ્રણય લગ્નોનું
લિસ્ટ બનાવીશું ? સ્ત્રી-પુરુષની મૈત્રીનું ઉત્તમ ઉદાહરણ કૃષ્ણ અને દ્રૌપદી છે. અર્જુને કોઈ દિવસ એમના પર શંકા નથી કરી ! સ્વયં રામને સેતુની પૂજા કરાવીને પોતાને જ મારવા આવી રહેલા દુશ્મનને, ‘વિજયી ભવ’ના આશીર્વાદ આપતા રાવણ કે પતિની સાથે વનમાં જવાના પુત્રવધૂના નિર્ણયને સન્માન આપતા સાસરિયા આપણી પાસે રામાયણમાં છે. પુષ્પક નામના વિમાનનો
ઉલ્લેખ છે, કશુંક તો ઉડતું હોવું જોઈએ ! સો પુત્રોને માંસના લોચામાંથી કાઢી અને ઘીના ઘડામાં રાખવાની કથા એ ઈન્ક્યુબેટર નથી ? સૂર્ય કે ઈન્દ્રના પુત્રોને જન્મ આપવો એ આઈવીએફ નહીં હોય ?

આપણી પાસે દૂરદ્રષ્ટિ હતી, વિજ્ઞાન હતું, જ્ઞાન હતું અને સાથે સાથે સંસ્કૃતિ હતી. વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિઓમાં જેનું આદરથી નામ લેવાય છે એવી સિંધુ નદીના તટ પર પાંગરેલી હિન્દુ કહેવાતી આ સનાતન ધર્મની સંસ્કૃતિ આપણે કેમ ભૂલી ગયા? યુવાપેઢીને સાચી દિશા બતાવવાને બદલે માતા-પિતા પોતે જ ખોટી દિશામાં જવા લાગ્યા… આપણા દેશમાં આશ્રમ અને વર્ણની એક સ્પષ્ટ વ્યવસ્થા હતી. પચ્ચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમનો આગ્રહ કદાચ એટલા માટે સેવવામાં આવતો હતો કે ત્યાં સુધી વિદ્યાભ્યાસ કરી રહેલો યુવાન બીજી કોઈ વાતમાં કે વિચારમાં સંડોવાય નહીં અને દેશને, સમાજને સ્વસ્થ, સમજદાર અને શિક્ષિત યુવા ધન મળે. છેલ્લા થોડા વખતમાં પશ્ચિમથી આવેલા વિચારોની સાથે સાથે એક બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડનું કલ્ચર આપણા સમાજમાં પણ પ્રવેશ્યું છે. અમુક ઉંમરે છોકરાને ગર્લફ્રેન્ડ ન હોય કે છોકરીને બોયફ્રેન્ડ ન હોય તો એનું પિયર ગ્રુપ, મિત્રો અને સાથે બેસતા, વાતો કરતાં હમઉમ્ર દોસ્તો એની મજાક ઉડાવવા લાગે એ બેવકૂફી નથી ? એ જ રીતે, વ્યવસાય પ્રમાણે ગોઠવાયેલી વર્ણવ્યવસ્થા કોઈને નીચા પાડવા કે ઊંચા દેખાડવા નહીં, પરંતુ જે-તે વ્યક્તિને પોતાની એક્સ્પટીઝ, આવડત અથવા હુન્નર ઉત્તમ રીતે વાપરવાની તક મળે એ માટે ગોઠવવામાં આવી હતી. સમાજના ભિન્ન-ભિન્ન સ્તર ઉપર દરેક વ્યક્તિની અને વ્યવસાયની જરૂરિયાત છે. કોઈ વ્યવસાય નાનો કે મોટો નથી એવું આપણી વર્ણવ્યવસ્થા આપણને શીખવતી હતી (આ વેદોના સમયની વાત છે. મધ્યકાલીન વર્ણવ્યવસ્થાએ કારણ વગરનું વૈમનસ્ય ઊભું કર્યું છે એ પણ આપણે સ્વીકારવું જ રહ્યું.) સ્થપતિ (આર્કિટેક્ટ) કે ચિત્રકાર નહીં, વૈદ્ય કે કલાકાર નહીં, રાજા કે સૈનિક નહીં… સહુનું સમાજમાં સરખું પ્રદાન છે અને સહુની સરખી જરૂરિયાત છે એવું આપણને આપણી વર્ણવ્યવસ્થામાંથી સમજાયું નહીં. માટે કદાચ આજે બધા ડૉક્ટર અને એન્જિનિયર બનવા તરફ દોડી રહ્યા છે અને આપણે સંતાનોના આપઘાત જોવા પડે છે.

પંચતંત્રમાં એક કાગડા અને મોરની કથા આવે છે… મોરના પીંછા પહેરીને કાગડો થોડા દિવસ તો એમના રાજ્યનો મહેમાન બને છે, પરંતુ અંતે તો એ કાગડો જ છે અને એના અવાજમાં એ કર્કશતા અને એનો એ કાળો રંગ જ એના અસ્તિત્વનું સત્ય છે એવું એણે સ્વીકારવું પડે છે. કાળો રંગ કે કર્કશતા નકામા છે એવું આપણે જાતે જ માની લીધું છે… કુદરતે સહુને પોત-પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્જ્યાં છે. પશ્ચિમમાંથી આપણે ઉધાર લીધેલા સ્વતંત્રતા અને આધુનિકતાના ખ્યાલોએ આપણને અધકચરા કરી મૂક્યા છે. આપણે નથી પૂરા ભારતીય રહ્યા કે નથી પૂરા પશ્ચિમી થઈ શક્યા…